“તરહી” નયનાંજલિ (ભાગ- ૩) ~ નયન દેસાઈની પંક્તિ આધારિત મુક્તક-ગઝલ ~ રચના: “ખફા” – રમેશ મારૂ | ભૂમિ પંડ્યા “શ્રી” | તનુ પટેલ | કમલેશ શુક્લ
(ભાગ-૩)
નોંધ: અન્ડરલાઈન કરેલી પંક્તિ કવિ નયન દેસાઈની છે.
ક્રમ: 13
ઘણીવાર એકાંત લખવા ગયા,*
અમે ખુદથી દૂર ખસતા ગયા.
મઠારી, સુધારી છતાં ના બની,
લખી એક વાર્તા ને રડતા ગયા.
સમયના અભાવે ન આવ્યા ફરી,
વિચારો બધા શાંત પડતા ગયા.
ઘણાં પ્રશ્ન ભારે હતાં એમનાં,
જવાબો છતાં ક્યાંક મળતાં ગયાં.
બધું ઠારવાના અભરખા હતા,
ગયા ઠારવા સાવ બળતા ગયા.
શરત જો લગાવી તો હાર્યા અમે,
રમી જિંદગી એમ રમતા ગયા.
~ “ખફા” રમેશ મારૂ
——————
14.
*હું નથી તો કેમ પડછાયો લઈ કેડે ફરે?
આંખ મીંચી દે અને હૈયા તરફ યાદો ઘરે
જે જવાનું હોય એને ક્યાં કોઈ રોકી શક્યું?
ખ્યાલ છે ને કેમ આ વાત તો ખોટી ઠરે?
કોણ કોને ગ્યું મૂકી? શા કારણે?એ વાતની
ક્યાં પરીક્ષા લે કોઈ! નાહકનો તું ખોટો ડરે.
જે થયું એ થઈ ગયું; ભૂલી જવાનું, માફ કર
જાત પાસે રોજ માફી માગતો શું કરગરે?
પ્રેમ ત્યારે પણ હતો, આજેય છે, રહેશે હજુ
લાગણી શાશ્વત છે, એ માણસ મર્યાથી ના મરે.
~ ભૂમિ પંડ્યા “શ્રી” (રાજુલા)
————–
15.
ઝાંઝવાનું જળ બની રણની તરસને હું છળું છું
*કેટલાં વર્ષો થયાં તોપણ હજી હું ખળભળું છું
એક પંખી સાંજ વેળા ના ફરે પાછું કદી તો
ઝાડને દેવા દિલાસો થઈ પવન હું સળવળું છું
હું અકળમાં ને સકળમાં વ્યાપ્ત છું તુજ રક્તમાં પણ
જડચેતનના ભેદ ત્યાગી સર્વને હું સાંકળું છું
પ્હાડ જેવા પ્હાડ પણ ગળતા ગયા શેતાનિયતમાં
વેદનાના મૌન પડઘા ના શમ્યા હું ટળવળું છું
રાખવા નવપલ્લવિત આ બાગને તરસ્યા કરું છું
પાનખરની આડમાં કુંપળ રૂપે તો હું ફળું છું.
~ તનુ પટેલ
————–
16.1
*ઘણીવાર એકાંત લખવા ગયા,
હવાને અમે પણ પકડવા ગયા!
લખી ના શક્યા એ જે ધાર્યું અમે,
કલમ લઈ અમે ખાલી ફરવા ગયા!
ભજ્યા ક્યાં અમે ઈશને દિલથી,
હતા હાથ ખાલી એ ભરવા ગયા!
ન આસાન આ જીવવી જિંદગી,
હતી નાવ કાણી ને તરવા ગયા!
મળ્યા એક સાંજે નયનના ઘરે,
ગઝલ-જ્ઞાન પર ધ્યાન ધરવા ગયા!
16.2
*દૂર હોડી, ગીત ધીમું, સહેજ કૅમેરા ફરે,
આંખમાં મારી અચાનક દ્રશ્ય કો’ આવી તરે!
આસમાની રંગ આવીને સતત ઘેરે મને,
સાંજ ટાણે, યાદ ભીની; પાંપણે આવી સરે!
– કમલેશ શુક્લ
(ક્રમશ:)