|

પ્રાકૃતિક દૃશ્ય ~ ઉડિયા વાર્તા ~ મૂળ લેખક:   કૈલાશ પટ્ટનાયક ~ અનુવાદ: ડૉ. રેણુકા સોની

ગૌર ચાવાળો આંખો મીંચીને પડ્યો હતો અને એની ઝૂંપડી યાદ કરી રહ્યો હતો. ગૌર ચાવાળાની  મિલકતમાં એકમાત્ર નાની ઝૂંપડી હતી.

તેના સામેના ભાગમાં મોટી કોલસા ભરેલી સગડી રાખતો. એમાં લાલ રંગના અંગારા ભરેલા હોય. એની ઉપર બે ત્રણ એલ્યુમીનીયમની કિટલી મુકેલી દેખાય.

ઝૂંપડીમાં એક લાઈનમાં કપ અને થોડા નાના ગ્લાસ ગોઠવેલા હોય. ગ્લાસના તળીએ લાલ રંગ લગાવેલો જેથી ચા ગરમ રહે અને જલ્દી તૂટે નહીં. તેલથી ચીકણો થઇ ગયેલો નાનો સરખો કબાટ જેમાં કેક અને પાંઉ મુકે. કબાટનો કાચ કદાચ તૂટી ગયો હશે એટલે કાગળ લગાવેલો. કબાટનાં ચાર પાયા લાકડાના વાડકામાં મૂકેલા અને એમાં પાણી ભરેલું હોય જેથી કબાટમાં કીડીઓ ન ચઢે.

ઝૂંપડીના પાટિયા પર  ગમછો અને ચા ગાળવાના બે ત્રણ કપડાંનાં કકડા અને ચા ખાંડ કોફી મુકવાના કાટ ખાઈ ગયલા પતરાના ડબ્બાં પડ્યાં હોય. એક ખૂણામાં માતાજીનો ફોટો, જેની નીચે બળીને ઠરી ગયેલી અગરબત્તી. અગરબત્તીના ધુમાડાથી ફોટાના એક ખૂણાનો કાચ પીળો પડી ગયેલો.

ગૌરની  પાંચ-છ  વર્ષની નાની  દીકરી સામે બેઠેલા બાંકડા પર બેઠેલા લોકોને ચા, પાઉં  આપતી હોય. પણ એ તો બધી વાતો આજે તો ભૂતકાળની થઈ ગઈ હતી! આજે તો અહીં હોસ્પિટલમાં એ પડ્યો હતો…! એણે એક લાંબો નિસાસો નાખ્યો.

એટલામાં તો અચાનક જ ચપ્પલ ઘસડી ઘસડીને ચાલવાનો અવાજ ગૌરના કાને પડ્યો. ગૌરે ચીડાઈને મોં ફેરવ્યું. આ અવાજ સાંભળી સાંભળીને હવે તો ગાંડા થઈ જવાશે! ક્યાં સુધી અહીં રહેવું પડશે? ત્રણ અઠવાડિયાં તો થયાં! હવે તો રોજરોજની આ બધી ક્રિયાઓ એને  મોઢે  થઈ ગઈ છે.

ચપ્પલ ઘસડી ઘસડીને પેલી ઠીંગણી નર્સ આવશે. તેની  હાથી જેવી ઝીણી  ઝીણી આંખો, ભાવશૂન્ય ચહેરો, દાંત  જરી આગળ પડતા છે. આવતાની સાથે જ કંઈ પણ વિચાર્યા વગર જાડી સોયથી ‘ઈન્જેક્સન’ ઠોકી દેશે. કેટલીક ગોળીઓ કાઢીને ડોસાને ખવડાવશે અને એ જ ભાવશૂન્ય ચહેરા સાથે એમની એમ જ પછી જતી રહેશે….! જાણે એક હાલતું ચાલતું યંત્ર જોઈ લો!

