વાર્તા: ઈનામ (ઉડિયા)~ મૂળ લેખક: ભગવતીચરણ પાણિગ્રાહી ~ અનુવાદકઃ ડૉ. રેણુકા સોની

આજે ઉડિયા ભાષાના લેખક,શ્રી ભગવતીચરણ પાણિગ્રાહીની એક ટૂંકી વાર્તાનો ડો. રેણુકા શ્રીરામ સોનીએ કરેલો અનુવાદ રજુ કરીએ છીએ. 

શ્રી ભગવતીચરણનો જીવનકાળ ૧૯૦૮થી ૧૯૪૩નો રહ્યો. તેઓ ભારતની આઝાદીની લડતમાં અગ્રેસર હતા. તેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝના “ફોરવર્ડ બ્લોક”ના ફાઉન્ડિંગ મેમ્બર હતા અને પાછળથી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાની ઓરિસ્સા શાખાના ફાઉન્ડિંગ સેક્રેટરી પણ હતા.એમની ટૂંકી વાર્તાઓમાં એ સમયના સમાજ અને શાસનની છબી સુપેરે ઝીલાઈ છે.   

આવા પ્રતિભાશાળી યુવાન લેખકની ક્રાંતિકારી કલમને અનુવાદિત ભાષામાં રસક્ષતિ થયા સિવાય ઉતારવી, એ કામ દેખાય છે એવું સહેલું નથી. પણ ડો. રેણુકાબેન શ્રીરામ સોનીએ, ખૂબ જ ચોક્સાઈ અને નિષ્ઠાથી આ કામ સુંદર રીતે પાર પાડ્યું છે. 

વ્યવસાયે તબીબ, એનેસ્થેસિયોલોજીસ્ટ હોવા છતાં સાહિત્યની એમની પ્રીતિ અકબંધ રહી છે. બાલેશ્વર, ઓરિસ્સામાં જન્મ અને ઉછેર. ઉડીયા, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, અને સંસ્કૃત ભાષા પર ખૂબ પ્રભુત્વ. લગ્ન પણ સાહિત્યની આરાધના કરનાર કુટુંબમાં જ થતાં, સાહિત્યનો શોખ સતત વિકાસ પામતો રહ્યો. 
રેણુકાબેન ગુજરાતીના ઉત્તમ બાળસાહિત્યકાર અને અનુવાદક તરીક પ્રતિષ્ઠિત, જાણીતા લેખક શ્રી રમણલાલ સોનીના પુત્રવધુ છે. રેણુકાબેને અનેક ઉડીયા સાહિત્યના કોહિનૂર હીરા જેવી કૃતિઓનાં અનુવાદો ગુજરાતીમાં કર્યાં છે. એમાં નવલક્થા, ટૂંકી વાર્તાઓ અને કવિતા સામેલ છે.

એમનાં ઉડિયામાંથી ગુજરાતીમાં અનુવાદ કરેલાં તેર પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે અને ગુજરાતીમાંથી ઉડિયા ભાષામાં ચાર પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે,જેમાં શ્રી રમણલાલ સોનીની બાળવાર્તાઓનો અનુવાદ પણ એમણે કર્યો છે. આ એક ઉત્તમોત્તમ કાર્ય થયું છે. સામાન્ય રીતે ગુજરાતીમાંથી ભારતની ઈતર ભાષાઓમાં અનુવાદો થતાં નથી. 

હાલમાં જ, આપણી ગુજરાતી ભાષાના ધરખમ, સક્ષમ અને મોખરાના કવિ ડો. વિનોદ જોશી રચિત દીર્ઘ કાવ્યગ્રંથ, “સૈરેન્ધ્રી”નો એમણે ઉડિયા ભાષામાં અનુવાદ કર્યો છે, જે તાજેતરમાં પ્રગટ થઈ ચૂક્યો છે. એમનાં અથાક પ્રયત્નો થકી ગુજરાતી ભાષાના સાંપ્રત સાહિત્યના પુસ્તકો પણ આમ ઉડિયા ભાષામાં અનુવાદિત થાય છે, એનું ગૌરવ દરેક ગુજરાતી સાહિત્યપ્રેમીએ લેવું જ રહ્યું.

