|

અંધારી રાતનો સૂરજ ~ ઉડિયા વાર્તા ~ મૂળ લેખક: મહાપાત્ર નીલમણી સાહુ ~ અનુવાદ: ડૉ. રેણુકા સોની

રોજની જેમ આજે પણ મૃત્યુંજયબાબુ થેલી લઇ શાક લેવા ચાલ્યા. ધર્મપત્નીએ યાદી હાથમાં પકડાવી. રીંગણ, કોળું સૂરણ, તુરિયા…વગેરે વગેરે.

યાદી જોવાનું મન ન થયું. એક જ સરખો સ્વાદ. ખાઈ-ખાઈને કંટાળો આવી ગયો છે. બજારમાં પરવળ નવાનવા આવ્યા છે. લાંબાલાંબા લીલાછમ પરવળ. ભાત સાથે રસવાળું શાક ખાવ તો મજા પડી જાય. વરસાદ પહેલાના પરવળ મીઠાં લાગે. વરસાદ પડી જાય એટલે સાવ  ફિક્કા લાગે.

પણ, ધર્મપત્નીને જો પરવળની વાત કરો કે એમનો ગુસ્સો સાતમા અસમાને પહોંચે,  “આવ્યા મોટા, પરવળ ખાવાવાળા! પગાર છે ખાલી બસો રૂપિયા ને ઘરમાં ખાવાવાળા પ્રાણી સાત! – એમાંયે ચોખા એક રૂપયે શેર, દાળ દોઢ રૂપિયે શેર!

પંદર તારીખ ગઈ નથી કે આની પાસે પેલાની પાસે ઉધાર માટે હાથ ફેલાવો! પહેરવા માટે એક સારી સાડી નથી, ધોઈ ધોઈને વારંવાર પહેરવી પડે છે. કુના પાસે બીજ ગણિતની ચોપડી નથી, કુની પાસે ફ્રોક નથી, મુન્ના પાસે પેન્ટ નથી, મુન્ની પાસે પેન નથી. સસરા માટે ત્રિફળા ચૂર્ણ નથી, સાસુ માટે બામ નથી અને પરવળ ખાવા છે તમારે? પરવળ? શરમ નથી આવતી? મારે વારે વારે તમને સમજાવાનું?”

પત્નીની પરવળ જેવી લાંબી લાંબી આંખો સામે ખાલી એકવાર નજર કરી મૃત્યુંજયબાબુ મનમાં મહામૃત્યુંજયના જપ કરવા લાગ્યા.

આવા સમયે પત્નીને કંઈ કહેવાની હિંમત ન ચાલે. ટાલ પડેલું તેમનું માથું ને ખાડાવાળા ગાલ. આગળ આવેલા દાંત ને ઊંડી ઉતરેલી આંખો. ગુસ્સે થાય ત્યારે વધારે ભયંકર લાગે. કુનાની માનો  સૌભાગ્યનું  ચિહ્ન, કપાળે લગાવેલો મોટો સિંદૂરનો ચાંદલો તો પતિ મૃત્યુંજયબાબુની આંખોમાં વધારે ભયંકર દીસે.

મૃત્યુંજયબાબુએ થેલી ઝાલી પીઠ ફેરવી લીધી. મૃત્યુંજય બાબુ થેલી લઇને હજુ ડગલું ચાલ્યા હશે કે મોટી  દીકરી કુની બોલી – “બાપુજી આજે માછલી લાવશો ને ?”

હજુ તો એના મોંએથી ‘માછલી’ શબ્દ નીકળ્યો કે રસોડામાંથી કુનાની માની રાડ સંભળાઈ, કુની આગળ બોલી શકી નહીં!

“મોટી માછલી ખાવાવાળી થઈ છે તે! જુઓ મેં યાદી આપી છે, એ પ્રમાણે જ લાવજો, કહું છું તમને! જોયા મોટા માછલી ખાવાવાળા! માછલી તો મારો ભાઈ ખાય છે. એનું ઊઠવું બેસવું, હળવું મળવું પ્રધાનો જોડે છે. એ માછલીયે ખાય છે ને એના છોકરાઓનેય ખવડાવે છે!”

