પ્રકરણ:23 ~ અમેરિકાનાં સપનાં ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી
ભલે મેં છાપાંમાં વોન્ટ એડ જોવાનું છોડ્યું પણ છાપાં વાંચવાનું નહોતું છોડ્યું. એ તો હું પહેલું કરું. ઑફિસ જવા જેવો હું ટ્રેનમાં બેસું કે તુરત છાપું ઉઘાડું. જ્યારે આજુબાજુ લોકો પત્તાં રમવામાં પડ્યા હોય, કે ભજન કરતા હોય, કે ઊંઘતા હોય ત્યારે હું છાપામાં તલ્લીન હોઉં.
દેશવિદેશમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની તાલાવેલી ઘણી. આ છાપાંના પાનાં ઉથલાવતાં મારી નજર “વિદેશ ગમન”ના સમાચાર ઉપર જરૂર પડે. બાપના પૈસાના જોરે વધુ અભ્યાસ માટે અમેરિકા ઉપડતા મારી જ ઉંમરના જુવાનિયાઓના ફોટા છાપાંમાં જોઈને હું જલીને ખાખ થઈ જતો. થતું કે આ બધા ભોટાઓ કરતા અમેરિકા જવાની લાયકાત તો મારી વધુ છે.
એ લોકોને અમેરિકાની શું ખબર? અમેરિકા જતા એક નબીરાને મેં જ્હોન ગુન્થરના જાણીતા પુસ્તક ‘ઇનસાઇડ અમેરિકા’ની વાત કરી હતી. એને ગુન્થરના નામની પણ ખબર ન હતી.
પ્રખ્યાત અમેરિકન કોલમનીસ્ટ વોલ્ટર લીપમેનની ઇન્ડિયન એક્સપ્રેસમાં આવતી કોલમ હું નિયમિત વાંચતો, ત્યારે હારતોરા પહેરીને અમેરિકા પધારતાં આ રાજકુંવરોને લીપમેન કોણ છે તેની ખબર પણ નહીં હોય.

એમની એક જ લાયકાત હતી. તે એ કે એમના બાપા પાસે મોટો દલ્લો હતો, અને છોકરાને અમરિકા મોકલવા માટે ધૂમ ખર્ચો કરવા તૈયાર હતા, જ્યારે કાકા મારી પાસે આશા રાખીને બેઠા હતા કે હું ક્યારે પૈસા કમાઉં અને કુટુંબને મુંબઈમાં સેટલ કરું. મને થતું કે આ ક્યાંનો ન્યાય છે?
એ જમાનામાં ચર્ચગેટ આગળ અમેરિકન લાયબ્રેરી હતી. ત્યાં હું નિયમિત જતો. અમેરિકન મેગેઝિન અને પુસ્તકો વાંચતો.
એ જ વખતે અમરિકામાં 1964ની ચૂંટણી ચાલતી હતી. લીન્ડન જોહ્ન્સન અને બેરી ગોલ્ડવોટર વચ્ચે પ્રમુખપદ માટે જે હરીફાઈ થતી હતી તે વિષે હું બહુ જ રસથી વાંચતો.

કાલા ઘોડા પાસે આવેલ ડેવિડ સાસૂન લાયબ્રેરીમાં પણ હું જતો અને ત્યાં આવતા દેશવિદેશનાં અનેક છાપાં મેગેઝિન ઉથલાવતો એ વાત તો મેં આગળ ઉપર કરી છે.
મને બહુ થતું કે પરદેશ જવા માટે બૌદ્ધિક રીતે હું પૂરેપૂરો તૈયાર છું, પણ આર્થિક રીતે સર્વથા નબળો હતો. આ મુખ્ય મુદ્દાના કારણે મારે માટે અમેરિકા જવું એ માત્ર એક સપનું જ હતું.
એ વરસો દરમિયાન અમેરિકાથી સર્કેરામા યુ.એસ.એ. નામનું એક પ્રદર્શન આવ્યું. ફોર્ટ એરિયાના એક મેદાનમાં એનો મોટો તંબૂ તણાયો. તેમાં બધી બાજુ પડદાઓ. ત્યાં તમારી આંખ સામે આખું અમેરિકા પ્રોજેક્ટ થાય.
