દરિયાલાલ ~ લેખકઃ શ્રી ગુણવંતરાય આચાર્ય ~ પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ
ગુજરાતની ઐતિહાસિક દરિયાઈ સાહસકથા: દરિયાલાલ.
અંગ્રેજો ભારતમાં આવ્યાં તે પહેલાં, મોગલ સલ્તનતે ભારતને લૂંટવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. ઘણી આપત્તિઓ વચ્ચે જ્યારે ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ, ત્યારે ગુજરાતની સાહસિક પેઢીઓ અને વેપારીઓ, મુનિમો ને ગુમાસ્તાઓએ પૂર્વ આફ્રિકામાં હિન્દી વસાહતનો આરંભ કર્યો.
પરિવારને અહીં રાખીને, આપણાં જ ખલાસીઓએ બનાવેલાં વિશાળકાય વહાણમાં બેસીને, હોકાયંત્રની મદદથી દૂર-સુદૂર તેઓ આફ્રિકામાં વેપાર માટે ગયા. અહીંની પેઢીનાં વિશ્વાસુ માણસો ત્યાં પૂર્વ આફ્રિકામાં આ પેઢીનો કારોબાર સંભાળતાં. જેમાં મુખ્યત્વે કચ્છ – કાઠિયાવાડનાં ભાટિયા, ખોજા અને લુહાણા – ઠક્કર પુરુષો, ત્યાં ગુલામીનો અને બીજો કારોબાર કરતાં અને ત્યાં જ વસવાટ પણ કરતાં.
આ દરિયાખેડૂ સાહસિકો કંઈ કાચા- પોચા મનનાં ન હતાં. તેમની વિચક્ષણ બુદ્ધિ અને સાહસિકતા કેવી હતી? તે દર્શાવતી સત્યઘટના પર આધારિત ક્લાસિક નવલકથા એટલે ગુજરાતનાં ગૌરવગાનનાં ઉદ્ગાતા શ્રી ગુણવંતરાય આચાર્ય રચિત ‘દરિયાલાલ’.
‘દરિયાલાલ’, આ ઐતિહાસિક દરિયાઈ સાહસકથા છે, રામજીની. એક ગુજરાતી બળવાન સાહસિક યોદ્ધો, જેનાં નામ માત્રથી ગુલામો થરથર કાંપતા, તે રામજી ગુલામોનો ભગવાન કેવી રીતે બની ગયો?
આ કથા છે રામજી ઉપરાંત લધાભાની. જંગબારનાં સુલતાન સૈયદ બિન સુલેમાન જ્યારે જેરામ શિવજીની પેઢીનાં મુનીમ લધાભાને જંગબારમાં મંદિર બંધાવવા માટે જણાવે છે, ત્યારે લધાભા આ વાત માટે ના પાડે છે. કેમ લધાભાએ ત્યાં મંદિર બંધાવવાની ના પાડી?
લધાભા જેવો વસાહતી વીર ત્યાં જ જીવ્યો અને ત્યાં જ મરી ગયો. જિંદગી આખીયે અભંગ સાહસશૌર્યકથા સમી વિતાવીને જ્યારે લધાભાનું અવસાન થયું ત્યારે તેમની સ્મશાનયાત્રામાં દેશપરદેશના જંગબારવાસીઓ ઉમટી પડ્યાં હતાં. તે સ્મશાનયાત્રા માનભરી બની હતી. ત્યાંનાં સુલતાન પોતે તે સ્મશાનયાત્રામાં સ્મશાન સુધી ઉઘાડે પગે ચાલ્યાં હતા.
આ સાહસકથા છે રામજી અને લધાભા ઉપરાંત બીજા કચ્છી ખારવાઓ, ભાટિયાઓ અને ખોજાઓની કે જેમણે કેવી રીતે એકલે હાથે દરિયાઈ ચાંચીયાઓ સામે હિંમતથી મુકાબલો કરીને તેમને હરાવ્યા?
આ સાહસકથા છે આપણાં સાહસિક વેપારીઓની, જેમણે આફ્રિકા જઈ પોતાની વાણિયા બુદ્ધિ વાપરી પોતાનો વેપાર કર્યો.
આ સાહસિક નવલકથા છે, ગુજરાતનાં વહાણવટનાં ગૌરવની, પોચટ કહેવાતા ગુજરાતીને કસુંબલ રંગ ચડાવતી બહાદુરી અને વીરતાની.
‘દરિયાલાલ’ નવલકથા એ માત્ર સાહસકથા જ નથી, તે ગુજરાતનો સાચો ઈતિહાસ પણ છે. જેનાં ખૂબ ઓછા સાક્ષી પ્રાપ્ત થાય છે. ઘણાં સંશોધનો અને આધારભૂત પુસ્તકોને અંતે લેખક, પત્રકાર શ્રી ગુણવંતરાય આચાર્યે આ નવલકથા લખી છે.
