આષાઢ ~ લલિત નિબંધ ~ ઉષા ઉપાધ્યાય
આષાઢ ~ ઉષા ઉપાધ્યાય
પવનની સાથે વહેતાં, લહેરાતાં ને વીખરાતાં વાદળોમાં એવું તે શું અવર્ણનીય આકર્ષણ હશે જે શૈશવથી માંડી આજ સુધી ક્ષણાર્ધમાં જ હિમજડ થતા જતા મારા મનને ઘરેડિયા જીવનમાંથી ઊંચકીને નિર્મળ ઉલ્લાસના અપૂર્વલોકમાં સ્થાપી આપે છે ? આ સવાલનો જવાબ મેળવવા ઘણીયે વાર વિચાર્યું છે પણ દરેક વખતે કારણોની ભુલભુલામણીમાં ભમીને મન પાછું વળ્યું છે. જવાબ નથી મળતો આ સવાલનો. પરંતુ દરેક વખતે ગાઢ આશ્વાસનનો અનુભવ કરાવતું સંવેદન જાગે છે – હા, ભીતરમાં હજુ ક્યાંક ચેતનાના બિસતંતુઓ ફરફરે છે… અડકતાં જ અલોપ થઈ જાય એવી વિસ્મયલોકની પરી સમું કોઈ અનામ સંવેદન સાતમા પાતાળે ધરબાઈને ધબકી રહ્યું છે હજુ. એ પ્રતીતિ જ કદાચ સંજીવની સ્પર્શ થઈને મારા અસ્તિત્વને છલકાવી દે છે.
વિશાળ ગ્રંથાલયોનું જેટલું આકર્ષણ છે એટલું જ અસીમ આકર્ષણ રહ્યું છે મને વરસાદનું. શૈશવના દિવસોમાં જ્યારે હસતાં, દોડતાં, ધિંગામસ્તી કરતાં ભટુરિયાઓની ટોળી જેવાં વાદળો આકાશમાં ઘેરાતાં ત્યારે હું કોઈ તીવ્ર ઉત્કંઠાથી બીલીમોરાની જી.ઈ.બી. કૉલોનીના અમારા ઘરની બારીએ પહોંચી જતી. આકાશની અટારીએ ઝૂકેલા સજલશ્યામ મેઘરાજના આગમન પૂર્વે તેના આગમનની છડી પોકારતી ન હોય તેવી શીતળ લહેરખીઓથી ઠંડાગાર થઈ ગયેલા બારીના સળિયાઓ પર માથું ટેકવી હું પ્રતીક્ષા કર્યા કરતી પ્રથમ વર્ષાની અને એની જલસિક્ત મૃણ્મય ગંધની. એ સમયે ઘરમાં પડેલા જૂના સામાનમાંથી આવતી ભેજલ ગંધ, બગીચામાં ખીલેલા ઘાટા ગુલાબી કરેણના ગુચ્છોમાંથી ફોરતી તીવ્ર ને આક્રમક ગંધ, ફળિયાને છેડે ગરવી માછણની જેમ ઝૂકીને ઊભેલા ઘટાદાર લીમડા પર ખીલેલી પાછોતરી મંજરીની કડવી-મીઠી ગંધ, રસ્તાને છેડે સળગાવાયેલા કચરાના ઢગલામાંથી ઊઠતી બળતા કાગળની ગંધ – આવી અનેક ગંધનાં કલબલતાં ટોળાંને લઈને હવાની લહેરખીઓ મારી બારીએ આવી પહોંચતી. ગાયોના ધણમાંથી કોઈ ગોવાળ પોતાની ગાય શોધી લે તેમ થોડી પ્રતીક્ષા પછી અંતે મારી ધ્રાણેન્દ્રિય દૂર દૂરથી વહી આવેલી ભીની માટીની વરસાદી સુગંધને ગંધનાં ટોળાંમાંથી જુદી તારવી લેતી. એ અદ્ભુત સુગંધનો અનુભવ થતાં જ પગ થનગની ઊઠતાં, ત્રમઝૂટ વરસતા વરસાદને ઝીલવા માટે શેરીમાં દોડી જવા…
આજે હવે મારી ચેતના કોઈ બજાણિયાની જેમ સંપ્રજ્ઞતાના દોર પર સમતુલા જાળવીને ચાલવાના પ્રયત્નો કરી રહી છે એ દિવસોમાં અનરાધાર વરસતા વરસાદમાં બે જ બાબતો ગમે છે. એક તો બધાં કામ છોડી બારી પાસે બેસી રવીન્દ્રનાથ ટાગોરની ‘ગીતપંચશતી’, પ્રાકૃત ભાષાના કવિ હાલની ‘ગાથામાધુરી’ અથવા ખલિલ જિબ્રાનના ‘વિદાય વેળાએ’ જેવાં પ્રિય પુસ્તકોનાં પુનર્પઠનમાં ડૂબી જવાનું અને બીજું, અનવરત ધારાસાર વરસતા વરસાદમાં પલળતાં પલળતાં સૂમસામ રસ્તાઓ પર નિજિનિમગ્ન ચાલતાં રહેવાનું.
