| |

બે ગઝલ – ભાવિન ગોપાણી

૧.)  “રહી ગયો….!”

સતત શંકા કરીને જોખવામાં રહી ગયો
મળ્યો છું ક્યાં તને હું? ત્રાજવામાં રહી ગયો

પરાજય કે વિજય? નિર્ણય થવામાં રહી ગયો
પછી સિક્કો ઉછાળ્યો તો હવામાં રહી ગયો

સતત વેરાઈ કે ઢોળાઈ હું પાછો ફર્યો
બધા સ્થાને છલોછલ પહોંચવામાં રહી ગયો

તરસનો અંત લાવીને પરત આવી ગયો
અને પડછાયો મારો ઝાંઝવામાં રહી ગયો

પતન કરવું સ્વયંનું એટલું સહેલું નથી
પડ્યો આકાશથી તો ઝાડવામાં રહી ગયો

રહ્યો અફસોસ કે દીવાલ ના કૂદ્યો કદી
ખખડધજ એક જાંપો ખોલવામાં રહી ગયો

થયું એવું કે ઈશ્વર ભેટવા આવ્યો હતો
અને હું હાથ મારા જોડવામાં રહી ગયો

ભાવિન ગોપાણી

૨)  “અંધાર ઓગળે…!”

મીંચી શકાય આંખ તો અંધાર ઓગળે,
જોયા કરો નો શાપ છે, પાંપણ નહી ઢળે

બળવું જો ભાગ્ય હોય, ગમે તે રીતે બળે,
યત્નો કરો છતાંય મુલાકાત ના ટળે.

કેવી મનોદશામાં આ ચિઠ્ઠી લખી હતી?
વર્ષો પછીય ખોલતાં ભીનાશ નીકળે.

આ ડરની સાથે રોજ હું ખોલું છું બારણું
ધરમાં પ્રવેશ થાય ને આઘાત ના મળે !

રાખ્યો છે એણે એટલે ચારે તરફ મને
કોઈ તો એવું જોઈએ જે વાત સાંભળે

મંઝિલ વિષે ઉદાસ થવાથી પડ્યો છે ફેર,
નક્શા હવેથી આંખમાં ટોળે નહી વળે

મંદિરમાં તારા આવતા આ પગ ઉતારુ ક્યાં?
આ પગ નીચે કર્યો હતો ચિત્કાર કૂંપળે

ભાવિન ગોપાણી

આપનો પ્રતિભાવ આપો..