ડોસાનો ‘ગં.. ગં..’  અવાજ સાંભળી ગૌર ચમક્યો. એણે ડોસા સામે જોયું. ડોસાના હાથ પગ ધ્રુજે છે,  ‘ગં ..ગં.. ‘ કરે  છે અને ધ્રુજતા હાથે પાસેના ટેબલ પર પડેલો પ્લાસ્ટિકનો ડબ્બો પકડવા મથે છે. ગૌરને દયા આવી. થયું, દોડી જઈ ડબ્બો પકડાવી દઉં. અંતે  ડબ્બો તેના હાથમાં આવ્યો. ગોળી કાઢી મોંમાં મુકવા જાય છે ને ગોળી ખસી પડી.

બીજી ગોળી કાઢવાની ડોસાની એ  વ્યાકુળતા- ગૌર એકીટશે  બધું જોતો હતો. ગોળી ગળી ડોસો ઊંઘી ગયો. કોણ જાણે ડોસાને શું થયું છે, વચ્ચે વચ્ચે આવું થાય છે. પહેલે તો એ બેલ મારી નર્સને બોલાવતો. એ માટે ડોસાને ખાસ હોસ્પિટલ તરફથી  બેલ પણ આપવામાં આવ્યો છે. પણ આજકાલ, હવે એ જાતે જ ગોળી ખાઈ લે છે. બેલ ટેબલ પર એમ જ પડ્યો છે. ભગવાન જાણે તેને કયો રોગ છે? હા, એક બે વાર ડોકટરો અંદર અંદર વાત કરતાં હતા ત્યારે નામ તો સાંભળ્યું હતું, પણ એટલું મોટું, વિચિત્ર નામ યાદ રહ્યું નહીં.

ડોસાની આવી હાલત જોઈ કોણ જાણે કેમ, ગૌરને બાલીજાત્રાના મેળાના મેદાનમાં માથું જમીનમાં દાટીને કરતબ કરતો બાવો યાદ આવે. અને, એ વાત યાદ આવતાની સાથે એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ જાય.આખોમાંથી આસુંની ધાર વહે.

એ વખતે ધંધો ખૂબ જામ્યો હતો.એક દિવસ  દિકરીને લઈ મેળોો જોવા નીકળ્યો. પાનની દુકાનો, રમકડાંની દુકાનો, શાકભાજી કાપવાના સાધન,  બંદુક  વડે  ફુગ્ગા ફોડવાની રમત, ભાત ભાતની મૂર્તિઓ, ચકરડી વગેરે જોતા જોતા બાપ દીકરી જતા હતા ત્યારે કાને ઢોલકીનો અવાજ સંભળાયો. એની અજુબાજુ લોકોનું ટોળું ગોળાકારે ગોઠવાઈને ઊભું હતું.  દિકરીનો  હાથ જોરથી ઝાલીને ગૌર એ તરફ ચાલ્યો. વચ્ચે એક માણસ પેટ પર સુતો હતો. એનું મોં માટીમાં દટાએલું હતું. એક લંગોટ પહેરી હતી અને એના આખા  શરીર પર ભભૂત ચોળેલી હતી. એની સામે સિંદૂર લગાવેલું નાનું ત્રિશૂલ દાટેલું  હતું. બાજુમાં બાર તેર વર્ષનો છોકરો ઢોલ પીટી મોટેથી બૂમો  પાડી બોલતો હતો,

“ દેખીએ માઈ-બાપ ગુરુકા કમાલ. ઢમ ઢમ ઢમ ઢમ. બીસ સાલકી સાધનાકા કમાલ દેખીએ. જમીનકે અંદર શિર ઔર બહાર શરીર. દેખીએ ગુરુકા કમાલ…!”

એ છોકરાએ ઢોલ પીટવાનું ચાલુ રાખ્યું, ‘ઢીગ, ઢીગ, ઢીગ, ઢીગ.’ પછી બોલ્યો, “દીજીએ બાબુ, દીજીએ દીદી, દીજીએ માઈ બાપ, ચાર આના, આઠ આના, રુપયા – જો મનમેં આએ. ભગવાન કે નામ સે દીજીએ…”

એનું ઢોલ પીટવાનું તો ચાલુ જ હતું, ‘ઢીગ, ઢીગ, ઢીગ, ઢીગ.’ એનો અવાજ એટલો મોટો હતો કે બાજુની ચાની દુકાનમાં વાગતા સ્ટીરીઓનો અવાજ પણ દબાઈ જતો હતો.

