પ્રકરણ:27 ~ પ્રેક્ટિકલ શિક્ષણ ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી
એટલાન્ટા યુનિવર્સિટી ભલે ગોરી યુનિવર્સિટીઓની સરખામણીમાં નબળી હતી, પણ મુંબઈની અમારી સિડનહામ કૉલેજ કરતા તો હજારગણી સારી હતી!
સિડનહામ કૉલેજમાં તો અમે ગોખી-ગોખીને ભણતા, ગાઇડ્સમાં જે હતું તે એક્ઝામ પેપર્સમાં ઓકતા. પચાસ સાઠ છોકરાઓના ક્લાસમાં પ્રોફેસર આવે, વેઠ ઉતારતા હોય એમ લેકચર આપીને ચાલતા થાય. વિદ્યાર્થીઓ સમજે છે કે નહીં એની એને કાંઈ પડી ન હોય.
મારા કૉલેજના ચાર વરસ દરમિયાન પ્રોફેસર અને વિદ્યાર્થીઓ વચ્ચે ક્લાસમાં ક્યારેય કોઈ ચર્ચા થઇ હોય એવું યાદ નથી. જ્યાં પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચે જો વાત જ ન થતી હોય ત્યાં વિચારવિનિયમ કે ચર્ચાને અવકાશ કેવી રીતે હોય? માત્ર મુરલીભાઈએ જ મારી કાવ્યપ્રવૃત્તિમાં કંઈક રસ બતાડ્યો હતો. પણ એ તો ગુજરાતીના પ્રોફેસર, કૉમર્સ કોલેજમાં એમનું શું ગજું?

અહીં કેટલાક પ્રોફેસરો તો તમને ઘરે જમવા બોલાવે. વિદેશી વિદ્યાર્થીઓને એ લાભ બહુ મળતો.
અઠવાડિયામાં એક વાર મળતો સાંજનો એક ક્લાસ ભરવા અમે પ્રોફેસરને ઘરે જતા! જ્યાં એમનાં પત્ની અમારી આગતાસ્વાગતા કરે, ચા નાસ્તો આપે. અમારામાં રસ બતાડે. અમને એટલાન્ટામાં સ્થાયી થવામાં શી મુશ્કેલી પડે છે તે બાબતની પૂછપરછ કરે, અને બનતી મદદ કરે.
અમેરિકન યુનિવર્સિટી સિસ્ટમની એક વસ્તુ મેં ખાસ નોંધી. જે કોર્સ તમે લીધો હોય તેમાં તમે કેવું કરો છો, કયો ગ્રેડ મેળવશો એ બધું જ એ કોર્સનો પ્રોફેસર જ નક્કી કરે.
આપણે ત્યાં જેમ આખી યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ માટે જે એક જ એક્ઝામ પેપર નીકળે અને એ સેટ કરવાનું કે એને તપાસવાનું કામ તમારા પ્રોફેસર નહીં પણ કોઈ જુદા લોકો કરે.
અહીં તો તમારો પ્રોફેસર બધું નક્કી કરે. એ જ પેપર કાઢે અને એ જ ગ્રેડ કરે. એટલાન્ટા યુનિવર્સિટીમાં એક વિચિત્ર પ્રોફેસર હતો. એને ઇન્ડિયનો વિષે સખત પૂર્વગ્રહ હતો. કોઈ પણ ઇન્ડિયન વિદ્યાર્થીને એ સારા ગ્રેડ આપે જ નહીં.
અમે બધા નવા નવા એટલે એ બાબતની ફરિયાદ કરવાની અમારી હિંમત ન ચાલે. નીચી મૂંડીએ એ જે ગ્રેડ આપે તે લઈ આગળ વધીએ. અમે બધા A ગ્રેડથી ટેવાયેલા, પણ આ વિચિત્ર પ્રોફેસર પાસેથી જો F ગ્રેડ ન મળે તો જાન છૂટી એમ માનતા.
