સૅન્ટ ગોર તરફ પ્રયાણ ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:-4 ~ ઉત્કર્ષ મઝુમદાર

સીજે નવી ગાડીની ચાવી લઈને આવી ગયો. થોડોક નિરુત્સાહ થઇ ગયેલો કે મોટી બીએમડબલ્યુ ન મળી પણ બાકીના કોઈને અફસોસ ન થયો કારણ અમે કોઈ કારઘેલા ન હતા.

નવી ગાડી વોલ્વો હતી. એ મોટી હતી એટલે થોડા વધારે પૈસા ચૂકવવાના થયા. જોકે જે થાય તે સારા માટે જ થાય કારણ કે સીજે અમેરિકામાં જે ગાડી વાપરતો તે જ મોડેલની આ કાર હતી એટલે ચલાવવામાં ફાવટ હતી.

લગેજ વ્યવસ્થિત મુકાઈ ગયું  ને અમે તૈયાર હતા નીકળવા. પણ એક સમસ્યા આવીને ઊભી રહી. બીએમડબ્લ્યુ કારની ચાવી એની પાસે હતી એ પાછી આપવાની હતી ને અહીં કંપનીનો કોઈ માણસ દેખાતો ન હતો. એને આવતા વીસેક મિનિટ લાગી એ પણ ઓફિસમાં ચાર-પાંચ ફોન કર્યા પછી આવ્યો.

અમારી એક સમસ્યાનો નિવેડો લાવ્યો. ત્યાં બીજી મુસીબત સામે આવીને ઊભી રહી.

જીપીએસ જર્મનમાં હતું એને અંગ્રેજીમાં બદલવાનું હતું નહીંતર મોટી સમસ્યા ઊભી થાય. પેલા માણસે એ કરી આપ્યું. સીજે ડ્રાઈવરની સીટ પર ને હું એનો નૅવિગેટર (મેં જ નક્કી કર્યું. સ્વનિમણુક) તરીકે ને બે શેઠાણીઓ પાછલી સીટ પર. આખી ટુર દરમયાન આજ રીતે બધા બેસવાના હતા.

સીજેએ કારનું જીપીએસ ચાલુ કરી અમારે જ્યાં જવાનું હતું ત્યાંનું સરનામું નાખ્યું પણ કોણ જાણે કેમ સ્ક્રીન પર કશું આવે નહિ. કદાચ કોઈ તાંત્રિક ખામી હશે એવું લાગ્યું. પ્રથમ ગ્રાસે મક્ષિકા કે શું?

થોડી વાર માથાકૂટ કરી સીજેએ છોડી દીધું ને કહે મારો ગોળી. આ પ્રશ્ન પછી ઉકેલીશું અત્યારે તો આપણા ફોનના જીપીએસથી કામ ચલાવીએ. અલબત્ત એમ કરવાથી અમારા ફોનની બેટરી જલદી ખતમ થઇ જાય ને ડેટા પણ વપરાઈ જાય પણ એ બધું ગૌણ હતું. મુખ્ય બાબત હતી અહીંથી પ્રસ્થાન. યાહોમ કરીને સીજે એ ગાડી હંકારી.

કમનસીબે નૅવિગેટરે પહેલા જ મુરતમાં ભૂલ કરી. આ બધા તણાવ અને ઉશ્કેરાટમાં માઈલેજ મીટર નોંધવાનું ભૂલી ગયો. આ ભૂલ હું સતત કરવાનો હતો એટલે અમારી પાસે ચોક્કસ કેટલા કિલોમીટર મુસાફરી કરી એની નોંધ નથી.

અમે બેસમેન્ટમાંથી બહાર આવ્યા ને ચમત્કાર થયો. કારનું જીપીએસ ચાલવા લાગ્યું. અમને બત્તી થઇ કે બેઝમેન્ટમાં સિગ્નલ ન મળતું હોવાને કારણે એ કાર્યરત ન હતું. અમે નીકળવામાં લગભગ કલાએક મોડા હતા. સૂર્યાસ્ત થઇ રહ્યો હતો.

