જર્મની ઈતિહાસ ટૂંક સાર ~ “ચલ મન ફરીએ દેશ જર્મની” ~ ભાગ:-2 ~ ઉત્કર્ષ મઝુમદાર
મારી એક ટેવ છે. જે જગ્યાની મુસાફરી કરવાની હોય ચાહે એ દેશની જગ્યા હોય કે પરદેશની, એના વિષે હું આગોતરી માહિતી એકઠી કરવા લાગુ જેથી એ પ્રદેશની મુસાફરી આપણે વધુ સારી રીતે માણી શકાય. એ જ રીત મુજબ મેં જર્મની વિષે વાંચવાનું શરુ કર્યું ને એ દેશ વિશેની જે મુખ્ય સામગ્રી એકઠી થઇ તે અહી મૂકી છે. દરેક શહેરનો ઈતિહાસ એ શહેરની મુલાકાત પહેલા આવરી લેવાશે.
જર્મનીનું નામ પડતા બધાને હિટલર અને તેના નાઝીઓ ને યહૂદીઓનો એમના હાથે થયેલો વિનાશ યાદ આવી જાય. બીજા યુદ્ધની વિભીષિકા મન આગળ તરવરવા લાગે. એમાં થયેલી એમની ભૂંડી હાર ને પછી બે દેશોમાં એમનું થયેલું વિભાજન પણ શેં ભૂલાય?
હિટલરનો સમયગાળો થર્ડ રાઈશ તરીકે પણ ઓળખાતો.
મને હંમેશાં અચરજ થતું કે થર્ડ રાઈશ એટલે શું? પછી ખબર પડી કે રાઈશ એટલે સામ્રાજ્ય. પણ પછી પાછો પ્રશ્ન ઉદ્ભવ્યો કે જો આ ત્રીજું સામ્રાજ્ય હોય તો પહેલું અને બીજું કયું?
એક મત મુજબ જર્મન સામ્રાજ્ય જે ત્રણ ભાગમાં વહેચાયું છે તે છે; હોલી રોમન એમ્પાયર ૮૭૧-૧૯૧૮), વેઈમાર પ્રજાસત્તાક (૧૯૧૮-૧૯૩૩૦ અને નાઝી જર્મની (૧૯૩૩-૧૯૪૫).
વાચકને પ્રશ્ન થશે કે હોલી રોમન એમ્પાયરને જર્મની સાથે શું લાગે? વાત તો બરાબર. તો આ નામ જર્મની સાથે કેવી રીતે સંકળાયું?
૨૫ ડિસેમ્બર ૮૦૦ના રોજ પોપ લીઓ તૃતીયે જર્મન રાજા ચાર્લ્માગ્નેને રાજતિલક કરી એમ્પરર તરીકે ઘોષિત કર્યો. આમ હોલી રોમન એમ્પાયર પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ યુરોપનું રાજકીય સંઘઠન બન્યું.
આ ખિતાબ પુન:જીવિત થયો જયારે પોપ જોહન બારમાએ જર્મનીના રાજા ઓટો પ્રથમને એમ્પરર તરીકે ઘોષિત કર્યો.
કેટલાક ઈતિહાસકારો ચાર્લ્સ્મેગ્નેથી એમ્પાયરની શરૂઆત થઇ એમ માને છે જ્યારે કેટલાક ઇતિહાસકારોના મત મુજબ આ શરૂઆત ઓટો પ્રથમથી થઇ એમ માને છે. જોકે હોલી રોમન એમ્પાયર શબ્દ તેરમી સદીથી વપરાવા લાગ્યો. અલબત આ એમ્પાયરની ચૂંટણી થતી અને મોટેભાગે જર્મન પ્રિન્સ ઈલેક્તોર્સ આમાં ભાગ લેતા.
ફ્રાન્સના મશહુર રાજકીય ચિંતક વોલ્તેરના મત મુજબ “આ સંઘઠન હોલી પણ ન હતું કે ન તો રોમન હતું કે ન તો એમ્પાયર હતું.”