એમનાં આવા અદ્વિતીય સાહિત્યિક પ્રદાન બદલ ગુજરાતી સાહિત્ય એકેડમી, સાહિત્ય પરિષદ અને દિલ્હી સાહિત્ય એકેડમીના અને અન્ય પ્રતિષ્ઠિત એવોર્ડથી ડો.સોનીને નવાજવામાં આવ્યાં છે. તો,આપણે એમની કલમનો અને ઉડિયાના ઉત્તમ લેખકોની ઉત્તમ કૃતિઓનો આપણને સહુને લાભ આપવા બદલ રેણુકાબેનનો આભાર માનીને આવકારીએ.)

આખા વિસ્તારમાં ધનિયો શિકારી તરીકે ખૂબ જાણીતો હતો. બંદૂક ચલાવતા તો આવડે નહીં, પણ એનું હથિયાર’-શસ્ત્ર ધનુષ્ય-બાણ હતું. એક માઈલ દૂરથી પણ તે નિશાન વીંધી નાખે. આ ધનુષ-બાણથી એણે પુષ્કળ જાનવરો માર્યા છે વાઘ અને સિંહ પણ માર્યા છે, અને ડેપ્યુટી કમિશનર પાસેથી ઈનામ પણ મેળવ્યા છે.

તે દિવસે સવારે એક અદભુત શિકાર લઈ તે ડેપ્યુટી કમિશનરના બંગલે પહોંચ્યો.
પટાવાળાએ પૂછ્યું” કેમ અલ્યા ,આજે કયો શિકાર લાવ્યો છે?”
ધનિયા જોડે એને સારી દોસ્તી છે કેમ કે ધનિયાને મળતી બક્ષિસમાંથી એ ભાઞ પડાવે છે.
જવાબમાં ધનિયાએ પોતાના ગંદા પીળા દાંત દેખાડ્યા. તે હસ્યો કે મલક્યો શું ખબર! એને હસવું કે રડવું કહેવાય નહીં પણખાલી દાત દેખાડવાનુ કહી શકો.
પટાવાળો પૂછે છે, “આજે કયો શિકાર લાવ્યો છે?”
ધનિયાએ પોતાના ગમછામા બાંધેલી વસ્તુ દેખાડી કહ્યું, “આજે તો એક મસ્ત જાનવરનો શિકાર કરી લાવ્યો છું.” “વાઘ?”
“ના.”
“ચિત્તો, રીંછ?”
“ના”
“ગધેડા, ત્યારે શું લાવ્યો છે ? ભસી મરને!”

બહાર આ કોલાહાલ સાંભળી સાહેબ બંગલામાંથી બહાર આવ્યા. ધનિયાએ મોટી સલામ ભરી.
સાહેબ શિકાર જોવા માગતા હતા. ધનિયાએ ગમછાની પોટલી છોડી અને એક તાજું કપાયેલું માથું કાઢી સાહેબના પગમાં મૂકયુ. સાહેબ હેબતાઈને બે ડગલાં પાછળ હટી ગયા.
ધનિયાએ હાથ લંબાવીને કહ્યું, “સાહેબ બક્ષિસ?”
થોડીવારમાં સાહેબને કળ વળી. પછી, ઈશારાથી ધનિયાને બક્ષીસ માટે રાહ જોવાનું કહી, સાહેબ અંદર ગયા અને

તરત જ ફોન કરીને તેમણે પોલીસ ફોજ બોલાવી. ધનિયાને કાબુમાં લેવાનો આજ એકમાત્ર ઉપાય હતો. કારણ કે એના શરીરમાં એક રાક્ષસ જેટલું બળ હતું અને વળી હાથમાં ધનુષ્ય-બાણ સાથે કુહાડી હતા. હાથે પગે બેડીઓ પહેરીને ધનિયાને જેલમાં જવું પડ્યું, પણ, એનું કારણ શું, તે તેને સમજાયું નહીં. મોકો મળતાં, ત્યાં જેલમાં, જેને મળે તેને ધનિયો આ એક જ સવાલ પૂછે કે એને જેલમાં રાખવાનું કારણ શું?

