ઉપડ્યા રાહીન ક્રુઝની અલબેલી સફરે ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:-8 ~ ઉત્કર્ષ મઝુમદાર
બીજે દિવસે વહેલી સવારે ઊઠયો ત્યારે તાજોમાજો થઇ ગયો હતો. થાક બધો ક્યાં ઓગાળી ગયો એ જ ખબર ન પડી.
બારીની બહાર જોયું ને મન પ્રફુલ્લિત થઇ ગયું. શું મનોરમ દ્રશ્ય હતું! ઠંડો પવન વાઈ રહ્યો હતો ને રાહીન નદીના પાણી શાંત પણે વહી રહ્યા હતાં. એમ જ લાગે કે જાણે સ્થિર થઈને ઊભા છે.
સામે પર્વતમાળા હતી. જાણે કોઇ ચિત્રકારે ચિત્ર દોર્યું હોય એવું લાગતું હતું. અચાનક મારું ધ્યાન સામે પાર સેન્ટ ગોરસહાઉસેનથી મુસાફરો અને વાહનોને લઇ આવતી ફેરી તરફ ગયું. આ લોરેલી ફેરી રોજ બંને ભગિની ગામનો વચ્ચે આંટાફેરા મારી બંનેને સાંકળી લે છે.
ખુશનુમા સવાર હતી. પથારીમાં અમસ્તા અમસ્તા આવા મસ્ત માહોલમાં પડ્યા રહેવું એ તો ગુનો લેખાય. નિશ્ચિન્ત સૂતી હતી એટલે બંદા એકલા લટાર મારવા નીકળી પડ્યા.
નદીની પાળે પાળે ચાલતા હું ‘કેડી ક્રુઝ’ની કેબિન આગળ આવી ગયો. આ કંપનીની અમે રાહીન ક્રુઝ લેવાના હતાં. એ તો હજી ખુલી નહોતી પણ ત્યાં લગાડેલા પોસ્ટર્સ પર બધી માહિતી મૂકી હતી. પહેલી ક્રુઝ રૂદેશાઈમ આઇમ રાહીન જવા અહીંથી દસ ને વીસ મિનિટે ઉપડતી હતી.
હોટેલ તરફ પાછો ફર્યો ત્યારે મેં દિવસના અજવાળામાં એને બરોબર જોઈ. બે માળની અમારી હોટેલ એની બારીઓની બહાર મુકેલા ફૂલોના કુંડાઓની હારમાળાથી સુંદર લાગતી હતી.
માત્ર જર્મનીમાં જ નહિ યુરોપના અન્ય દેશોમાં જોયું છે કે બારીની બહાર લોખંડની છાજલી જડી દઈને એની અંદર રંગબેરંગી ફૂલવાળા કુંડા મુકાતા હોય છે જે મકાનને અનેરી શોભા બક્ષે છે.
ગઈ કાલે જે બંધ હતો તે મુખ્ય રસ્તા પરના દરવાજામાંથી હું હોટેલમાં અંદર પ્રવેશ્યો ને સીધો જ્યાં બ્રેકફાસ્ટ લેવાનો હતો એ કક્ષમાં દાખલ થયો.
નિશ્ચિન્ત અને ઠક્કર દંપતી પણ નીચે આવી ગયા હતા. એક બાજુ લાકડાની અભરાઈઓ પર પુસ્તકો ગોઠવેલા હતા. મોટે ભાગે જર્મનમાં હતા ને થોડાક અંગ્રેજીમાં પણ હતા. તમે એ વાંચવા લઇ શકો. મારું એવું અનુમાન છે કે હોટેલમાં રહેવા આવનાર વ્યક્તિ પોતાના પુસ્તક વાંચીને પછી અહીં મૂકી જતો હશે.
એની બાજુમાં પગથી માથા સુધી બખ્તરમાં સજ્જ ને એક હાથમાં ભાલો લઈને ઊભેલું પૂતળું હતું. જર્મનીમાં મેં ઘણી જગ્યાઓએ આવા નાના મોટા પૂતળા જોયા. બીજી બાજુએ ટેબલ પર સવારના નાસ્તાની સામગ્રીઓ ગોઠવીને મુકાયેલી. લાઈવ કાઉન્ટર એકેય નહોતું.
