આથમણી કોરનો ઉજાસ ~ ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી ~ પત્ર: ૫૦ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ
પત્ર નં. ૫૦
પ્રિય દેવી,
તારો પત્ર વાંચવાની ખૂબ મઝા આવી.
બાલ્યાવસ્થાનાં સ્મરણો અને વતનનો ઝુરાપો-બન્ને વિષયો સ-રસ રીતે તેં સાંકળ્યા.
હું શહેરમાં જ જન્મી અને ઊછરી પરંતુ પટેલ રહ્યા એટલે ગામ સાથે અતૂટ નાતો!
‘પાલ’ નામનાં માસીના ગામ અને મોટાકાકાનાં ‘રાંદેર’ની યાદનો મેળો ઉમટ્યો. સાથે સાથે બહોળું કુટુંબ, હસી-મજાક, ભાઈઓ સાથે સવારે થતાં અને સાંજે ભૂલી જવાતા ઝઘડા, લાડ-પાનની સાથે બાપુજીનો ડર, ભોળી બા, માથી અધિક એવા ભાભીમા (મારા બાપુજી મારા સૌથી મોટા ભાભીને ‘ભાભીમા’ કહેવાનું કહેતાં), શેરીનાં મિત્રો, નાનાભાઈને પજવવાનો આનંદ, કેરીગાળામાં માસીને ત્યાંથી આવતી કેરીઓ ઝાપટી વેકેશનમાં (કેરીગાળામાં જ આવતું વેકેશન) ભાઈઓ સાથે બેસી રમતાં ગંજીપા, શેતરંજ, ચેસ વગેરે…. એ બધું લખવા બેસું તો કદાચ આખું પુસ્તક ભરાઈ જાય.
ગામડે જતાં ત્યારે બહાર ખાટલામાં સૂતાં સૂતાં આકાશ જોવાની મઝા, સવારના પહોરમાં ભેંસના તાજા દૂધની સુગંધ! મને છાણની વાસ ગમતી નહીં એટલે ખાસ મને ચીઢવતાં મારા મામા કરતાં પણ અદકેરા માસા (મારે મામા નથી), માસી સ્થાનિક સ્કૂલનાં હેડમિસ્ટ્રેસ એટલે ગામમાં થોડો વટ મારવાની મઝા…
દેવી, તારા પત્રએ બચપણની યાદોના વૃક્ષને થડમાંથી હલાવ્યું અને યાદોનાં ફૂલોથી મનઆંગણ છલકાઈ ઊઠ્યું!
સાથે સાથે ૧૯૬૮માં યુ.કે.માં વસવાટ આરંભ્યો ત્યારનો વતન ઝુરાપો અને અત્યારે વતનનું આકર્ષણ ખરું પરંતુ તેં કહ્યું તેમ ઝુરાપો ક્યારે માત્ર ‘ખેંચાણ’માં પરિવર્તિત થયો ખબર નહીં!
કારણો વિચારીએ તો ઘણા છે પરંતુ એ વાસ્તવિકતાનું દુઃખ પણ થાય! દુનિયા નાની થતી જાય છે એ સાચું, વતનમાં પણ પશ્ચિમ તરફનું જબરજસ્ત આકર્ષણ અને વતન જેવું વાતાવરણ પશ્ચિમમાં પણ ઉપલબ્ધ હોવા ઉપરાંત વધતી ઉંમર સાથે અદૃષ્ય થતી જતી નિર્દોષતા પણ મને લાગે છે મોટો ભાગ ભજવે છે.
દા.ત. જ્યાં સુધી ચંદ્ર ગ્રહ નહોતો ત્યાં સુધી તે મામા લાગતાં, એમાં ડોશીનું ચિત્ર જોતાં, તે જે નિર્દોષ આનંદ હતો તે જ્ઞાન આવતાં જ ખલાસ થઈ ગયો. આ જ રીતે દુનિયાને પિછાણતાં થયાં, માણસોના સાચા ચહેરા ઓળખતાં થતાં ગયાં અને જીવનમાંથી બાળપણનો નિર્દોષ આનંદ હાથમાંથી સરકી જવા માંડ્યો.
ખેર, હજુ પણ દર વર્ષે ભારત જવાનો આનંદ માણવા મળે છે એ પણ ગનીમત!
આ પત્ર અધૂરો છોડ્યો હતો તે ફરી હમણાં શરૂ કર્યો, એ દરમ્યાન એક જ દિવસે ત્રણ એવી ઘટનાઓ બની કે આનંદની હેલીમાંથી સીધી આઘાતના વમળમાં ફેંકાઈ ગઈ!
જે દિવસે મારી ભત્રીજી ખ્યાતિના દીકરાને ત્યાં દીકરાના જન્મના સમાચાર મળ્યા તે જ પાંચ મિનિટની અંદર મારા કુટુંબની નજીકની વ્યક્તિના મૃત્યુના સમાચાર મળ્યા. આખો દિવસ આ બે બનાવોની આસપાસ મન ભમતું રહ્યું.
સાંજે એક એવો બનાવ બન્યો કે હું સાચે જ હચમચી ગઈ!
