અગ્નિપરીક્ષા ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:6 (7માંથી) ~ લે: વર્ષા અડાલજા

સમયની શીશીમાંથી રેતી ઝડપથી સરતી જતી હતી, ફરી તેને ઉલટાવીને સમય સરકતો રહેતો. એક અવિરત ચાલતી પ્રક્રિયા.

નવીનની દોડધામ વધી હતી, ઘરમાં હોય ત્યારે એના મોબાઇલનો રિંગટોન ગુંજતો રહેતો. સમય જાણે દૂધ ભરેલા આંચળવાળી ગાય છે. છેલ્લા બુંદ સુધી એને નીચોવી લેવો છે. નવીન, જરા શ્વાસ લેવા અટકો, શું ચાલી રહ્યું છે મને કહો. પાસે બેસો… સરપ્રાઇઝ એ હસીને કહેતાં એની વાત રહી જાય છે.

એ ક્યારેક પહોંચી જાય છે કસ્તૂરબાનગર. શુભાના કમ્પ્યૂટરકૉર્સની ફી ભરી દે છે, વૃંદાતાઈના પતિને હૉસ્પિટલમાં દાખલ કરી સારવાર કરાવી. ક્યારેક દર્શના સાથે એ ઇમિટેશન જ્વેલરીનું કામ કરવા લાગી જાય છે. જાણે નોળવેલ સુંઘી હોય એમ તરોતાજા થઈ પાછી ફરે છે.

ક્યારેક સવારે જ નવીન કહેતો જાય છે, ડાર્લિંગ તારા ઢોકળા મારા પંજાબી પાર્ટનરને એટલા પસંદ છે! તને ખબર છે, ગયે વખતે લઈ ગયો હતો એનાથી જુદા બનાવજે. એની વાઇફ તો કહે કે મારી બર્થ ડે પાર્ટીમાં એક કાઉન્ટર તમારી વાઇફનું દેશીખાણાનું. જો હંસ, પાર્ટનર ખુશ તો હું ખુશ તો આપણું કામ યૂં થઈ જાય યૂં!

એણે હસીને ભલે કહ્યું હતું, પતિનાં કામમાં મદદરૂપ થઈ શકે છે એનો હરખ અને ફરજ પણ. મનમાં ઊંડે ઊંડે એક સંદેહના બીજને ફણગો ફૂટ્યો છે, શું હું પણ સીડીનું એક પગથિયું છું, પતિને ઉપર ચડવા માટે! પછી પોતાને ટપારે છે, એવું તો હોય! મારે માટે નવીન એવું વિચારે?

એક સવારે નવીને અખબાર ખોલીને ટેબલ પર પાથરી દીધું, ત્રણ વિંગ્સના હાઇરાઈઝ ઍપાર્ટમેન્ટ કૉમ્પલેક્સની જાહેરખબર, ‘બેલાવિસ્તા.’ કમ્પ્લીટ ટાઉનશીપનાં ચિત્રો હતાં. ત્રણ-ચાર બેડરૂમના ફ્લૅટ, રો-હાઉસ અને ટૅરેસ ફ્લૅટની એકદમ મૉડર્ન સ્કીમ છે.

તું પૂછતી હતી કેટલી દોડાદોડ કરો છો તમે? તો લે આ તારી સામે છે. આમાં વીસ ટકાનો હું પાર્ટનર. એનો અર્થ સમજે છે તું! એમાંના ઘણા ફ્લૅટ વેચાઈ ગયા છે. હજી બાંધકામ ચાલુ છે…

હંસા વિસ્ફારિત આંખે જોઈ રહી.

`મને તો તમે કહ્યું જ નહીં!’

`સરપ્રાઇઝ! બીજું પણ સરપ્રાઇઝ છે. આપણે થોડા વખતમાં ત્રણ બેડરૂમના ફ્લૅટમાં શિફ્ટ થઈએ છીએ. ફર્નિશિંગ ચાલી રહ્યું છે. પેલો અજીત ધમકી આપ્યા કરે છે, મારું ગૅસ્ટહાઉસ ખાલી કરો, એય આંખો ફાડી જોઈ રહેશે.’

ફોનનો રિંગટોન વાગી ઊઠ્યો, એ દૂર બાલ્કનીમાં ઊભો રહ્યો. હંસા જાયન્ટ વ્હીલમાં બેઠી હોય એમ મનમાં ચૂંથાવા માંડ્યું, કોઈ પણ પત્ની પતિની પ્રગતિ જોઈ આનંદથી હિલોળી ઊઠે. વૈભવ કોને ન ગમે! દમદાર મોભો સફળતાનો માપદંડ. પપ્પાને ખબર પડે કે આ પ્રૉજેક્ટમાં નવીન છે, એની પાસે સરસ નવુંનક્કોર ઘર, લેટેસ્ટ મૉડલની કાર છે, સ્ટેટસ છે તો એ શું કરે?