મૃત્યુંજયબાબુ પત્નીની બૂમ સાંભળી પાછળ જોયા વગર રસ્તા પર ચઢ્યા. હજુ તો સાઈકલ પર બેસી પેડલ મારે છે ત્યાં પોલીસ પરેડ મેદાનમાં સાઈકલનું ટાયર દોડાવતો મોટો દીકરો કુનો દેખાયો.

સાંજ પડવા આવી છે. આ બાજુ પશ્ચિમ દિશામાં કાળા વાદળ ચઢી આવ્યા છે. જાણે હમણા વરસાદ તૂટી પડશે. વૈશાખ મહિનામાં આ બાજુ ભયંકર વાવાઝોડું આવે. ૭૦-૮૦ની માઈલે પવન ફુંકાય. ઝાડો, થાંભલા, પાડી નાખે, ઝૂપડાં ઉડાડી નાખે, ગાય, ભેસ બકરાં ઘેટાં અને માણસ પણ ઉડાડી લઇ જાય.

મૃત્યુંજયબાબુએ વાવાઝોડાની આશંકાએ કુનાને બૂમ પાડી – “કુના! એ કુના! ઘેર જતો રહે, વાવાઝોડું આવે છે. જા જા ભાગ!”

કુનાએ સાંભળ્યું હોય એવું લાગ્યું. કુનાએ સાઈકલનું ટાયર ઘર તરફ વળ્યું. ડાબી જમણી, વળી સીધો એમ થોડીવાર આ બાજુ પેલી બાજુ થતો રહ્યો. મૃત્યુંજયબાબુએ ફરી એકવાર બૂમ મારી તને ઘેર જવાની તાકીદ કરી અને બજાર તરફ વળ્યા.

રસ્તામાં જોયું તો ચંદ્રમોહનબાબુ પણ હાથમાં થેલી લઈ ડાબી બાજુથી આવતા હતા. આ જોઈ મૃત્યંજયબાબુ મનોમન કહે; ‘ચાલો, ઘણું સારું. એમનો સંગાથ થશે.’

ચંદ્રમોહનબાબુ તેમના કરતાં થોડું વધારે કમાય. નાનો પારવાર. સુખી પરિવાર. દરરોજ કસરત કરે. માણસ તરીકે ખુબ સારા. એકબીજાને નમસ્કાર કર્યા પછી બન્ને સાથે ચાલ્યા. ચન્દ્રમોહનબાબુ ભોજન પ્રેમી ખરા.

“આપણે જલદી પાછા આવી જઈશું. તમારે વધારે ખરીદવાનું તો નથીને?” મૃત્યુંજયબાબુએ  કહ્યું.

ચંદ્રમોહનબાબુ હસીને બોલ્યા; “ના, રે ના, આજે મારે વધારે કંઈ લેવું નથી. સાંભળ્યું છે સીતાસાગર બંધમાંથી માછલી આવી છે. તમે કદી ખાધી છે?”

મૃત્યુંજચબાબુએ નિસાસો નાખ્યો. “અમારા એવા નસીબ કયાં? એક મહિનાથી વધારે થયું આમીષ ભાળ્યું નથી. હવે ક્યાં રામરાજ્ય આવવાનું છે કે અમે સીતાસાગરની માછલી ખાઈ શકવાના!! શું ભાવ હશે?”

“સાત આઠ રૂપિયા હશે. દલાલોએ વચ્ચે આવી ભાવ વધારી દીધા છે. સાંજ સુધી બધી માછલી ચીલઝડપે જશે.”

મૃત્યુંજયબાબુને મનોમન થયું, ‘હે ભગવાન! અમારા જેવા મધ્યમવર્ગની શું હાલત થઇ છે! બે રૂપિયે કિલોના પરવળ નથી પરવડતાં! ત્યાં આઠ રૂપિયે કિલોની માછલી ક્યાંથી ખાવાના હતાં? પણ કોને કહેવું?’