૬ ઓગસ્ટ ૧૮૦૬ના રોજ નેપોલિયનના ફ્રેંચ લશ્કરના હાથે પરાજિત થયા પછી એમ્પરર ફ્રાન્સિસ દ્વિતીયે ગાદી ત્યાગ કરતા આ એમ્પયારનો અંત આવ્યો.

નાઝી મતાનુસાર હોલી રોમન એમ્પાયર (૮૦૦-૧૮૦૬), જર્મન એમ્પાયર (૧૮૭૧-૧૯૧૮) અને ત્રીજું સામ્રાજ્ય તે એમનું નાઝી (૧૯૩૩-૧૯૪૫).
ભારતમાં સરદાર પટેલે જેમ રજવાડાઓને ભારત સંઘમાં ભેળવી દીધા હતા તેમ પ્રશિયન રાજા વિલિયમના પ્રધાનમંત્રી ઓટો વાન બિસ્મારકે જર્મનીના જુદા જુદા ૩૯ સાર્વભોમ રાજ્યોને એકત્રિત કરી જર્મન એમ્પાયરની સન ૧૮૭૧માં સ્થાપના કરી.
પ્રશિયાનો રાજા કૈસરને નામે ઓળખાયો ને બર્લિન જર્મનીની રાજધાની બની. આ થયું પ્રથમ જર્મન સામ્રાજ્ય જે પ્રથમ વિશ્વ યુદ્ધના અંત સુધી એટલે કે ૧૯૧૮ સુધી ટક્યું ને પછી હાર પામતા રાજાએ અને એના પાટવી કુંવરે ગાદી ત્યાગ કરવો પડ્યો ને જર્મની પ્રજાસત્તાક રાજ્ય બન્યું.
એ વેઈમાર પ્રજાસત્તાક ૧૯૧૮થી ૧૯૩૩ સુધી રહ્યું તે બીજું ને પછી સત્તા નાઝીઓ પાસે આવતા ત્રીજું જર્મન સામ્રાજ્ય ખડું થયું જે ૧૯૩૩થી ૧૯૪૫ સુધી ચાલ્યું.
બીજા વિશ્વયુદ્ધના અંતે જર્મનીના ભાગલા પડ્યા ને બે દેશ અસ્તિત્વમાં આવ્યા. એક રશિયાની છત્રછાયા હેઠળનું પૂર્વ જર્મની ને બીજું પશ્ચિમી દેશોની છત્રછાયા હેઠળનું પશ્ચિમ જર્મની.
બર્લિન શહેર પણ બે ભાગમાં વહેંચાઇ ગયું ને બે ભાગ વચ્ચે અક્ષરશ: દીવાલ ઉભી થઇ ગઈ. તે ૧૯૮૯માં તૂટી. બંને દેશોનું એકમેકમાં વિલીનીકરણ થયું ને ૧૯૯૦માં જર્મની ફરી પાછો એક દેશ બન્યો.
જર્મનીમાં યુનિવર્સીટી શિક્ષણ મફત છે. આરોગ્ય સેવા પણ ઉત્તમ છે. જર્મનીના કવિઓ, લેખકો, વૈજ્ઞાનિકો, સંગીતકારો અને વિચારકોનો પશ્ચિમ જગત પર બહુ મોટો પ્રભાવ પડ્યો છે.
સન ૧૫૧૭માં ખ્રિસ્તી ધર્મમાં ભાગલા પડ્યા. એક ભાગ કેથલિક કહેવાયો જેના વડા પોપ છે ને બીજો ભાગ તે પ્રોટેસ્ટન્ટ. આ પ્રોટેસ્ટનીઝ્મ સંપ્રદાયના સ્થાપક માર્ટીન લ્યુથર જર્મનીના હતા.
બર્લિનની બહાર પોત્સ્દામમાંઆવેલો પચાસ લાખ ફૂટમાં પથરાયેલો બાબેલ્સ્બર્ગ ફિલ્મ સ્ટુડીઓ યુરોપનો મોટામાં મોટો ફિલ્મ સ્ટુડીઓ છે.