ગૌર મોં ફાડીને જોઈ જ રહ્યો. કમાલનો બાવો છે. જમણા ખિસ્સામાંથી ચાર આના કાઢયા. કપાળે અડાડયા,  એક ક્ષણ  માટે  આંખો મીંચી  અને સામે બીચાવેલા ગમછા પર નાખતા નાખતા રહી ગયો. ચારઆની  પાછી ખિસ્સામાં મૂકી દીધી. દસ પૈસાનો સિક્કો કાઢ્યો. અને ગમછા પર ફેંકયો.. પૈસા નાંખી ફરીથી દિકરીનો હાથ પકડવા ગયો. અરે! દીકરી ક્યાં ગઈ? હેમ ક્યાં ગઈ?

બાલીજાત્રા મેળાનું આખું મેદાન કેટલીયે વાર ખૂંદી નાખ્યું. ઓળખીતું પાળખીતું જે કોઈ મળે એને છોકરી ખોળી  આપવા  કરગરતો રહ્યો. છેલ્લે જ્યાં માઈકમાં નામ બોલાતા હતાં ત્યાં જઈ ધબ કરતો બેઠો. ત્યાં લાલ લીલા રંગનો બેજ પહેરી ઊભેલાં સાહેબ છોકરીનું નામ, ઉમર, રંગ વગેરે પૂછ્યું. શરૂઆતમાં તો એ ક્યાં જવાબ આપી શક્યો ?

હીબકાં ભરીભરીને મોટેથી રડતો રહ્યો. થોડીવાર પછી સાહેબ માઈકમાં બોલતા હતા, “હેમ, હેમ, તું  ક્યાં છે જલદી માઈક પાસે આવી જા . અહીં તારા બાપા તારી રાહ જુવે છે. થોડીવાર પછી, એક અગત્યની જાહેરાત – એક અગત્યની  જાહેરાત – હેમ નામની પાંચ છ વર્ષની છોકરી ખોવાઈ છે. રંગે શ્યામ છે, પાતળો બાંધો  છે. લાલ રંગનું ફૂલ ફૂલ વાળું ફ્રોક પહેર્યું  છે. જો કોઈને મળે એ મહેરબાની કરીને અહીં માઈક  પાસે લઈ આવે. અહીં તેના પિતા ચિંતાગ્રસ્ત પિતા રડે છે. એક અગત્યની જાહેરાત ….!”

દીકરી ખોવાયા પછી ચાની દુકાન બંધ કરી ગૌર દિવસો  સુધી એને શોધતો રહ્યો. માનતાઓ, પ્રસાદ, બળી બધું કર્યું હતું. કોઈએ કહ્યું બાલેશ્વરમાં ‘ભુજા’ કરીને પીર છે. માનતા માની, એક ઈંટ લટકાવી  આવજે. તારું કામ ચોક્કસ થઈ જશે. દીકરી મળી જાય એટલે ઈંટના વજન જેટલાં મમરાનો પ્રસાદ ધરજે.

તે  બાલેશ્વર જઈ એક ઈંટ લટકાવી આવ્યો હતો. કોઈએ કહ્યું, કે ‘એ નીમાપડામાં પેલા તાંત્રિકને ઓળખે છે અને એણે કેટલાએ ખોવાયેલા છોકરાં શોધી આપ્યા છે. બસ, ત્યાં જઈને પાંચ રૂપિયા અને એક તોલો ગાંજો ચરણે ધરજે. પછી બધી વાત કરજે. એ ઉપાય કહેશે.’ નીમાપડા ગયો હતો. આવતી અમાસે પૂજા કરવાની હતી. પણ આજે તો એ અહીં દવાખાનામાં પડ્યો હતો!

