ત્રણ ગઝલ ~ ભાવેશ ભટ્ટ ~ (૧) વિચારતા લાગે (૨) સમજાયા વિનાની (૩) હમણાં

૧. વિચારતા લાગે

વાદળો દૂર ભાગતાં લાગે
આપણો હાલ જાણતાં લાગે

કોઈ ખોળે મરી જતા લાગે
એટલી વાર જીવતા લાગે

એમ ખિસ્સાથી કાઢતા સિક્કો
જાણે કે જીવ કાઢતા લાગે

એકલા એ નથી થતાં ગાયબ
દ્રશ્ય આખું જ લાપતા લાગે

મન જવાનું નથી જ્યાં જાઓ છો
વાર સાંકળને વાખતા લાગે

જોઉં ઊંચાઈથી વલખતાને
એય ગાતાને નાચતા લાગે

જે રીતે પાલખીમાં બેસે છે
ભાર સૌનો ઉપાડતા લાગે

જો ગરજ હાવભાવની ન રહે
થાંભલા પણ વિચારતા લાગે

૨.  સમજાયા વિનાની

પડી છે ક્યાંક વપરાયા વિનાની
શિખામણ કૈંક સમજાયા વિનાની

હવામાં ઝૂલતા આપ્યા વિષય તો
અમે વાતો કરી પાયા વિનાની

સહજ અંજાઈ છે આંખો અમુકની
નિહાળી આંખ અંજાયા વિનાની

નવાઈથી મગજ ચસ્કી ગયું છે
કળી દેખીને કરમાયા વિનાની

હશે ત્યાં સો ટકા સાક્ષાત્ ઈશ્વર
મળે જ્યાં જિંદગી કાયા વિનાની

કળામાં મોરની વનનો વિરહ છે
જુએ છે ઢેલ હરખાયા વિનાની

થવું પડશે મહત્તા પામવા ગુમ
છું ચાવી કોઈ ખોવાયા વિનાની

કવિ નાખુશ છે પણ એ તો છે રાજી
કવિતાઓ બધી ગાયા વિનાની

૩. હમણાં

રાખવો ખાલી ખભો તું ટાળ હમણાં
કોઈ પણ થઈ જાય છે વૈતાળ હમણાં

કાનના પડદાને સાચવજો બરાબર
ક્યાંકથી તો આવવાની ગાળ હમણાં

ભૂલ સમજાઈ ગઈ નમવાની એને
ક્યાંક સીધો થઈ રહ્યો છે ઢાળ હમણાં

ઓરડામાં ચાલતા કંકાસથી છે
બાળકો સાથે વ્યથિત પરસાળ હમણાં

એકલા પડવું તો ક્યારે એને ફાવ્યું
કેટલાને લઈને પડશે ફાળ હમણાં

રોજ એમાં પંખી અંદર બ્હાર રમતા
કોઈએ ઢીલી કરી છે જાળ હમણાં

અંગ ગમતું શોધતો વસવાટ કરવા
દેહમાં ફરતો રહે દુષ્કાળ હમણાં

~ ભાવેશ ભટ્ટ (અમદાવાદ)

આપનો પ્રતિભાવ આપો..