તમારે ખાલી તંબુની વચ્ચે કલાકેક ઊભા રહેવાનું, પણ તમે અમેરિકામાં જ ઊભા છો એમ લાગે. જાણે કે તમને અમેરિકાનો પ્રવાસ કરાવે, બધે લઈ જાય. બધું બતાડે…
ન્યૂ યોર્કના સ્કાય સ્ક્રેપર્સ, ટોળાંઓથી ઊભરાતા સાઈડ વોક્સ, ટેક્સીઓથી ભરેલી સ્ટ્રીટ્સ, શિકાગો જેવાં મહાકાય શહેરો, દરિયા જેવી વિશાળ નદીઓ, રળિયામણા બાગબગીચાઓ, ગ્રાન્ડ કેન્યન, નાયગરા ફોલ્સ જેવાં ભવ્ય ભૌગોલિક સ્થાનો, મહાન યુનિવર્સિટીઓ, એની પંચરંગી પ્રજા વગેરે રૂબરૂ જુઓ. આ જોઈને હું તો ગાંડો બની ગયો. થયું કે આવા અમેરિકામાં ક્યારે જવા મળે?
બે વરસ પહેલાં અમેરિકા ગયેલા મિત્ર નવીન જારેચા મને કયારેક ક્યારેક પત્રો લખતા અને અમેરિકાની વાતો લખી મને અજાયબી પમાડતા હતા. એમના પત્રોની હું બહુ રાહ જોતો. ગરુડની સ્ટેમ્પવાળો એમનો ઇનલેન્ડ લેટર જોઈને જ મારા રૂવાંડાં ખડા થઈ જતાં!
એકનો એક કાગળ દસ વાર વાંચી જતો! તરત વળતો જવાબ લખું, અને આજીજી કરું કે ભાઈ, આપણું કૈંક કરો!
એ પોતે એટલાન્ટા યુનિવર્સિટીમાં ટ્રેઝરરની ઓફિસમાં ક્લર્ક હતા. આવી સામાન્ય નોકરી હોવા છતાં એમની પાસે નવી કાર હતી અને સરસ મજાનો ફ્લેટ હતો.
એમની અમેરિકન લાઈફ સ્ટાઈલની વાતો વાંચી હું અંજાઈ જતો, અને વળી પાછો શેખચલ્લીના વિચારે ચડી જતો, જાણે કે હું પણ ત્યાં જ છું અને એ બધી મજા કરી રહ્યો છું!
સપનાં કે વલખાં?
એમાં એક દિવસ જારેચનો તાર આવ્યો. કહે કે તમારા એડમિશનની વ્યવસ્થા થઇ ગઈ છે, આવવાની તૈયારી કરો!
આ તાર વાંચીને હું તો આસમાને પહોંચી ગયો! થયું કે આપણું ભાગ્યનું પાંદડું ખરેખર જ ફર્યું લાગે છે. આખા ગામમાં જાહેરાત કરી દીધી કે ભાઈ, હું તો આ અમેરિકા ઊપડ્યો! પણ એડમિશનનો લેટર આવ્યા પછી અમેરિકા જવાના ખરા પ્રશ્નો શરૂ થયા.
પહેલાં તો પાસપોર્ટ લેવો પડશે, એને માટે કોઈ ઝાઝું બેંક બેલેન્સવાળા ખમતીધર માણસે સરકારને ગેરેન્ટી આપવી પડશે કે આ ભાઈને અમેરિકામાં કાંક થયું અને સરકારને ખર્ચ થયો તો તેની બધી જવાબદારી એ લેશે. એવી ગેરેન્ટી મારે માટે કોણ આપવાનું છે?
વધુમાં ત્યાં જવાની એરલાઈન્સની ટિકિટના પૈસા કોણ આપશે? ત્યાંની કૉલેજની ફી કેમ ભરવી? ત્યાં રહેવાના ખર્ચનું શું? તે ઉપરાંત ફોરેન એક્સચેન્જનો મોટો પ્રશ્ન તો ઊભો જ હતો.
ધારો કે આ બધા પૈસા હું ઊભા કરું તોય મને મોંઘું ફોરેન એક્સચેન્જ કોણ અપાવાનું છે?
1962માં ચાઇનીઝ ઇન્વેજન થયું. તે પછી ફોરેન એક્સચેન્જની ભયંકર તંગી હતી. બહુ મોટી લાગવગ હોય તો જ મળે. પરદેશ જવાની જેમને પરમિશન મળી હોય તેમને પણ માંડ માંડ સાત ડોલર મળે! પરદેશ જનારા લોકો મોટે ભાગે કાળાબજારમાં મોંઘે ભાવે ડોલર ખરીદે. વધુમાં હું તો અહી પરણીને બેઠો છું, ઘર માંડ્યું છે, એ બધાંનું શું?
