આથમણી કોરનો ઉજાસ ~ ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી ~ પત્ર: ૪૯ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ

પત્ર નં. ૪૯

પ્રિય નીના,

Cruiseની વાતો અંગે આતુરતાપૂર્વક રાહ જોતી હતી ને ત્યાં તો ધાર્યા કરતાં વહેલો, તારો રસથી ભર્યો-ભર્યો પત્ર મળ્યો. સડસડાટ વાંચી ગઈ.

સમુદ્રનાં પાણી અને એના બદલાતા રંગોમાં ઝબોળાયેલા અને લજામણીથી પરિતૃપ્ત થયેલ શબ્દોથી ઘડીભર હું પણ ભીંજાઈ. પુસ્તક, સંગીત અને કુદરત.. આહાહા.. પછી પૂછવું જ શું? સઘળું વાંચીને માણવાની મઝા આવી.

રીલેક્સ થવાના ઉલ્લેખની સાથે જ હું છેક મારા જન્મના નાનકડા ગામ સુધી અને બાલ્યાવસ્થા સુધી પહોંચી ગઈ જ્યાં જીવન કેવળ રીલેક્સ જ હતું! એકાદ–બે વર્ષ પૂર્વે ગામડાનું વર્ણન કરતું એક કાવ્ય વાંચ્યું ત્યારે જે અનુભૂતિ થઈ હતી તે જ આજે ફરી એકવાર થઈ આવી.

છ દાયકા પહેલાંની ગામડાની એ સાંજની વેળા. તૂટ્યાંફૂટ્યાં નળિયાનું છાપરું, કાથીના દોરડાનો ઢાળિયો, હાથથી  લીંપેલ ઓસરી, પાણિયારું, બૂઝારું, દૂધની ટોયલી, પાછળ વાડામાં ગોરસઆમલીનું ઝાડ, ધૂળિયો રસ્તો, ગામની  ભાગોળે જતાં વીણાતી ચણોઠી, દૂરની એક નાનકડી દેરીએથી સંભળાતો ઘંટ અને અનાજ  દળવાની એકાદી કોઈ  ઘંટીમાંથી પડઘાતો  અવાજ, બાના હાથે પીરસાયેલી ઘી રેડેલ ખીચડી….

આહાહા, કેવી બેફિકર, રીલેક્સ એ જિંદગી હતી! આજે એનો આધ્યાત્મિક અર્થ અનાયાસે જ ચિત્તમાં સ્ફૂરે છે. આ રોજિંદી ગતિ છે. તેનું જ નામ તો જીવન છે. જીવનની ઘટમાળમાં સારું-ખોટું, નવું-જૂનું, ગમતું-અણગમતું બધું જ જે કાલે હતું તે જ આજે છે. કેવળ એનાં રૂપો બદલાયાં છે, સાધન બદલાયાં છે, તમામ ક્રિયાઓના ઘાટ, સ્થળ સ્થળ અને સંજોગના ચાકડે બદલાયાં છે.

સારું છે કે નથી બદલાતી એક દોર આશાની, ઉમ્મીદની, હકારાત્મક અભિગમની જે હકીકતે તો સમગ્ર વિશ્વને જીવંત રાખે છે..

આજે ગામડાના આ સ્મરણ સાથે એક બીજો વિચાર એ આવે છે કે, અમેરિકા અને યુરોપની વાતો અને અનુભવોથી શરૂ થયેલાં આપણા છેલ્લાં કેટલાંયે પત્રોમાં, વતનની વાતો બહુ થોડી આવી. એ શું બતાવે છે?

“વતનનો ઝુરાપો” ઘટી ગયો છે અથવા તો બદલાઈ રહ્યો છે એમ નથી લાગતું? તેની પાછળ  મુખ્ય કારણો કદાચ આ પ્રમાણે હશે.

૧– વતનનું જે ચિત્ર મનમાં રાખીને આવ્યાં હતાં તે હવે લગભગ બદલાઈને ભૂંસાઈ ગયું છે. ખરેખર તો હવે ત્યાં પરદેશની અસરો વધુ દેખાય છે.

૨– હવે અહીં પણ ઉત્સવો અને ઉજવણીનો માહોલ વતન જેવો જ, કદાચ વધારે જોવા મળે છે.

૩– જોજનો દૂર લાગતું વતન હવે નિકટ આવી ગયું છે, વિશ્વ હવે નાનું બન્યું છે. તેથી પણ વ્યક્તિ કે વસ્તુઓનો ઝુરાપો ઓસરતો ગયો છે, નહિવત રહ્યો છે. પણ હા, એક વાતનો સંતોષ જરૂર છે કે આપણે દેશના ઝુરાપા સિવાયની ઘણી બધી વાતો, વિચારો અને ઘટનાઓને જે તે ભૂમિ પર રહીને પણ એકબીજા સાથે આદાન–પ્રદાન કરી શક્યા છીએ. તેથી જ તો પત્રનું આ સ્વરૂપ મને ખૂબ વહાલું લાગે છે. તારું શું માનવું છે, નીના?

તારી આ વાત મને ખૂબ ગમી કે જેમ જમીનમાં બીજ નાંખીને આપણને રોજ એનો વિકાસ જોવાનો આનંદ થાય છે તેમ માનવીનું સર્જન કરી, સર્જનહારને પણ આપણો વિકાસ જોઈને આનંદ જ થતો હશે ને? અને પ્રગતિને બદલે જો અધોગતિ જોતો હશે તો કેવું થતું હશે? ખૂબ સરસ અને ગહન મુદ્દો. ક્યારેક વિગતે ચર્ચીશું. પણ આના સંદર્ભમાં જ યુકે.ની ધરતી, સમાજ અને વાતાવરણે તને કેટકેટલી વાર્તાના બીજ આપ્યાં નહિ?

