અગ્નિપરીક્ષા ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:4 (7માંથી) ~ લે: વર્ષા અડાલજા
એક નવા જીવનમાં પ્રવેશ કરતી હોય એમ હંસા ઘરમાં આવી. આઇવરી પેઇન્ટિંગની દીવાલો, ફૂલની ભાતના પડદા, સોફા, ડાઇનિંગ ટેબલ, જેની કલ્પના કરી હતી એવાં દૃશ્યની એ સાક્ષી! નવીન હાથથી દોરતો રસોડામાં લઈ આવ્યો, જાહેરાતોમાં જોયાં હતાં એવા ઇલેક્ટ્રોનિક્સ ગૅજેટ્સ.
તૃપ્તિનો ઊંડો શ્વાસ લેતાં એ સજાગ થઈ ગઈ.
નવીન સોફામાં અદાથી બેસી તેની સામે હસી રહ્યો હતો. નવું ઘર, નવી લાઇફસ્ટાઇલ અને પતિ પણ આ માહોલમાં આમ ગોઠવાયેલા હતા! ફૅશનેબલ સ્ટાઇલિશ કપડાં, શૂઝ, હાથમાં ચમકતી દમકતી ઘડિયાળ.
`ઘર સરસ છે જ પણ મોંઘુ હશેને? આપણે બાંધી મૂઠીએ જીવતાં હતાં અને અચાનક જ આ ઘર? જાદુઈ છડી મળી ગઈ? હું હજી માની નથી શકતી.’
`તો માની લે હંસા.’ એણે હાથ પકડી હંસાને જોડાજોડ બેસાડી, `તું ગઈ પછી હું ખૂબ દુઃખી હતો, તું પણ ડિપ્રેશનમાં હશે જ ને? પણ એક રીતે સારું થયું.’
`એટલે?’
`એમ ડોળા ન કાઢ, એટલે એમ કે કામની ધુનકી ચડી. બસ, કામ ને કામ… પબ્લિક રિલેશન્સ કરવા જાણીતી ક્લબમાં અજીતસરનાં કાર્ડ પર સસ્તામાં મૅમ્બર થયો. મારે બતાવું હતું તારા બાપને… નો નો સૉરી પપ્પાને. મારા આત્મસન્માનના તો લીરેલીરા! હું તને હેરાન કરતો હતો એટલે જ ઝઘડીને તારા પપ્પા તને લઈ ગયા. ચાલી આખી મારાથી નારાજ. પેલો બે પૈસાનો બિટ્ટુ…’
`આ તે કેવી ભાષા?’
`અત્યારે આપણે ભાષાપુરાણ કરવાનું છે આટલા મહિને મળીને?’
`હા, તો?’
હંસા થોડી દૂર ખસીને પતિને જોઈ રહી. આ એ જ હતો જેનો હાથ પકડી એણે ગૃહપ્રવેશ કર્યો હતો! એના આશ્લેષમાં તો એ સમાઈ ગઈ હતી છતાં કેમ નરી આંખે ન દેખાય, ન સમજાય એવું થોડું અલગાપણું…
એણે પોતાને ટપારી. પતિએ એને પાછી મેળવવા કેટલો પરિશ્રમ કર્યો હતો. નવીન એની ધૂનમાં હતો.
`…ક્લબમાં દોસ્તો કર્યા. જાહેરાતોની ઇવેન્ટ કરી, ફ્લૅટો વેચ્યા, અજીતસર અરે એની વાઇફ અને સાળીનેય ખુશ રાખું, સર સાથે હાઇ-સોસાયટીની પાર્ટીમાં ગયો હતો, સરના વાઇફને કોઈ ફૉરેનર બંદો મ્યુઝિક કૉન્સર્ટ કરવા આવ્યો હતો…’
`નવીન… આ ઘર..’
`અરે સુનો તો સહી! પાંચ દસ હજારની ટિકિટો, તોય હાઉસફૂલ. સરને ખુશ કરવા હતા શું કરું? ખિસ્સામાંથી કોઈને નોટો પકડાવી દીધી કે ટિકિટદેવી પ્રસન્ન! તો સરના વાઇફ પણ પ્રસન્ન. અને જોયો આ ચમત્કાર! સરે કંપનીનું ગૅસ્ટહાઉસ આપણને રહેવા આપ્યું. બોલાવ તારા પપ્પાને, દેખાડી દે ઘર.’