ફ્રેન્કફર્ટ અમે અમારા પ્રવાસમાં સામેલ કર્યું ન હતું. માત્ર આવાગમન પૂરતો જ એનો ઉપયોગ કરવાના હતા. અમે ડાઉન ટાઉન એટલે કે સિટી સેન્ટર તરફ આંટો મારવા પણ ન ગયા કારણ કે જો એમ કરવા જઈએ તો ત્રણ ચાર કલાક જતા રહે તો તો અમે મધરાતે સૅન્ટ ગોર પહોંચીયે. (હું મારી લુફથાન્સા એરલાઈન્સની ઍડ માટે ફ્રેન્કફર્ટ ચાર દિવસ રહી ચુકેલો એટલે મને કશો વાંધો ન હતો).

અમે ઉત્તરે જતો A60 ને A61 વાળો રૂટ લીધો નહિ કે બી60વાળો 84.7 કિલોમીટરનો રૂટ પણ લીધો નહિ. આ રૂટથી પહોંચતા એક કલાક ને છત્રીસ મિનિટ લાગે. અમે લીધેલો રૂટ 102.9 કિલોમીટરનો હતો ને પહોંચતા એક કલાક ને છેતાલીસ મિનિટ લાગે; થોડો વધારે સમય જાય.

વાંચનારને પ્રશ્ન થશે કે સામાન્ય રીતે બધા ટૂંકો માર્ગ પસંદ કરે. વળી અમે મોડા પણ હતા તો પછી વધારે સમય લેનારો રૂટ કેમ પસંદ કર્યો?

કારણમાં એવું છે ને કે અમે નક્કી કરેલું કે ઈમરજન્સી હોય તો જ ઓટોબ્હાન લેવાનો- જેમાં ગતિની કોઈ મર્યાદા હોતી નથી બાકી અંદરના રસ્તે જવાનું ભલે એ લાંબો પડે પણ કંટ્રીસાઇડ તો આ રસ્તે જ જોવા મળે.

કારની ટ્રીપ કરવામાં એની તો મઝા છે. વચમાં જ્યાં રમણીય કોઈ સ્થળ દેખાઈ જાય તો ઊભા રહી શકાય ત્યાં થોડો વખત ગાળીને આગળ વધી શકાય, ધાર્યા ન હોય એવા સ્થળો જોવા મળી જાય એ તો અનેરો લ્હાવો છે. બોનસ છે.

ગાડી સડસડાટ જઈ  રહી હતી. સીજેનું ડ્રાઇવિંગ સરસ હતું. હું જીપીએસ જોવામાં ખૂંપેલો કારણ કે મારે નેવિગેટર તરીકે એને ગાઈડ કરવાનો હતો (એવું હું ધારીને ચાલતો હતો બાકી મારી મદદની સીજે ને જરાય જરૂર ન હતી. એ જીપીએસનો નકશો જોવાને સક્ષમ હતો. વળી એને અમેરિકામાં એની આદત પણ હતી. વળી ઓડિયો દ્વારા પણ સૂચનાઓ મળી રહી હતી. આ તો શકટનો ભાર જેમ શ્વાન તાણે.)

સીજેએ રેડિયો પર સંગીત મૂકી દીધું હતું. અમે સૅન્ટ ગોર તરફ આગળ વધી રહ્યા હતા જ્યાંથી અમે અમારી જર્મન ટુરનો પ્રારંભ કરી રહ્યા હતા.

એ એટલું નાનું ટાઉન હતું કે આપણી ભાષામાં તો એને ગામડું જ કહી શકાય. કહી શકાય શું? અરે ગામડું જ હતું. પ્રવાસની આખી રૂપરેખા સીજેએ તૈયાર કરી હતી એટલે નિશ્ચિન્તે એને પૂછ્યું, “હમ સૅન્ટ ગોર સે અપની ટુર કી શુરુઆત કયું કર રહે હૈ? યહાં ઐસા ક્યા ખાસ હૈ કી હમ એક રાત નહિ તીન-તીન રાત યહાં રહનેવાલે હૈ?”