પછી એમને થયું કે આ દુર્દશા જે બધાં ભોગવે છે તેઓ એમના જેવા નિર્બળ, ભીરુ, બેજવાબદાર છે. નસીબના દોષ દેવાથી કંઈ રોહી માછલી ખાવા મળવાની નથી, ભગવાન પાસે માગો તો એ કંઈ એક કિલો પરવળ ઘેર મોકલી આપવાના નથી. સમાજની આ હાલતમાં પરિવર્તન લાવવા માટે વિદ્રોહ જરૂરી છે. આવતી પેઢી આ સહન નહીં કરે. એ લઢશે, કોઈનેય છોડશે નહીં!

પત્નીએ શાક લેવાના ત્રણ રૂપિયા જ આપ્યા છે. એમાંથી એક માછલી પણ ન આવે. અને આવે તો પણ એ ક્યાંથી લેવાના છે? કારણ કે આ ત્રણ રૂપિયા તો એમના ઘરનો  ત્રણ દિવસના શાકનો ખર્ચ છે!

ભાજી, રીંગણ, બટાકા, કોળું …ના …ઓહ!  પણ, એમના મગજમાં ખાલી રોહી માછલી જ રમતી હતી. ભલા ચંદ્રમોહનબાબુની વાતોમાં હજુ એમનું જરીયે ધ્યાન નહોતું.

તેઓ અધાત્મિક ચેતનાની વાતો કરતાં હતા માણસની અંદર રહેલો પશુ ક્યારે મરશે? મૃત્યુંજયબાબુ કાનેથી સાંભળતા હતા ખરા પણ તેમનુ મન સીતાસાગરની રોહી માછલીમાં હતું અને મનમાં તો એની જ ફિલ્મ ચાલતી રહી. ‘સીતાસાગરની રોહી માછલી.’

ઓહ! મોટી દીકરી કુની. દસમામાં આવી પણ હજુ એવી ને એવી ભોળી. લાડ કરવાનું છોડતી નથી. દરરોજ કહે, બાપુજી આજે માછલી લાવશો ને?

એક દિવસ એની પૈસાદાર બેનપણીને ત્યાં રસોડામાંથી માછલીનું શાક ચોરીને ખાધું હતું. એની માએ એ દિવસે એને સાવરણીથી ફટકારી હતી. બિચારી એ દિવસે માર અને અપમાનના ભારથી સાવ નંખાઈ ગઈ હતી. અને તે દિવસથી…!’ મૃત્યુંજયબાબુ  સીતાસાગરની રોહીની સાથે પોતાની ભોળી, માછલીભૂખી, વહાલી દીકરીને યાદ કરી દુઃખી હતા.

ચંદ્રમોહનબાબુની વાતો હજુ ચાલતી હતી. “મૃત્યુંજયબાબુ, માણસમાં હજુ પણ પશુ જીવે છે. હવે તો માણસ પશુથી પણ વધારે હિંસક બન્યો છે. એક વાત કહું તમને?”

“કઈ વાત?” હવે મૃત્યુંજયબાબુને બોલ્યા વિના છૂટકો નહોતો, “બઉદપુરમાં જે રેલ દુર્ઘટના થઈ એ?”

“હા, હા. એમાં ઘણા લોકો મરી ગયા!! એક જણની ભૂલના કારણે… હા – એ તો ઠીક. સાંભળો અજુબાજુના ગામોમાંથી લોકો દોડી આવ્યા અને ઘાયલોની મદદ કરવાના બદલે એમનો માલસામાન લૂંટવા લાગ્યા- કોઈ હાથમાંથી ઘડિયાળ ખેંચી  લે  છે – કોઈ કાનની બુટ્ટી ખેંચી લે છે- કોઈ બેગ લઈ લે છે – કોઈ રેડીઓ – ઓહ કેટલું ખરાબ!”