હા, પપ્પાએ આ ઘર જોયું હોત તો જરૂર ખુશ થાય. ગામમાં ઢંઢેરો પીટત. કૅફ ઊતર્યો હોય એમ એ ઢીલી પડી ગઈ. એ નીકળી ગઈ. પછી ત્યાં શું થયું હશે? પપ્પાને ગામમાં કેટલું નીચાજોણું થયું હશે! દાદી પર ભડક્યા હશે!
`નવીન મનીષને ફોન કરોને? પૂછી તો જુઓ પછી શું થયું? ઘરે શું થયું? મને ચિંતા થાય છે.’
`હા કરીશ ફોન, તું તારી વાત કર.’
હંસાની વાત સાંભળતા નવીન ચકિત થઈ ગયો, `દાદીની હિંમત ગજબની! અને જો ગભરાવાની જરૂર નથી, પપ્પા હવે અહીં નહીં જ પહોંચી શકે. આપણું આ ઍડ્રેસ જ કોઈને નથી આપ્યું. પપ્પા કંપની સુધી પહોંચી જશે તોય વાંધો નથી.’
`કેમ?’
`અજીતસર, કંપનીના સીઈઓ મિ. ગુપ્તા સિવાય કોઈને ખબર નથી. કંપનીનો ફ્લૅટ તો એમનાં નામ પર જ હોયને?’
હંસાનો ગભરાટ શમ્યો નહોતો.
`પણ ધારો કે… કોઈ વાર અજીતભાઈ સાથે ઊંચનીચ… થઈ તો ઘર તો ઉભાઉભ ખાલી કરવું પડે.’
`જે થાય તે. એ ચાલીના ઘરમાં પાછા જવાના દિવસો હવે નહીં આવે, ક્યારેય નહીં. આ પ્રોફેશનમાં સાત વર્ષથી છું, ભૂતની ચોટલી હાથમાં રાખતાં આવડી ગયું છે. એય માય ડીયર! આ બધી વાતોનો અર્થ છે? લીવ ઍવરિથિંગ ટુ મી. એક વાત કહું?’
`તો અત્યાર સુધી તમે શું કરતા હતા?’
`તને વાતોમાં પહેલાં નહોતો પહોંચી શકતો, આજે પણ નહીં. તને હસવું આવશે મારી હંસારાણી, ફાઇવસ્ટાર પાર્ટી, જિમખાના લંચની ક્યાં નવાઈ છે પણ તારા ભાખરીશાકની તલપ છે.’
`અરે પણ રસોડું તળિયાઝાટક છે.’
ડોરબેલ રણકી ઊઠી.
`તારો રસોડાનો સામાન હાજર છે. સરની વાઇફ એને ભાભી કહું છું, એમણે લિસ્ટ કરી આપ્યું અને સામાન હાજર.’
`હાજર?’
`મોબાઇલની એક ક્લિકથી. સુપરમાર્કેટની હોમ ડિલીવરી. તારે હવે થેલી ઝુલાવતાં શાકભાજીના ભાવતાલ કરવાનું સ્ટ્રિક્લી નો નો.’
નવીને બારણું ખોલ્યું. ડિલીવરીબૉયે સામાનના બે થેલા મૂક્યા અને ચાલી ગયો.
`અરે પણ પૈસા?’
`તારી સાથે વાત કરતાં મોબાઇલથી ટ્રાન્સફર કરી દીધા. જો હંસા, બધી સગવડો પહેલાંય હતી. પણ આપણી જ પહોંચ નહોતી. ચાલ, તને સામાન ગોઠવવામાં મદદ કરું.’
બન્નેએ મળી સામાન ગોઠવ્યો.
`હું કાલે લિસ્ટ કરી લઈશ, મને શૉપિંગ પર લઈ જજો, આ બધું ભરવા ડબ્બાડુબલી જોશે ને?’
`કાલની વાત કાલે. ચલ, ગૅટ રેડી આ બાજુનો વૉર્ડરોબ તારો અને આ મારો યસ, એક કબાટમાં આપણાં કપડાં ઠાંસવાનાં નથી.’
`અરે પણ…’
`હંસા, એ ચાલી, લોકો એ મિડલક્લાસ મેન્ટાલિટી અને જીવન પણ ભૂલી જા. હવે એ દિવસો ફરી નહીં આવે મારું વચન છે. હવે સાચેસાચ રાણી બની જીવતાં શીખી જા.’
