પ્રકરણ:24 ~ હું અમેરિકા ઉપડ્યો, ખરેખર!~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી

1962માં હું પહેલી વાર અમેરિકા ન આવી શક્યો તેનો જારેચાને રંજ રહી ગયો હતો. ત્યારથી જ એ ભલા માણસ મારા ખર્ચની જોગવાઈ કરવા મથતા હતા.

પોતે યુનિવર્સિટીમાં જ કામ કરતા હતા, તેથી મારા એડમિશનની વ્યવસ્થા ત્યાં એ સહેલાઈથી કરી શક્યા, પણ ફી અને રહેવાનું શું? અને મારે તો અહીંનો જે ખર્ચ તો ઊભો હતો તેનો પણ વિચાર કરવાનો હતો.

એમણે ઉપાય બતાવ્યો. “તું અહીં આવીને મારી ઑફિસમાં પાર્ટ ટાઈમ કામ કરજે, એમાંથી તારો ત્યાંનો અહીંનો એમ બંને ખરચા નીકળી જશે. શરૂઆતમાં મારી સાથે રહેજે અને મારી સાથે જ આવજે, જજે.”

હવે રહી એરલાઈનની ટિકિટ. એ મોટો ખરચ હતો. એ માટે એમણે એટલાન્ટાના એક ફાઉન્ડેશનને અરજી કરી અને કહ્યું કે મારા એક મિત્ર માટે અહીંની યુનિવર્સિટીમાં એડમિશન, ફી અને રહેવાની બધી વ્યવસ્થા થઇ ગઈ છે. પણ આ મહત્ત્વાકાંક્ષી નવયુવાને અમેરિકા આવીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની જે અમૂલ્ય તક મળી છે તે એરલાઈનની ટિકિટ પૈસા ન હોવાને કારણે જવા દેવી પડશે. એ બાબતમાં ફાઉન્ડેશન કોઈ મદદ કરી શકે?

મારા કોઈ મોટા સદ્ભાગ્યે ફાઉન્ડેશને હા પાડી અને ટિકિટના પૈસા આપ્યા. જારેચાએ તરત એર ઇન્ડિયાની ટિકિટ કઢાવીને મોકલી આપી. મુંબઈનો એર ઇન્ડિયાનો માણસ મને ઓફિસમાં મળવા આવ્યો.

હું ગભરાયો કે ઓફિસમાં બધાને ખબર પડશે કે ભાઈસાહેબ વળી પાછા અમેરિકા જવાના ધતિંગ કરવા લાગ્યા કે શું? હું એને તરત બહાર લઇ ગયો અને કહ્યું કે મહેરબાની કરીને તારે ઑફિસમાં ન આવવું. એ બિચારો તો એનું કામ કરતો હતો, એને ખબર ન પડી કે હું શા માટે એને ઑફિસમાં આવવાની ના પાડું છું.

મને હજી ખાતરી નહોતી થતી કે હું ખરેખર જ અમેરિકા જવાનો છું. હજી તો મારે પાસપોર્ટ કઢાવવાનો હતો, વિઝા મેળવવાના હતા, ઘરે બધાને સમજાવવાના હતા. જીવનમાં મેં એટલી બધી પછડાટ ખાધી છે, એટલી બધી હાર સહન કરી છે, કે હું એવું માનતો થઇ ગયો હતો કે આપણે જે ધાર્યું છે તેથી ઊલટું જ થવાનું છે.

-પણ એક વાર ટિકિટ આવી ગઈ એટલે મને થોડી ધરપત થઈ. એક ઓળખીતા ટ્રાવેલ એજન્ટને પકડ્યો. કહ્યું કે મારું અમેરિકા જવાનું નક્કી થયું છે. ત્યાં સેમેસ્ટર શરૂ થઈ ગયું છે. મારે જલદી પહોંચવાનું છે. મદદની જરૂર છે.

મને કહે, પહેલું કામ પાસપોર્ટ ક્ઢાવવાનું. તારા ફોટા આપ. મારી પાસે તો તૈયાર ફોટા પણ નહોતા! એ મને તરત ને તરત જ્યાં જલદીથી ફોટા મળી શકે એવા ફોટોગ્રાફરને ત્યાં લઈ ગયો. ફોટા પડાવ્યા.

ટ્રાવેલ એજન્ટે મને કહ્યું કે પાસપોર્ટ માટે કોઈ ખમતીધર માણસની ગેરેન્ટીની જરૂર પડશે. કોણ તને એ આપશે? આગળ ઉપર જણાવ્યું તે મુજબ રતિભાઈએ તો મને સ્પષ્ટ ના પાડી. હવે શું કરવું?