ઈ.સ. ૧૯૩૮માં આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થયા પછી અત્યાર સુધીમાં આ પુસ્તકની લગભગ વીસ આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે, જે પુસ્તકની લોકપ્રિયતા દર્શાવે છે.
ગુજરાતી સાહિત્યનાં ઉત્તમ લેખકોમાં જેમનું સ્થાન મોખરાનું કાયમ રહેશે, એવા સર્જક શ્રી ગુણવંતરાય આચાર્ય હતા. માનવગૌરવ, ગુજરાતગૌરવ, ગુજરાતી વહાણવટનું ગૌરવ, ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ગાતું વિપુલ સાહિત્ય એમણે રચ્યું, જેમાં સવાસો જેટલી નવલકથાઓ, નાટકો, હાસ્યસાહિત્ય, કિશોરસાહિત્ય અને રહસ્યસાહિત્યનો સમાવેશ થાય છે.
સંસારસાગરનાં થથરાવી મુકે એવાં તોફાનોમાંથી જીવનનૌકાને વહેતી રાખે તેવાં સાહિત્યસર્જક શ્રી ગુણવંતરાય આચાર્યની કૃતિઓ ‘દરિયાલાલ’, ‘સક્કરબાર’, ‘કાળભૈરવ’, ‘રણમલ લાખા’, ‘દેશદીવાન’, ‘જગતના મંદિરમાં’ વગેરે આપણા સાહિત્યવારસાનાં ભાગરૂપ છે; ‘ક્લાસિક’ છે.
શ્રી ગુણવંતરાય આચાર્ય તેમની પ્રસ્તાવનામાં લખે છે, ‘ ગુજરાતની દરિયાપારની યાત્રાઓ તો ઘણી જૂની છે અને એના ઘણા ઉલ્લેખો પણ મળી આવે છે. છેક ‘હરિવંશ’ના કાળથી તે સિકંદરની ચડાઈ સુધી, અને સિકંદરની ચડાઈથી તે આજ સુધી ગુજરાતનાં વહાણોએ ધરતીપટ ઉપરનાં ચોર્યાસી બંદરોમાં પોતાનો વાવટો ફરકાવ્યો છે.
ગુજરાતી સંસ્કૃતિનો એક મહાન ચીલો સદંતર ભૂંસાઈ ન જાય એટલા માટે વાંચેલી વાતો ને સાંભળેલી કથાઓનાં અધૂરાં સાધનો વડે મેં વિષયમાં મતિ અલ્પ છતાં આ લખી નાખ્યું!
એ સાહસિકોની સાહસિકતાને, એમની દરિયાપરસ્તીને મેં અન્યાય ના કર્યો હોય તોયે મારો આ પ્રયાસ સાર્થક છે. પ્રજાકીય ઈતિહાસમાં એક મહત્વના ભાગને આજ પહેલાં કોઈએ સ્પર્શ નથી કર્યો એ સિવાય આ પુસ્તક લખવામાં મારો બીજો ઉદ્દેશ નથી, બચાવ પણ નથી.
આજની આપણી સાગરકાંઠાથી દૂર ભાગતી પ્રજાને, ગઈ કાલની દરિયાલાલને પરાણે નિજાનંદે વિહરતી પ્રજાનો પરિચય આપવાનો મારો આ રંક પ્રયાસ કેટલે અંશે સફળ થયો છે, એ તો વાચકો જાતે જ નક્કી કરી લેશે.’
આ પુસ્તકનાં પ્રકાશક છે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. જેઓ પ્રસ્તાવનામાં લખે છે, ‘સદાબહાર સર્જક ગુણવંતરાય આચાર્ય અદ્ભુત લેખક હતા. સમતામૂલક રાજ્યતંત્ર સ્થાપવા માટેના ત્રણેક સદીઓ અગાઉના કચ્છના રક્તરંગી પ્રયોગની કથાની નવલકથા ‘કચ્છમાં ક્રાંતિ’ અને હિન્દની દરિયાવટની ગૌરવગાથા નિરૂપતી, ગુલામી સામેની જેહાદનું અપૂર્વ રોમાંચક નિરૂપણ કરતી નવલકથા ‘દરિયાલાલ’ એમની પ્રારંભિક કૃતિઓ.
‘દરિયાલાલ’ નવલકથા વર્ષો સુધી યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસક્રમમાં પસંદ થતી રહી અને આજે પણ થાય છે. ગુજરાતની વહાણવટના ગૌરવાન્વિત ઈતિહાસ માટે તો એમને એટલી પ્રીતિ કે એ જ વિષયની ત્રીસ જેટલી નવલકથાઓ લખી. એમનું સાહિત્ય એટલું બધું પ્રભાવક કે લોકો કહેતા કે એ વાંચનારને મહાન બનવાનું સ્વપ્ન લાધે.’