એણે કબાટ ખોલ્યો, હંસાએ જોયું એની જૂની સાડીઓ, કપડાં નીચેના ખાનામાં વ્યવસ્થિત ગોઠવ્યાં હતાં. ઘરવખરીની થોડી ચીજોય સલામત. હંસાને હાશકારો થયો. હેંગરમાં સરસ સિલ્કની સાડીઓ ઝૂલતી હતી. કબાટની બાજુમાં નાનું ડ્રેસિંગ ટેબલ હતું, પરફ્યુમની બૉટલ્સ, લિપસ્ટિક વગેરે ગોઠવાયેલું હતું.
`પણ હું આ બધું નથી વાપરતી.’
`ધીમે ધીમે શીખી જશો રાણી. આ બ્લ્યુ શિફોનની સાડી પહેરી લે એક ઍક્ઝિબિશનમાંથી મેં ખરીદી છે, રેડીમેઇડ બ્લાઉઝ પણ છે. આજે તો હું તને જિમખાના લઈ જઈશ. તને જોઈને એ લોકો છક્ક થઈ જવા જોઈએ.’
નવીન એનો વૉર્ડરોબ ખોલી તૈયાર થવા લાગ્યો. હંસાએ અચકાતા સાડી ખભે નાખી, પાણી જેવી પારદર્શક સાડીમાંથી એની કાયાના વળાંકો બરાબર દેખાતા હતા. બ્લાઉઝનું ગળું આગળપાછળ નીચું હતું. એ તરત નવીન તરફ ફરી,
`પ્લીઝ, મને રાતોરાત બદલવાની કોશિશ ન કરો. હું… આ મારાથી નહીં પહેરાય. મને મારી સાડી પહેરવા દો નવીન.’
નિઃશ્વાસ મૂકતો નવીન સામે ઊભો રહી પત્નીને જોતો રહ્યો. એ જાણતો હતો પત્નીમાંથી કસ્તૂરબાનગર કાઢવું અઘરું પડવાનું છે. સમાજના નીચેનાં સ્તરના લોકોની એક વિશિષ્ટ ગંધ હોય છે, એ ગંધ હંસાના શ્વાસોચ્છવાસમાં છે. એ ગંધના એને ઊબકા આવે છે. એ ગંધ, જીવનથી દૂર ભાગવા જ એ ગામ છોડી મુંબઈ આવ્યો હતો અને સખત મહેનત થોડી સલુકાઈ, રમત અને અહીં સુધી પહોંચ્યો હતો. ઘણા વખત સુધી પાસાં નાંખ્યા પછી પાસાં સવળાં પડ્યાં હતાં.
પણ એ બધું ન સસરાને કહી શકાતું, ન હંસાને. હાંફતાં હાંફતાં સીડી ચડ્યો હતો અને હજી પગથિયાં બાકી હતાં.
હંસાને પોતાની વળોટમાં લેતાં સમય લાગશે. જિમખાનામાં રમી રમતી, ચિકન સાથે ડ્રિંક લેતી સ્ત્રીઓને અને પુરુષોને પણ બતાવી દીધું, એની પત્ની કેટલી સુશીલ સંસ્કારી છે!
એ સમય આવવાને હજી સમય છે.
નવીને શિફોનની સાડી બાજુ પર મૂકી દીધી.
`સૉરી હંસા, આ સાડી સીથ્રુ છે એવી મને શી ખબર પડે? ચાલ, તારી કોઈ સરસ સાડી પહેરી લે, મોડું થાય છે.’
હંસા રાજી થઈ ગઈ.
`આપણે શેટ્ટીમાં જઈશું? તમનેય ત્યાં ગમે છે અને ઈડલીઢોસા કેટલા વખતથી નથી ખાધાં.’
નવીન ખડખડાટ હસી પડ્યો. હા, હંસાને એની સીડીનાં પગથિયાં પર ચડતાં હજી સમય લાગશે.
`શ્યૉર.’
હંસા જલદી તૈયાર થઈ ગઈ. ગુજરાતી ઢબે સાડી અને મોટો લાલ ચાંદલો. નવીન એની બાજુમાં ઊભો રહી દર્પણમાં હંસાને જોતો રહ્યો. હંસા, મારી હંસા લકી ચાર્મ. તરસ લાગી હોય એમ પત્નીને આંખો વડે પીતો રહ્યો.
