પાંચ સોનેટ ~ નટવર ગાંધી ~ (1) કર્ણ ~ ગાંધીજી: (2) સાબરમતી આશ્રમે (3) રાજઘાટે (4) પિતૃસ્મૃતિ (5) ઉલ્લાસ કરીએ
1. કર્ણ
(વસંતતિલકા)
“રક્ષા કરે ગગન મંડળ જે વિરાજે
ભાનુ, વરુણ સલિલે,” કહી મંજૂષામાં
કુંતી મૂકે દયિત કાનીન, સિંધુગોદે
વ્હેતો શિશુ કમળશો ભીરુ ભગ્ન ઉરે.
તારી કહાણી વસુશેણ નથી અજાણી:
શસ્ત્રે નિપુણ, ગુણી, પ્રજ્ઞ, કૃતજ્ઞ, મિત્ર,
શોભે તને કવચ કુંડળ રક્ષતાં જે
તું આપતો સહી ઉતારી ઉદાર દાને!
પેટી પુરાઈ મથવું, મચવું પ્રયાસે,
જાતાં તણાવું વમળે, તરવું તરંગે,
હંફાવી દૈવ જીતવું જીરવી વિધાતા,
આ વાત છે તુજ જરૂર, પરંતુ સૌની
છે એ જ વક્ર નિયતિ, સરખા જ કર્ણ,
સૌ આપણે, કુલીન કે હીન સૂત વર્ણ!
2. ગાંધીજી, સાબરમતી આશ્રમે
(પૃથ્વી)
અહીં નથી જ રાજમંદિર, ન મ્હેલ, મ્હેલાત ના,
ન દુર્ગ, નથી હર્મ્ય કો, નથી વિશિષ્ટ સ્થાપત્ય વા,
ન હસ્તિગૃહ, શસ્રસંગ્રહ ન, અશ્વશાળા નથી,
કુટીર દસબાર માત્ર બસ જોઉં આ આશ્રમે.
અહીં જ કસી કાછડી, કમર હાથ લઇ લાકડી,
કપાળ કરી ચાંદલો, હરિનું નામ હોઠે ધરી,
અમોઘ સત શસ્ત્ર સજ્જ, જૂજ સાથી સંગે તમે,
અહીં જ જગ રાજ્યની સહુ સમર્થ અક્ષૌહિણી,
બુલંદ પડકારી’તી: કરવું હોય તે લ્યો કરી!
નથી જ નથી આવવું, વિણ સ્વરાજ પાછા હવે
ભલે મરણ આવતું, મરીશ કાગડા, કુતરા
સમાન પણ ના જ ના પગ મુકીશ આ આશ્રમે!
અહીં જ અહીંથી શરુ થયું મહાન પ્રસ્થાન જે,
વિશાળ પ્રસર્યું પછી ઉર ઉરે દૂરે ચોદિશે!
3. ગાંધીજી, રાજઘાટે
(પૃથ્વી)
મહાન ગણતંત્રની રમણી રાજધાની મહીં,
અનેક અધિરાજ્યના સ્તૂપ, મિનાર, સ્તંભો વિષે,
ન કાંચન, ન તામ્રપત્ર, પણ માત્ર પાષાણમાં,
અહીં, અમર લોક ઉર, ઈતિહાસ પૃષ્ઠે તમે.
શિખામણ તમારી જોઉં ચીર કોતરી પથ્થરે:
પડે ખબર ના કદી કરવું શું અને કેમ જો,
વિચાર કરવો તદા દલિત દુ:ખિયા લોકનો,
થશે સકળ સ્પષ્ટ શું કરવું, કેમ, કેવી રીતે!
સલામ સરકારને! અમલદાર ઊંચા અહીં,
પ્રધાન, અધિકારી, સંસદ સદસ્ય, સાહેબ સૌ,
મહેલ મજલે કરે મસલતો બડી ફાંકડી,
ઠરાવ કરી ઠાવકા ગરીબને દિયે સાંત્વના,
સદાય સચિવાલયે લટકતી તમારી છબી,
કદીક નીરખે, તમારું શુભ નામ લેતા ફરે!
4. પિતૃસ્મૃતિ, ખતવણી
(પૃથ્વી)
સવાર પડતાં તમે નીકળતા દુકાને જવા,
સફાઈ કરી, ગોખલે અગરબત્તી દીવો કરો,
પ્રણામ કરી દેવને, પછી ઉઘાડતા હાટડી,
દલાલી, ઘણી લેણદેણ, વય આખી ધંધો કર્યો,
અનાજ બધું, સાથ શીંગ, તલ, તેલ, ઘી, ગોળનો,
બપોર બળતે ફરે ન ચકલું, તમે એ સમે
દુવાર અરધું કરી લગીર નીંદ ખેંચી લિયો,
ઘરે નિસરતા પતાવી બધું કામ રાતે પછી.
જમ્યા, નહિ જમ્યા જ ઉભડક એમ વાળુ કરી,
કરો ખતવણી, હિસાબ ગણી રાત પૂરી કરો,
સવાર પડતાં વળી દિવસ એ જ એનો શરુ,
હમેશ ઘટમાળ આ, ખબર ના પડી કોઈને,
અચાનક જ એક દિન ઊઘડી નહીં હાટડી,
કરી ખતવણી તમે જીવનની ખરી આખરી!
5. ઉલ્લાસ કરીએ
(શિખરિણી)
અહીં આજુ બાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
વસે છે, જીવે છે, જન ગતિ, મતિ, ભિન્ન રીતિના,
સુખી, દુ:ખી, ઘેલા, સમજુ, સલૂણા, કૈંક નગુણા,
બધાને નિભાવી, સમજી સહુ, સહવાસ કરીએ.
અહીં આજુ બાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
ન કે એવું કે’તો બધું જ બધું છે સારું સરખું,
વળી જાણું છું કે વિષમ ઘણું ને વિષ પુરતું,
પરંતુ જ્યાં ઘેરું તમસ ત્યહીં ઉજાસ કરીએ.
અહીં આજુ બાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
પશુ, પંખી, પુષ્પો, તરુ પરણ ને અદ્રી ઝરણાં,
રસે, ગન્ધે, સ્પર્શે, શ્રવણ, મતિ ને દ્રષ્ટિ ધરીને,
બધું જાણી માણી જીવન વન સુવાસ કરીએ.
અહીં આજુ બાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
હવે ઝાઝા છે ના દિવસ, સખી, ઉલ્લાસ કરીએ!
~ નટવર ગાંધી