એ ખાતરીથી કશું કહી શકે તેમ નથી. પપ્પા ખુશ થાય, નવીનના ગામમાં ગુણ ગાય કે પોતાના હાથ હેઠા પડ્યા, હારી ગયા એનો એમને અફસોસ!

નવીનને એની જીતનો અહંકાર થશે! એણે મનીષ મારફત ગામમાં વાત ફેલાવી દીધી છે, એની રિદ્ધિસિદ્ધિની.

પણ પપ્પાની દુનિયામાં એનો પ્રવેશ હજી નથી.

પતિ અને પિતા, એ બેની વચ્ચે જાણે એ નો મેન્સ લૅન્ડ ઉપર ઊભી છે. એ અરીસામાં પ્રતિબિંબ જુએ છે, એને ખબર નથી કે એ પોતાની ભીતર છે કે બહાર!

નવીન એને આશ્લેષમાં લઈ ચૂમી લે છે. બસ હવે મને એક દીકરો આપી દે ઝટપટ. મારા બિઝનેસનો વારસ, આપણાં સુખસંપત્તિનો હક્કદાર. કેટલાં વર્ષો થયાં લગ્નને! પણ હવે જ તો સમય છે એક સંતાનનો.

એને પણ ઝંખના છે એક બાળકની, પોતાના જ એક અંશની.

જીવનના નવા અધ્યાયનો આરંભ.

* * *

લાંબો સમય ધમાલમાં વીત્યો.

નવીન ઘણી વખત નવા ઘરે એને લઈ જતો. જેવું જાહેરખબરમાં જોયું હતું એવું જ કૉમ્પલેક્સ. હજી બંધાઈ રહ્યું છે. ત્રણ વિંગમાંથી એકમાં તો લોકો રહેવા પણ આવી ગયા છે. સરસ સ્વિમિંગ પુલ ગાર્ડન પણ તૈયાર છે. બીજી વિંગ્સમાં નીચેના ફ્લોર પર લોકો રહે છે, ઉપર સ્કાયગાર્ડન બની રહ્યું છે અને ત્રીજી વિંગના ફ્લૅટ વેચાઈ ગયા છે પણ હજી બંધાઈ રહ્યું છે.

હંસા ઘરમાં ફરે છે, કેટલું સરસ ઘર! ત્રણ બેડરૂમ, ડ્રોઇંગરૂમની બહાર નાનું ટૅરેસ, એની સજાવટ માટે નવીને ઇન્ટેરિયર ડૅકોરેટરને કૉન્ટ્રૅક્ટ આપ્યો છે.

નવીન પૂછતો, `તને શું જોઈએ હવે હંસા?’

પણ હંસાને કશું સૂઝતું નથી. આજ સુધી કોઈએ એને પૂછ્યું નથી, તારે શું જોઈએ છે? તું શું ઇચ્છે છે? પહેલાં પિતા પછી પતિએ એના જીવનનો નકશો દોર્યો જ હતો અને એની રેખાએ રેખાએ એ ચાલતી રહી હતી.

હા, એકવાર દાદીએ પૂછ્યું હતું, બેટા! તું શું ઇચ્છે છે?

એક સ્ત્રીએ બીજી સ્ત્રીને પૂછેલો પ્રશ્ન. `તું કંઈ નહીં બોલે? આ ડેકોરેશન કેવું લાગ્યું? તારા મંદિરની આ જગ્યા બરાબર છે? મેં વિચાર્યું છે, સરસ આરસનું મંદિર લઈ આવશું. ઓકે?’

એણે આશ્ચર્યથી પૂછ્યું હતું, `ઘર સરસ છે પણ કેટલું મોંઘું હશે! ભાવ તો આસમાને હશે નવીન. કેવી રીતે તમે બધું મૅનેજ કર્યું?’

`બૅંક છુટ્ટા હાથે લોન આપે છે, મેં છુટ્ટા હાથે લઈ લીધી. પાર્ટનરશીપને લીધે સારું એવું ડિસ્કાઉન્ટ અને… છોડને તું એ બધી ફિકર. આ જિંદગી પણ ભગવાને આપણને લોન પર જ આપી છેને? બસ, એક વાત છે હંસા,’

`હજી કઈ વાત છે?’