હોટલથી પાછા ફરી રાત્રે જ મનીષને ફોન કર્યો. આશ્ચર્ય! હંસાના પપ્પાએ તો વાત ફેલાવી હતી, હંસા હવાફેર માટે આવી હતી, જમાઈરાજ દીકરીને તેડી ગયા પણ નવીનને ઘરે જઈ એની બા અને મનીષ સાથે ખાનગીમાં લડી આવ્યા હતા, ચૂપ રહેવાની ધમકી પણ આપી આવ્યા હતા.
મનીષ હસી પડ્યો હતો, ભાઈ અમે શું કામ મોં ખોલીએ? ગામ તો ખળભળીને પાછું જૈસે થે થઈ ગયું પણ હું તો તમને બ્લૅકમેઇલ કરતો રહીશ, ભણી રહું પછી મને મુંબઈ બોલાવશો ને?
નવીને જરા તોરમાં કહ્યું, `બોલાવી લાવું તારા પપ્પાને? દેખાડું કે આ દલાલની હેસિયત શું છે?’
`શું કામ બેઠી ભોંય ખોદો છો? પિતાને પુત્રીને ફિકર થાય અને જે થઈ ગયું તે થઈ ગયું. ગણીને બધું ગાંઠે બાંધીએ તો એ વજનદાર પોટલા સાથે જીવનમાં આગળ કેમ જવાય?’
નવીન હંસાને ઊંચકી લઈ જોરથી ફેરફૂદરડી ફરતો રહ્યો, `હંસા, યુ આર ગ્રેટ. તું પૉઝિટિવ થિંકિંગના લૅક્ચર્સ આપ તો?’
`નીચે મૂકો ભઈસા’બ, ચક્કર આવી ગયા. એ પૉઝિટિવનું શું કીધું?’
`કંઈ નહીં, આઇ લવ યુ, લવ યુ.’
* * *
કશાકના અંતમાં જ હોય છે નવો આરંભ.
હંસા એ સમજે છે પણ હજી એમાં ગોઠવાઈ શકતી નથી. જાણે તેની સીધીસાદી જિંદગી પર એક ઢોળ ચડી રહ્યો હતો. ચોવીસ કૅરેટ સોનાનો ઢાળ. જીવન ઝગમગતું હતું, આંખો અંજાઈ જતી હતી.
આમ તો ફરિયાદ કરવા જેવું શું હતું? ટી.વી.સિરિયલોમાં જે જિંદગી જોઈ એ રોમાંચિત થતી હતી એ જિંદગી જીવતાં હવે એ ભયભીત કેમ થઈ ગઈ હતી? ઘણીવાર બાલ્કનીમાં ઊભા રહી એકલા સૂર્યાસ્ત જોતાં થતું એ કોઈને ત્યાં મહેમાન થઈને આવી છે અને હવે ઘરે જવાનો વખત થઈ ગયો છે.
ઘર. જ્યાં વૃંદાતાઈ તેની રાહ જોતી હોય. બિટ્ટુ ભાભી કેમ છો કહેતો બારણે ઊભો હોય, દર્શનાબહેન નવી નવી ડિઝાઇનનાં ઘરેણાં બતાવે, બનાવતાં શિખવાડે, ચા પીતાં વાતો કરતાં સમયની ખરલમાં ઘૂંટાતો રહેતો. શુભાની બૂમ સંભળાતી કમઑન ભાભી કમ્પ્યૂટર શીખવું, આવડશે હોં!
હંસા ચોતરફ ગભરાઈને જુએ છે, જાણે નિર્જન ટાપુ પર એકલી ઊભી છે, આસપાસ કોઈ નથી, પપ્પા હજી નારાજ છે, ફોનની રિંગ વાગે છે.
એ કસ્તૂરબાનગર જાય એ નવીનને ગમતું નથી, આપણે શું? એમની સાથે શી લેવાદેવા? ત્યાં જવામાં આપણું સ્ટેટસ શું?
નવીન વહેલી સવારે નીકળી જાય છે, ક્યારેક એની સાથે બ્રૅકફાસ્ટ લે છે નહીં તો ગપસપ કરતાં ચાના ઘૂંટ ભરે છે. એને તો પતિ સાથે ઘણી વાતો કરવી છે પણ નવીનનો મોબાઇલ સતત ગુંજતો રહે છે. ક્યારેક મોબાઇલ લઈ દૂર ઊભો રહી વાતો કરે છે. એને નવાઈ લાગે છે. એનાથી છુપાવવાનું હશે!