વરસાદ અજસ્રધારે વરસતો હોય ત્યારે શબ્દોની આંગળી પકડીને પૃથ્વી પર છલકાતા, માનવહૈયે ઝિલાતા અને ફરી મેઘધનુષી રૂપ ધરી સર્જકશબ્દમાં નિખાર પામતા આ પૃથ્વીલોકના અઢળક સૌંદર્યરાશિને માણવાની મઝા કંઈક ઓર જ હોય છે. એ ક્ષણે સમય જાણે થંભી જાય છે. ડામરની ઉત્તપ્ત સડકો જેવા શોક-સંતાપ કે મનના ચંદનવૃક્ષને ભરડો દઈને બેઠેલા વિચારસર્પના હળાહળને પળવારમાં શાંત કરી દે છે આ જલધારા. સમયના ઓરસિયા પર ધરતીની સાધનાનું સુખડ ઘસીને કોઈ જાણે કે શીતળ ચંદનનો અમીલેપ કરી દે છે આખીય સૃષ્ટિ પર. ને પછી, પરમ શાંતિનો અનુભવ છલકાય છે વૃક્ષોની ડાળીઓ પર ભીંજાતાં બેઠેલાં પંખીઓની અર્ધનિમિલિત આંખોમાં અથવા જલશિકરોના બોજથી ઝૂકેલી ડાળ પરથી હળવેથી ખરી જતાં પારિજાતનાં ફૂલોમાં. સ્વર્ગમાંથી ભક્તિધન નારદજી આ દેવપુષ્પને ધરતી પર લઈ આવ્યા ત્યારથી દેવતાઓ રંક બન્યા છે. વાયરાની હળવી લહેરખીએ હળુ હળુ ઝરી જતાં પારિજાતનાં ફૂલોની શ્વેત-કસુંબલ ચાદરનાં ઐશ્વર્યથી દેવલોક વંચિત થઈ ગયો છે. અલબત્ત, સ્વર્ગના આ દેવફૂલોએ દેવસભા સાથેનો એક નાતો અકબંધ રાખ્યો છે ! માનવી તેને ગમે તેટલાં નીર સીંચે, તેનું જતન કરે પરંતુ તેને પાંદડે પાંદડે ઐશ્વર્ય તો પ્રગટે છે ઐરાવતની સૂંઢથી થતા અષાઢી છંટકાવ પછી જ ! ફૂલોની જ વાત નીકળી છે તો પછી અષાઢી, જૂઈ અને ચમેલીને પણ કેમ ભુલાય ? તેમનાં ધવલોજ્જ્વલ સુરભિત રૂપ પણ વરસાદી હવાનાં ને આકાશી અમીસ્પર્શના વરદાન પછી જ નીખરે છે.
પણ ના, આજે અહીં જલસ્પર્શે ઝંકૃત થઈ ઊઠેલાં ને પુષ્પોનો પમરાટ રેલાવતાં વૃક્ષવેલીઓની વાત નથી કરવી. કે નથી તો વાત કરવી વિશ્વવિખ્યાત ગ્રંથોના આલોકની. આજે જે વાત કરવી છે તે આ બધાંથી તદ્દન જુદી છે. આ વાત છે અમદાવાદની સડકો પર વરસાદે નાખેલા કર્ફયુમાં નિજનિમગ્ન થઈ પલળતાં પલળતાં ચાલતાં સાંપડેલાં દૃશ્યોની, કોઈ ઇમ્પ્રેશનિસ્ટ ચિત્રકારના ઉત્તમ ચિત્રોને પણ ભુલાવે એવાં ચિત્રોપમ દૃશ્યોની.