મધ્ય યુરોપમાં આવેલ જર્મનીનું સત્તાવાર નામ છે ફેડરલ રિપબ્લિક ઓફ જર્મની, જે સોળ રાજ્યોમાં વહેંચાયેલો દેશ છે. યુરોપિયન યુનિયનનો સૌથી વધુ વસ્તી ધરાવતો અને આર્થિક રીતે શક્તિશાળી દેશ છે.
***
અમે સપ્ટેમ્બરની ૨૩મી તારીખે સવારે ૧૧ વાગ્યાની એર ઇન્ડિયાની ફ્લાઈટમાં મુંબઈથી નીકળવાના હતા.
(એર ઇન્ડિયાનું નામ સાંભળી ઘણા વાચકો નાકનું ટોચકું ચઢાવશે કે અરેરે એર ઇન્ડિયામાં તે જવાતું હશે? પણ મિત્ર સીજેએ ભારપૂર્વક કહેલું કે આપણે એર ઇન્ડિયાની ફ્લાઈટમાં જ જઈશું કારણ કે એ હંમેશા એમાં જ મુસાફરી કરે છે ને હજી સુધી એને ફરિયાદ કરવાનું કોઈ કારણ મળ્યું નથી. આ વાત પણ એની સાચી ઠરવાની હતી.)
સીજેએ અમને એક વાત ભાર દઈને જણાવી કે ભલે આપણને પેસેન્જર દીઠ બબ્બે બેગ લઇ જવાની છૂટ મળે પણ એવું કરતા નહિ કારણ કે એ સામાન આપણે જ ઉંચકવો પડશે ને જર્મનીમાં આપણે એરબીએનબીમાં કે હોટેલમાં રહેવાનું થશે. અહીં હવે હોટેલ્સમાંથી બેલ બોયની પ્રથા નીકળી ગઈ છે એટલે આપણા રૂમ સુધી સામાન આપણે જ ઊંચકીને લઇ જવો પડશે. લિફ્ટ ન પણ હોય એટલે આ વાત ખાસ ધ્યાનમાં રાખજો.
કચવાતા મને અમે એમ કર્યું. બંને એ એક એક સૂટકેસ જ લીધી (માળો બેટો અહીં પણ એ સાચો પાડવાનો હતો. એની આ સલાહને લીધે અમે હેરાનગતિથી બચી જવાના હતા.
એણે એ પણ કહ્યું કે ફોરેન એક્સચેન્જ લેતા નહિ મારી પાસે ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ છે પણ આ બાબતમાં અમે એનું માન્યું નહિ ને ફોરેન એક્સચેન્જ લીધું.
(આ બાબતમાં એ ખોટો પાડવાનો હતો કારણ ઘણી જગ્યાએ કાર્ડ ચાલવાના ન હતા. અમુક હોટેલ સુદ્ધા રોકડનો આગ્રહ રાખવાની હતી. યુએસએ જેવું અહીં સર્વત્ર કાર્ડનું ચલણ નથી. આ અમે અમારા ઓસ્ટ્રલિયાના અનુભવથી શીખેલા.
અમે જયારે અમારી દીકરી સમોતીને મળવા ઓસ્ટ્રેલિયા ગયા ત્યારે એણે ખાસ ભારપૂર્વક કહેલું કે “પાપા તમે ભલે સુગમતા માટે ફોરેક્સ કાર્ડ લો પણ સાથે રોકડામાં ફોરેન એક્સચેન્જ પણ લેજો અહીં બધે ઠેકાણે આવા કાર્ડ ચાલતા નથી. તમારે બિલ ચૂકવવાનું આવશે ત્યારે રોકડા નહિ હોય તો મુસીબત થશે.” એની વાત સાચી ઠરેલી.)