વાત સાંભળી મૃત્યુંજયબાબુ પણ થથરી ગયા. તેઓ આંખો ફાડી ચંદ્રમોહનબાબુ તરફ તાકી રહ્યા.

પછી એમણે લાંબો નિસાસો નાખ્યો. સીતાસાગરની માછલી અને પોતાની માછલી ભૂખી દીકરી પરથી એમનું મન વળી ગયું.

ચંદ્રમોહનબાબુની વાતથી તેઓ ખુબ દુઃખી થયા. મનમાં નિરાશા વ્યાપી ગઈ, તેઓ કંઈ બોલી ન શક્યા જાણે આ બધામાં પોતાનો વાંક છે, એમ એમણે વધારે મોટો  નિસાસો નાખી કહ્યું, “ખરેખર આ તો ઘણા દુઃખની વાત છે!”

એ જ સમયે ઉત્તર પશ્ચિમ દિશામાંથી વાવાઝોડું ફૂંકાવાનું શરૂ થયું. પહેલાં થોડી ધૂળ ઊડી અને પછી જોતજોતામાં ધોધમાર વરસાદ સાથે ભયંકર પવન ફૂંકાવા લાગ્યો. આજુબાજુ બે ચાર જગ્યાએ વીજળી પણ પડી. ચારેબાજુ અંધારું ધબ્બ. પવનની ગતિ કલાકના સીતેર એંસી માઈલ થઈ ગઈ,

બન્ને મિત્રો સાઈકલ બહાર નાખી એક ફોટાવાળાની દુકાનમાં પેઠા. એમાં પહેલેથી વીસ ત્રીસ માણસો તોફાનથી બચવા ભરાયા હતા. દુકાનવાળાએ દરવાજો બંધ કરી દીધો.

લોકો દુકાનમાં ભરાઈને બહાર ચાલતી પ્રકૃતિની તાંડવ લીલાના અવાજો સંભાળતા હતાં. બહાર ઝાડો પડવાના અવાજો, છાપરા ઉડી  જવાના, ઘરો પડી જવાના, માણસો અને પ્રાણીઓની ચીચીઆરીઓ સંભળાતી હતી. અચાનક લાઈટ જતી રહી. રસ્તામાં વીજળીના થાંભલા પડી ગયા હતા અને તાર તૂટી ગયા હતા.

ચંદ્રમોહનબાબુ સ્થિતપ્રજ્ઞ બનીને ઊભા હતા, પણ મૃત્યુંજયબાબુ તો ડર અને આશંકાથી થથરતા હતા. એમને થતું હતું કે  સાઈકલના ટાયર સાથે રમવામાં મગ્ન મોટો દીકરો કુનો ઘેર પહોંચ્યો હશે કે નહીં?

વ્યાકુળ બની ટેવ પ્રમાણે તેઓ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. “હે પ્રભુ, આ સંકટમાંથી ઉગારજે!” અને ક્રમશઃ એમના માથા પરથી દીકરાની સુરક્ષાનો ડર જતો રહ્યો. પણ પછી તરત પત્ની યાદ આવી. તે ચોક્કસ તેમની  ચિંતા કરતી હશે કે ક્યાં હશે! “હે પ્રભુ કુનાની માનું મન શાંત થાય!”

થોડીવાર પછી ચંદ્રમોહનબાબુ બોલ્યા. “મૃત્યુંજયબાબુ શી રીતે પાછા જઈશું?”

“પહેલા આ વાવાઝોડું તો થમવા દો. જોર ઓછું થશે તો પણ પાછા તરત તો નહીં જવાય, કારણ, રસ્તા બંધ હશે.” મૃત્યંજયબાબુએ કહ્યું.

થોડીવાર પછી વરસાદ અને વાવાઝોડું થામી ગયા. લગભાગ પિસ્તાલીસ મિનિટ સુધી તાંડવ ચાલ્યું હશે. પછી અડધા કલાક સુધી વરસાદ પડતો રહ્યો. વરસાદ થોભ્યો પછી બન્ને મિત્રો દુકાનમાંથી બહાર નીકળી સાઈકલ પાસે આવ્યા. સાઈકલ લગભગ દબાઈ ગઈ હતી. એક ઝૂંપડાના છપરાનું બધું ઘાસ ઊડી એની પર પડ્યું હતું.