નવીન ગાલે ટપલી મારતો હસી પડે છે, ગાંડી રે મારી હંસા. એ તો બિઝનેસની વાતો હોય, તું બોર થાય અને સમજાય પણ નહીં. અરે! તારે જાણીને શું કામ છે? તું તારે જલસા કરને! ક્લબમાં લેડિઝ ગ્રુપ છે. તને એમાં ઓળખાણ કરાવી દઉં? અમિત સરનાં વાઇફ તો આખી બપોર ત્યાં જ હોય… ને જો સાંજે મને મોડું થશે, એક ડીલ છે એની પાર્ટી છે. તને લેવા આવું? ના? ઠીક ઓ.કે. આમ પણ બિઝનેસની વાતોમાં તું બોર થઈ જઈશ.
ક્યારેક એ વચ્ચેથી પતિનો હાથ પકડી લેતી, મને તો બોલવા દો. મને થોડો સમય આપો નવીન.
ડાઇનિંગ ટેબલ પરથી ઊઠતાં નવીન હસી પડતો,
`એ જ નથી મારી પાસે હંસા. આજ તો સમય છે કામ કરવાનો, કહે છે ને દૂમ દબાવીને! બસ, એમ જ. અને કોને માટે આ દોડાદોડ! તારા માટે. આપણા માટે. આ ગેસ્ટ-હાઉસમાંથી નીકળી આપણા પોતાના લક્ઝુરિયસ ફ્લૅટમાં.’
એણે ઝૂકીને હંસાની આંખમાં જોયું,
`જ્યારે જ્યારે અમિતસરને ઘરે જાઉં છું ત્યારે જીવ બળી જાય છે. શું લાઇફસ્ટાઇલ છે! અમારા જેવા ગધામજૂરી કરે, મલાઈ એ ખાય.’
હંસાનો સ્વર ઘવાયેલો હતો.
`કેવી વાત કરો છો નવીન! આવડા મોટા મુંબઈમાં લોકો જીવનભર લોકલની ભીંસમાં વિતાવી નાંખે છે, એમણે પગ મૂકવાની જગ્યા આપી, આજે તમે છો એને કારણે છો.’
નવીન ટેબલ પર બેસી ગયો. બન્ને સામસામે. જાણે કોઈ અદૃશ્ય રેખાની આ તરફ એ, બીજી તરફ પતિ.
`શું કહ્યું? હું એ અજીતને કારણે છું? મેડમ, હું મારે કારણે છું અને મારા દમ પર જ ઉપર જઈશ એ પાઠ યાદ રાખજે.’
એ તરફ સટાક્ ઊભો થઈ ગયો,
`ભાભીશ્રીને યુરોપની ટૂર પર જવું છે એની ચાંપલી બહેનપણીઓ સાથે. અને એનું ટ્રાવેલિંગ બુકીંગ. વીઝા બધું મારે માથે. હું પણ તને લઈ જઈશ પૅરિસ. ચલ ભાગું? હેવ અ નાઇસ ડે.’
અને એ બહાર નીકળી ગયો. બારણું જરા જોરથી વસાઈ ગયાનો પડઘો પડ્યો. નવીનના સ્વરમાં ઈર્ષ્યા હતી કે ખુમારી! કશું સમજાયું નહીં, મન ઉદાસ થઈ ગયું. કસ્તૂરબાનગર સાંભરી આવ્યું. નવીન તો રાત સુધી આવવાનો નથી. એ અત્યારે ત્યાં જાય તો નવીનને ક્યાં ખબર પડવાની હતી?
તો શું એ જુઠ્ઠું બોલશે?
ના. પણ એ કશું બોલે જ નહીં તો? એની કમાણીના પૈસા યાદ આવ્યા. એના પાનેતરની ઘડમાં એ પૈસા ભેગા કરતી. એમાંથી પતિ માટે, દાદી માટે સરપ્રાઇઝ ગિફ્ટ લેવી હતી. હવે એનો કોઈ અર્થ નહોતો. એવી સસ્તી વસ્તુની નવીનને મન કિંમત પણ ન હોય.
શનિરવિના દિવસોમાં મઢ આઇલૅન્ડ મિટિંગ અને પાર્ટીમાં નવીન ગયો હતો. રવિવારની સવારે એ કસ્તૂરબાનગર ગઈ. ચાલીમાં વાત ફેલાઈ ગઈ. વૃંદાતાઈના ઘરે બધાં ભેગાં થઈ ગયાં. જાણે પોતાનું કુટુંબ! બિટ્ટુ પણ દોડી આવ્યો. વૃંદાતાઈએ દુઃખણાં લીધા.