ગંજા જીલ્લાના ભૈરવી માતાજીની વાત કોઈએ કરી હતી. ત્યાં પણ જઈ આવ્યો. લાડવા ધરવાની માનતા માની હતી. કોઈએ કહ્યું  બારંગમાં કોઈ બાળ સાધુ આવ્યા છે. મોં પર અપાર તેજ છે. બધાંની ઈચ્છા પૂરી કરે છે.  ગૌર ત્યાં પણ દોડ્યો. ઘણી રાહ જોયા પછી બાબાના દર્શન થયા. બાબાએ ગૌરને એક માદળિયું આપ્યું. એક મહિનામાં દીકરી પાછી આવશે. ચોક્કસ પાછી આવશે.

ગૌર તો ગદ્ ગદ્! “સાચે જ મારી દીકરી પાછી આવશેને? એની માના મર્યાં પછી કેટલી લાડકોડથી ઉછેરી છે! મહિનામાં પછી આવશે ને?”

આજુબાજુના લોકો આંખો ફાડી એની સામે જોઈ રહ્યા. તે ચૂપ થઈ ગયો. એ માદળિયું હજુ પણ એણે હાથે પહેર્યું  છે. બાબાને જોયા પછી એને ખાતરી થઈ ગઈ હતી કે દીકરી છોકરી પાછી આવશે. પણ તેને શી રીતે ખબર પડશે?

બારંગથી આવ્યા પછી રાતે સૂતો હતો અને સવારે કોણ જાણે, એવું તે શુ થયું કે અજુબાજુ  રહેતા પડોશી એને  હોસ્પિટલ લઇ આવ્યા. ઘણાં રૂપિયા વોર્ડબોય મારફતે દાકતરને પહોંચાડ્યા ત્યારે માંડ માંડ ખાટલો મળ્યો છે. કેટલાક લોકોએ કહ્યું બાબાના કોપથી આ રોગ થયો છે. બાબાએ માદળિયું આપ્યું તો પણ  શંકા કરીને મોટે ઉપાડે પૂછ્યું કે દીકરી પાછી આવશે કે નહીં! આ અચાનક આવેલો રોગ એનું જ પરિણામ છે!

હોસ્પિટલમાં  એક રૂમમાં બે ખાટલાં, એક બારી પાસે અને બીજો એની સામેની બાજુ. બારી પાસેના ખાટલા ઉપર  ડોસો પડ્યો  હતો અને સામેના ખાટલા  ઉપર ગૌર. બે ખાટલા વચ્ચે દોઢ ફૂટનું અંતર. ખાટલા પર પડ્યા રહીને ગૌરને કંટાળો આવતો.

અહીં આવ્યાને ત્રણ અઠવાડિયા થયા. હજુ તો અહીંથી જવાના કોઈ લક્ષણ દેખાતા નથી. ગૌર ચાવળો દાકતર પાસે કરગર્યો પણ હતો, ‘સાહેબ  ક્યારે રજા  મળશે?’ સાહેબે બે ત્રણ વાર ડોકું હલાવ્યું. સાથે સાથે એમની ડોકમાં લટકાવેલો સ્ટેથો પણ સહેજ હલ્યો અને પછી કહ્યું, “કેમ ચિન્તા  કરે છે? આ કંઈ આટલી જલદી મટવાનું નથી. હજુ પણ મહિનો દોઢ મહિનો…. !”

“હેં…! ગૌરના મોં માંથી શબ્દો નીકળ્યા નહીં. અહીં પડ્યા પડ્યા હવે થાક લાગે છે. નીચે પગ નહીં મૂકવાનો. પગ જકડાઈ ગયા છે. એને શું થયું છે કોણ જાણે! દાકતર તો બસ આમ જ, એકેનું એક કહે છે! હવે તો એમના શબ્દો મોઢે થઈ ગયા છે.