જો કે આ તો અપવાદ રૂપ જ પરિસ્થિતિ હતી. બાકીના બધા પ્રોફેસરો ઇન્ડિયનો માટે ખૂબ સારો અભિપ્રાય ધરાવતા. એમની ગ્રેડિંગ સિસ્ટમ પણ કોઈ પ્રકારના પૂર્વગ્રહ વગર થતી.
મુંબઈની કૉલેજની સરખામણીમાં અહીં ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી. પ્રોફેસર વિદ્યાર્થીઓને નામથી ઓળખે. ક્લાસમાં વિદ્યાર્થીઓને ચર્ચામાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહન આપે.
પ્રોફેસરનું લેકચર હોય ખરું, પણ પ્રમાણમાં ઓછું, અને તે પણ વિષયને માત્ર રજૂ કરવા માટે, પછી સોક્રેટીક મેથડ મુજબ ક્લાસની ચર્ચા દ્વારા જ શિક્ષણ અપાય. આશય તો વિદ્યાર્થીને સ્વતંત્ર વિચાર કરતા કરવાનો હોય છે.
એ ઉપરાંત વિદ્યાર્થીઓને ચાર પાંચ સહાધ્યાયીઓની ટીમ બનાવવાનું કહેવા આવે. એમ.બી.એ.ના અભ્યાસમાં વિદ્યાર્થીઓને ધંધાના પ્રશ્નો રજૂ કરતા કેસ આપવામાં આવે. એમણે એ પ્રશ્નોનો ઉકેલ ટીમના સહાધ્યાયીઓ સાથે મળીને કરવાનો હોય. આખીય ટીમ પ્રોફેસરને મળે અને ચર્ચા કરે.
આપણે ત્યાં કૉમર્સ કૉલેજના અત્યંત વ્યવહારુ વિષયો જેવા કે એકાઉંટીન્ગ કે માર્કેટિંગ પણ પોથીમાંનાં રીંગણાં જેમ ભણાવાતા.
મેં જોયું તો અહીંનું બિઝનેસ શિક્ષણ પ્રેક્ટિકલ ઘણું. જે કોઈ ભણવાના કેસ હોય તે જીવતીજાગતી કંપનીઓના હોય. જેમ કે કેવી રીતે જનરલ મોટર્સ કંપની સ્થપાઈ અને એ અમેરિકાની સર્વોચ્ચ કાર કંપની કેવી રીતે થઈ શકી?
… અથવા તો મોટો રિટેલ સ્ટોર સીઅર્સ એના હરીફ મોંટગોમરી વોર્ડથી કેવી રીતે જુદો હતો?
અમારે આવી કંપનીઓમાં જવાનું અને એના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતો કરવાની. અમારી ટીમને એટલાન્ટાની એક સિમેન્ટ ફેક્ટરીનો કેસ મળ્યો હતો તો અમારી ટીમ પ્રોફેસર સાથે એટલાન્ટાથી થોડે દૂર એક સિમેન્ટ ફેક્ટરીમાં ગઈ હતી.
અમારા કેટલાક પ્રોફેસરો જે વિષય ભણાવતા હોય તે બાબતનો એમને પોતાનો અનુભવ હોય. એટલું જ નહીં પણ કેટલાક પ્રોફેસરો તો પોતે હજુ પોતાના ક્ષેત્રે કંપનીઓમાં કામ કરતા હોય.
કેટલાકને પોતાની કન્સલ્ટીન્ગ પ્રેક્ટિસ હોય. કૉલેજમાં પાર્ટ ટાઈમ ભણાવતા હોય. અમારા બેન્કીન્ગના પ્રોફેસર એટલાન્ટાની ફેડરલ રિઝર્વ બેન્કના મોટા ઑફિસર હતા.

1960ના દાયકામાં માત્ર આપણા જ દેશમાં નહીં પણ આખી દુનિયામાં અમેરિકાના એમ.બી.એ.નું મોટું વળગણ હતું. કહેવાતું કે બિઝનેસની દુનિયામાં આગળ આવવું હોય તો અમેરિકા જઈને એમ.બી.એ.નું ભણી આવો.