જવાબ આપતા સીજેએ કહ્યું “ઓરિજિનલી એની બાજુમાં આવેલ બખારખ જે થોડુંક મોટું છે ત્યાંથી શરુ કરવાના હતા ને અહીંથી રાહીન નદીની ક્રુઝ લેવાના હતા કારણ એમનો દીકરો ત્યાં રહી આવ્યો હતો. એની ભલામણને લીધે, પણ પછી વધુ સંશોધન કરતાં લાગ્યું કે સૅન્ટ ગોર વધુ સારું પડશે ને ક્રુઝ તો ત્યાંથી પણ મળે.”

તમને કહું સીજેનો નિર્ણય એકદમ બરોબરનો નીકળ્યો. મારો બેટો આગળ જતાં લગભગ બધે સાચો પડવાનો હતો. ટુરની શરૂઆત માટે આનાથી બીજું કોઈ ઉત્તમ સ્થળ ન હોઈ શકે.

અચાનક સીજે મારી તરફ જોઈને કહે, “કલાકાર આપણી વચ્ચે થયેલી સમજૂતી અનુસાર સમગ્ર ટુરનું પ્લાંનિંગ મારે કરવાનું હતું કયા સ્થળોએ જવું, ક્યાં રહેવું, એનું બુકિંગ ને બધું. તારું કામ હતું એ જગ્યાની માહિતી મેળવી અમને રસપ્રદ રીતે કહેવાની. તો ચાલ શરુ કર.”

મેં વાત ટાળવા કહ્યું, “ચોક્કસ. પણ મારી નોટ્સ બધી મારી બેગમાં છે ને બેગ ડિકીમાં છે.” સીજેએ તો સલામત જગા જોઈને ગાડી બાજુમા ઊભી રાખી દીઘી અને કહે લે કાઢી લે.

મારી પાસે કોઈ બહાનું ન રહ્યું. નોટ્સ કાઢી હું મારી સીટ પર ગોઠવાઈ ગયો ને સીજેએ ગાડી ચાલુ કરી.

જર્મનીના સોળ રાજ્યોમાંનું એક રાજ્ય તે રાહિલેન્ડ પાલટીનેટ રાજ્યમાં મિડલ રહાઈન નદીની પશ્ચિમે આ નાનું ગામ આવ્યું છે જેને એ લોકો નગર તરીકે ઓળખાવે છે.

૨૦૦૨માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે સ્વીકૃત થયેલું આ ગામ રહાઈનની ખીણની મધ્યમાં આવેલું અગત્યનું સ્થળ છે. ઠેઠ રોમનકાળથી અહીં વસવાટ હતો. મધ્યકાળમાં એનું નામ રાહીન નદીમાં ભળતા એક વોખરા નામના નાના વોકળા ઉપરથી પડ્યું હતું.”

જિજ્ઞાસાથી હીનાએ પૂછ્યું “તો પછી એનું નામ સૅન્ટ ગોર કેમ પડ્યું?”

જિજ્ઞાસાવૃતિનું શમન કરતા મેં કહ્યું, “રાજા ચાઈલ્ડબર્ત (511-538)ના સમયમાં ફ્રાન્સથી ગોર નામનો એક સાધુ અહીં આવી અહીંની એક ગુફામાં રહેતો હતો. સમય જતાં એ લોકસેવાના  કાર્યમાં પરોવાયો ને હાલ જ્યાં આ નગર છે ત્યાં એક રુગ્ણાલય ને ચેપલ બાંધ્યું. એની આસપાસ અનેક દંતકથાઓ જોડાઈ. એના મરણ બાદ 575માં એની કબર યાત્રાનું સ્થળ બની ગઈ ને એના નામથી આ ગામ ઓળખાવા લાગ્યું.

આપનો પ્રતિભાવ આપો..