કર્ણિકારનાં ઝુમ્મરો – ઉષા ઉપાધ્યાય
થોડાં વર્ષો પહેલાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે સ્વપ્નસેવી સર્જક ‘દર્શક’ના દેશ લોકભારતીમાં જવાનું થયું હતું. યુવા પેઢીના ઘડતર માટે અને આમ-સમુદાયના ઉત્કર્ષ માટે સોક્રેટિસ જેવી સમતા-મમતા રાખનાર આ સર્જકે એમની નવલકથામાં હૈયું ઠરે એવાં પાત્રોની કાલ્પનિક સૃષ્ટિ જ નથી રચી, વાસ્તવની ભૂમિ ઉપર પણ કેવું રળિયામણું સર્જન કર્યું છે એ ત્યાં જઈને જોયું છે. પહેલાં પણ લોકભારતીમાં જવાનું તો બન્યું છે પરંતુ વર્ષાઋતુમાં જવાનો આ પહેલો પ્રસંગ હતો. નિમિત્ત હતું શ્રાવણી પૂર્ણિમાના ઉત્સવનું. કુદરતની નજીક રહેતા અને જીવનના ઉલ્લાસે છલકાતા વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના આયોજનમાં એક જુદી જ તાજગી અને જીવંતતા હતી. સભાખંડમાં વિદ્યાર્થીઓની હારમાળાની વચ્ચે થોડાં થોડાં અંતરે ગોઠવાયેલાં ફૂલછોડનાં કૂંડાઓની હાર દીવાલોની જડતાને ઓગાળી દેતી હતી. મંચ સામે ગોઠવાયેલી ફૂલદાનીમાં ગુલાબ-ગુલછડીને બદલે લીલાં પાનની પાર્શ્વભૂ સાથે લોકગીતમાં ગવાતાં દાડમડીનાં રાતાંચોળ ફૂલ સજાવાયાં હતાં. હિમાલયના શિખરોમાંથી પ્રગટતી અલકનંદાની જેમ ફૂલદાનીની મધ્યમાંથી કર્ણિકારનાં નકશીદાર, સુવર્ણરંગી ફૂલોનું એક ગુચ્છ નજાકતથી લહેરાતું હતું. કોઈ ઉત્સાહી વિદ્યાર્થીએ ફૂલોનો અંબાર ઊતરી ગયા પછી કુમળાં, હરિતવર્ણાં પાનથી છવાઈ ગયેલાં અમલતાશનાં વૃક્ષની કોઈ ડાળીએ ઝૂલતાં એ પાછોતરા પુષ્પગુચ્છને શોધી કાઢ્યું હશે. કોલંબસને અમેરિકા જડી આવતાં જે આનંદ થયો હશે એવો જ આનંદ આ વિદ્યાર્થીને કર્ણિકારનાં ફૂલોની છડી જડી આવતાં થયો હશે ને !
કર્ણિકાર એટલે કે અમલતાશ મૂળે તો ગ્રીષ્મ ઋતુનું વૈભવી પુષ્પ છે. લાવણ્યથી છલકાતી કોઈ ષોડષીની જેમ સુવર્ણરંગી ફૂલોનાં ઝુમ્મરોથી ઝળાંહળાં થતાં અમલતાશનાં રૂપની અપ્સરાઓને પણ ઇર્ષા આવે તેમ છે. રમણીઓનાં કર્ણફૂલ થવા માટે સર્જાયાં હોય એવાં એનાં નકશીદાર ફૂલો પર કોઈનું પણ મન અવશપણે મોહી પડે. ગ્રીષ્મની દાહક ગરમીમાં કર્ણિકારનું આવું મોહક રૂપ જોનારની નજર માટે જાણે કે એક રળિયામણો વિસામો બની રહે છે. અમલતાશના કોઈ જરા નાનાં વૃક્ષને ઝુમ્મરોથી ઝૂકીને ઊભેલું જુઓ તો એવું લાગે કે જાણે કોઈ ગૌરવર્ણી તન્વાંગી લાસ્યની મુદ્રામાં ઊભી ન હોય !