આ પુસ્તકની બીજી આવૃત્તિ સમયે લેખક પ્રસ્તાવનામાં જે લખે છે, તે વાંચીને દરેક ગુજરાતીનું હ્રદય ભાવભીનું થઈ જાય છે.
લેખક લખે છે, ‘ ગુજરાતના વાસીઓનાં કેવળ સાહસોની જો આ ગાથા હોત તો એની એક કરતાં વધારે આવૃત્તિ થાય કે ન થાય એ સંબંધે હું નિ:સ્પૃહી જ રહેત. મારે મન આ પુસ્તક ત્રિપક્ષી ઋણ છે. જેમાં ત્રીજું ઋણ છે આપણાં અમૂલ્ય વારસાનું. ગુજરાતનું એ એક એવું અણમોલ ધન છે કે જેની સ્મૃતિ પણ કોઈ વાર – આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે – મુડદાઓ ફરીને ગજવશે. ફરીને દરિયાલાલનાં ચોર્યાસીયે બંદરોમાં એ નાદ ગજવશે, જે નાદ ઘણીયે વાર સૂતાં ને જાગતાં હું સાંભળું છું – ‘જય જય ગરવી ગુજરાત.’
ગરવી ગુજરાતનાં દરેક સાહસિક ગુજરાતીઓને પોતાનાં ઈતિહાસ પર ગર્વ થાય એવી આ નવલકથા દરેક ગુજરાતીએ એક વાર અવશ્ય વાંચવી જોઈએ. આ પુસ્તકનાં કેટલાંક મહત્ત્વનાં અંશ માણીએ.
* જંગબાર એ આફ્રિકન વસાહતનું તે સમયે મુખ્ય મથક બન્યું હતું. જંગબાર નામ પણ ગુજરાતી ખલાસી-ભાષાના શબ્દ જુન્ગબારનો અપભ્રંશ છે. જુન્ગ એટલે સફારી વેપારી જહાજ અને જુન્ગબાર એટલે જ્યાં આવાં વહાણો આવીને ઠરે એ બંદર.
* દરિયાલાલ! કચ્છ-કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર)ના ખલાસીઓ અનાદિ-કાળથી હિન્દી મહાસાગરને ‘દરિયાલાલ’ના મમત્વ ને માનભર્યા નામથી જ ઓળખે છે.
* લેખક લખે છે, ‘ હું આ લખું છું ત્યારે મારી સામે ‘હિન્દી મહાસાગરનો ઈતિહાસ’ નામની કિતાબ ઉઘાડી પડી છે. આ કિતાબના ઈતિહાસકાર લેખક સ્ટાન્લી રોજર્સનું નામ વહાણવટાના ઈતિહાસ-દર્શનશાસ્ત્રમાં ઘણું ઊંચું મનાય છે. સ્ટાન્લી રોજર્સ પોતાના આ ગ્રંથમાં બેત્રણ વાતો તો કબૂલ કરે છે. વહાણવટાનો ઉદય હિન્દી મહાસાગરમાં થયો એ એને મંજૂર છે. એ એટલી વાત પણ સ્વીકારે છે કે વાસ્કો-ડી-ગામા જ્યારે હામ હારીને માડાગાસ્કરના ટાપુમાંથી પાછો ફરતો હતો ત્યારે એક હિન્દી નાખુદાએ એને હિન્દનો જળમાર્ગ બતાવ્યો અને તે વ્યક્તિ માંડવીનો એક ખારવો હતો, તેનું નામ ‘કાનજી માલમ’ હતું. તેનું ચાંચિયાઈ જહાજ ‘કાલા જહાજ’ પંદરમી સદીમાં ઝડપીમાં ઝડપી જહાજ મનાતું હતું.’
* આપણાં લોકો આફ્રિકામાં ગુલામીનો વેપાર કરતા હતા એ વાત ઘણાને ખૂંચે એવી છે. પરંતુ એથીયે વધારે ખૂંચે એવી વાત તો આફ્રિકામાંથી ગુલામી ટાળવાને માટે ત્યાંની હિન્દી વસાહતે જે ભોગ આપ્યો છે એનો યુરોપિયન ઈતિહાસકારોએ ક્યાંય પણ ઉલ્લેખ સરખોયે નથી કર્યો એ છે.
* અંગ્રેજોએ ઑસ્ટ્રેલિયા શોધ્યો તેનાં પહેલાં બસો વર્ષથી હિન્દી વેપારીઓનાં વહાણો ઑસ્ટ્રેલિયામાં જતાં ને માલની લાવજાવ કરતાં હતાં. ઈ. સ. ૧૭૦૦ની આસપાસ હિન્દી ખલાસીઓ ઑસ્ટ્રેલિયામાં આવજાવ કરતાં હતાં એનો તો તવારીખમાં પણ પ્રગટ ઉલ્લેખ છે.
પુસ્તક પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ.
ફોન: 079-22144663
કિંમત: ₹ 250/-