ગઝલત્રયી – ભાવેશ ભટ્ટ

*૧. “…ઉપરાછાપરી આવ્યાં….” – *ગઝલ

નથી અફસોસ જો તોફાન ઉપરાછાપરી આવ્યાં
છે મોટી વાત કે મહેમાન ઉપરાછાપરી આવ્યાં

અમુક તહેવારને થઈ જાય વળગણ કોઈના ઘરનું
કશે શ્રાવણ કશે રમજાન ઉપરાછાપરી આવ્યા

કર્યા છે મૂલ્ય ડામાડોળ એવા કે ન સચવાતાં
હૃદયમાં કૈંક બેઈમાન ઉપરાછાપરી આવ્યાં

રિસાઈ કોઈ રજકણ કીમતી આવી ગઈ અહીંયા !
નગરમાં આજ રેગીસ્તાન ઉપરાછાપરી આવ્યાં

ઉઘાડી સ્હેજ પાંપણ, ખુદની મુક્તિનું ગળું દાબ્યું
હજારો આંખના એલાન ઉપરાછાપરી આવ્યાં

ભલે પડતા રહ્યા છે આમ તો બે ટંકના સાંસા
મરણના થાળમાં પકવાન ઉપરાછાપરી આવ્યાં

જુઓ ઘરબાર લૂંટાવે છે કોના ભીડ નિર્ધનની ?
હવામાં ઊડતા કંતાન ઉપરાછાપરી આવ્યાં

-ભાવેશ ભટ્ટ

*૨. “….વિવેક ચૂકે…..” – *ગઝલ 

સૂરજનો માર્ગ રોકી વાદળ વિવેક ચૂકે
એનાથી બળ લઈને ઝાકળ વિવેક ચૂકે

તકદીરમાં લખ્યું છે ચૂકી જવાનું સઘળું
એમાં નવાઈ શું જો નિર્બળ વિવેક ચૂકે

એનામાં આયનાનો ગુણ આવશે કદી તો
ખોટું કશું લખો ને કાગળ વિવેક ચૂકે

વાતોમાં ડાળીઓની આવે છે ફૂલદાની
એવું બને કે કોઈ કૂંપળ વિવેક ચૂકે

અંજામ એને ખુદનો સ્વીકાર હોય છે પણ
ગફ્લતથી તોડવામાં શ્રીફળ વિવેક ચૂકે

હિંમત વગર ઊભો છે ડૂબી જવા કિનારે
કરતો રહે પ્રતીક્ષા કે જળ વિવેક ચૂકે

દાબીને બે’ક તણખા મુઠ્ઠીમાં રાખવાના
ક્યારેક બે ટકાની ઝળહળ વિવેક ચૂકે

-ભાવેશ ભટ્ટ

*૩. …ન આપતો….! – *ગઝલ*

દરરોજ ડંખનારી વિવશતા ન આપતો
સાલસ હૃદયની સાથ ચપળતા ન આપતો

એમાંય લાખ વિઘ્નનો ભેટો કરાવજે
બરબાદ થઈ જવામાં સરળતા ન આપતો

વ્હેશે અલગ પ્રકારે, કદર  એમની થશે
મતલબ કે જળને જળની સહજતા ન આપતો

તારા ગયાની ખાલી જગા તાકવાની છે
આવી ક્ષણે નજરમાં બરડતા ન આપતો

એનો વિષય છે કેટલું ક્યાં ક્યારે ઊડવું
તું બસ કદી હવામાં નિરસતા ન આપતો

તળિયામાં દાવપેચના સાક્ષી થવું પડે
એવા સમંદરોની ગહનતા ન આપતો

ગુમનામ રાખ કોઈ કલાકારને ભલે
આપે તો અડધીપડધી સફળતા ન આપતો

-ભાવેશ ભટ્ટ

આપનો પ્રતિભાવ આપો..