હું અમેરિકા જઈને વરસ બે વરસ ભણીશ, પણ એ દરમિયાન મુંબઈના ઘરનો, નલિનીનો, ભાઈ બહેન વગેરે જે મારી સાથે રહે છે તેનો ખર્ચ કોણ ઉપાડશે?
જેમ જેમ આ બધા પ્રશ્નોનો હું વિચાર કરતો ગયો તેમ તેમ મારો અમેરિકા જવાનો વિચાર કેટલો ઈમ્પ્રેકટીકલ છે તે સમજાયું. મેં આ બધા પ્રશ્નો જારેચાને વિગતવાર સમજાવતો કાગળ લખ્યો.
મારી બોટમલાઈન તો એવી હતી કે જો કોઈ પરોપકારી ધનવાન માણસ હું જ્યાં સુધી અમેરિકામાં ભણું ત્યાં સુધી ત્યાંનો અને મુંબઈનો મારો બધો ખર્ચ ઉપાડે અને ઉપરથી ત્યાં જવાની મારી ટિકિટ પણ કઢાવી આપે તો જ હું અમેરિકા આવી શકું!
જારેચાએ સ્વાભાવિક જ એમ ધારી લીધું હતું કે એ બધા પૈસાની વ્યવસ્થા તો હું પોતે જ કરીશ. જે રીતે એ અમેરિકા આવેલ તે રીતે. એ ભલા માણસને શું ખબર કે એમના પિતાશ્રીએ જે રીતે એમને માટે અમેરિકા જવાના પૈસા ઊભા કર્યા તેવું કાકા મારે માટે થોડું કરવાના હતા? એટલું જ નહીં, અમેરિકા જવાની વાતનો કાકા તો સખત વિરોધ કરશે જ એની મને ખાતરી હતી.
જારેચા તરફથી કોઈ જવાબ નહીં આવ્યો. જારેચા હજી તો બે જ વરસ પહેલાં અમેરિકા ગયા હતા અને માંડ માંડ પોતે સેટલ થતા હતા તેમાં એ મારો આ બધો ખરચ કેમ ઉપાડે?
હું દરરોજ ઓળખીતા ટપાલીની સામે આતુર ચહેરે જોઉં અને એ ભલો માણસ મારી સામે માથું ધુણાવે અને હું સમજું કે મારે માટે અમેરિકાનો કોઈ કાગળ નથી.
કૉલેજ એડમિશનનો કાગળ આવીને પડ્યો હતો તે હું જાનને જોખમે સાચવતો હતો, પણ ચારેક મહિના પછી મને સમજાણું કે આપણી અમેરિકાની ગાડી કંઈ આગળ વધે એમ લાગતું નથી. જે સેમેસ્ટરથી મને એડમિશન મળ્યું હતું તે પણ શરૂ થઈ ગયું, અને આપણે રામ તો હજી મુંબઈમાં જ રખડતા હતા!
વધુમાં મૂર્ખામી એવી કરેલી કે જેવો એડમિશન લેટર આવ્યો કે તરત જ હરખપદુડા થઈને ગામ આખામાં ઢંઢેરો પીટાવ્યો હતો કે હું તો અમેરિકા જવાનો છું! સ્વાભાવિક રીતે જ ઓળખીતા પાળખીતા લોકો મળે ત્યારે પૂછે કે અમેરિકા ક્યારે ઊપડો છો?
કેટલાક મિત્રો કહે, તમારે માટે અમારે વિદાય સમારંભ કરવો છે, કયો દિવસ તમને ફાવશે? મારું તો વળી પાછું સાપે છછુંદર ગળ્યા જેવું થયું. મારે શો જવાબ આપવો? “અરે, હું તો અમરેલી જવાની વાત કરતો હતો,” એમ કહીને વાત ઉડાડી નાખતો, પણ અંદરથી થતું કે ધરતી જો માર્ગ આપે તો સમાઈ જાઉં. મનમાં ને મનમાં હું મારી જાતને તમાચા મારતો. કહેતો કે મારી અમેરિકા જવાની હેસિયત શું?
પણ મારું અમેરિકા જવાનું જે સપનું છે તેનું શું કરવું?