મારા મિત્ર કનુભાઈ દોશી જે મારી અમેરિકા જવાની યોજનામાં તીવ્ર રસ બતાડતા હતા તે વહારે ધાયા.  એમણે એમના ભાઈ અનિલને વાત કરી. અનિલભાઈ અને હું એક જમાનામાં નાતની બોર્ડીંગમાં રૂમમેટ હતા, તેમણે તરત હા પાડી. આપણી ગાડી આગળ વધી.

ટ્રાવેલ એજન્ટની મદદથી પાસપોર્ટ મળ્યો. મારા નામનો પાસપોર્ટ હોય એ જ મોટી વાત હતી. મેં ક્યારેય કલ્પના કરી નહોતી કે મારી પાસે પાસપોર્ટ હોય!

વિઝા લેવા માટે અમેરિકન કોન્સ્યુલેટમાં ગયો. ત્યાં કહે કે ડૉક્ટર પાસેથી મેડિકલ સર્ટિફિકેટ લઈ આવો. એ માટે અમારા ડૉક્ટર પાસે તમારે જવું પડશે.

ગભરાતો ગભરાતો એ ડૉક્ટર પાસે ગયો. ન કરે નારાયણ ને એ મારા માંદલા શરીરમાં કોઈ રોગ ગોતી કાઢે તો? અમેરિકાના ડબલ ચીઝ પીઝા ખાઈને અત્યારે તો મારું વજન 160 સુધી પહોંચ્યું છે, પણ ત્યારે તો માત્ર 130 પાઉન્ડ જેટલું હતું! સદ્ભાગ્યે વાંધો ન આવ્યો.

વિઝા ઑફિસર સાથે મારો ઈન્ટરવ્યૂ નક્કી થયો. હું ત્યાં પણ ગભરાતો જ ગયો. જિંદગીમાં પહેલી જ વાર કોઈ અમેરિકન સાથે વાત કરવાની હતી. આગલી આખી રાત ઊંઘ નહીં આવી. એ શું શું પૂછશે? અને એ  જે પૂછશે તે મને સમજાશે?

હોલીવૂડની મુવીઓ જોવાથી અમેરિકન ઉચ્ચારોથી થોડો ઘણો પરિચિત હતો, પણ મુવીના ડાયલોગ ઘણી વાર સમજાતા નહીં. જોકે ટ્રાવેલ એજન્ટે મને સમજાવ્યું હતું કે ત્યાં કેવા સવાલો પૂછાય છે અને એના કેવા જવાબ આપવા. ગયો. બહુ વાંધો નહી આવ્યો. વિઝા મળી ગયા.

હવે રિઝર્વ બેન્કમાંથી ‘પી’ ફોર્મ અને ફોરેન એક્સચેન્જ મેળવવાના હતા. જો કે ફોરેન એક્સચેન્જમાં તો માત્ર સાત ડોલર જ મળવાના હતા. વધુ તો સરકાર આપતી નહીં અને આપતી હોય તોય એ લેવાના પૈસા ક્યાં હતા?

ટ્રાવેલ એજન્ટ દ્વારા ટિકિટ લેવાઈ ગઈ. જવાની તારીખ નક્કી થઈ ગઈ. ટિકિટ હાથમાં આવ્યા પછી જ મને ધરપત થઈ કે હવે જવાનું નક્કી જ છે. જારેચાને મેં તાર કહીને જણાવી દીધું કે આવું છું!

થયું કે હવે ઘરે, ઑફિસમાં અને બીજે બધે ઠેકાણે કહેવામાં વાંધો નથી. બધે જ આશ્ચર્ય છવાઈ ગયું.

લોકોને થયું કે આ માણસ સાવ સામાન્ય નોકરી કરે છે અને અમેરિકા જવાનું ક્યાંથી ગોઠવી આવ્યો? પહેલાં તો નલિનીએ રોવાનું શરૂ કર્યું!  કહે કે મારું શું થશે? એણે સાંભળ્યું હતું કે પરણેલા લોકો અમેરિકા જઈને પોતાની પત્નીને ભૂલી જાય છે. અમેરિકન છોકરીઓ એમને ફસાવે છે. એમની સાથે આડકતરા સંબંધો બાંધી પત્નીને બોલાવતા નથી.

અમારી નાતમાં જ એવો એક કેસ બન્યો હતો જેની વાત કરીને રતિભાઈએ મને પાસપોર્ટ માટે ગેરેન્ટી આપવાની ના પાડી હતી તે જ વાત નલિનીએ મને કરી.  હું પણ એવું નહીં કરું એની ખાતરી શી?

