કાવ્ય પંચવટી – ડૉ. મધુમતિ મહેતા

કવયિત્રી પરિચય –

ડૉ. મધુમતિ મહેતા ગુજરાતી સાહિત્યનું માતબર નામ છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં જન્મેલા ડો. કવયિત્રી મધુમતી મહેતા છેલ્લાં ઘણાં વર્ષોથી શિકાગોમાં રહી કવિતાની જ્યોત પ્રગટાવી રહ્યા છે. ડોક્ટર તરીકે નિવૃત્ત થયા પછી સાહિત્યસર્જન અને ચિત્રમાં પોતાના અંતરાત્માના રંગો વિખેરતા મધુમતી મહેતાનો માહ્યલો આધ્યાત્મના રંગે રંગાયેલા છે.

સાહિત્ય, સંગીત અને કલાની સુગંધ અમેરિકામાં મહેકતી રહે તે માટે તેમના જીવનસાથી અશરફ ડબાવાલા સાથે મળીને તેઓ ‘શિકાગો આર્ટ સર્કલ‘ નામનું અજવાળું પાથરી રહ્યા છે. ગુજરાતી ભાષાના મોટાભાગના દિગ્ગજ સર્જકોએ પોતાનું સાહિત્ય આ મંચ પરથી પીરસ્યું છે. આ સંસ્થા દ્વારા મધુ રાય, આદિલ મન્સૂરી જેવા અનેક સર્જકોને લાઇફ ટાઇમ અચિવમેન્ટ આપીને પોંખવામાં આવ્યા છે.

મધુમતી મહેતાની કવિતામાં જીવાતા જીવનનું ગહન સત્ય બહુ સરળતાથી નિરૂપાયું છે. તળપદા અને ઓછા વપરાતા શબ્દો પણ જ્યારે તેમની કવિતામાં આવે ત્યારે તે જીવંત થઈ ખીલી ઊઠે છે. એમનો કાવ્યસંગ્રહ ‘નામ તારું રુદ્રાક્ષ પર’ ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરત લિટરરી એકેડેમી ઑફ નોર્થ અમેરિકા દ્વારા પુરસ્કૃત થયો છે. ગુજરાતી ભાષાની રુદ્રાક્ષ પર તેમનું નામ હરહંમેશ લખાયેલું રહેશે તેવું નિસંકોચ કહી શકાય.

૧. “…જેવું કંઈ નથી…!” ~ ગઝલ

શ્વાસ કાયમનો છતાં સહવાસ જેવું કંઈ નથી.
સૂર્યનો આભાસ છે, અજવાસ જેવું કંઈ નથી.

તેં નકાર્યું  જ્યારથી  રંગોભર્યા  અસ્તિત્વને
રક્તની આ દોડમાં, ઉલ્લાસ  જેવું કંઈ નથી

કોઈ પણ આવી શકે, આવીને જઈ પણ શકે
જિંદગી છે આ, દિવાનેખાસ  જેવું કંઈ નથી

જ્યાં મળ્યો આવકારો ત્યાં અમે રોકાઈ ગયા
ગામ ઘર શેરી અને વનવાસ જેવું કંઈ નથી

હું  નથી  દરિયો  કે  દટાયેલ  મોહેંજોદેરો
હું નદીનું વહેણ છું,  ઈતિહાસ જેવું કંઈ નથી

  • ડૉ. મધુમતી મહેતા

 ૨. “…રામ, તમે આવોને…!”

મારી પાટીના અક્ષર ભૂંસાય, કે રામ તમે આવોને!
મારા  ફેરાના મીંડા ઘૂંટાયો, હે રામ! તમે આવોને!

મારું હોવું અભરખાનું ઝાડ, કે રામ  તમે  આવોને!
મારી ફરતે અજંપાની વાડ, હે રામ! તમે આવોને!

મારી છાતીમાં નોધારી ચીસ, કે રામ તમે આવોને!
મેં તો સાચવીને રાખી છે રીસ, હે રામ! તમે આવોને!

મારી આંખે ઉજાગરાનું જાળું, કે રામ તમે આવોને!
હું તો આવ્યાના ભણકારા પાળું, હે રામ! તમે આવોને!

છેડો આતમમાં મલ્હારી રાગ, કે રામ તમે આવોને!
મારા ઈંધણમાં ચાંપો રે આગ, હે રામ! તમે આવોને!

હવે જીવતર આ જૂના કથીર, કે રામ તમે આવોને!
મારી અંદરથી ખોવાણા પીર, હે રામ! તમે આવોને!

  • ડૉ. મધુમતી મહેતા

૩. “…સરહદ પરનો કેદી…!”

હું સરહદ પરનો કેદી
હું મારાથી અલગ છતાં ના મુજને શકતો ભેદી
– હું સરહદ પરનો કેદી…!

ભગવાં પહેરી જંગલ જઈએ કે જઈએ ગુરુદ્વારા
બંધ કરી મન સાત પટારે, જપું હરિની માળા
રંગ ચડે જો લાલચટક તો એને કહીએ મહેંદી
– હું સરહદ પરનો કેદી…!

માથે સૂરજ લઈને ફરતાં ને મનમાં અંધારાં
આતમજળમાં ઊંડે ઉંડે પરપોટાના જાળાં
ભાંગીતૂટી જાત, ઉપરથી ઈચ્છાઓ પણ એદી
– હું સરહદ પરનો કેદી…!

  • ડૉ. મધુમતી મહેતા

૪. “…જાણું છું…!”

દેહના ચાર ધામ જાણું છું.
હું હવે રામનામ  જાણું છું.

ઘાવને આરપાર જાણું છું.
દર્દની સારવાર  જાણું છું.

ઓળખી ના શકું જગતને પણ
સંતની જાતપાત જાણું છું.

આપ અદ્રશ્ય દ્રષ્ટિ માટે છો,
આપનાં નામઠામ જાણું છું.

જે તરી જાય ને તરાવે પણ
એમની આનબાન જાણું છું.

ના હું શબરી, નથી હું સીતા પણ
પ્રેમનાણ રામબાણ જાણું છું.

  • ડૉ. મધુમતી મહેતા 

૫. “ગમતી ગલિયું રાખો…!”

ગજવે ગમતી ગલિયું રાખો;
સરનામું ગોકુળિયું રાખો.

ઘરમાં ઘર ઘર રમવા માટે,
એક શિશુ કલબલિયું રાખો.

આંખે અંધારાં ઉજવાશે,
હાથવગું ઝળઝળિયું રાખો.

હીબકાઓ પણ હળવા થાશે,
આંગળીએ ગલગલિયું રાખો.

નામ ઘૂંટો તો ઘૂંટો એનું,
બાકી સૌ ગડબડિયું રાખો.

સ્મરણો ખરબચડાં હોવાનાં
અંગરખું મખમલિયું રાખો.

લાભ શુભથી ઉપર છે જે,
મનમાં એ ચોઘડિયું રાખો.

       – ડૉ. મધુમતી મહેતા

આપનો પ્રતિભાવ આપો..