ત્રણ ગઝલ ~ ભાવેશ ભટ્ટ
૧. માહોલ ભારે છે….!
તમારી આ જ આદતથી થયો માહોલ ભારે છે
હવે તો ના વિચારો, સામેવાળો શું વિચારે છે
કલાત્મક રીતથી લાવે અજાણ્યા હાવભાવોને
અમુક તકલીફ આવી આપણો ચહેરો નિખારે છે
ખુશીની સાથમાં થોડી ઘણી તો થાય ગભરામણ
રહી જો મૌન કોઈ આંગળીથી આવકારે છે
બને કે ભાર લાગે એકને,હળવાશ બીજાને
મુગટ માથા ઉપરથી બે જણા નીચે ઉતારે છે
હશે એવું તો શું કે જે ફકત સામેની બાજુ છે
પ્રતીક્ષા પાર ઊતરવાની તો બંને કિનારે છે
ઘણાંએ પડતું મૂકેલું છે આવી રીતે તાકીને
હતાશાથી નિહાળી ક્યાં નદીનું દુઃખ વધારે છે !
જગત વરસો પછી માથે મૂકી ફરશે જે ગઝલોને
બિચારી આજ તો એકાંતમાં માખીઓ મારે છે
-ભાવેશ ભટ્ટ
૨. અહેસાનની માફક….!
અનોખા ગર્વથી એ સ્મિત આપે દાનની માફક
ઘણા સંપર્ક પણ રાખે અહીં અહેસાનની માફક
ન’તું કૈં આપવા માટે, તો હિંમત આપી કોઈને
થયો ક્યારેય ના લાચાર હું ભગવાનની માફક
મલાજો જાળવે સૌ આવતા સમશાનવત્ ઘરમાં
કદી તોફાન પણ આવ્યાં નહીં તોફાનની માફક
તને માલિક બનાવી સોંપી દે જે ચાવીનો ઝૂડો
હૃદયમાં એમના રહેતો નહીં દરવાનની માફક
નવાઈ છે કે સૌ એની કૃપા-દ્રષ્ટિના ઉત્સુક છે
નજર જેની ફરે છે ચોતરફ ફરમાનની માફક !
બધું મનદુઃખ, બધો આક્રોશ, હું ભૂલી ગયો પળમાં
મળ્યાં એ ક્યાંક તો જોયો મને નુકસાનની માફક
-ભાવેશ ભટ્ટ
૩. ઝોળીમાં…..!
જેટલા ઠલવાય દાણા ઝોળીમાં
છે વધુ એનાથી કાણાં ઝોળીમાં
એક બે પામે જો ઉત્તર તો ઘણું
સેંકડો જન્મે ઉખાણાં ઝોળીમાં
જોઈ ખાલી કોઈ કૈં દેતું નથી !
તો ભર્યા થોડાક પાણા ઝોળીમાં
મર્તબો ખોયાની પીડા ભોગવે
જ્યાં સુધી રોકાય નાણાં ઝોળીમાં
કૈં નફા નુકસાનનું ધોરણ નથી
સૂના સૂના સૌ હટાણાં ઝોળીમાં
ઝૂલતી જોઈ હવાથી ડર વધ્યો
બાલબચ્ચાંનાં છે ભાણાં ઝોળીમાં !
જઈને જીવનમાં ફરી વેરી ન દે !
ક્યાંકથી આવ્યા વટાણા ઝોળીમાં
-ભાવેશ ભટ્ટ
ReplyForward
|