મેં એને સમજાવ્યું કે હું પણ એવું કરીશ તેવું કેમ મનાય? ઉપરાંત દેશમાં આપણું ભવિષ્ય કાંઈ સારું દેખાતું નથી. અમારા સેનેટોરિયમના રઝળપાટ, સારી નોકરી શોધવાના મારા રોજના ફાંફા, ટૂંકા પગારમાં ઘર નહોતું ચાલતું તેથી ટ્યુશન કરવાની પળોજણ, દેશમાંથી આવેલા લોકોનો ધસારો – આ બધાની નલિની સાક્ષી હતી. એટલું જ નહીં, પણ મારા આ જીવનસંગ્રામમાં એ પણ મારી સાથે રહીને ઝઝૂમી હતી.

નલિનીએ પણ મારી સાથે એ બધું વેઠયું હતું. વધુમાં મેં એને અમેરિકા આવવાની લાલચ આપી. કહ્યું કે એક વરસ તો ક્યાંય નીકળી  જશે અને તું અમેરિકા આવી જઈશ!

નલિની તો માની ગઈ પણ કાકાને સમજાવવા વધુ મુશ્કેલ હતું. દેશનો ધંધો સંકેલી એ બાકીના કુટુંબને લઈને મુંબઈ આવી ગયા હતા. બાજુના પરા બોરીવલીમાં ઓરડી લઈ એમણે પાકટ વયે મુંબઈની હાડમારીવાળી જિંદગી શરૂ કરી હતી. પોતાના એક જૂના મિત્રની દાઢીમાં હાથ ઘાલીને એના ધંધામાં મહેતાજી તરીકે નોકરી શરૂ કરી હતી.

એ મારી પર મદાર રાખીને બેઠા હતા.  ક્યારે હું ધીકતી કમાણી કરું, ભાઈબહેનોની સંભાળ લઉં અને એમને મુંબઈની કઠણાઈમાંથી છોડાવું. એમને મદદરૂપ થવાને બદલે હું તો અમેરિકા ચાલ્યો! વધુમાં એમની ઉપર નલિનીનો ભાર નાખીને જતો હતો.

રતિભાઈની જેમ એમને પણ શંકા હતી કે કદાચ હું અમેરિકા જ રહી જાઉં, દેશમાં પાછો આવું જ નહીં અને નલિનીને છોડી દઉં તો? જેમ નલિની તેમ જ કાકાને અમેરિકા લઈ  જવાની લાલચ આપી. મેં એમ પણ કહ્યું કે એકાદ વરસમાં હું ત્યાં સેટલ થઇ જઈશ અને નલિની તથા ભાઈબહેનોને બોલાવી લઈશ. એ માન્યા નહીં.

આ બધી ગડમથલ ચાલતી હતી, તેવામાં મારા બા ગંદકીથી લપસણી થયેલી ચાલીમાં પડ્યાં. એમનો પગ ભાંગ્યો.  એમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. મારા અમેરિકા જવાની વાત વિષે એ પણ નારાજ હતાં. પણ એમના સ્વભાવ મુજબ એમણે મને કાંઈ કહ્યું નહીં, પણ એમનો મારા પ્રત્યેનો અસંતોષ અને દુઃખ હું જોઈ શકતો હતો.

મુંબઈમાં ધીકતી કમાણીનો ધંધો કે નોકરી કરવામાં તો હું સાવ નિષ્ફળ નીવડ્યો હતો. અમેરિકા જવાની આવી અમૂલ્ય તક મળી છે તે હું કાંઇ જવા દેવાનો ન હતો. બા કાકાને મનદુઃખ થયું હોવા છતાં મારી અમેરિકા જવાની તૈયારી ચાલુ રહી.

જેમ જેમ અમેરિકા જવાનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ મને શ્રદ્ધા બેસતી ગઈ કે હું ખરેખર જ મુંબઈ અને તેની બધી ઝંઝટમાંથી બસ હવે થોડા જ દિવસમાં છૂટવાનો છું, ત્યાં જ ઇન્ડિયા પાકિસ્તાનની 1965ની લડાઈ શરૂ થઈ.  મુંબઈમાં બ્લેક આઉટ શરૂ થયો.  મુંબઈ એરપોર્ટ બંધ કરવાની વાત ચાલુ  થઈ.

અકરમીનો પડિયો કાણો! મને થયું કે આ મારું દુર્ભાગ્ય કેવું છે કે મારું અમેરિકા જવાનું નક્કી થયું ત્યારે જ લડાઈ શરૂ થઈ. કદાચ એરપોર્ટ બંધ થશે. સદ્ભાગ્યે સીજ ફાયર ડિકલેર થયો અને એર ઈન્ડિયાવાળાઓએ કહ્યું કે હા, તમારું પ્લેન જરૂર ઉપડશે.