`બે દિવસ પછી લેટેસ્ટ ઇલેક્ટ્રિક કાર આવશે. એ બધા ફોટાઓ તારા પપ્પાને મોકલશું! આ મારી ઓકાત છે બોલ.’

એ શું બોલે! પપ્પાએ હજી એને માફ કરી ન હતી, મનીષ મારફત સમાચાર મળતા રહેતા. એક દિવસ મનીષનો અચાનક ફોન, ભાભીને કહેજો એમનાં દાદી અવસાન પામ્યા છે. કોઈની પાસે અંતિમ દર્શનનો એમનો ફોટો હતો, એ પણ મોકલ્યો હતો.

એ દિવસે ખૂબ રડી હતી. નવીને કટાક્ષ પણ કર્યો હતો, તું પપ્પાનું ઉપરાણું લેતી ફરે છે અને જો હું તો ઠીક, સગ્ગી વહાલી દીકરી સાથે પણ સંબંધ ખતમ!

`તું અને હું બન્ને કાર પાસે ઊભા રહીશું અને સૅલ્ફી. હાઉ ઇઝ ધૅટ!’

એ માંડ બોલી શકી હતી, `જવા દોને! વેરઝેર વધાર્યાં વધે.’

`સૉરી મૅમ, હું માફી આપવાના મૂડમાં નથી.’

થોડા દિવસ દોડાદોડ રહી, પૅકિંગ ઍન્ડ રિમૂવેબલ કંપનીએ સામાન પૅક કર્યો, નવા ઘરમાં ગોઠવણી. એણે પણ હવે ગોઠવાઈ જવાનું હતું.

નવીન શોફરડ્રીવન કારમાં પ્રોજેક્ટ સાઇટ્સ, મિટિંગ વગેરે કામ માટે નીકળી જાય પછી એક લાંબો સમયનો પટ ફેલાઈ જાય છે. એને તો વળી શું કામ મળે કે સમય પસાર થાય! નવીનનો અહં પણ કહે જરૂર, તને વળી શી ખોટ છે? કસ્તૂરબાનગરમાં ફૅશન જ્વેલરી કરવાનો કેટલો આનંદ હતો!

કૉમ્પ્લેક્સના ગાર્ડનમાં એ સાંજે ચાલવા ઊતરે છે, કોઈ સાથે હસવાબોલવાનોય હજી વ્યવહાર નથી.

એ ઘરે જવા બેંચ પરથી ઊઠતી હતી કે ખોળામાં દડો આવી પડ્યો, પાછળ જ એક ચાર પાંચ વર્ષનો છોકરો દડો લેવા આવ્યો અને બાજુમાં બેસી ગયો. એને એક સ્મિતની ભેટ આપી, દડો લઈ લીધો. થૅન્ક્યુ આન્ટી બોલતો હસતો હસતો દોડી ગયો, દૂરથી બૂમ આવી, કમઑન યશ.

યશનું સ્મિત, હાસ્યની કિલકારીઓ પાલવમાં સંચિત કરી એ ઘરે આવી. યશના રમવાના સમયે એ નીચે ઊતરતી. ક્યારેક ચોકલેટ બિસ્કીટ લઈ જતી, એને જોતાં એ દોડતો આવી બૅન્ચ પર ચડી બેસતો.

એક સાંજે એની મમ્મી રશ્મિ મળવા આવી, `થૅન્ક્સ હંસાબેન. યશ તમારી બહુ વાતો કરે છે. આઇ એમ અ સિંગલ મધર. ઑફિસેથી પાછા ફરતાં એને ગાર્ડનથી ઘરે લઈ જાઉં. મેઇડ છે અને મારાં કાકી મારી સાથે રહે છે. હું ક્યાં રહું છું? આ ત્રીજી વિંગમાં બીજે માળે. હા, ઉપર હજી કામ ચાલે છે, અવાજો આવે છે પણ મુંબઈમાં બીજું ઘર તો ક્યાંથી હોય! ડાયવૉર્સમાં પૈસા મળ્યા, જ્વેલરી… બધા પૈસા નાંખી દીધા ઘરમાં. કોઈ વાર મોડી આવવાની હોઈશ તો તમારે ત્યાં યશને મૂકી દઈશ. થૅન્ક્સ. બાય.’

યશે ફ્લાઇંગ કીસ કરી અને બન્ને ગયાં. અંધારું ઊતરી આવ્યું હતું, એ ઘરે જવા ઊઠી.

(ક્રમશ:) 

આપનો પ્રતિભાવ આપો..