આથમણી કોરનો ઉજાસ ~ ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી ~ પત્ર: ૫૧ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ

પત્ર નં. ૫૧ 

પ્રિય નીના,

જિંદગીની ઘટનાઓના વિવિધ રંગો અને ભાવો વચ્ચે ઝુલતો તારો પત્ર મળ્યો. વાંચતા વાંચતા જ તારા પડોશીને ત્યાં બનેલ ગમખ્વાર બનાવ વિશે જાણીને એ મનોસ્થિતિની કરુણ કલ્પના માત્રથી ઘડીભર આંચકો લાગી ગયો.

સારું થયું કે બંને જણા બચી ગયાં. તેમને સાંત્વન આપજે કે એક દુઃસ્વપ્નની જેમ આખીયે વાતને ભૂલી જજો. બચી ગયા તે જ બસ છે.

જાણું છું કે કહેવું સહેલું છે પણ આવી ઘટનાઓને ભૂલવી દુષ્કર છે. નજીકનાનો નજર સામે બનેલો બનાવ આઘાતજનક જ છે. પણ ધીરે ધીરે તું એમાંથી બહાર આવવા માંડજે.

અગાઉ લખ્યું હતું અને આજે ફરીથી લખું છું કે દુઃખનું પક્ષી માથા પર બેસે તો એને માળો ન બાંધવા દેવાય. ધીરેથી ઉડાડી મૂકવાનું જ હોય.

નીના, જોતજોતામાં તો ડિસે. પણ આ અડધો ચાલ્યો. જો ને, ૨૦૧૬નું વર્ષ પૂરું થવા આવ્યું. આ વર્ષના પહેલા શનિવારથી શરૂ થયેલ આપણા પત્રોએ પણ પૂરા વર્ષની વણથંભી કૂચ પૂરી કરી.

હૈયાના હોજમાંથી કેટલું બધું ઠાલવ્યું? કંઈકેટલીયે કેડી પર પગલાં માંડ્યા અને આગળ ચાલ્યાં. ક્યાંથી, ક્યારે, કયો ફાંટો પડ્યો અને ક્યાં વળ્યો એ ખબર પણ ન રહી. બસ, ભીનીભીની પળોને વીણીવીણીને અહીં વાગોળી. સૂકી ક્ષણોને પણ સામસામે સેરવી. એમ કરતાં કરતાં પરસ્પરના અનુભવો, વિચારો, ચિંતન, મંથન વગેરેને એકમેકની આરસીમાં ખુલ્લાં હાથે વેર્યાં અને ઝીલ્યાં.

આજના પત્રનો નંબર ૫૧ લખ્યો ત્યાં તો બાવન પત્તાની કેટ યાદ આવી. બાવન પાનાં એટલે જોકર વિનાની કેટ!!

What Are the Features of a Standard Deck of Cards?

પૈસાની દૃષ્ટિ વગર રમાય તો પત્તાની રમત નિર્દોષ આનંદ આપે, નહિ તો એ જુગાર જેવી લત બની જાય.

અમેરિકામાં સતત ઝાકઝાક થતાં ‘કસીનો’ના સ્લોટ મશીન પરની રમત ક્ષણભર એવો આનંદ આપતી હોય છે. જો કે, તેમાં યે નિયમ-સંયમની પાળ તો બાંધવી જ પડે.

LAS VEGAS, USA - MARCH 29, 2020: Casino Slot Machine In Caesars Palace Las Vegas Hotel And Casino In Las Vegas, Nevada, USA Stock Photo, Picture And Royalty Free Image. Image 150040624.

ડિસેમ્બર મહિનો એટલે  અમેરિકામાં ચારેબાજુથી ઝાકમઝોળ. અરે, અમેરિકામાં જ કેમ? હવે તો પૂરા વિશ્વભરમાં ક્રિસ્મસ જોરશોરથી ઉજવાય છે. આધુનિક સદીનો માનવી હવે ગ્લોબલ સંસ્કૃતિમાં રાચતો થયો છે! ને એમાં કશું ખોટું પણ ક્યાં છે?

તમામ વાડાબંધીઓને ફગાવી માણસ માત્ર માણસ બનીને જીવવા માંડે અને એક જ માનવતાનો ધર્મ પાળવા માંડે તો તો કવિવર શ્રી ઉમાશંકરભાઈનું ‘વિશ્વમાનવ’નું સ્વપ્ન સાકાર થઈ જાય. ન દેશ-પરદેશનો ભેદ, ન જ્ઞાતિ-વિવાદ કે ન ક્યાંયે કશો વિખવાદ. કેવળ સંસારને સર્જાવતી, સજાવતી અને સમજાવતી એક શક્તિનો સ્નેહપૂર્વકનો સ્વીકાર.

આજે આંખ ઘણી વહેલી ખુલી ગઈ એટલે ઉપરના ફ્લોરના કોમ્પ્યુટરવાળા રૂમમાં આવી લખવાનું ચાલુ કર્યું. થોડું લખીને બારી ખોલી તો વિશ્વચાલક એ શક્તિનો આવિષ્કાર થયો. જાણે મારા મનની બારીમાં વિચારોનો વીંઝણો થયો! સૂરજની શક્તિ અપરંપાર.