ઓરડામાં આટલો મોટો પાંખો ફરે છે. દીવાલો પરથી ચૂનો ખરી લાલ ઈંટો દેખાય છે. ઘા પરથી એવી વિકૃત, દીવાલ અને છત વચ્ચે જાળા લટકે છે. જૂના જમાનાનું જાડું બારણું. આ બાજુ એનાથી બે હાથ દૂર બારી . તેની નીચે માંદલો ડોસો બેઠો બેઠો બારીમાંથી બહાર જોયા કરે. તે પણ જૂનો દર્દી છે, ઉઠવાની શક્તિ ઘણી ઓછી, પણ હંમેશા દીવાલને અઢેલીને બેસે  અને બારીમાંથી  બહાર જોયા કરે.

ગૌરને પણ બહારની દુનિયા જોવાનું ઘણું મન થાય. પણ શું થાય? એના ખાટલાની સામે તો વરંડો છે, જ્યાંથી બીજા વોર્ડમાં જવાય. ત્યાં સૂરજના કિરણો, આંબા, સિનેમાના પોસ્ટર, કોલેજના છોકરાં, ગાડી મોટર કંઈ દેખાય નહીં. ખાલી સફેદ દ્રેસ્સ પહેરેલી  ભૂત જેવી નર્સો અને દાકતર અવરજવર કરતાં હોય. એ લોકોને જોતાં ગૌરને પોતાનો રોગ યાદ આવી જાય. એટલે તેણે વોર્ડબોયને બારણું વાસી રાખવાનું કહી રાખ્યું છે. ડોસાને પણ એમાં કંઈ વાંધો નથી. એને તો બારીમાંથી બહારની દુનિયા દેખાય છે.

ગૌર રોજ  બારી પાસે બેઠેલા ડોસાને પૂછે, “બહાર કેવું વાતાવરણ છે? રસ્તા પર ભીડ છે? પેલા વડ નીચે ગાય ઊભી છે કે નહીં? અને પેલો મસ્તીખોર છોકરો રસ્તા ઉપર આમથી તેમ ભાગ દોડ કરે છે?” ડોસો આ બધાં સવાલ સાંભળી જરી હસે. પછી કહે, “હા, જોને દસ વાગ્યા છે એટલે રસ્તા પર ખાસ્સી ભીડ છે. ભૂરા રંગના સ્કુલ ડ્રેસ  પહેરીને છોકરીઓ સ્કુલે જાય છે. વાતાવરણ વાદળ છાયું છે એટલે પેલો મૌલવી આજે  છત્રી લઇને નીકળ્યો છે.”

ડોસો દરરોજ રસ્તા પર શું ચાલી રહ્યું છે એનું  વર્ણન કરે. ગૌર માટે તો આ વાતો સંજીવની જેવી  છે. ગૌર કલ્પનામાં રસ્તા પર આંટો મારી આવે.

એક દિવસ રસ્તા તરફ જોઈ ડોસાએ કહ્યું, “જો ગૌર ! પેલો મૌલવી ડોસો પાન  ચાવતો ચાવતો ચાલ્યો જાય છે. ”
ગૌરે પૂછ્યું, “છત્રી ખુલ્લી છે કે બંધ?”
ડોસાએ કહ્યું, “બંધ છે.”
ગૌરે પૂછ્યું “બીજું કોણ કોણ આવે જાય છે?”
ડોસાએ કહ્યું, “મૌલવીની બાજુમાં પાંચ છ વર્ષની છોકરી ચાલે છે. એના  હાથમાં થેલી છે, કદાચ એમાં શાક ભાજી હશે. કોઈના ઘરે કામ કરાતી લાગે છે.”
ગૌર ચમક્યો. એણે પૂછ્યું, “કેટલા વર્ષની છે?”
ડોસાએ કહ્યું, “પાંચ-છ વર્ષની લાગે છે.”
ગૌરે પૂછ્યું, “એનો  વર્ણ કેવો છે –  શ્યામ છે?”
ડોસાએ કુતુહલથી ગૌર સામે જોયું અને હસતા હસતા બોલ્યો, “હા, શ્યામ છે.”
“એની આંખો મોટી મોટી છે? ગૌરે અધીરાઈથી પૂછ્યું .
“હા, મોટી મોટી તો છે.”