થોડા દિવસ પહેલાં જ તારી થોડી વાર્તાઓ ફરી વાર વાંચી. “ગોડ બ્લેસ હર”, પીળા આંસુની પોટલી” અને રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તાલેખન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પામેલ “ડૂસકાંની દીવાલ”નું વાર્તાબીજ અને તેમાં તેં આપેલ ઘાટ અને પરિણામે થયેલ વિકાસ તેના ઉત્તમ નમૂના છે.

“ડૂસકાંની દીવાલ” વાર્તાની લિંક:
https://opinionmagazine.co.uk/null-652/

ખરેખર આ સતત ચાલતી રહેતી નિરીક્ષણ અને સર્જનપ્રક્રિયા કેવો સંતોષ અને આનંદ બક્ષે છે! આ આનંદની સરખામણીમાં સિદ્ધિ–પ્રસિદ્ધિ, હાર–જીત વગેરે ખૂબ ગૌણ લાગે છે.

કેટલીક બાબતો સાવ નૈસર્ગિક હોય છે. પણ આ બધું સમયની સાથે સાથે ઘણાબધા કડવા–મીઠા અનુભવો પછી જ સમજાય છે. બાકી સામાન્ય રીતે તો હારજીતની હોડ લાગતી હોય છે. આગળ કંઈ લખું તે પહેલાં આ જ સંદર્ભમાં યાદ આવી તે બે પંક્તિ પહેલાં લખી દઉં.

जीवन में हर जगह हम “जीत” चाहते हैं
सिर्फ फूलवाले की दूकान ऐसी है
जहाँ हम कहते हैं कि “हार” चाहिए।
क्योंकि हम भगवान से “जीत“नहीं सकते!!

કોણ જાણે કેમ, આજે ઘણી બધી ઉમદા વાતો એકસામટી યાદ આવી રહી છે. એક ઘણી નાનકડી વાર્તા.. ”અહમથી સોહમ સુધી”ના સર્જકમિત્રે થોડા વર્ષ પૂર્વે ઈમેલમાં મોકલેલ માનવતાભરી વાર્તા…

ગરીબ ઘરનો એક હોંશિયાર બાળક. સ્કૂલ સિવાયના સમયમાં, નાની-મોટી ચીજ વસ્તુઓ વેચી, ફીના પૈસા ઊભા કરી ભણતો. એક દિવસ થાકીને, ભૂખથી બેભાન થવાની તૈયારીમાં હતો ત્યાં એક ભલી બાઈએ નિ:સ્વાર્થપણે ગ્લાસ ભરી દૂધ પીવડાવ્યુ. છોકરામાં ચેતન આવ્યું.

એમ કરતાં કરતાં મોટો થઈ ડોક્ટર થયો. ગરીબોની મફત સેવા કરવા લાગ્યો. વર્ષો વીત્યાં. એક માજીને તેણે મરતાં બચાવ્યાં. પછી તો બિલ મોટું આવ્યું. પહેલાં તો માજી ગભરાઈ ગયા. છતાં ગમે તેમ કરીને કકડે કકડે ભરાશે કરી પહેલું બિલ મોકલ્યું. ચેક પરત થયો, એક નોંધ સાથે “your bill has been paid already years back with a glass of milk!!”

આવું આવું વાંચું ત્યારે હૃદય ભરાઈ જાય અને આંખ છલકાઈ જાય. માનવતા… કેટલો મોટો ધર્મ? આમ તો યુકે, યુએસએ, ભારત કે આખી યે દુનિયાના દરેક ધર્મ આ જ વાત કરે છે, પણ પાળવાનું કેટલું કપરું?

ધૂમકેતુની ‘રજકણ’ સાંભરી. “માનવી પોતાની દૃષ્ટિ છોડી બીજાંની દૃષ્ટિએ જોવા માંડે તો જગત આખું શાંત થઈ જાય.” અમેરિકાના જાણીતા Preacher Joel Osteen  પણ જુદી જુદી રીતે માનવતાની જ વાત સમજાવે છે.

પૂજનીય મધર ટેરેસાનું સ્મરણ થયું. સાથે સાથે આજે આ વાત સાથે જ શાંત, સૌમ્ય અને સહનશીલ મા પણ યાદ આવી. માએ તો હંમેશા મનને માર્યું હતું, કદીક મનને મનાવ્યું હતું, ખુશી-દર્દના દરિયા વચ્ચે, જીવન કેવું વહાવ્યું હતુ?!!

નીના.. આજે ગીચ ઝાડીમાંથી ઊડી આવતાં તીડનાં ટોળાંઓની જેમ દૃશ્યો આંખ સામે બસ ઊડી રહ્યા છે. નિસ્પૃહી માતાની સ્મૃતિનાં ટોળાં, નીતારે પાંપણથી આંસુની ધારા; શબ્દો પડે સૌ ઊણા ને આલા… આમ કેમ થયું?

ચાલ, પત્ર ખૂબ લાંબો અને વધારે ગંભીર થઈ જાય તે પહેલાં વિચારોના ધોધને જબરદસ્તીથી બંધ કરું છું.

अति सर्वत्र वर्जयेत्।

દેવીની યાદ.

આપનો પ્રતિભાવ આપો..