KREA - rays of the morning sun shining through the window of the village house. very beautiful, clear sky, warm shiny colors, oil painting, high detail, trending on artstation

નીના, સવારના પહોરમાં પાંપણના પડદા પંપાળતાં, સોનેરી પ્રભાતના કિરણો એનો પ્રેમ… કાયાને મરોડતો અને જુલ્ફોને રમાડતો સમીર એનો સ્પર્શ… તો ચેતનાને જગાડતી આછીપાતળી વાદળી એનું વહાલ છે.

અત્યારે બદલાયેલાં પાંદડાંના અવનવા રંગો એની પ્રીત તો પંખીના સૂરીલાં ગીતો એનો નેહ છે. મનની મોસમ પર મેઘધનુષના રંગોનો છંટકાવ.

તેનો જાદુ કહું? કેટકેટલું અને શું શું કહું? યુગોથી રમાતી આદિ-અંતની આંખમીંચોલી, એની રમત કે નિયતિ? ચાલ, કવિતામાં ઢસડાઈ જાઉં તે પહેલાં મુખ્ય વાત પર આવી જાઉં. ખરેખર તો ગઈકાલે રાત્રે મહાન કવિ શ્રી મકરંદ દવેની ઘણી ઘણી કવિતાઓ વાંચીને સૂઈ ગઈ હતી તેથી એની અસર થઈ.

Buy Koi Ghatman Gaheke Gherun Set Of 3 Vol Book Online at Low Prices in India | Koi Ghatman Gaheke Gherun Set Of 3 Vol Reviews & Ratings - Amazon.in

તારી બાળપણની વાતો વાંચવાની મઝા આવી. બાળપણ, ભાઈબેનો, માતપિતા, દાદી, માસી, મિત્રો એ વિષય જ એવો છે કે એમાં ખેંચાયા વગર રહેવાય જ નહિ. મારી કવિતાઓને પોરસાવવા અને પ્રોત્સાહન આપવા બદલ આનંદ. તને ગમે તે મને ગમે.

હવે વર્ષને અંતે એક છેલ્લો, નવો વિચાર આવ્યો. એને તું ઈચ્છા પણ કહી શકે. સાચું કહું? કંઈક ચટપટી વાનગી ખાવાનુ મન થયું.

તું સુરતની છે અને એકાદ નવી ચટાકેદાર વાનગી ન મળે તે કેમ ચાલે? પત્રોના આ રસથાળમાંથી ભૂખ્યા ઊઠતા હોઈએ તેવું ન લાગે? એટલે મારા તરફથી આ પત્ર ભલે કદાચ છેલ્લો હોય પણ તારે તો પીરસ્યા વગર નહિ જ જવાય.

Food in Surat, Cuisine in Surat, Famous Dishes in Surat

પંચેન્દ્રિયોમાં જીભ અને સ્વાદ તો મુખ્ય છે. અરે, પતિદેવોના દિલ સુધી પહોંચવામાં એ તો સીધો રસ્તો છે! હસ નહિ. આ કામ તારે માથે. મને ખબર છે તને ગમે પણ છે. આમેય તું મારાથી છ મહિના મોટી છે એટલે જમાડવાનું તારે માથે નાખી હું છટકું છું..

આજની સવારની જેમ મન પ્રસન્ન છે. મારી પ્રસન્નતાની સાથે હંમેશા કવિશ્રી સુંદરમની પંક્તિઓ જોડાયેલી છે. અચૂક યાદ આવે જ, આવે… “મારે આતમને આવાસ પ્રભુ તારી પગલી પડે, મારે અંતર આંગણ માંહ્ય મગન કેરી આંધી ચડે.”

વધુ આનંદ છે મૈત્રીના ઉપનિષદ જેવા આપણા પત્રો. આ પત્રો દ્વારા આપણી મૈત્રીનું ઝરણું અંતરમાંથી નીકળી આંગળી પર થઈ એ કેટલું વહ્યું?

જિંદગીના તુલસીક્યારે પ્રગટેલી આપણી મૈત્રીના દીવાની જ્યોત સદા ઝગમગતી રહે અને આ પત્રશ્રેણી દ્વારા ફૂટેલાં નવાં નવાં પાન લીલાંછમ રહે એવી શ્રદ્ધાજડિત પ્રાર્થના સાથે મારા પત્રોની પૂર્ણાહુતિ કરું છું.

નાતાલના નજીક આવી રહેલાં ઉત્સવ પર અને નવા વર્ષની મુબારકબાદી સાથે તને અને સૌને એ જ શુભેચ્છા. જીવનના આ ખરા રસાયણનો સંતોષ કેવો ગજબનો છે!!

છેલ્લે, જિંદગીની સચ્ચાઈનું એક વાંચેલું મુક્તક લખી દઉં?

ज़िन्दगी में ना ज़ाने कौन सी बात “आख़री” होगी,
ना ज़ाने कौन सी रात “आख़री” होगी..
मिलते, जुलते, बातें करते रहो यार एक दूसरे से,
ना जाने कौन सी “मुलाक़ात” आख़री होगी..

ચાલ, આવજે. હવે તો કદાચ રૂબરુ મળવાનો સમય આવ્યો લાગે છે!! અમેરિકા આવીશ ને?

દેવીની સ્નેહ-યાદ

(નોંધ: આવતા હપ્તે આ પત્ર-શ્રેણી પૂરી થશે.)

આપનો પ્રતિભાવ આપો..