રાબેતા મુજબ દૂધ, ચા, કોફી, બ્રેડ, પાઉં, ટોસ્ટર, માખણ, ચીઝ, ઈંડા, ફળો ઇત્યાદિ મુકેલા હતા, જર્મન પાઉં એકદમ સ્વાદિષ્ટ હતા. મને અમારી મનાલી ટુરની યાદ તાજી થઇ ગઈ. અહીં અમે એક જર્મન બેકરીમાંથી બર્ગર /સેંડવિચીઝ લીધેલા તે એટલા બધા મને અને મારા પિતાજીને ભાવેલા કે અમે બીજીવાર ત્યાં એ લેવા ગયા હતા. આ પછી જર્મનીમાં અમે જ્યાં જ્યાં ગયા ત્યારે સવારે નાસ્તામાં ખાવા મેં એ પાઉં લીધેલો.
અમે પ્રમાણમાં વહેલા આવ્યા હોવાથી હોટેલની માલકિન જોડે થોડી વાત કરી શક્યા. કિલ્લા સિવાય અહીં બીજી કોઈ વસ્તુ જોવા જેવી ખરી એવું પુછતા એણે જણાવ્યું કે “અહીં સન ૧૯૮૫માં ખૂલેલું એક ઢીંગલીઘર છે જ્યાં ત્રણ હજારથી વધારે ઢીંગલીઓ, ટેડી બેર અને બીજા રમકડાંઓ પ્રદર્શિત કરાયા છે. ઢીંગલીઓ કેમ બનાવવી, એના કપડાં કેમ સીવવા તેમ જ એની મરામત કેમ કરવી એ પણ બતાડાય છે.”
એણે અહીં આવેલા સિગ્નલિંગ અને ફેરી પાઈલોટિંગની માહિતી આપતા મ્યુઝિયમની પણ વાત કરી, પણ અમને બંનેમાંથી એકેમાં રસ ન હતો. એણે એ પણ કહ્યું કે તમે એક દિવસ જો વહેલા આવ્યા હોત તો સામેના બંને કેસલ્સ ને નદીની વચમાં સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયે થતી ભવ્ય આતશબાજી નિહાળી શક્યા હોત. આ અમે જરૂર જોવું પસંદ કર્યું હોત પણ દરેક વસ્તુને આવરી લેવાનું શક્ય નથી હોતું. કશુંક ને કશુંક તો રહી જવાનું જ.
નાસ્તો કર્યા પછી હું ને સીજે પાર્કિંગ શોધવા નીકળ્યા કે આસપાસ ક્યાંય કાર્ડનો સ્વીકાર કરે એવી પાર્કિંગની જગ્યા મળે છે કે કેમ? શોધતા શોધતા અમે અમે મુખ્ય રસ્તાને છેવાડે પહોંચી ને જમણી બાજુએ વળ્યા કે થોડીક જ વારમાં ગામની બહાર નીકળી ગયા.
થોડેક આગળ ગયા ને કેમ્પીંગ સાઈટ આગળ આવી પહોંચ્યા. જ્યાં ઘણા બધા મોટર હોમ્સ પાર્ક થયેલા હતા. અમે પાછા ફર્યા ને બીજો રસ્તો લીધો ને રેલવે સ્ટેશન પહોંચી ગયા. અહીં પણ કશે જગ્યા મળી નહિ એટલે પાછા જૂની પાર્કિંગ સ્પેસ પર આવી ગાડી મૂકી દીધી. નાનું ગામ તોય પાર્કિંગની સમસ્યા. પછી બધા ચાલતા ચાલતા કેડી ક્રુઝની કેબિન આગળ આવી પહોંચ્યા.