સાત મહિના અગાઉથી તૈયારી શરુ કરેલી ને આખરે જવાનો દિવસ આવી ગયો. અમે સીધા એરપોર્ટ પર મળવાના હતા. એરપોર્ટ પર પહોંચી અમે સીજેને ફોન કર્યો કે એ લોકો ક્યાં છે તો એણે જણાવ્યું કે લાઉન્જમાં અમારી રાહ જોઈ રહ્યા છે.
બિઝનેસ ક્લાસની ટિકિટ હોવાથી અમને ચેકિંગમાં, ઈમિગ્રેશનમાં, સિક્યોરિટીમાં કશે મુશ્કેલી ન પડી. ઝપાટાબંધ બધું પતાવી એમને લાઉન્જમાં જઈને મળ્યા. લાઉન્જનો આ અમારો પહેલો અનુભવ હતો.
સીજે કહે તમારે જે ખાવું પીવું હોય તે અહીં પતાવી દો. અમે ત્યાં નિરાંતે એ પતાવ્યું. પૈસા આપવાના ન હતા. ટિકિટના દરમાં એ બધું સામેલ હતું. વખત થયો એટલે અમે નીકળીને અમારા ગેટ તરફ પહોંચી ગયા.
અહીં પણ અમારી લાઈન અલગ હતી એટલે સીધા સડસડાટ પ્લેનમાં પહોંચી ગયા. સીટ જોઈને ચકિત થઇ ગયા. વિશાળ ને આરામદાયક હતી. લેગ રૂમ પણ ખાસ્સો ને સીટ લાંબી થઇ શકે એટલે સૂવું હોય તોય વાંધો ન આવે. મારા જેવા લાંબા માણસ માટે તો આ વરદાન રૂપ હતું.
બિઝનેસ ક્લાસની સીટની બધી કરામતો જાણી લઈને બેઠો ને મેં ફ્લાઇટ મેગેઝીન હાથમાં લીધું. પાનાં ફેરવ્યા ને હું ચમક્યો. મેં અભિનય કરેલા નાટકનો મારો ફોટો દેખાયો. નાટક તથા અંગેજી ને હિન્દી ફિલ્મ્સના અભિનેત્રી લિલેટ દુબેનો ઇન્ટરવ્યૂ હતો. એમાં એમણે ડિરેક્ટ કરેલા નાટકો વિષે પણ વાતચીત હતી.
એમણે દિગ્દર્શિત કરેલા ગિરીશ કર્નાડ લિખિત અંગ્રેજી નાટક ‘વેડિંગ આલબમ’ વિષે વાત હતી ને અમારો ફોટો પણ હતો.
હું તો ખુશખુશાલ થઇ ગયોઃ કે આ તો સરસ શરૂઆત થઇ. પરસરને વિનંતી કરી એ મેગેઝિન રાખી લીધું.
ફ્લાઈટમાં એક જ ફિલ્મ જોઈ ને એક જ ડ્રિન્ક લીધું. પરસર આવીને બીજા ડ્રિન્કનો સામેથી આગ્રહ કરવા લાગ્યો પણ મેં ન લીધું. ફલાઇટમાં આવું પહેલી વાર થયું. ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા હો તો તો બીજું ડ્રિન્ક સામેથી માંગવું પડે ને બીજું ડ્રિન્ક મળે યા ન પણ મળે. અહીં ઉલટું થયું.
ખાવામાં પણ ચોઈસ હતી. મેન્યુ કાર્ડ આપવામાં આવ્યું ને પસંદગીનું ભોજન મળ્યું. બંદાએ પછી થોડુંક લંબાવવાનો વિચાર કર્યો ને થોડાક ને બદલે વધારે લંબાઈ ગયું તે ઠેઠ ફ્રેન્કફર્ટ નજીક આવી ગયું ત્યાં સુધી સૂતો રહ્યો.
આવું પણ પહેલીવાર થયું બાકી એક્સસાઈટમેન્ટને લીધે અને આ અગાઉ કરેલી ઈકોનોમી ક્લાસની સાંકડી સીટમાં ઊંઘ તો શાની આવે.
(ક્રમશ:)