ચારેબાજુ અંધારું હતું. મૃત્યુંજયબાબુએ પોતાની જૂની ટોર્ચના અજવાળે સાઈકલ માંડમાંડ બહાર કાઢી. બન્ને મિત્રો ટોર્ચના આછાં ઉજાસમાં રસ્તો ફંફોસતા ફંફોસતા ઘર તરફ ચાલ્યા.

વાવાઝોડા પછીની પરિસ્થિતિ વધારે ભયંકર હતી. ચારેબાજુ અંધારું ધબ્બ! લોકો અધીરા બની ઘર તરફ દોડી રહ્યા હતા. કોઈ કોઈને બોલાવે  – કોઈને વળી કોઈ મળી નથી રહ્યું. કોઈ કોઈને મોટથી જવાબ આપે. કોઈ વળી જવાબ ન મળતાં બુમાબૂમ કરે.

તળાવ કિનારે દેડકાં  ‘ડ્રાઉં… ડ્રાઉં..’ કરી રહ્યા હતા. વરસાદ નથી પણ વીજળી ચમકે છે. પડી ગયેલા ઝાડ નીચે દબાયેલા કૂતરાની મરણ ચીસ સંભળાતી હતી.

આ બધાં વચ્ચે બે મિત્રો ડાળ ડાખળાંના ઢગલાં ખૂંદતા, ખૂંદતા માંડમાંડ આગળ ચાલતા  હતા. બન્નેના મોમાંથી એક શબ્દ પણ નીકળતો નહોતો. બસ એક જ ધ્યેય. શી રીતે ઘરે પહોંચવું? પોતાના પરિવારને હેમખેમ જોવા. મનમાં એ જ ઉદ્વેગ. એ વ્યાકુળતા. એ લોકો એકીશ્વાસે ઘર તરફ દોડ્યા.

જમણી બાજુ સીતાસાગર બંધ આવ્યો. બંધની આ બાજુ પીપળા, ગુલમોહર અને આંબલીનું વન.

ખૂબ મોટા મોટા ડાળ-ડાળખાવાળા આ ઝાડોના ઝૂંડની છાયામાં અસંખ્ય ચામાચિડિયાનો વાસ. વરસોથી લાખોની સંખ્યાંમાં અહીં રહે.

બાજુમાં આવેલા રાધાકાંત મઠના મહંત મહારાજના હુકમથી કોઈ એક પણ ચામાચિડિયાને મારી શકે નહીં. ક્યારેક કેટલાક ચામાચિડિયા વીજળીના તારમાં અટવાઈને મરી જાય તો માંસાહારી તે લઈ જઈને  પોતાની જીભની લાલસા સંતોષે.

સીતાસાગર બંધની અજુબાજુના વાતાવરણમાં હજુ પણ સવારે બે-ત્રણ મણ પકડાયેલી  માછલીની ગંધ ગઈ નથી. એ ગંધથી મૃત્યંજયબાબુ જરા વિચલિત થયા.

એમના પડોસી, સપ્લાઈ ઓફિસરના ઘરના રસોડામાંથી ચોક્કસ માછલી રંધાવાની સુગંધ આવતી હશે. લોભામણી ગંધથી કુનીના મોમાંથી લાળ ટપકતી હશે.

મૃત્યુંજયબાબુએ  જોયું કે અસંખ્ય લોકોએ બંધ તરફના રસ્તા બાજુ  દોટ મૂકી છે. અને બીજાં ઘણા કંઈ લૂંટી નાસી રહ્યા છે. ચારે બાજુ ‘હો.. હલ્લો..’ ને બૂમાબૂમ. એમાં વળી હર્ષનાદ પણ સંભળાયો.