પૈસાદારોના છોકરાઓ વિદેશગમન કરે ત્યારે જે મેળાવડાઓ થાય અને જે ફોટા પડે એવું કંઈ મારા માટે થવાનું નહોતું. એક તો કાકા અને રતિભાઈ બન્નેએ મારા અમેરિકા જવા વિષે પોતાનો અણગમો નોંધાવ્યો હતો. તેથી “અમારા સુપુત્ર ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જવા આજે એર ઇન્ડિયાની રાતની ફ્લાઈટમાં ઉપડે છે,” એવી હેડલાઈન સાથે છાપામાં ફોટો આવવાનો નહોતો. પણ મને આવી બાબતની કોઈ પડી નહોતી. હવે તો હું અમેરિકા જાઉં છું એ જ મારે મન મોટી વાત હતી.

એક મિત્રે મારા માટે ચર્ચગેટ ઉપર આવેલા એક નાના રેસ્ટોરામાં મેળાવડો યોજ્યો. એ ભાઈએ સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી. મને એટલું જ કહ્યું હતું કે અમે બે સાંજે કૉફી પીવા મળીશું અને પછી છૂટા પડીશું.

હું ગયો અને જોયું તો મારા કૉલેજના કેટલાક અને બીજા મિત્રો હાજર હતા. કેટલાક બીજા દરવાજે આવીને રિસાઈને ઊભા રહ્યા. કહે કે, ગાંધી પોતે દરવાજે આવીને અમને આમંત્રણ આપે તો જ અમે અંદર આવીએ!  જે ભાઈએ ભલમનસાઈથી આ મેળાવડાની વ્યવસ્થા કરી હતી તેમણે નિમંત્રણ આપવામાં કૈંક ભૂલ કરી હશે, કોને ખબર?

હું દરવાજે ગયો, એમને આગ્રહ કરીને અંદર લઈ આવ્યો. એમને બધાને એરપોર્ટ મને વિદાય આપવા આવવા કહ્યું.

મેળાવડો પતાવી રાતે મોડો ઘરે પહોંચ્યો અને નલિનીને ખબર પડી કે મારે કેમ મોડું થયું, તો વળી ઘરે એ બાબતમાં ઝઘડો થયો. એને પણ વિદાય સમારંભમાં આવવું હતું અને મારી સાથે બેસીને માનપાન માણવાં હતાં.

મેં એને ઘણી સમજાવી કે આ મેળાવડાની મને પોતાને જ ખબર ન હતી. જે ભાઈએ મારા પ્રત્યેની એમની કૂણી લાગણીથી આ બધું  ગોઠવ્યું હતું તે નલિનીને જ કહેવાનું ભૂલી ગયા!

અમેરિકા જવાના આગલા દિવસે જ આ બધા મનદુઃખને કારણે મારો અમેરિકા જવાનો ઉત્સાહ જ ઓસરી ગયો. મને થયું કે આમાંથી ક્યારે ભાગું?

એ ભાગવાનો દિવસ આવી ગયો! એરપોર્ટ ઉપર થોડા લોકો આવેલા. મારા હારતોરા પણ થયા! અને મેં આખરે એર ઇન્ડિયાનું પ્લેન પકડ્યું.

જિંદગીમાં હું પહેલી જ વાર પ્લેનમાં બેઠો. એ જમાનામાં મુંબઈનું સાંતાક્રુઝ એરપોર્ટ જોવા જવાનું સ્થાન હતું. દેશમાંથી જે લોકો ફરવા આવે તે મુંબઈનું એરપોર્ટ જોવાનું ન ચૂકે. હું પણ એવી રીતે વર્ષો પહેલાં જોવા આવેલો અને પછી ઘણા લોકોને ત્યાં બતાડવા પણ લઈ ગયેલો.

Santa Cruz Airport Bombay - Old Postcard 1949 - Past-India

જેટલી વખત ત્યાં ગયો છું તેટલી વાર મને થયેલું કે મને ક્યારે પ્લેનમાં બેસવાનું મળશે? હું જોવા – બતાડવા નહીં, પણ ખુદ પોતે જ વિદેશ જવા માટે એરપોર્ટ પર ક્યારે આવીશ?

આજે હું ખરેખર વિદેશ જવા માટે, અને તે પણ અમેરિકા જવા માટે, એરપોર્ટ આવ્યો છું તે માની શકતો ન હતો. એનાઉન્સ્મેન્ટ થયું કે પ્લેનમાં બેસો. તમારું પ્લેન ઉપડવાની તૈયારીમાં છે.

પ્લેનમાં જવાની સીડીનાં પગથિયાં ચડતા હું ખલીલ જિબ્રાનની પંક્તિઓ ગણગણતો હતો:  Then we left that sea to seek the Greater Sea!

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..