એક ઢળતી સાંજે અનરાધાર વરસતા વરસાદના આમંત્રણે હું ચાલવા-પલળવા નીકળી પડેલી. ખાસ્સી વારે વરસાદ ધીમો પડતાં જલથી સ્વચ્છ થયેલા આસ્ફાલ્ટન રસ્તાઓ ઉપર વહેતી નદીઓ વચ્ચેથી ઘર તરફ પાછાં ફરતાં, મારી ગલીને નાકે ઊભેલી મહેનતકશ માનવીઓની વસાહતનું એક નવું જ રૂપ મેં જોયું. ભંગારના ડબ્બા-ડુબલીઓ, પસ્તીના ઢગલાં કે વહેરાયેલા લાકડાની વધેલી ચપતરીઓથી હંમેશાં લદાયેલી રહેતી આ વસાહતનું કોઈ જુદું જ રૂપ આ વરસાદી સાંજે પ્રગટ્યું હતું. બુંદ બુંદ થઈને ઝરમર ઝરમર વરસ્યા પછી હવે વરસાદ થંભ્યો છે એવા આ સમયે ખોબા જેવા ઘરની વેઢા જેવડી પરસાળમાં એક આધેડ પુરુષ દીવાલને ટેકો દઈ, સંકોડાઈને ઉભડક બેઠો બેઠો આરામથી બીડી પી રહ્યો છે. રસ્તા પર ભરાયેલા પાણીમાં કેટલાંક બાળકો ધીંગામસ્તી કરતાં દોડાદોડી કરી રહ્યાં છે.
રોજ ફળિયામાં બંધાયેલી રહેતી બકરીને વરસાદથી બચાવવા સમજુમા પાસે કોઈ છાપરું નથી, એટલે બકરીને પણ ઘરના બીજા સભ્યોની સાથે જ ઘરમાં સ્થાન મળી ગયું છે. ઘર એટલે, રસ્તાને બિલકુલ અડીને આવેલો, એક પણ બારી વિનાનો એક ઓરડો અને પાછળ એક નવેળું. સમજુમાના આ ઘરઓરડાને એક ખૂણે અત્યારે ધમધમાટ કરતા સ્ટવ પર ચા ઊકળી રહી છે. બાજુમાં જ ચૂલામાંનાં ઈંધણને સંકોરતી સમજુમાની દીકરાવહુ કથરોટમાં લોટ મસળી રહી છે. એક બાજુ ઘરના બે પુરુષો વરસાદમાં હવે ક્યાંય જવાનું નથી એવી હાશ સાથે દીવાલને અઢેલીને ગપ્પાં મારી રહ્યા છે. એવા જ સમાન અધિકારથી ઓરડાના એક છેડે બેઠેલી પેલી બકરી ઠંડીથી બચવા પગ વાળીને, જાતને ધરતી સાથે ગોટમોટ જડી દઈને, અધમીંચી આંખે વાગોળી રહી છે. જીવોનું જીવ સાથેનું આ તે કેવું તાદત્મ્ય ! નીચા છાપરાવાળું, માંડ અડધા ફૂટની, નહીં જેવી પગથારવાળું દસ બાય દસના એક જ ઓરડાવાળું આ ઘર વરસાદી સાંજે કેવી હૂંફથી છલકાઈ રહ્યું છે ! વળગણી પર લટકતાં રજોટાયેલાં કપડાં, નીચી છતમાં ધૂંધવાતો ધુમાડો, દીવાલના ખરબચડા લીંપણ પર વર્ષોની ખેપટ ઝીલીને પીળો પડી ગયેલો ચૂનો તથા ઓરડામાં બેઠેલાં માનવીઓ અને પેલી બકરી – આ બધું જ જાણે પરસ્પર સાથે અભિન્ન ભાવે સંકળાઇને એક અદ્ભુત કોલાજ રચતાં હતાં.