ગૌરે એક પણ ક્ષણ વેડફ્યા વગર  એકી શ્વાસે પૂછ્યું, “એના ડાબા ઢીંચણ પર દાઝ્યાનો ડાઘ છે? એક વખત સગડીમાં કોલસા સરખા કરતી વખતે એક સળગતો કોલસો એના ઢીંચણ પર પડ્યા હતો અને એ દાઝી ગઈ હતી.”
ડોસાએ  નવાઈથી ગૌર સામે જોઈ કહ્યું, “ખબર નથી પડતી. એણે ખાસું  લાંબુ ફ્રોક પહેર્યું છે.”
ગૌર કાકલુદી કરતો હોય એ રીતે બોલ્યો, “એને હેમ કહી જરી બોલાવો ને! એ છોકરી  હેમ હશે. બાબાએ કહ્યું જ છે ..!” એ સ્વગતોક્તી કરતો હોય એ રીતે બોલ્યો.
ડોસો  હસવા લાગ્યો. એણે બૂમ પાડી નહીં.
ગૌર અધીરો બની બોલ્યો, “એવું શું કરો છો ? જરી બૂમ પાડોને. મારા સમ! જરી મોટા અવાજે બોલાવો.”
ડોસો નિર્દયતાથી બોલ્યો, “ના, એ દૂર જતી રહી. હું બોલાવીશ તો એને નહિ  સંભળાય!”

ગૌરને ડોસા પર ખુબ ગુસ્સો આવ્યો. એણે એની જોડે બોલવાનું બંધ કર્યું. બાબાને વ્યગ્ર બની પ્રાર્થના કરી. એને  થયું  મારી  કેવી ખરાબ હાલત  થઇ ગઈ છે! જો થોડું ચાલી શકતો હોત તો, બારી પાસે જઈ ડોકિયું કરી આવત! ફરી વિચાર્યું, ડોસા જો મારી પથારીમાં હોત અને હું બારી પાસે હોત, તો આવતા જતા લોકોને જોઈ શકત, હેમને પણ જોત. કોણ જાણે ક્યાં હશે એ? ડોસો કહેતો હતો શાકની થેલી લઈને જતી હતી – કોઈના ઘરે કામ કરીને પેટનો ખાડો નથી પુરતી ને ? ના, ના મારી હેમ, કેટલાં લાડથી ઉછરી છે, મારા વગર કેવી રીતે રહેતી હશે?

ગૌર અધીરો બની જતો. બારી પાસે સુઈ જવાની આકાંક્ષા એના પર સવાર થઈ જતી હતી. એને થતું , ડોસાના બારી પાસેના ખાટલો જો એને મળી જાત તો એની જિંદગી સુધરી જાત!

કંઈક અવાજથી એની ઊંઘ અચાનક  ઉડી ગઈ. પેલી પાતળી નર્સ દવા આપીને ગઈ પછી એને ઊંઘ આવી ગઈ હતી. બારીમાંથી ચાંદાનું  સામાન્ય  અજવાળું ઓરડામાં આવતું હતું. એ આછાં  અજવાળામાં ગૌરે જોયું કે ડોસાના હાથ પગ સખત ધ્રૂજે છે. ડોસાના મોંમાંથી ‘ગં.. ગં..’ અવાજ નીકળે છે. આવી હાલત જો વધારે રહે તો એની જિંદગીને જોખમ છે.

ડોસો અંધારામાં ટેબલ પર પોતાની દવાનો ડબ્બો ફંફોસે છે. હાથ ધ્રૂજતા હોવાથી દવાનો ડબ્બો હાથમાં નથી આવતો. એના મોંમાંથી આવતો ‘ગં.. ગં..’ અવાજ સાંભળી અચાનક ગૌરને બાલીજાત્રાના મેળામાં માથું રેતીમાં ખોસી સૂતેલો માણસ યાદ આવ્યો. હેમ પણ યાદ આવી. દીકરીની યાદ આવતા એનુ મન ખાટું થઈ ગયું.