અમેરિકન યુનિવર્સિટીમાંથી જો તમે એમ.બી.એ.ની ડીગ્રી લીધી હોય તો મોટી મોટી કંપનીઓમાં ફટ કરતાં સારો જોબ મળી જાય.
આ એમ.બી.એ.ની ડીગ્રીમાં હાર્વર્ડ યુનિવર્સિટીની ડિગ્રીનું મહત્ત્વ સૌથી વધુ.
હાર્વર્ડ યુનિવર્સિટીની કેસ મેથડ બહુ વખણાતી. એ મેથડના મૂળમાં મુખ્ય વિચાર એવો કે બિઝનેસનું શિક્ષણ થિયરીનાં થોથા ઉથલાવાથી નહીં, પણ જીવતાજાગતા ધંધાનો, એક્ચુઅલ કંપનીઓનો અભ્યાસ કરવાથી થાય છે. થિયરી પણ આવા એક્ચુઅલ કંપનીના કેસ દ્વારા જ રજૂ થાય.
અમેરિકાની મોટા ભાગની બિઝનેસ સ્કૂલ હાર્વર્ડમાં જે કેસ ભણાવાય તેનું અનુકરણ કરતી. અમે એટલાન્ટા યુનિવર્સિટીમાં પણ આવા હાર્વર્ડના ઘણા કેસ ભણ્યા.
ભારતમાં માત્ર એકાઉન્ટીન્ગના પ્રોફેસરને પોતાની ચાર્ટર્ડ એકાઉન્ટીન્ગની પ્રેક્ટિસ હતી. યાદ છે કે એ એક જ માત્ર પોતાની કારમાં આવે. બાકી બધા પ્રોફેસરો પરાની ટ્રેનમાં અમારી જેમ હડદોલા ખાતાં આવે!
એ એકાઉન્ટીન્ગના પ્રોફેસરની ભલે પ્રેક્ટિસ હોય અને એમના રોજબરોજના કામમાં કંપનીઓના પ્રશ્નો ઉકેલતા હોય, પણ ક્લાસમાં એમનું ભણાવવાનું પોથીમાંના રીંગણ જેવું જ.
મેં એમને એમના અનુભવના પ્રશ્નોની કોઈ પણ ચર્ચા કરતા સાંભળ્યા નથી. વર્તમાન એકાઉન્ટીન્ગની પ્રેક્ટિસના પ્રશ્નો શું છે, કે એ વિષે એમનો અભિપ્રાય શું છે, એ બાબતની ક્યારેય એમણે ચર્ચા કરી હોય એવું યાદ નથી. માત્ર જમાઉધારની જર્નલ એન્ટ્રી કેમ પાડવી, બેલેન્સશીટને કેમ ટેલી કરવી, એ બતાડે.
એકાઉન્ટીન્ગ શું છે, એનો સામાજિક અને આર્થિક હેતુ શું છે, વિકસતા દેશની અર્થવ્યવસ્થામાં એનું સ્થાન શું છે, આપણે શા માટે એકાઉન્ટીન્ગનો અભ્યાસ કરવો જોઈએ – એવી કોઈ દિવસ વાત જ નહીં. માત્ર એકાઉન્ટીન્ગ જ નહી, પરંતુ બીજા બધાં જ વિષયોમાં પણ એક્ઝામમાં શું પૂછાશે અને અમારે એનો શું જવાબ આપવો એની જ વાત હોય.
આશ્ચર્યની વાત તો એ છે કે દેશના નાણાપ્રધાન પંચવર્ષીય યોજના રજૂ કરતા હોય અને અમે ઇકોનોમિક્સના ક્લાસમાં એનો ઉલ્લેખ પણ ન સાંભળીએ. એ ભણતર કેવું?
અહીં અમેરિકામાં લોકો પોતાની કૉલેજને જિંદગીભર યાદ કરે. દરેક કૉલેજનું એકે એક ગામમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું અલુમનાઈ એસોશિએસન હોય.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કૉલેજને નાણાંકીય મદદ કરવાની પોતાની ફરજ સમજે. કેટલાક તો લાખો અને કરોડો ડોલર્સનું દાન કરે.