ચંદ્રમોહનબાબુ આગળ હતા. અચાનક ઊભા રહી ગયા. મૃત્યુંજયબાબુને બૂમ પાડી, “મૃત્યુંજયબાબુ!”

તેઓ ગભરાઈ ગયા અને તરડાયેલા અવાજે પૂછ્યું, “બોલો, બોલો.. લો!  શું થયું.. યું..?”

“તમે જોયું?”

“શું..ઉં?”

“પેલું ઝાડ તૂટી ગયું છે અને લાખોની સંખ્યામાં ચામાચિડિયાના માળા પણ તૂટી ગયા છે. અસંખ્ય ચામાચિડિયા ઘાયલ થઈ રસ્તા પર આમતેમ પડ્યા છે. ઓહ! રસ્તા પર પગ મુકવાની જગ્યા નથી. કોઈનું માથું છુંદાઈ ગયું છે, કોઈની પાંખ તો કોઈ આખેઆખા  ટિપાઈ ગયા  છે. ઘાયલ ચામાચીડિયાના ટોળેટોળા અને એમની કરૂણ ચીસો!”

પછી શ્વાસ ખાવા ક્ષણેકવાર થોભીને કહે, “આજે રાધાકાન્ત મઠના મહંતના કરુણાસભર  આદેશ કોઈ માનવાનું નથી. માંસલોલુપ માણસ, કોઈના હાથમાં ટોપલી, કોઈના હાથમાં થેલી, તો વળી કોઈ ખાલી હાથે, જેના હાથમાં જેટલાં આવ્યા એટલા ઘાયલ છટપટતા ચામાચીડિયા લઇને દોટ મૂકી રહ્યાં છે! જુઓ!”

મૃત્યુંજયબાબુએ ભૂમિ પર પડેલાં અસંખ્ય ચામાચિડિયા તરફ નજર નાખી. આકાશમાં જોરથી વીજળી ચમકી. વીજળીના અજવાળાંમાં તેમને સળવળતા અસંખ્ય માંસપિંડો, અનાયાસે પ્રાપ્ત માંસનાં ઢગલાં – માંસનાં ટુકડાં, લોચા – લાલ લાલ – સ્નિગ્ધ – કોમળ – ઉષ્ણ લોહીયુક્ત માંસ દેખાયા.

મૃત્યુંજયબાબુની બન્ને આંખોમાં તરત એક આદિમ હિંસક માંસલોભી, પૈશાચિક લાલસા  જાગી. વિચાર કર્યા વગર એક પછી એક ચામાચીડિયા ઉઠાવી બાસ્કેટમાં અને શાકની થેલીમાં ભરવા લાગ્યા. આખી ભરાઈ ગયા પછી પરમ તૃપ્તિથી ઘેર જવા તત્પર બન્યા.

મૃત્યુંજયબાબુએ હિંસક ઉલ્લાસથી સાઈકલ આગળ ખેંચી. ઘેર પહોંચવા ઉતાવળા થયા.

પણ આ શું? સાઇકલ આગળ જતી  નથી. એમણે બ્રેક તપાસી – ઠીક છે. પેડલ પણ ક્યાંય અટવાતું નથી. તો પછી? સાઇકલ બે વાર ઉંચી કરી નીચે પછાડી. ના – બરાબર છે., તો  પછી ?

ખાલી ચીં ચીં ચીં …

લાખો ઘાયલ વ્યાકુળ પીડિત મરણાસન્ન ચામાચિડિયાનો કરુણવિલાપ – ‘ચીં ચીં ચીં..’