મહાનગર અમદાવાદ અને ગાંધીનગરને જોડતા માર્ગ પર હજુ સિમેન્ટ-કોક્રિટનાં જંગલનું અતિક્રમણ નથી થયું. રસ્તાની બન્ને બાજુ હજુ પવન સાથે ગોષ્ઠિ કરતાં હરિયાળાં વૃક્ષો ઊભાં છે. ઋતુએ ઋતુએ એની ન્યારી રંગછટા અનેરી શોભા વિખેરતી રહે છે, પરંતુ આ રસ્તાનું સૌંદર્ય વિશેષણે નિખરી ઊઠે છે ગ્રીષ્મમાં. રસ્તાની બન્ને બાજુ થોડે થોડે અંતરે ઊગાડાયેલાં કર્ણિકાર વૃક્ષો જ્યારે પીળાં ઝુમ્મરોથી છવાઈ જાય છે ત્યારે એક ચિત્રોપમ દૃશ્ય રચાય છે. દૂર સુધી પથરાયેલી કાળી સડક, રસ્તાની બન્ને બાજુના વૃક્ષોનાં પાનનો લીલો રંગ અને એની વચ્ચે થોડા થોડા અંતરે સુવર્ણને ઓગાળીને બનાવ્યાં હોય એવાં કર્ણિકારનાં પીળા રંગનાં ફૂલો…
એક વખત ડૉ. મહાવીરસિંહ ચૌહાણના આમંત્રણથી વલ્લભવિદ્યાનગરમાં ‘ભારતીયતાની વિભાવના અને સાહિત્ય’ વિશેના એક રાષ્ટ્રીય પરિસંવાદમાં જવાનું થયું હતું. યુનિવર્સિટી કેમ્પસમાં વહેલી સવારે ઘટાદાર વૃક્ષોથી આચ્છાદિત રસ્તાઓ ઉપર ચાલવાની મજા કંઈક જુદી જ હતી. વનસ્પતિની સુગંધમિશ્રિત પવનની લ્હેરખીઓ વચ્ચે અસ્તિત્વ જાણે ફૂલ જેવું હળવું થઇને સ્હેલતું હોય એવું લાગતું હતું. પરંતુ, સાંજે આ રસ્તા ઉપર મને જે અનુભવ થયો તે તો કલ્પનાતીત હતો. ઉનાળાની એ ઢળતી સાંજે ઉત્તપ્ત હવાથી વૃક્ષો મ્લાન બન્યાં હતાં. દિવસભરની બૌદ્ધિક ચર્ચાઓ પછી હું પણ જરા શ્રાન્ત હતી અને ધીમે પગલે અતિથિગૃહ તરફ જઈ રહી હતી. ચોકીદારને પૂછીને સવાર કરતાં જુદો, જરા નજીકનો રસ્તો લીધો હતો. રસ્તાનો વળાંક પૂરો થતાં જ સામે જોઉં છું તો આ શું ! મારી સામે જ ઊભું હતું પીળા રંગનો છાક ચડ્યો હોય એવું એક ઘેઘુર કર્ણિકારવૃક્ષ… હું થંભી ગઈ ત્યાં જ. અગાઉ જોયેલાં કર્ણિકાર કરતાં તદ્ન નિરાળું રૂપ હતું આ કર્ણિકારનું. એનાં નમણાં સોનવરણાં ફૂલો પર શ્યામરંગી ભ્રમરવૃંદ ઝળુંબી રહ્યું હતું. દિવસભરની ગરમીની આંચથી કર્ણિકારનાં ફૂલોમાં કોઈ મધુરસ ઝર્યો હશે ? હું વિસ્મયથી એ ઘેઘુર કર્ણિકારવૃક્ષને નિહાળતી રહી. એ નમણાં સોનવરણાં ફૂલો પર શ્યામરંગી ભ્રમરવૃંદ ઝળુંબી રહ્યું હતું.
ક્ષણભર ભાસ થઈ આવ્યો આ વૃક્ષ નથી, વૃંદાવન છે… અહીં આ ક્ષણે રચાયો છે એક એક ગોપી અને એક એક કહ્ાનનો દિવ્યરાસ. ના, આ ‘સળગતાં સુરજમુખી’નો રંગ નથી, આ તો છે ચંપકવરણી ઉલ્લાસ-ઉત્ફુલ્લ ગોપાંગનાઓ… અનન્ય હતી કર્ણિકારદર્શનની એ ક્ષણ. પળવારમાં અમ્લાન કરી દીધી હતી મારી ચેતનાને એણે. વાહનોના ઘોંઘાટ, ગરમી અને દિવસભરની કલાન્તિથી મુકત કરીને એણે મને સ્થાપી દીધી હતી પ્રસન્નતાના એક અનોખા દ્વિપ પર જ્યાં નહોતો દિવસભરનો થાક કે ઉનાળું સાંજની અકળાવી દેનારી ઉમસભરી ગરમી… મારાં મનની સુવર્ણમંજુષામાં કોઈ અદ્ભુત મોતીની જેમ આજેય સચવાઈ રહી છે કર્ણિકારદર્શનની એ રમ્ય ક્ષણો…!