“… તમે મારા પ્રેમમાં હતા ત્યારે..!”- બર્નાર્ડ શો – આસ્વાદઃ ઉદયન ઠક્કર
તમે મારા પ્રેમમાં હતા ત્યારે
ચાંદ-તારાના પાંચીકા રમવા આપ્યા હતા મેં તમને,
શાશ્વતી આપી હતી એક જ ક્ષણમાં.
એક જ ક્ષણ
પણ શું એ પૂરતી નહોતી?
સંસારના સંઘર્ષ-સમસ્તનું આગોતરું સાટું નહોતું વળી ગયું?
ત્યારે?
આપણે એક શાશ્વતી સાથે ગાળી
અને તમે મારી પાસે એક અમસ્તું આયુષ્ય વધુ માગો છો….
મેં તમારો આત્મા તમને આપ્યો;
અને તમે મારી પાસે કાયા માગી બેઠા
રમકડા તરીકે?
શું એ પૂરતું નહોતું? શું એ પૂરતું નહોતું?
– બર્નાર્ડ શો
આસ્વાદઃ ઉદયન ઠક્કર
ઘંટડી સાંભળતાંવેંત લાંબી ફાળે ફોન પાસે જવું, થોડી ઘંટડીઓ રણકવા દીધાં પછી જ રીસીવર ઉપાડવું, ‘હેલો’ માત્રથી ઉદરપટલનું આંતરડાંઓમાં ગુંચવાઈ જવું, ન જાણે ક્યાં મુકાઈ ગયેલી ચિઠ્ઠી માટે બાવરા થવું, પ્લેટફોર્મ પરથી શાયરીની પેપરબેક ખરીદવી ને બંધ બાથરૂમે ગોખવી, વાતે વાતે જૂઠું બોલવું, કોઈની ઉપેક્ષા જેવા ઠંડા ટેલિફોન પાસે બેસી રહેવું, નંબર અડધો જોડીને અટકવું…. કેવું કેવું થતું હતું તમે પ્રેમમાં પડેલા ત્યારે?
પ્રેમ માણસને ગુલાબી ગોગલ્સ પહેરાવે છે. “દરેક બતકી હંસલી દેખાય છે, અને દરેક પોયરી પરી.’ પહેલા પ્રેમને ગાતો એ. ઈ. હાઉસમેન ઝાલ્યો ઝલાતો નથીઃ
“Oh, when I was in love with you
then I was clean and brave
And miles around the wonder grew
so well did I behave.”
પ્રેમ મારા-તમારા જેવા માણસને ગૂંજે નવ ગ્રહો સેરવી દઈને પૂછે છે – ‘હાથખર્ચી માટે ઓછા તો નહિ પડે?’
હવે બર્નાડ શોની પ્રથમ પંક્તિ ફરી વાંચોઃ “તમે મારા પ્રેમમાં હતા ત્યારે…” મને પ્રેમ હતો કે નહોતો એ કહેવાયું નથી, અપ્રસ્તુત છે; તમે મને ચાહતા હતા એટલું જ પર્યાપ્ત છે. પ્રેમ એકતરફી હોવાથી અધૂરો નથી. પૂર્ણમાંથી પૂર્ણ નીકળી જતાંયે શેષ પૂર્ણનો રહે છે. દ્રોણની અસંમતિ છતાં આરાધના કરતો એકલવ્ય આખરે અંગૂઠો બતાવીને કહી શકે છે, ‘લો, લેતા જાઓ!’
ક્ષણભરમાં શાશ્વતી કેવી રીતે? એક પ્રયોગ કરી જુઓ. ફૂલ શા પેલા ચહેરાનું, ડાંડલી શી કમરનું, પુનઃસ્મરણ કરો; પેટમાં પતંગિયા ઊડ્યાં? પ્રેમ સમયથી પર છે. પુષ્પના ધનુષ્ય વડે કામદેવ ટ્રોયની હેલનથી લઈને ટિટવાલાની હેમલતા સુધી સૌનું સંધાન કરે છે.
રોજ મળવાને ઈશ્ક સાથે શો સંબંધ? કાંકરો તો પારસમણિના પહેલા સ્પર્શે કંચન બની ગયો, પછી અડ-અડ કરવાથી શું? “રાધાએ પાછલી ઉંમરે કેટલી જાતરાઓ કરી? શું એનો વચેટ દીકરો સરપંચ ચૂંટાયો?” એવું બધું કોઈ પૂછતું નથી? રાધિકા એક જ રાસડો એવો ફરી કે ભવની ભ્રમણકક્ષામાંથી સદંતર નીકળી ગઈ! એક જ પળ પ્રેમની, અને તમારા સંઘર્ષોનું સાટું સાગમટું વળી જાય! ઈઝ લવ ઈનફ? શું પ્રેમ જ પૂરતો છે?
ફૈઝ અહમદ ફૈઝ એમની બહુ જાણીતી નઝમમાં લખે છેઃ
“ઔર ભી ગમ હૈ જમાને મેં મુહબ્બત કે સિવા
રાહતેં ઓર ભી હૈં, વસ્લ કી રાહત કે સિવા
મુઝ સે પહલી સી મુહબ્બત મેરી મહબૂબ, ન માંગ!”
પ્રેમ પર્યાપ્ત હશે, નિર્વિકલ્પ ખરો? પ્રેમના પંથે મંઝિલ મળે પણ બીજો રસ્તો નથી? જવા દો, વાત આડે રસ્તે નીકળી ગઈ……!
ચિ. ‘અમુક’ અને સૌ. કાં. ‘તમુક’નો પ્રણય પરિણયમાં પરિમણશે; એવી કુમકુમ પત્રિકાઓ છપાય છે. પ્રણયનું સાર્થક્ય શું પરિણયમાં જ છે? મહાસગરના મરજીવાને તમે બાથટબમાં બેસાડશો? પ્રેમની પાંખે વિક્રમ સંવતને વળોટી ગયા પછી લગ્નની સિલ્વરજ્યુબિલી ઊજવશો? “We spent an eternity together and you are asking me for a little time more?”
પ્રેમિકા હોઠો વડે ચુંબન કરે છે? ના, ફૂંક મારીને ચેતના સંકોરે છે. તે ઉપવસ્ત્ર ઉતારે છે? ના, તમારા આત્માને નિર્વસ્ત્ર કરે છે.
શોભિત દેસાઈએ કહ્યું છે; “જળપરી બહાનું છે, મોતી શોધવાનું છે.”
બર્નાર્ડ શોએ આ રચના ગદ્યમાં લખી છે, કવિતા તરીકે નહિ. નાટક, ટૂંકી વાર્તા, કવિતા, નિબંધ, આસ્વાદ એવા બધા વિભાગો પ્રાથમિક સમજણ માટે ઠીક છે, પણ અમુક તબક્કા પછી એનો આગ્રહ રાખવો તે વ્હોરાજી નાડાને વળગી રહ્યા, તેવું થાય.
“નાટક-કવિતા તો બહાનું છે, આપણે મોતી શોધવાનું છે.”