મારા પડોશી પણ અમારી જેમ બે જણ પતિ-પત્ની રહે છે. સાંજે ૬.૩૦ની આજુબાજુ જમ્યાં અને રસોડાનું કામ આટોપતાં હતાં ત્યાં મોટો ધડાકો સાંભળ્યો. એમને થયું કે બહાર ફટાકડાં ફૂટ્યાં એવો અવાજ આવ્યો.
ઘડી માટે થોભ્યાં અને ફરી કામ હજુ શરૂ જ કર્યું અને બીજો મોટો ધડાકો સીંટિંગ રૂમમાંથી આવ્યો. એટલે પેલા ભાઈ સીધા ત્યાં દોડ્યા અને પેલા બહેનને એટલો ખ્યાલ આવ્યો કે ઘરમાં કોઈ ઘૂસ્યું છે એટલે ભગવાને સૂઝાડ્યું અને બહારનું બારણું ખોલી ચીસા-ચીસ શરુ કરી.
બીજી બાજુ પેલા ભાઈએ બે કે ત્રણ માણસને પેટીયો ડોર પાસે હાથમાં બ્રુમ સાથે ઊભેલાં જોયા એટલે પોતાના રક્ષણાર્થે સામે કોફી ટેબલ પડ્યું હતું તે ધરી દીધું તેથી બચી ગયા.
પેલા ચોરોને ખ્યાલ આવ્યો કે બહાર બહેનની ચીસોથી લોકો આવશે એટલે એ લોકો પણ આગલે દરવાજે પેલા બહેનને ધક્કો મારી અને ભાઈના લમણે મુક્કો મારી, બહાર કાર તૈયાર જ હતી, તેમાં બેસી ભાગી ગયા!
માય ગોડ, દેવી, સાચે જ અમે બન્ને જણ ધ્રૂજી ગયા. મારા સીસીટીવી કેમેરામાં એ લોકો જતાં અને ભાગતાં દેખાય છે પરંતુ સ્પષ્ટ પિક્ચર દેખાતું ન હોવાથી પોલીસ તપાસ કરે છે. ઘરમાં ન હોઈએ અને ચોરી થાય તે વાત અલગ અને ઘરમાં હોઈએ અને ચોર આવવાની હિંમત કરે એ વાત જ ભયંકર લાગે. ત્યાં તો તારું એક મુક્તક યાદ આવ્યું:
રસ્તે ઉતારચડાવ છે,
લાગે હવે મુકામ છે,
જાણો પછી ઉદાસ થઇ,
આ તો જરા પડાવ છે.
બસ આવા પડાવો પાર કરતી વખતે તારા જેવા દોસ્તનો ખભો મળે એ જ બહુ મોટી વાત છે. તારી કવિતાઓ સાચે જ ઘણીવાર એવા સમયે મળે છે જ્યારે મને એવા સહારાની જરૂર હોય. તારી કવિતાની પ્રગલ્ભતા અને અંતરને સ્પર્શી જતી સંવેદના દરેક કવિતાએ એક એક ચરણ ઉપર ચઢતી લાગે!
ખેર, દેવી, તારા પત્રમાં લખેલી, ‘ક્યારેક કોઈ વાર્તા વાંચી કે વાત સાંભળી મન દ્રવી જાય’, તે વાતના સંદર્ભમાં એક વાત યાદ આવી.
ક્યાંક વાંચ્યું હતું કે જ્યારે અન્યના દુઃખે આંખ ચૂઈ પડે ત્યારે મન લાખની જેમ દ્રવે અને તો જ તેના પર ઈશ્વરની કૃપાનો સિક્કો પડે. પોતાના સ્વાર્થે તો સૌ કોઈ રડે પણ અન્યને માટે રડી ઊઠે એવું કાળજું મળે અને રહે એ ખૂબ મોટી વાત છે.
હું જ્યારે રેડિયો પર કામ કરતી હતી ત્યારે મારા કાર્યક્રમના ભાગરૂપે હંમેશા વાર્તા વાંચતી.
ઘણીવાર વાંચતાં વાંચતાં રડવું રોકાય નહીં અને તરત જ જે હાથમાં આવે તે ગીત મૂકી દેતી. ત્યારે એક શ્રોતાએ મને કહ્યું કે પ્રોફેશનલ થઈને આમ રડો તે સારું નહી. બીજા શ્રોતાએ કહ્યું કે, ‘હજુ બીજા માટે રડવું આવે છે એ નિર્દોષ મનની નિશાની છે. ભગવાન તમારી એ નિર્દોષતા હંમેશા સલામત રાખે.’
ચાલ, પત્ર ધારવા કરતાં ખૂબ લાંબો થઈ ગયો એટલે તારા એક મુક્તક સાથે વિરમું,
ઝીણી ઝીણી જાળી જેવી
ખરેલ પાનની ડાળી,
રંગ ગયાં, ફળ ફૂલ ગયાં,
ઋતુને દઈ બે તાળી
ક્રમ સ્વીકારી, મનને વાળી,
ડાળી ઉભેલ સ્થિર,
થડ ને મૂળ બસ જડાઇ રહ્યાં,
વાત સમજો શાણી.
નીનાની સ્નેહ યાદ.