પોઝિટિવ સ્ટોરીઝ્’ ~ લેખક: રમેશ તન્ના ~ પુસ્તક સમીક્ષા: રિપલકુમાર પરીખ

પ્રસન્નતા, પોઝિટિવિટિ અને પ્રેરણાથી છલોછલ પુસ્તક શ્રેણી

‘એક વ્યક્તિ શું કરી શકે?’ આ વિધાનને નકારાત્મક વલણ  ધરાવતી વ્યક્તિઓ સમર્થન આપશે પરંતુ હકારાત્મક વલણ ધરાવતી વ્યક્તિઓ તરત જ એક અનોખી પુસ્તક શ્રેણી તરફ આંગળી ચીંધશે અને કહેશે કે, “એક વ્યક્તિ પણ ઘણું બધું કરી શકે છે, જો તેનામાં પ્રસન્નતા હોય, તેનાં વિચારોમાં સ્પષ્ટતા હોય, તેને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય, તેની પાસે દુનિયાને નવી રીતે જોવાની દૃષ્ટિ હોય અને તેને સમાજને બદલવો હોય.”

આ હકારાત્મક અભિગમ ધરાવતી વ્યક્તિએ જે પુસ્તક શ્રેણી ચોક્કસ વાંચી હશે અને તેને કારણે તેનો પણ અભિગમ હકારાત્મક થયો છે તેવી અનોખી અને એકમાત્ર, સમાજની હકારાત્મક સત્યઘટનાઓનો શબ્દખજાનો લઈને પ્રકાશિત  થયેલી પુસ્તક શ્રેણી એટલે, ‘પોઝિટિવ સ્ટોરીઝ્’.

આપણને સૌને પ્રસન્નતા અને પ્રેરણાથી તરબતર કરી દે તેવી, આપણને જીવન જીવવાની નવી દિશા આપતી, સમાજમાં ઘણું બધું  સારું છે અને જીવન જીવવા જેવું છે તેવું સમજાવતી,  સમાજમાં અનેક ભલા અને સારાં  લોકો છે અને તેઓ સુંદર કાર્યો કરી રહ્યાં છે તે જણાવતી,  દસ પુસ્તકોની એક અનોખી શ્રેણી એટલે ‘પોઝિટિવ સ્ટોરીઝ્’.

‘પોઝિટિવ સ્ટોરીઝ્’ અંતગર્ત  જે પુસ્તક શ્રેણીની વાત આપણે કરી રહ્યાં છીએ તે દસ પુસ્તકોની શ્રેણી છે, જેમનાં નામ અનુક્રમે સમાજનું અજવાળું, સમાજની સુગંધ, સમાજની સંવેદના, સમાજની કરુણા, સમાજની નિસબત, સમાજની સુંદરતા, સમાજની સારપ, સમાજની મિત્રતા, સમાજની શ્રદ્ધા અને સમાજનો છાંયડો છે.

આપણાં ગુજરાતીઓ જેમનો મૂળમંત્ર સમાજસેવા છે તેવાં સમાજનાયકોનાં જીવન પર આધારિત આ દસ પુસ્તકોની શ્રેણી એટલે ‘પોઝિટિવ સ્ટોરીઝ્’.

આ દસ પુસ્તકોની શ્રેણીનાં લેખક પણ એટલાં જ પોઝિટિવ છે. તેમણે ભલે તેમનાં પુસ્તકોમાં પોતાનાં  ગુણો ન ગાયાં હોય પરંતુ અહીં એ ઉલ્લેખ કરવો ખૂબ જરૂરી છે કે જેથી વાચકોને ખબર પડે કે આ પોઝિટિવ સ્ટોરીઝ્ની પાછળ એક પોઝિટિવ વ્યક્તિની દસ વર્ષની અથાક મહેનત છે.

તેમનાં જીવનમાં પણ ઘણાં બધાં ચડાવ-ઉતાર આવ્યાં છે.‌ કૉરોના જેવાં કપરાં સમયમાં આ લેખકે પણ ઘણી શારીરિક અને માનસિક પીડા ભોગવી છે. ઍન્ઝાઈટીની તકલીફમાંથી તેઓ પસાર થયાં છે. ફ્રેકચર્સ ઉપરાંત ઑપરેશનની શારીરિક પીડા પણ તેમણે ભોગવી છે પરંતુ આ બધાંમાંથી તેઓ તેમની હકારાત્મક વિચારધારાનાં કારણે સરળતાથી બહાર આવીને આપણને આ હકારાત્મક એવાં દસ પુસ્તકોની  શ્રેણી આપી છે. આ રીતે તેમણે પણ સમાજનાયકની ભૂમિકા બરાબર ભજવી છે.

હવે, આપ ઓળખી જ ગયા હશો કે હું જેમની વાત કરી રહ્યો છું તે છે, હકારાત્મક પત્રકાર, ઉત્તમ  સંપાદક, પ્રેરણાદાયી વક્તા અને ખરાં સમાજસેવક શ્રી રમેશ તન્ના.