એ સવાલ તો પૂછે પણ એને સમજાય એવો જવાબ કોઈ દે નહિ. કોઈક કહે, “તને કાળા પાણીની સજા થશે” તો વળી, કોઈકે કહ્યું, “તને ફાંસીની સજા થશે”

ધનિયો તો એક જ રટ લગાવીને બેઠો.  “પણ કારણ શું? મેં વળી એવો કયો ગુનો કર્યો છે? દર વખતે તો મને સાહેબ ઈનામ તરત દેતા હતા! આ વેળા શું થયું?” ધનિયાને કંઈ સમજાતું નહીં.
એક દિવસ ડેપ્યુટી કમિશનર જેલમાં આવ્યા.
એમને જોઈને ધનિયાએ સાહેબને પૂછી લીધું, “સાહેબ, મને જેલમાં તો ધકેલ્યો પણ મારું ઈનામ? મારું ઈનામ તમે  મને ક્યારે આપશો?”

સાહેબે કહ્યું “પહેલાં તો તું વાઘ, રીંછ વગેરે પશુઓને મારતો હતો. તેથી તને તરત ઈનામ મળતું હતું. આ વખતે તો તેં માણસ માર્યો છે! આનું શું ઈનામ આપવું, તે પછી વિચારીને નક્કી કરવામાં આવશે.”
ધનિયાના મગજમાં આ વાત ઉતરી ગઈ. જે દિવસે ન્યાય થવાનો હતો તે દિવસે ધનિયાએ બરોબર વિચાર્યું કે આજે તો મને ઈનામ મળશે જ. તે ખુશ થતોથતો જજને બધી વાત કહેવા લાગ્યો.”મેં ગોવિંદ સરદારને મારી નાખ્યો એમાં મને ખૂબ મહેનત પડી સાહેબ, બીજા ઘણાં લોકો એને મારવા ઈચ્છતા હતા પણ કોઈ એને મારી શકયું નહીં. ગોવિંદ સરકારે તો ઘણું બધું ધન લોકોને લૂંટીલૂંટીને ભેગું કરેલું. તે બડો શેતાન હતો. એણે ઘણાં લોકોને મારી નાખ્યાં છે, સ્સહેબ. અને કેટલાયને ઘરબાર વગરનાંય કર્યાં છે. કેટલીયે છોકરીઓની ઈજ્જત લૂંટી છે, જેનો કોઈ હિસાબ નથી. મારી બધી જમીન પણ એણે એવી જ રીતે હડપ કરી લીધી છે. તે દિવસે મારી વહુની લાજ લૂંટી રહ્યો હતો. તેની આટલી હિંમત?તે મને જોઈને મોટરમાં બેસી ભાગી ગયો. એના મનથી કે મારા હાથમાંથી છટકી જશે! પણ, ચાલતી મોટરના પૈડાંને તીર મારીને મેં મોટર અટકાવી દીધી. પછી તલવારથી એનું માથું કાપી સીધો દોડ્યો. રાતોરાત જંગલનો 30 માઈલનો રસ્તો કાપી હું સીધો સાહેબના બંગલામા હાજર થયો. ગોવિંદ સરકાર જેવો તેવો માણસ ન હતો. તેના હાથમાં હંમેશા બંદૂક હોય જ. વાઘ-વરુ કરતાં લોકો તેનાથી વધારે બીતા. જાનવર કરતાં પણ તે લોકોને વધારે નુકસાન કરતો. એને મારવામાં મને કંઈ ઓછી મહેનત નથી પડી. થોડા વર્ષો પહેલા ક્રાંતિકારી ઝપટસિંહનું માથું કાપી લાવવા માટે સાહેબે, દોરાને 500 રૂપિયાનુ ઈનામ આપ્યું હતું. ઝપટસિંહ તો ખૂબ સારો માણસ હતો. તેણે કદી બેનોની લાજ લૂંટી નથી કે કોઈની જમીન હડપ કરી નથી. એને તો ખાલી સરકારી ખજાનો લૂંટ્યો હતો અને કેટલાક સિપાહીઓને માર્યા હતા પણ ગોવિંદ સરકાર તો ખૂબ ભયંકર માણસ હતો એટલે તેને