એ વખતે થોડાક ડગલાં આગળ એક બસમાં પ્રવાસીઓ ચઢી રહ્યા હતા જે રાહીનફીલ કેસલના ખંડેરે એમને લઇ જતી હતી. એ આમ એકદમ નજીક છે. તમે ચાલીને પણ જઈ શકો પણ ચઢાણ ચઢવાનું મુશ્કેલ લાગતું હોય તો આ કેસલ એક્સપ્રેસ બસ લઇ શકાય. તેના રાઉન્ડ ટ્રીપના ચાર યુરો થાય છે.
સન ૧૨૪૫માં ટેકરીની ટોચ પર બંધાયેલા આ કેસલ હવે ખંડેર હાલતમાં છે તેને જોવાની ટિકિટ છે ને એમાં ત્યાં આવેલા મ્યુઝિયમનો પણ સમાવેશ થાય છે.
આ મ્યુઝિયમમાં આ ગામનો અને કેસલનો ઇતિહાસ જાણવા મળે છે. કિલ્લા રૂપે બંધાયા પછી રાહીન ખીણ પ્રદેશનો આ રક્ષણ માટેનું મોટામાં મોટું સંકુલ બની ગયું હતું. સમગ્ર રાજ્યમાં બીજા બધા માટે આ નમૂનારૂપ બની ગયું.
અત્યારે એનો જેટલો વિસ્તાર છે એના કરતા પાંચ ગણો વધુ એનો વિસ્તાર હતો. ૧૮મી સદીમાં ફ્રેન્ચ લશ્કરે એનો ધ્વંસ કર્યો પછી એના અવશેષોનો બીજા મકાનોના ચણતરમાં ઉપયોગ થવા માંડ્યો. સન ૧૮૪૩માં કૈસર વિલિયમ પ્રથમે એ હસ્તગત કર્યો ને કેસલનો વધુ નાશ થતો અટકાવ્યો.
સન ૧૯૨૫થી એની માલિકી સેન્ટ ગોર ગામ પાસે આવી ગઈ છે. આજે અહીં એક હોટેલ પણ આવેલી છે. ભવ્ય ભૂતકાળ એનો નામશેષ થઇ ગયો હોવા છતાં આજે પણ એની ગણના ‘કેસલના પિતામહ’ રૂપે થાય છે.
અમારી ફેરી સમયસર આવી ગઈ. અમે રિટર્ન ટિકિટ્સ લઇ લીધી. સેન્ટ ગોરથી રૂદેશાઈમ આઇમ રાહીનની યાત્રા લગભગ ત્રણ કલાકની હતી. એનો મતલબ એ હતો કે અમે રાહીન નદી પર લગભગ છ કલાક ગાળવાના હતા. કેવો રોમાંચકારી અનુભવ રહેશે!
અમે એકલા નહોતા. અમારી સાથે બીજા પણ પ્રવાસીઓ અહીંથી ચઢ્યા. અંદર દાખલ થતાં જ વિવિધ ભાષામાં આવકાર આપતું લખાણ દેખાયું. કેવો સંતોષ થયો હશે જયારે હિન્દીમાં પણ એ સંદેશો જોવા મળ્યો. બસ આ એક જ જગ્યાએ અમને હિન્દીમાં લખેલું લખાણ જોવા મળ્યું. ઇચ્છીએ કે જર્મનીમાં બધે બીજી ભાષાઓની સાથે હિન્દી ભાષામાં પણ લખાણો જોવા મળે.
ફેરીમાં બંધ બેઠકોવાળી જગા હતી ને ખુલ્લામાં બેસવાની વ્યવસ્થા પણ હતી. સ્વાભાવિક છે અમે ખુલ્લામાં ઉપર બેસવાનું પસંદ કર્યું.
ઠંડો પવત વાતો હતો તો પણ ખુલ્લામાં બેસવાનું પસંદ કર્યું જેથી આસપાસનો સરકતો વિસ્તાર બરાબર માણી શકાય. ઉપર જતા પહેલા અમે બોક્સમાં રાખેલા ઓડિયો ગાઈડ – હેડફોન લઇ લીધાં.
(ક્રમશ:)