Guest And Visiting, Guest Mentors | NIMCJ, Ahmedabad, India
રમેશ તન્ના

ફેબ્રુઆરી, ૨૦૦૪માં જ્યારે હીરાબાએ કહ્યું હતું કે, ‘મારો આત્મા કહે છે કે નરેન્દ્ર એક દિવસ ભારતનો વડાપ્રધાન બનશે…’ ત્યારે હીરાબાનો  ઈન્ટરવ્યુ લેનાર વ્યક્તિ  હતા શ્રી રમેશ તન્ના.

અમદાવાદની એક નાનકડી ચાલીમાં ચાલતી અદ્ભુત પ્રવૃત્તિઓને ઉજાગર કરનાર શ્રી રમેશ તન્ના. એક શાકભાજી વેચનાર બેન હોય કે એક ઈમાનદાર રીક્ષાવાળો, એક અપંગ વ્યક્તિની વાત હોય કે એક કંડક્ટરની સેવા, સમાજમાં રહેતાં દરેક માનવીને મળવાનો અને તેમની હકારાત્મકતાને સમાજ સમક્ષ લાવવાનો એ ઉમદા હેતુથી શ્રી રમેશ તન્નાએ આ દસ પુસ્તકોની શ્રેણી તૈયાર કરી. અત્યારે દુનિયાભરનાં લાખો વાચકોએ આ તમામ પુસ્તકોને ઉમળકાભેર વધાવી લીધાં છે.

જ્યાં ઇલાબહેન ભટ્ટને આ પુસ્તક વાંચ્યા બાદ ઊંઘમાં પણ પોઝિટિવિટિનાં બનાવો દેખાતાં, ત્યાં પદ્મશ્રી કુમારપાળ દેસાઈ આ પુસ્તકોને સ્વસ્થ સમાજની દિશા ચીંધનારા કહે છે.

જ્ઞાનપીઠ ઍવોર્ડથી સન્માનિત શ્રી રઘુવીર ચૌધરી, રમેશ તન્નાની સરખામણી માનવતાનું સરવૈયું સમજાવતાં સંતો સાથે કરે છે. શ્રી રતિલાલ બોરીસાગર આ સંવેદનશીલ પુસ્તકોને ખૂણે ખૂણે પહોંચાડવા માટે હાકલ કરે છે તો શ્રી મનસુખ સલ્લા, રમેશ તન્નાને સમાજ માંગલ્યનાં લેખક કહે છે.

‘નવી સવાર’ રુપી આ પુસ્તક શ્રેણીનાં  પુસ્તકોનું  વિમોચન  પણ લેખકે અનોખી  રીતે કર્યું છે. વૃક્ષોની શોભાની સાથે, પક્ષીઓનાં ગીતની સાથે, પ્રકૃતિનાં મધુર સંગીતની સાથે,  આકાશનાં મેઘધનુષની સાથે,  નવી ઉગતી સવારની સાથે, ક્યારેક માણેકચોકમાં શાકભાજી વેચતાં બહેનનાં  હસ્તે તો ક્યારેક આ જ પુસ્તકોનાં સમાજનાયકોનાં  હસ્તે, કોઈ મોટી જગ્યાએ નહીં પણ પ્રકૃતિનાં  સાંનિધ્યમાં આ ઉષ્માસભર પુસ્તકોને લેખકે સમાજ સાથે વહેંચ્યા છે.

આ દસ પુસ્તકોનાં ૨૬૦૦ પાનાંઓમાં કુલ ૬૦૦ પોઝિટિવ સ્ટોરીઝ્નો સમાવેશ કરવામાં આવ્યો છે. આવું અદ્ભુત કાર્ય કરવા માટે લેખક શ્રી રમેશ તન્ના અભિનંદનનાં તો ખરાં જ ઉપરાંત વર્લ્ડ રેકોર્ડનાં પણ એટલાં જ હક્કદાર છે.

હાલમાં આપણે તો તેમને ખોબલે ખોબલે અભિનંદન આપીએ તે ઉપરાંત જો આપણે સમગ્ર સમાજને હકારાત્મકતાથી ભરી દેવો હોય તો તેમનાં આ હકારાત્મક પુસ્તકોની શ્રેણીને હજુ વધારે ભાવકો સુધી પહોંચાડવા માટેનાં પ્રયત્નો કરીએ.

આ તબક્કે એક આનંદની વાત એ પણ છે કે આ પુસ્તક શ્રેણીનાં પ્રથમ બે પુસ્તકો ‘સમાજનું અજવાળું’ને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા અને  ‘સમાજની સુગંધ’ને નર્મદ સાહિત્ય સભા દ્વારા પારિતોષિક પ્રાપ્ત થયાં છે.

પુસ્તક પ્રકાશક: પોઝિટિવ મિડિયા લિમિટેડ, અમદાવાદ.
મોબાઈલ: ૯૮૨૪૦ ૩૪૪૭૫
પુસ્તક સમીક્ષા માટે સંપર્ક: ૯૬૦૧૬ ૫૯૬૫૫

આપનો પ્રતિભાવ આપો..