ધીમે ધીમે હું મને સમજાવતો ગયો કે મારી જેમ જ અમેરિકા જવાનાં સપનાં સેવતા હજારો શું, લાખો જુવાનિયાઓ મુંબઈમાં રખડે છે. એ બધા અહીં રખડે અને હું અમેરિકા જાઉં એમ? હું એવો તો ક્યો નવી નવાઈનો છું? મારી આજુબાજુ લોકો મારી જેમ જ જીવે જ છે ને? કેટલા અમેરિકા જાય છે? કેટલાને ઘરે ગાડી છે? કેટલા મરીન ડ્રાઈવ કે જુહુના ફ્લેટમાં રહે છે? કેટલાને ઘરે સાહિત્ય, સંગીત અને કલા, આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ છે? મારી જે જીવનની જે કલ્પના હતી તે તો માત્ર રોમેન્ટિક નવલકથાઓમાં જ હોય! એ બધી વાતો છોડીને જે વર્તમાન પરિસ્થિતિ છે, તે સ્વીકાર્યા વગર છૂટકો નથી.
મને જીવનમાં પહેલી જ વાર થયું કે હવે જે પરિસ્થિતિમાં હું ફસાયો છું, તેમાંથી છટકવું શક્ય નથી. મારી વણસતી દશાની નિશાનીઓ બધે દેખાતી હતી.
દેશમાંથી કાકાની સહકુટુંબ મુંબઈ આવવાની વાત વળી પાછી શરૂ થઈ. દેશના ધંધા સાવ પડી ભાંગ્યા હતા, દેશમાં બાકી રહેલા બીજા બે ભાઈઓને ઠેકાણે પાડવાના હતા. એક ભાઈ મુંબઈ આવીને મારી માથે ક્યારનોય પડ્યો હતો, પણ એને પણ વ્યવસ્થિત સેટલ કરવાનો હતો. બહેનને પરણાવવાની હતી. ]
અમારા પહેલા સંતાનનું અકાલ નિધન થયું. નલિની હવે ક્યાં સુધી બીજા સંતાન માટે રાહ જુએ? પોતાનો ધંધો કરવાની વાત તો બાજુએ મૂકો, નવી સારી નોકરીની પણ કોઈ શક્યતા દેખાતી નહોતી.
મારી નિરાશા હવે હતાશામાં ફેરવાઈ. થયું કે આપણે ભાગ્યે આ જ બધું લખાયું છે: આ ન કરવા જેવી નોકરી, કપરી કૌટુંબિક પરિસ્થિતિ, દાખલ થતાં જ ઓકાવી દે એવી આ ચાલી અને એમાં અમારી આ દસ બાય બારની ઓરડી, આ મુશ્કેલીઓથી ભર્યું ભર્યું મુંબઈ, આ દંભી સમાજ, આ અક્કરમી દેશ – આ બધામાં હું કેવી રીતે આગળ આવવાનો હતો? ક્યાં અને કેવી રીતે મોટાં કામ કરીને ભવિષ્યને ઉજાળવાનો હતો?
મને ‘હું કૈંક સ્પેશ્યલ છું,’ એવો જે ભ્રમ હતો તે ઓગળી ગયો. ઊલટાનું મને એમ થવા મંડ્યું કે મારી આજુબાજુ જે હજારો ને લાખો લોકો જીવે છે તેમ જ મારે પણ જીવવાનું છે. એ બધાની જેમ હું પણ સાવ સામાન્ય માનવી છું. મારે મારી પામરતા સ્વીકારવી જ રહી.
જે કુટુંબ, સમાજ, અને દેશમાં હું જીવું છું તેમાં કાંઈ ફેરફાર થવાનો નથી. જે છે તે છે, લવ ઈટ ઓર લીવ ઈટ! એ બધામાં સંતોષ માની આગળ વધો. પણ આગળ ક્યાં વધું?
આવી હતાશામાં હું સાવ દિશાશૂન્ય અને હેતુવિહીન જીવન જીવતો હતો ત્યાં જારેચાનો ફરી એક ટેલિગ્રામ આવ્યો: તારા અમેરિકાના બધા ખર્ચની વ્યવસ્થા થઇ ગઈ છે! એડમિશનનું પણ થઈ ગયું છે, એ બાબતનો લેટર મોકલી દીધો છે. સેમેસ્ટર પણ શરૂ થઇ ગયું છે. જલદી જણાવ કે કઈ તારીખે તું નીકળે છે.
ત્રણેક વરસ પહેલાં જારેચાનો અમેરિકા આવવાનો પહેલો તાર આવેલો ત્યારે મેં હરખપદુડા થઈને ગામ આખામાં ઢંઢેરો પીટાવેલો કે હું તો અમેરિકા જાઉં છું! દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે તે ન્યાયે આ વખતે કોઈને અમેરિકા જવાની વાતની ગંધ સરખી પણ આવવા ન દીધી, અને મૂંગા મૂંગા અમેરિકા જવાની તૈયારી શરૂ કરી દીધી.
(ક્રમશ:)