પણ સાઇકલ કેમ આગળ જતી નથી? અરે – એમના હેન્ડલ, પેડલ, બે ચક્કા – ચારેબાજુ ચામાચિડિયા વીંટળાઈ વળ્યાં છે, જકડીને ચોંટી ગયા છે, ચિત્કાર કરે છે. તેમની સુપડા જેવી પાંખો, દરેકમાં તીણા નખ – એ લોકોએ મૃત્યુંજયબાબુની સાઈકલ જકડી લીધી છે. છોડતા નથી – ચીં ચીં કરે છે  એ લોકો ઘેરી વળ્યાં છે …
અંધારું –
વીજળીના ચમકારા-
હિંસક કોલાહલ –
વ્યાકુળ કરુણ પોકાર –

મૃત્યુંજયબાબુ સઘળું બળ વાપરીને ચામાચિડિયાઓને સાઈકલ માંથી ખેંચીને કાઢવા લાગ્યાં; પણ અસંભવ. એ લોકો વધારે ‘ચીં, ચીં.’ કરવા લાગ્યા. એ લોકો પ્રાણ પર આવી જઈ વધારે જોરથી સાઇકલને ઘેરી વળ્યાં. મૃત્યુંજયબાબુના શરીરને પણ વીંટળાઈ વળ્યાં.

મૃત્યુંજયબાબુએ ટોર્ચ ચાલુ કરી જોયું.

નાના નાના મોં બધાં. ઉંદરના મોં જેવાં. ના – ના માણસના મોં જેવાં… એવી જ ભયભીત, વ્યાકુળ નજર… નાના નાના કાન- નાની મોંફાળ… અને દાંત… એ લોક  દાંત ચીપીને ચીં ચીં કરે છે, રસ્તો રોકીને ઊભા છે. પાંખો હલાવે છે… નાના નાના લોહિયાળ  ભયથી વ્યાકુળ મોં આમથી તેમ ફેરવે છે… દાંત ચીપી ચીપીને ચીં ચીં કરે છે. જાણે રડે છે… પોકાર કરે છે… ગાળો આપે છે… અભિશાપ દે છે… ‘રક્ષા કરો, રક્ષા કરો’ એમ કહે છે. તેઓ કંઈ કહે છે.

આકાશમાં ફરી વીજળી ચમકી. મૃત્યુંજય બાબુનું શરીર ઢીલું પડી ગયું. લકવા મારી ગયો હોય એમ જડ થઇ ગયું. એમની આંખો  સામે પેલું દૃશ્ય – બાઉદપુરની રેલ દુર્ઘટના – આજુબાજુના લોકોની લૂંટ – હિંસાની ચરમ સીમા; અને… અને… તે પોતે પણ…! ઓહ હે ભગવાન!!!

મૃત્યુંજયબાબુને ચક્કર આવ્યા. એમનું હૃદય ભરાઈ આવ્યું. તેઓને જોરજોરથી રડવાનું મન થયું. તેઓ જોરજોરથી ભેં ભેં કરી રડવા લાગ્યા. આકાશ તરફ જોઈ બાળકની જેમ રડવા લાગ્યા. એમનો રડવાનો અવાજ અંધારા સાથે ભળીને આકાશમાં ફેલાઈ ગયો. તેઓએ વ્યાકુળ બની ચીસો પાડી…

“હે ભગવાન, હે ત્રિલોકેશ! હે કરુણાસાગર! હે દયાળુ! હે ક્ષમાનિધિ, હે ઉદ્ધારક!! તમે દ્રૌપદીની લાજ બચાવી હતી… હાથીને મગરના મોંમાંથી ઉગાર્યો હતો… હરણીને વ્યાધ્રના હાથમાંથી છોડાવી હતી – પ્રહલાદને અગ્નિકુંડમાંથી ઉગાર્યો હતો – મને પણ ઉગારી લે, આ નારકીય લોભમાંથી…!” ને, મૃત્યુંજયબાબુની માનવ શિશુ આત્માની વ્યાકુળ પ્રાર્થના ઈશ્વરની મહાકરુણાના સાગરમાં ભળી ગઈ.
*****
તે દિવસે ઘરે પાછા આવી જોયું કે તેમનો પરિવાર સુરક્ષિત છે. કુનો પણ ટાઈમસર  ઘેર પાછો  આવી ગયો હતો; પણ આ શું ? નાનું બકરીનું બછું વરંડામાં ધ્રુજતું  ઊભું છે.