ગલીના બીજા એક ઘરનાં નેવાં નીચે વરસાદનું સ્વાગત જુદી જ રીતે થઈ રહ્યું હતું. જીવીકાકીનાં છાપરાંની આગળનો ચાર બાય ચારનો ટચુકડો ભાગ આ નાનકડી વસાહતના આબાલવૃદ્ધો માટે સિઝનલ ડિપાર્ટમેન્ટલ સ્ટોરની ગરજ સારે છે. આંબલી, બોર, કેરી, તરબૂચ, પતંગ ને ફટાકડાં – આવું આવું કંઈક જીવીકાકીના આ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં સિઝન પ્રમાણે મળી રહેતું. બેઠી દડીના, થોડા સ્થૂળ ને ભીનેવાન આધેડ જીવીકાકીના ચહેરા પર સમયની થપાટો ઝીલ્યાની મજબૂતી અને આંખમાં સમય સામેનો એક શાંત પડકાર ચમકતો હતો. હાટડીનાં ફળફળાદિમાં મોઢું નાખવા ચાલ્યાં આવતાં ઢોરો હાંકવા હાથમાં રાખેલી નાની લાકડીને જીવીકાકી વાત કરતાં કરતાં જમીન પર પછાડતાં રહેતાં. જાણે સમય સામે પડકાર ફેંકતા ન હોય – “આવી જા, તાકાત હોય તો ફરી ચડી આવ તારા બધાંયે તાપ-સંતાપ, અભાવ-કુભાવનાં દળકટક સાથે… તારા આટઆટલા હુમલા પછીયે સાબૂત બેઠી છું ફરી એકવાર તારી સાથે લડી લેવા…” એમની આંખોમાં, ચહેરાના હાવભાવમાં અને વાતચીતમાં છલકાતી બેફિકરાઈ ને આત્મવિશ્વાસ જોતાં કવિ અજ્ઞેયજીની પંક્તિ “દુઃખ સબકો માંજતા હૈ”નો સાચો મર્મ સમજાયો છે.
આજે, આ વરસાદી સાંજે, નિર્ભાર થયેલાં શ્વેત વાદળોની વચ્ચે ક્ષિતિજ પર મેઘધનુષી રંગો ખીલ્યા છે એવે સમયે જીવીકાકીની હાટડીની સગડીમાં લાલકેસરી કેસૂડાં જેવા ધગધગતા કોલસા ઉપર મકાઇડોડા શેકાઈ રહ્યાં છે. હાટડીની બાજુમાં પડેલા ખાટલા ઉપર એક-બે મોટેરા ઠંડી વરસાદી હવા વચ્ચે શેકેલા ડોડાના હૂંફાળા દૂધમલ દાણાની મીઠાશ માણી રહ્યા છે. હાથમાં દસિયું કે પાવલી લઈને ઊભેલા, એક હાથે ઊતરી જતી ચડ્ડી ચડાવતાં ને ચમકતી આંખે સગડી પર શેકાતા ડોડાની સુગંધ અને સ્વાદને મમળાવતાં થોડાં ટાબરિયાંઓ ટોળે વળીને ઊભાં છે, ડોડો પોતાના હાથમાં આવે એની રાહ જોતાં.
