આ ઉંમરે મારે પરીક્ષાનું નથી જોઈતું ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:-7 ~ ઉત્કર્ષ મઝુમદાર

અમારી વાતો અમે જે જે સ્થળોની મુલાકાત લેવાના હતા તેના પર આવીને અટકી. મને એક વિચાર સ્ફૂર્યો જે બધાની સામે મુક્યો.

“જુઓ આપણી પાસે લોન્લી પ્લેનેટ છે અને ઇન્ટરનેટ છે. શા માટે આપણે બધા બધું વહેંચીને વારા ફરતી ગાઇડની ભૂમિકા ન નિભાવીએ?  મઝા આવશે.

મને યાદ છે મારા સાઢુભાઈએ નિશ્ચિન્ત, શમથ અને સમોતી એમની સાથે દિલ્હીથી આગ્રા તાજ અને ફત્તેહપુર સિક્રી જોવા ગયા હતા ત્યારે આવું જ કરેલું. દરેક જણને કહ્યું તમે એક-એક જોવા જેવા સ્થળ વિષે જાણી લો ને વારાફરતી ગાઈડ બની જાવ. બાળકોને પોતે મહત્વના છે એવું મહેસૂસ થયું કારણકે મોટાઓ એમને રસપૂર્વક સાંભળતા હતા. આપણે એ જ વિચારને અનુસરીએ તો?”

“જબરદસ્ત વિચાર. ઉત્કર્ષ તું કેવા કેવા બેનમૂન આઈડિયાઝ લઇ આવે છે. માન ગયે ઉસ્તાદ માન ગયે.”

મને સારું લાગ્યું પણ પછી એણે જે કહ્યું એ સાંભળીને મારી બોલતી બંધ થવાનું શરુ થયું. સીજે કહે “પણ મને બાકાત રાખજો કારણ કે મારે રોજ ડ્રાયવિંગ કરવાનું એટલે રાતે એટલો થાકી જઈશ કે સીધા સુઈ જવું પડશે. તેથી સમય નહિ મળે, બંને શેઠાણીઓને પૂછી જો.” માળો બેટો સરસ રીતે છટકી ગયો.

મેં હીના તરફ જોયું તો એણે લાગલું જ કહ્યું, “ઉત્કર્ષ તારો વિચાર સરસ છે પણ મનેય બાકાત રાખજો કારણ કે જયારે જયારે એરબીએન્ડબીમાં હોઈશું ત્યારે મારે લોન્ડ્રી કરવાની ને સવારે ચા-નાસ્તા બનાવવાની જવાબદારી રહેશે. એટલે મને વાંચીને તૈયારી કરવાનો જરાય સમય નહિ મળે. વળી આમાં મને પરીક્ષા આપતી હોઉં એવું લાગશે ને આ ઉંમરે મારે પરીક્ષાનું નથી જોઈતું.”

એનીય વાત મારે માનવી પડી. હવે રહી નિશ્ચિન્ત. તો એ કહે, “ઉત્કર્ષ મને પણ બાકાત રાખજે કારણ કે મારે પણ લોન્ડ્રી ને સવારના ચા-પાણી અને નાસ્તામાં હિના સાથે જોડાવું પડશે. ને હા, ખાસ તો તું હંમેશા કહેતો હોય છે કે નિશ્ચિન્ત તો પ્રેસી રાઈટીંગની ખાં છે. આખી મહાભારતની કથા એ ચાર વાક્યોમાં પતાવી દે. તો આ કામ કરવા માટે હું કેટલી અયોગ્ય પુરવાર થાઉં?”

મારી જીભ સિવાઈ ગઈ. સીજે એ આ તક ઝડપી લીધી ને કહે “ઉત્કર્ષ હવે આ કામ માટે તું જ બાકી રહ્યો આમેય તારે કશું કરવાનું નથી એટલે માત્ર તારી પાસે સમય છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ કામ તું સરસ નિભાવશે. (મારા વખાણ કરીને મને ફસાવવાનો પ્રપંચ હું સમજી ગયો.) તું જન્મજાત કલાકાર છે પ્રેક્ષકો જોઈને તું ખીલી ઉઠે છે. તને અમારા જેવું તૈયાર ઓડિયન્સ નહિ મળે. નિશ્ચિન્ત, હિના શું કહો છો?”

હિના ચાલતી ગાડીમાં બેસી ગઈ. નિશ્ચિન્ત પણ બેસી ગઈ, પણ થોડું કહીને… “જુઓ ઉત્કર્ષ શિક્ષક દંપતીનું સંતાન છે અને એ વળી પોતાને પ્રોફેસર માને છે એટલે એક વાર બોલવાનું શરુ કરે એટલે સીધો ૪૫ મિનિટ પછી જ અટકે છે. ઘણી વાર એક્સટ્રા ક્લાસ પણ લે છે. તેથી જો એ ટૂંકમાં બધું પતાવે તો મને વાંધો નથી.”

“એનો ઉપાય છે, આપણે હાથ ઉપર કરશું એટલે એ ત્યાં અટકી જશે. તો છે મંજુર?”

“મંજુર, મંજુર, મંજુર.”

આમ ત્રણ વિરુદ્ધ એક મતે ઠરાવ પસાર થઇ ગયોઃ મારે ગાઈડ બનીને સેવા આપવાની.

“ચાલો આ વાત પર બિયરનો બીજો દોર શરુ કરીએ ને સાથે-સાથે ભોજન પણ આરોગિયે.” કહી સીજેએ બિયરનો ઓર્ડર આપ્યો.

ડિનર સ્વાદિષ્ટ હતું. એ પતાવી અમે મેનેજરનો આભાર માની હોટલે ચાલતા પાછા ફર્યા. ચંદુને ચાવીથી મુખ્ય દરવાજો ઉઘાડતા જોઈ બંને શેઠાણીઓ આભી બની ગઈ. એમને આખી કથા સંભળાવી.

સમર પતી ગયો હતો. ઠંડીની મોસમ શરુ થઇ ગઈ હતી. એટલે રાતે એસીની કોઈ જરૂર ન હતી. ઊંઘ આવતી હતી પણ કાલની તૈયારી માટે વાંચવાનું હતું એટલે વાંચવા બેઠો, પછી એસએસસીની પરીક્ષા વખતે જે કરતો હતો તે કર્યું. બહુ ઊંઘ આવે છે. સવારે ઉઠીને વાંચીશ કહી સુઈ ગયોઃ તે વહેલી પડે સવાર. આમ ટુરની પ્રથમ નાટકીય રાત સમાપ્ત થઇ.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..