ઘણા પોતાનું વિલ બનાવતી વખતે કૉલેજને યાદ રાખે અને મર્યા પછી પોતાની મિલકતનો અમુક ભાગ કૉલેજને મળે એવી જોગવાઈ કરે.
કૉલેજો પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સંબંધ જાળવી રાખે, દર વર્ષે ગ્રેજુએશન સમયે એમને યાદ રાખીને બોલાવે, માનસન્માન કરે અને જે વિદ્યાર્થીઓએ અસાધારણ સિદ્ધિઓ મેળવી હોય એમને ઓનરરી ડિગ્રી આપે.
કૉલેજમાંથી નીકળ્યા પછી મને યાદ નથી કે સિડનહામ કૉલેજ કે મુંબઈ યુનિવર્સિટીએ મારો કોઈ દિવસ સંપર્ક સાધ્યો હોય.
હું જ્યારે જ્યારે મુંબઈ જાઉં ત્યારે સિડનહામ કૉલેજમાં જરૂર આંટો મારું. દરવાજે પોલિસ ઊભો હોય એ આવવાની મનાઈ કરે. એને સમજાવું કે હું અહીં એક વાર વિદ્યાર્થી હતો ત્યારે માંડમાંડ મને અંદર જવા દે. અંદર ગયા પછી પણ કૉલેજમાં આંટા માર્યા સિવાય બીજું હું શું કરી શકું?
મને ઘણી વાર વિદ્યાર્થીઓની સાથે કે પ્રોફેસરોની સાથે વાતો અને વિચારવિનિમય કરવાનું મન થાય. પણ કોને કહેવું? કોઈ અલુમનાઈ ઑફિસ હોય તો પૂછું ને?
એટલાન્ટા યુનિવર્સિટી ભલે શહેરના કાળા વિસ્તારમાં હતી, પણ હતી તો અમેરિકામાં અને તે પણ એટલાન્ટા જેવા શહેરમાં.
અમેરિકાની સિવિલ વોરમાં આ શહેરનું મોટું નામ હતું. સિવિલ વોરની એક અગત્યની લડાઈ અહીં થયેલી. એ લડાઈમાં શર્મન નામના અમેરિકન જનરલે એની વિખ્યાત March to the Sea એટલાન્ટાથી શરૂ કરી હતી અને દક્ષિણનાં રાજ્યોને હરાવવામાં મોટો ભાગ ભજવેલો.
એ વિશેની પ્રખ્યાત મૂવી ‘Gone with the Wind’ મેં મુંબઈના મેટ્રો થિયેટરમાં જોયેલી,
જો કે ત્યારે કલ્પના પણ નહોતી કે હું એ એટલાન્ટામાં એક વાર જઈશ અને ત્યાં યુનિવર્સિટીમાં ભણીશ.
થયું કે એટલાન્ટા જેવા અગત્યના શહેરમાં હું આવ્યો જ છું તો મારે એનો લાભ લેવો જોઈએ. ત્યાંનાં પ્રસિદ્ધ છાપાં Atlanta Journal and Constitutionના ખ્યાતનામ તંત્રી રાલ્ફ મક્ગીલને પત્ર લખ્યો કે મારે તમને મળવું છે. એનો જવાબ તરત આવ્યો. કહે, જરૂર આવો.

હું તો પહોંચી ગયો. ત્યારે વિયેટનામનું યુદ્ધ ચાલતું હતું. એ વિશેનો મારો તીવ્ર વિરોધ મેં રજૂ કર્યો. ભૂલતો ન હોઉં તો મક્ગીલ એ વોરના હિમાયતી હતા. આર્કાન્સાસના સેનેટર વિલિયમ ફુલબ્રાઈટ એ વોરની વિરુદ્ધ સેનેટમાં હિઅરિંગ્સ ચલાવતા હતાં. એ બાબતમાં મેં એમનાં વખાણ કર્યા.