પરંતુ આ વરસાદી સાંજે શિરમોર જેવું એક દૃશ્ય તો જોવા મળે છે ગલીને નાકે. આ વસાહતના ભીષ્મપિતામહ જેવા શામુદાદા આજે રસ્તાને છેડે ખાટલો ઢાળીને આરામથી કોણી પર શરીર ટેકવી, પગ લંબાવીને આડા પડ્યા છે. એમનું થોડું સ્થૂળ છતાં સુદૃઢ, પડછંદ શરીર, લાંબી સફેદ દાઢી, ગરદન પર ઝૂલતી સહેજ લાંબી સફેદ લટો, વિશાળ કપાળ અને મોટી આંખો કોઈ ભવ્ય ગ્રીક શિલ્પનું સ્મરણ કરાવી જાય તેવાં છે. ગલીને છેડે એમનો લોખંડનાં પતરાંથી મઢેલી લારીનો ગલ્લો છે. ચૉકલેટ-પીપરમેન્ટ કે બીડી-બાકસ જેવી પરચૂરણ ચીજો વસાહતીઓને એમના ગલ્લામાંથી મળી રહેતી. ગલ્લે બેઠેલા શામુદાદાના ચહેરા પર મેં હંમેશાં ‘સ્વ’-સ્થ થયેલા માનવીના ચહેરા ઉપર જ જોવા મળે તેવી સ્વસ્થતા, શાંતિ અને છલોછલ ગરવાઈ જોઈ છે. વસાહતનાં લોકો જ નહીં, આજુબાજુની સોસાયટીનાં રહીશો પણ આવતાં-જતાં હાથ ઊંચો કરી એમને રામરામ કરતાં. એમના થોડાં ઢળેલાં રહેતાં પોપચાંમાં અને આંખોમાં એક સાથે દૃઢતા અને સૌને માટેનો નિર્વ્યાજ સમભાવ ઝલકતો રહેતો. એક વખત માત્ર એક જ વખત, એમના ચહેરા પર વેદનાનાં હળ હંકાયેલાં જોવા મળ્યાં છે. એકવાર દિવસો સુધી એમનો ગલ્લો બંધ જ રહેલો. પછી એક દિવસ ગલ્લો ખૂલ્યો પણ ગલ્લાના થડે બેઠેલા શામુદાદાની ગરવાઈમાં ઉમેરો કરતી સફેદ વાળની લટો એમનાં મસ્તક પરથી ગાયબ હતી. એમણે મૂંડન કરાવ્યું હતું. કદાચ, કોઈ નજીકનું સ્વજન ગુમાવ્યું હતું એમણે. મૂંડન કરનારના હાથે જાણે એમના મસ્તકના શ્વેત કેશ ઉપર જ અસ્તરો નહોતો ફેરવ્યો, એમના ચહેરા પર છલકાતા તેજને પણ એણે ઉતરડી લીધું હતું. એમનું કેશહીન મસ્તક ને વિષાદના ઊંડા ચાસથી ખેડાયેલો ચહેરો દિવસો સુધી મારા હૈયાંના કોઈ ખૂણે ટીસ જગાવતો રહેલો. પછી ધીમે ધીમે એમનો જખમ રુઝાતો ગયો. માથા પર ફરીથી સમયની અમૃતમય આંગળીઓ જેવા શ્વેત કેશ ફરફરતા થયા. ચહેરાનું નૂર પાછું આવ્યું. પણ આંખને એક ખૂણે સ્વજન ગુમાવ્યાના પેલા કારી ઘાના જખમની એક આછી લકીર કાયમ માટે ઊતરી આવી હતી. પણ આજે, બુંદ બુંદ થઈને વરસેલા શ્યામઘન જલરાશિએ વહાલસોયાં દોતરાં-પોતરાંની જેમ, દાદાની છાતી પર રમી એમના વિષાદને ચૂસી લીધો હતો. ગલીને છેડે ભીના રસ્તાની ધાર પર ખાટલો ઢાળી આરામથી લંબાવીને બેઠેલા શામુદાદાની ફરફરતી દાઢીમાં, એમની વિષાદમુક્ત આંખોમાં અને ચહેરા પર છલકાતા પરિતોષની આભામાં મને જૂઈનાં મઘમઘતાં શ્વેત ફૂલો કરતાં સહેજેય ઓછું સૌંદર્ય નથી લાગતું.
ધોધમાર વરસતા વરસાદમાં પલળતાં પલળતાં ચાલવા નીકળેલી હું, વરસાદ થંભ્યા પછી વૃક્ષવેલીઓના નિખારમાં, બાગબગીચાનાં ફૂલોમાં, પંખીઓના ટહુકામાં અને મારા રસ્તાની ધારે ઊભેલી વસાહતના માનવીઓના જીવનમાં છલકાતી અમીરાતમાં ઝબકોળાઇને, જીવનના પરમ સૌંદર્યની છાલકથી ભીંજાતી, ઘરે પાછી ફરું છું ત્યારે હું થોડી વાર પહેલાંની ‘હું’ નથી હોતી. મારી ચેતના સૃષ્ટિના પરમ સૌંદર્યના અનુભવે વધુ જાગ્રત બની છે ને હૈયું વધુ આર્દ્ર. કદાચ આ જ મારી અનન્ય વર્ષાપ્રીતિનું કારણ તો નહીં હોય ને !