તું તો સાચે જ મુંબઈની શેઠાણી થઈ ગઈ. સહુ સાથે હળ્યામળ્યાનો એટલો આનંદ થયો! બિટ્ટુ પાસે ચાવી હતી. એણે ઘર ખોલ્યું. આ ઘર લકી છે કહી નવીને આખા વરસનું ભાડું ભર્યું હતું. ઘર ચોખ્ખુંચણાક હતું. ચાલીમાં કોઈને જરૂર હોય તો ઘર વાપરતું . બિટ્ટુ રોજ સફાઈ કરતો. એણે બિટ્ટુ માટે ખરીદેલા નવાં કપડાં આપ્યાં અને એના હાથમાં બે હજાર રૂ. મૂક્યા. એ રડી પડ્યો.
એ ઘરને વહાલથી જોતી ફરતી રહી. કેટલી મધુર સ્મૃતિઓની ફિંગરપ્રિન્ટ્સ હતી! આ જૂના ટૅબલ પર જમવા બેસતાં ભાખરીનો પહેલો કોળિયો પતિ એના મોંમાં મૂકતો. નાનકડી બાથરૂમ, એનો નળ તૂટી ગયો ત્યારે બન્ને પાણીમાં કેવા લથબથ થઈ ગયાં હતાં! પછી એવાં ભીનાં શરીરે અહીં જ સૂતાં સૂતાં એકમેકમાં મોતીમાં દોરની જેમ પરોવાઈ ગયાં હતાં!
એ સ્તબ્ધ ઊભી રહી. છેલ્લે પતિએ ક્યારે મોકળામને એને બાથમાં લીધી હતી! પુષ્પની કોમળ પાંખડીઓની જેમ દલદલ ખોલી હતી!
એ તરત પીઠ ફેરવી નીકળી ગઈ.
નવીનથી વાત છુપાવવી પણ ન ગમ્યું. એ પાછો ફર્યો એના બીજા દિવસની સવારે કહી જ દીધું. એ સાથે જ એ નારાજ થઈ ગયો.
`ત્યાં જવાની શી જરૂર હતી હંસા! આપણો અને એમનો શો મેળ?’
`રિલૅક્સ નવીન. તમે ત્યાં કેટલાં વર્ષ રહ્યાં! હું નવી નવી મુંબઈ આવી ત્યારે એમણે તો મને કેટલી નાનીમોટી મદદ કરી હતી! તમને વૃંદાતાઈની મહારાષ્ટ્રિયન પૂરણપોળી કેટલી ભાવતી…’
`એ તો બધું ઠીક છે હંસા. મહેરબાની કરી કોઈને ઘરે આવવાનું આમંત્રણ તો નથી આપ્યુંને? આ બધું જોઈને પૈસા માગવા માંડશે. એવા લોકોની આવી જ મૅન્ટાલિટી હોય.’
એ ચૂપચાપ ચા બનાવવા ઊઠી ગઈ. નવીને મોબાઇલ હાથમાં લીધો, અખબારનાં પાનાં ફેરવતો રહ્યો.
હવે કશું કહેવાનું ન હતું એની પાસે. એક ઝીણી ફાંસ મનનાં આળા ભાગમાં ખૂંપી ગઈ અને ગર્ભસ્થ શિશુની જેમ ધબકતી રહી ગઈ. દાદીને મળવાની, આંગણામાં એના ખોળામાં માથું મૂકી સૂવાની તીવ્ર ઇચ્છા થતી હતી પણ એ દરવાજો હવે બંધ હતો.
પણ અચાનક દાદીનો ફોન આવ્યો, બેટા, ચંદ્રકાંત ડાકોર ગયો છે, માનતા માની છે જમાઈ પર બદલો લેવાની. તારી સાસુ બચાડી સારી હોં! એને તો દીકરાનું ઘર મંડાઈ ગયું એટલે રાજી. એણે જ મનીષ પાસે આ ફોન જોડાવી દીધો. તું સુખેથી રે’જે. અહીંની લેશ ફિકર નહીં કરતી, મા અંબા તને સુખી રાખે. આપણો ઋણાનુબંધ પૂરો બીજું શું?
(ક્રમશ:)