કુનાએ કહ્યું, “પપ્પા, વાવાઝોડા વખતે આની મા અને બીજા બચ્ચાં દોડીને જતા રહ્યાં. આ એકલું આમતેમ જોતું વ્યાકુળ બની રડતું  હતું. વાવાઝોડાએ જોર પકડતા ક્યાંય જઈ ન શક્યું. હું ઘેર લઈ આવ્યો. કાલે સવારે તેની મા પાસે મૂકી દઈશ. બાપુજી આ કાનગોઈબાબુની બકરી છે!”

મૃત્યંજયબાબુએ પ્રેમથી અને આશીર્વાદના ભાવથી દીકરાના માથે હાથ ફેરવ્યો.

તે જ વખતે માછલીપ્રેમી ભોળી મોટી દીકરી મુનીએ આવીને કહ્યું; “બાપુજી ! જુઓ બહાર ચાલો!”

બહાર આવતા આવતા કહે, “શું થયું બેટા?”

“એક ચામાચિડિયું વાવાઝોડામાં ક્યાંકથી આવી આપણા ઓટલા પર પડ્યું હતું. એની પાંખો તૂટી ગઈ છે. માએ ત્યાં આયોડીનનું પોતું લગાવી દીધું છે. મેં એેને ગોદડામાં ઓઢાડીને સુવાડી દીધું છે. એને દૂધ આપ્યું અને ભાત આપ્યા  પણ મારું બેટુ કંઈ ખાતું  નથી!”

મૃત્યુંજયબાબુની આંખોમાં આસું આવી ગાય. તેમણે દીકરાને છોડી દીકરીને બથમાં લીધી. ભીના સ્વરે પૂછ્યું, “બેટા, તમારી મા ક્યાં છે?”

મા રસોડામાંથી બહાર આવી. “વાવાઝોડામાં તમે ક્યાં હતા?”

“હું તો બચવા  ફોટાવાળાની દુકાનમાં ઊભો હતો.”

“હે ભગવાન! તમે હેમખેમ પાછા આવો, બસ, હું ઠાકોરજીને સતત એવી પ્રાર્થના કરતી હતી. બાપ રે! કેવો  ભયંકર પવન અને વીજળી! ભગવાન જ બચાવે!”

બીજા છોકરા પણ બાપાને  ઘેરી વળ્યાં. ખુશીના કલરવથી નાનું મેલુંઘેલું ઘર ગાજી ઉઠયું. મૃત્યુંજયબાબુ પોતાના આ સરળ, નિષ્પાપ, પ્રેમાળ, ગરીબ પરિવારને વળગીને ખૂબ ખુશ હતા.

એમના મનમાં એક આસ્થા, એક વિશ્વાસ  જાગ્યો, ‘આ પૃથ્વી ચોક્કસ બદલાશે. માણસ નહીં, પણ એની અંદર રહેલી સુપ્ત માનવતા જ પૃથ્વીની રક્ષા કરશે. એ માટે  ભલેને, ગમે તેટલું મોડું થાય!’

લેખક પરિચય – મહાપાત્ર નીલમણી સાહુ (૧૯૨૬ – ૨૦૧૬ ) જન્મ સ્થળ – નિઆળી , કટક.
વાર્તાકાર, નવલકથાકાર, અનુવાદક, હાસ્યલેખક.
વાર્તાસંગ્રહ: સુમિત્રાર હસ, રાનુ અપાઠારૂ પુષી પર્જયન્ત, પિંગળા સે અન્ય જણે. અંધરાત્રીર સુર્જય, અન્ય રૂપ રૂપાંતર, અભિશપ્ત ગંધર્બ, પાપ ઓ મુક્તિ, નીબેદિતાર નશ્ય અભિશાર વગેરે.
સન્માન: કેન્દ્ર સાહિત્ય અકાદમી ઓડિશા સાહિત્ય અકાદમી, સારળા પુરસ્કાર વગેરે.

આપનો પ્રતિભાવ આપો..