| |

કાવ્ય-અનિલ ~ કવિશ્રી અનિલ ચાવડા

૧.  “…ચકાસે છે…!”

વૃક્ષપણું આ મારું બિલકુલ જ્વાળામુખી પાસે છે
બીજું નહીં બસ ડાળીનાં ફૂલોની ચિંતા ભાસે છે!

દરિયો સુધ્ધાં દાસ બનીને સેવા કરવા લાગ્યો છે,
એ જાણે છે કે વ્હાણ અમારું કોના વિશ્વાસે છે!

સૂર્ય શરમમાં ઢળી પડે નહિ તો બીજું શું કરે સાંજના?
અંધારાં કરતાંય વધારે અત્યાચારો અજવાસે છે!

કઈ ભાષામાં બોલું તો ચકલીને આભાર પ્હોંચશે?
એની એક ‘ચીં‘થી મારા ઘરનો સન્નાટો નાસે છે!

કોણ ગયું કોણ આવ્યું એની બધી ખબર એ રાખે છે
રાત-દિવસ રૂપી દરવાજા જે ઉઘાડે વાસે છે!

સંસાર-પરીક્ષા આપ્યા વિના પાસ થવા સૌ સાધુ,
મથે જાણવા ધ્યાન ધરીને પેપર કોણ ચકાસે છે?

~ અનિલ ચાવડા

૨.  “પગલાં ઓ પગલાં….!”

પગલાં ઓ પગલાં ! આ દુનિયાના નકશે કાં મારું નિશાન નથી છોડતાં?

સાંભળ ને, સાચ્ચું કહું ઢસડું છું જાત
ભલે લોકોને લાગે કે મહાલીએ,
આયખાનો ભારેખમ ભાર આમ ઉપાડી
કેટલુંક ભીંસીને હાલીએ?

હાથ હવે થાક્યા છે કાળમીંઢ ભીંતો પર પોતાને ખીલા જેમ ખોડતા!
પગલાં ઓ પગલાં ! આ દુનિયાના નકશે કાં મારું નિશાન નથી છોડતાં?

મારગ તો જાણે કે બહેરો ના હોય એમ
વાત નથી કાન ઉપર લેતો
તો પણ હું મન મોટું રાખીને પોતાને કહું છું
કે થાય હવે એ તો!

મારાં આ ચરણો તો ચીડવતાં હોય એમ આંગળીથી ટાચકાઓ ફોડતાં!
પગલાં ઓ પગલાં ! આ દુનિયાના નકશે કાં મારું નિશાન નથી છોડતાં?

~ અનિલ ચાવડા

૩.  “…પરી દોરી…!”

અમે બસ કેનવાસે એક મનગમતી પરી દોરી;
ઘણાથી એ ન સહેવાયું, થયા ઊભા, છરી દોરી!

નતો કરવો છતો આખોય ચહેરો એટલા માટે
કરીને એક વ્યક્તિ યાદ આંખો માંજરી દોરી!

રહી ગઈ જિંદગી રંગ્યા વિનાની બ્લેક ને વાઇટ
તમે મારી છબીમાં રંગ ના પૂર્યા, નરી દોરી!

અમારે સૂર્યને બીજા દિવસ ઉગવા નતો દેવો;
ઘણા ચહેરા સ્મરીને એક સંધ્યા આખરી દોરી!

તમે ચાલ્યા ગયાનું ચિત્ર છાનું રાખવા માટે;
જગત સામે અમે કાયમ તમારી હાજરી દોરી!

ખબર છે કે અધૂરપ આયખાભર ચાલવાની છે
અમારામાં ઊભી છે બહાવરી મીરાં હરિ દોરી!

~ અનિલ ચાવડા

૪. “…ચીર પૂરાવ્યાં હતાં…”

નાનપણમાં રોઈને જે જે રમકડાં મેં ખરીદાવ્યાં હતાં,
એ જ પાછા મારી ઘડપણની કરચલી ભાંગવા આવ્યાં હતાં.

એક ગમતી વ્યક્તિ સામે શું મળી કે સઘળું તાજું થઈ ગયું,
નોટમાં વર્ષો પહેલાં જે પ્રસંગોને મેં ટપકાવ્યાં હતાં.

જેલની દીવાલમાં બાકોરું પાડી થઈ ગયાં છે એ ફરાર,
સાવ રંગેહાથ જે બે નંબરી સપનાં મેં પકડાવ્યાં હતાં.

પાંડવોના જુગટું જેવો સમય હો તોય શું, પ્હોંચી વળું,
ફક્ત આબરુ રાખવા આ કૃષ્ણની મેં ચીર પૂરાવ્યાં હતાં.

~ અનિલ ચાવડા

૫.  “…સધિયારો….!”

દોસ્ત! લાંબો આપણો ટકશે ન સધિયારો;
હું છું લીલું ઝાડ, તું છે એક કઠિયારો.

જિંદગી અઘરી રમત છે, આ રમત અંદર;
કોઈ હાથો થાય છે તો કોઈ હથિયારો.

ભાગ માટેની લડતમાં ગૂંચવાયો છે,
આંસુઓનો આપણો આ પ્લોટ સહિયારો.

‘તું નથી’ એ વાત ખુદને ખૂબ સમજાવી,
માનવા તૈયાર ક્યાં છે જીવ દખિયારો.

વણઉકેલ્યો કોઈ શિલાલેખ છું હું તો,
છે મને પઢનાર અહિયાં કોઈ પઢિયારો?

~ અનિલ ચાવડા

આપનો પ્રતિભાવ આપો..