મક્ગીલે મને ફુલબ્રાઈટની બાબતમાં ચેતવ્યો. કહે, એ ભલે વિયેટનામની મોટી મોટી વાતો કરે, પણ તમે એનો વોટીંગ રેકર્ડ તપાસશો તો ખબર પડશે કે એમણે જિંદગી આખી કાળાઓને સિવિલ રાઈટ્સ આપવાનો વિરોધ કર્યો છે.
મક્ગીલ પોતે કાળાઓને સિવિલ રાઈટ્સ આપવાના મોટા હિમાયતી હતા. જો કે ફુલબ્રાઈટની મોટી મૂંઝવણ એ હતી કે દક્ષિણના કોઈ પણ રાજ્યમાં તમારે ચૂંટણીમાં જીતવું હોય તો કાળાઓને સિવિલ રાઈટ્સ આપવાની વાત જ ન કરાય.
મેં ક્લાસ ભરવાના શરૂ કર્યા. વિચાર એવો હતો કે જેટલું બને તેટલું જલદીથી ભણવાનું પૂરું કરવું અને કામે લાગી જવું. દેશમાંથી નલિનીના કાગળો આવવાના શરૂ થઇ ગયા હતાં કે ક્યારે બોલાવો છો? વળી ત્યાં ઘર ચલાવવા માટે પૈસા પણ નિયમિત મોકલવાના હતા.
બા-કાકા હજી હમણાં જ મુંબઈ આવીને સ્થાયી થયાં હતાં, તેમની પાસે પૈસાની કોઈ સગવડ નહોતી. હું જ્યારે મુંબઈથી નીકળ્યો ત્યારે મારી પાસે કોઈ બચત નહોતી. ઊલટાનું થોડુંઘણું દેવું હતું. વધુમાં એટલાન્ટાનો જે કંઈ ખરચ થતો હતો તે પણ પૂરો પાડવાનો હતો.
જારેચા બહુ ભલા માણસ. એ તો મદદ કરવા હંમેશ તૈયાર હતા, પણ એમણે મારે માટે ઘણું કર્યું હતું, એટલે હવે એમની પાસે હાથ લંબાવવાની મારી ઇચ્છા નહોતી. એટલે એમની ઑફિસમાં, ડોર્મના કિચનમાં, લાયબ્રેરીમાં જ્યાં જ્યાં કામ મળતું હતું ત્યાં પાર્ટ ટાઈમ કામ કરવાનું શરૂ કરી દીધું.
અમેરિકામાં કામ કરવાનો આ મારો પહેલો અનુભવ હતો. મોટા ભાગનું જે કામ હું કરતો હતો તે હાઈસ્કૂલના છોકરાછોકરીઓ માટે હતું.
એ બધા વચ્ચે હું પચીસ વરસનો હતો અને એમ.બી.એ.નું ભણતો હતો. એ વાત જાણીને બધાંને આશ્ચર્ય થતું હતું અને મને સંકોચ થતો હતો. પણ કામ કર્યા સિવાય, થોડા ઘણા પૈસા કમાયા સિવાય છૂટકો ન હતો. ખાસ કરીને ડોર્મના કિચનમાં મોટાં તપેલા ઉપાડવાનું, સાફ કરવાનું કામ મને ખૂબ આકરું લાગતું હતું.
પહેલાં તો મારાથી એ ભારે વાસણો ઊંચકાય જ નહીં. પહેલે જ દિવસે કિચનમાં એક મોટું તપેલું ઉપાડવા ગયો, પણ ઊપડે તો ને? એક કાળી છોકરી મારી મથામણ જોતી હતી, પાસે આવી એક હાથે એ તપેલું ઉપાડી હસવા માંડી!