મારવા માટે મને વધારે બક્ષિસ મળવી જોઈએ.”
ધનિયાની વાત સાંભળી કોર્ટમાં બધાં હસવા લાગ્યા.
સાહેબે પણ હસીને કહ્યું કે” હા તને ખૂબ મોટું ઈનામ આપીશું.”
સરકારી વકીલે કહ્યું “તને ઈનામ આપવા માટે તો ખાસ લાવવામાં આવ્યો છે.”
ધનિયો આ બધી મજાક સમજ્યો નહીં, એ તો બધું સાચું માનતો રહ્યો. છેલ્લે ચુકાદો આવ્યો – “મૃત્યુ દંડ!”

ધનિયો તેનો અર્થ સમજયો નહીં. વળી જેલમાં પાછા લઈ જતી વખતે તેને સમજાવવામાં આવ્યું કે તને ઈનામ મળવાનો દિવસ હવે નજીક છે. હજી ધનિયાને સમજાયું નહીં કે તેણે ગુનો કર્યો છે અને તે માટે તેને મૃત્યુદંડની સજા થઈ છે.

ઝપટસિંહ ને માર્યો અને ગોવિંદ સરકારને માર્યો, એ બે સરખી બાબત નથી. આ તેને કેવી રીતે સમજાવાય? તેને ખબર નથી કે ઝપટસિંહને મારવું એ ગૌરવની વાત છે અને બીજાને મારવું એ ગુનો છે. કાયદાની આંટીઘૂંટી તેને શી રીતે સમજાય? એ તો છે એક જંગલી આદિવાસી! એ જેલમાં બેઠોબેઠો વિચાર કરે છે કે ઝપટસિંહને મારનાર, દોરાને ₹500 મળ્યા છે. એનાથી ઓછા તો હું નહીં જ લઉં. ઓછા આપશે તો પાછા આપી દઈશ અને કહીશ કે દોરાથી વધારે મને મળવા જ જોઈએ. જેલની અંધારી એકલવાઈ ગુફામાં બેસીને તે આવી કેટલીય વાતો વિચારતો હતો. વાત કરવાવાળું કોઈ મળે નહીં, અને વાત કરવાની તેની ઈચ્છા થાય નહીં. એને તો એક જ ધૂન કે બસ, ઈનામ લઈને ઘેર પાછાં ફરવું છે. ઘેર જઈશ ને બૈરીને ઈનામ દેખાડીશ ત્યારે એવી એ કેવી રાજી થશે? તેનું મન તડપતું હતું અને તેનો ફાંસીનો દિવસ આવી પહોંચ્યો.
તેને પૂછવામાં આવ્યું “તારી છેલ્લી ઈચ્છા શું છે”?
તેણે કહ્યું” મારું ઈનામ.” ‌
“સારું, ચાલ ત્યારે, ઈનામ લેવા!” એમ કહી, તેને લઈ ગયા.

તેના મોં પર કાળુ કપડું પહેરાવવામાં આવ્યું. ધનિયાએ વિચારતો રહ્યો કે, ‘આંખ પર કાળો પાટો બાંધી મારો હાથ ખૂબ સોના ચાંદીથી ભરી દેવામાં આવશે. સરકારના કાયદા કઈ જેવા તેવા થોડા હોય? મોટું ઈનામ તે કંઈ એમને એમ તે અપાય? ઘેર પાછો ફરીને હું વહુને બધું બતાવીશ. એવી એ તો કેટલી બધી ખુશ થશે, આ બધું જોઈને? બસ, પછી સારું ઘર બનાવી ખેતીવાડી કરી આનંદથી રહીશું. હવે કોઈ ગોવિંદ સરદાર નથી કે બધું લૂંટી લે!’

ને, અચાનક કંઈક તેના ગળામાં પડ્યું……!

આપનો પ્રતિભાવ આપો..