બારીમાંથી દુનિયાનું દૃશ્ય જોતા જોતા દીકરીને ખોળી કાઢવાની જીદ દૃઢ બની. તે ધ્યાનથી ડોસો શું કરે છે જોવા લાગ્યો. ડોસો ધ્રૂજતા હાથે  બેલ તરફ હાથ લંબાવતો હતો. બેલ સાંભળી નર્સ આવશે. ડોસાને દવા આપશે.

ગૌરે  ટેબલ તરફ હાથ  લંબાવ્યો.  ચૂપચાપ  બેલ પર હાથ મૂક્યો. બેલ દબાવાથી નર્સ આવી. ડોસાને દવા આપશે. નહિતર બિચારા ડોસાની હાલત … અચાનક એના મગજમાં ઝટકો વાગ્યો. છાતી ધડકી. મન કાઠું કરી બેલ દબાવી નહીં અને આઘી ખસેડી દીધી અને પરસેવે રેબઝેબ થઈ ગયો. પછી ચૂપચાપ ડોસા તરફ પીઠ ફેરવી આંખો મીંચી દીધી.

સવારે જયારે ઊંઘ ઉડી ત્યારે જોયું બાજુનો ખાટલો ખાલી છે. લોચો વળી પડેલી સફેદ ચાદર અને આમ તેમ  ફેલાયેલું  લાલ બ્લેન્કેટ  ડોસાની લાચાાર હાલતની ચાડી ખાતા હતા. દવા આપવા નર્સ આવી. સૌથી પહેલા એણે જ ગૌરને  ડોસાના મૃત્યુના સમાચાર આપ્યા. ગઈકાલે રાતે અચાનક ડોસો… ..!

ગૌરે નર્સને કહ્યું  દીદી મને એ ખાટલો આપોને! બારી પાસે શરીરને તડકો મળે. ઠંડો પવન પણ સ્પર્શે… નર્સ જતી રહી. કલાક પછી તેને બારી પાસેના ખાટલા પર સુવડાવ્યો.

બારી પાસેના ખાટલા પર આવી ગૌર ખુશ થઇ ગયો. કેટલાય દિવસો પછી આજે મન ભરીને  બહારની  દુનિયા જોવા મળશે. સ્કૂલ ડ્રેસ પહેરેલી છોકરીઓ, છત્રી લઇને ચાલતો મૌલવી, વડ નીચે વાગોળતી ગાય, મસ્તીથી  કેવેન્ડર પીતો  છોકરો અને … હા, બીજા કોઈની પણ રાહ જોશે, એક પાંચ છ વર્ષની શ્યામ છોકરી, મોટી મોટી આંખો વાળી જેના ડાબા ઢીંચણ પર દાઝ્યાનું  નિશાન છે અને હાથમાં શાક ભરેલી થેલી….! ગૌરનું હૃદય ભરાઈ ગયું. તે તકિયાનો ટેકો લઈ બેઠો અને ઉત્કંઠાથી બારી બહાર નજર નાખી.

આ શું? બારીની બહાર હોસ્પિટલની રુક્ષ બાઉન્ડ્રી વોલ. બારીનો ઉપરના  ભાગ અને બાઉન્ડ્રી વોલના ઉપરના ભાગ – આ બે વચ્ચે આકાશની એક પાતળી રેખા જેટલું જ આકાશ!

(લેખક પરિચયઃ કૈલાશ પટ્ટનાયક (૧૯૫૭): જન્મસ્થળ – બલાંગીર, ઓડિશા. વાર્તાકાર, બાળ સાહિત્યકાર, નિબંધકાર, કૃતિ : એકદા અનંગ, એકાઠી એકા એકા, શુણ અબોલકરા, માયામંડળ, બિનોદ દ્વાદશ વગેરે વાર્તા સંગ્રહ. શાંતિનિકેતન વિશ્વભારતી યુનિવર્સિટીમાં ઉડીઆ વિભાગના પ્રોફેસર. પ્રખ્યાત અસમિયા કવિ નવકાન્ત બડુઆની એક કવિતા આ વાર્તાનું બીજ છે))   

આપનો પ્રતિભાવ આપો..