ઑફિસનાં કામોમાં પણ કંપ્યુટીંગ મશીન ચલાવતાં આવડે નહીં. દેશમાં મેં એકાઉન્ટીન્ગનું કામ આંગળીના વેઢેથી કરેલું. હજી કેલ્કયુલેટર આવ્યા નહોતા, તો કમ્પુટરની વાત ક્યાં કરવી? દેશનો મારો અનુભવ અને જે કાંઈ આવડત હતી તે બધી અહીં નકામી નીવડી.
એક કંપનીમાં મને એકાઉન્ટીન્ગ ક્લર્ક તરીકે જે પાર્ટટાઇમ નોકરી મળી હતી તેમાંથી મને એક જ અઠવાડિયામાં રજા મળી. ભલે ને હું રાલ્ફ મક્ગીલ જેવા મોટા તંત્રી અને વિચારક સાથે વિયેટનામ વિષે ચર્ચા કરી શકું, પણ એક એકાઉન્ટીન્ગ ક્લર્ક તરીકે કામ કરવામાંથી મને રજા મળે છે!
માત્ર એક લાઈબ્રેરીના કામમાં કાંઈ વાંધો નહીં આવ્યો. લાઈબ્રેરીના ઓપન સ્ટેક જોઈ હું છક્ક થઈ ગયો. દેશની કૉલેજમાં જો કોઈ ચોપડી જોઈતી હોય તો લાયબ્રેરિયનને સ્લીપ ભરીને આપવાની, એ પ્યૂનને આપે, એ એની ફુરસદે સ્ટેકમાં જાય. વારંવાર એમને વિનંતી કરવી પડે.
પુસ્તકની તમને બહુ જરૂર હોય અને એને ચાપાણી પીવરાવ્યાં હોય તો જ એ ચોપડી તમને જોઈતી હોય ત્યારે મળે. અહીં તો ઓપન સ્ટેક! કોઈ પણ વિદ્યાર્થી સહજ જ ત્યાં જાય અને પોતાને જોઈતું પુસ્તક લઈ લે. ત્યાં વાંચવાની પણ સગવડ હોય.
મારું કામ આ સ્ટેકમાં નવી ચોપડીઓ આવી હોય તે યથાસ્થાને ગોઠવવાનું. લાઈબ્રેરીના ઓપન સ્ટેકમાં છૂટથી ફરવા મળવાથી મને અનેક પ્રકારનાં પુસ્તકો જોવા મળ્યાં. જો કે મારે ભાગ્યે અહીં પણ એકાઉન્ટીન્ગ અને બિઝનેસના વિષયો ભણવાના હતાં, પણ મેં તો પોલિટિક્સ અને સાહિત્યનાં પુસ્તકો અને મેગેઝીનો પર મારો શરૂ કર્યો.
ભણવામાં અને પાર્ટ ટાઈમ કામમાંથી મને જે સમય મળતો તે હું શહેર અને આજુબાજુ ફરવામાં કાઢતો.
જારેચા પાસે તો ગાડી હતી. એ અમારા જેવા દેશી વિદ્યાર્થીઓને ગ્રોસરી અને બીજું શોપિંગ કરવા લઈ જાય. હું ઘણી વાર મારી મેળે એકલો બસમાં કે ચાલતો ચાલતો જતો.
એક વાર આમ ડોર્મથી ડાઉન ટાઉન ચાલતો ગયો. ઠંડી હતી, પણ જુવાનીના તોરમાં એમ માન્યું કે એમાં શું થઈ જવાનું છે? બે માઈલ જેટલું ચાલ્યો. થીજી ગયો.
જારેચાને જ્યારે ખબર પડી ત્યારે એમણે મને ઠપકો આપ્યો. કહે, ઠંડીમાં આમ બહાર નીકળશો તો ન્યૂમોનિયા થઇ જશે. અને જો હોસ્પિટલમાં જવું પડશે તો હજારો ડોલરનો ખર્ચ થશે.
પછી એમણે મને અમેરિકન હેલ્થકેરની સિસ્ટમ કેવી રીતે માણસોનું દેવાળું કઢાવે છે તે સમજાવ્યું. હું ચેત્યો, પછી ચાલવાને બદલે બસમાં જતો.
(ક્રમશ:)