પપ્પા (સત્યકથા) ~ લતા હિરાણી

‘બેટા તને પત્ર નથી લખી શક્યો એ માટે મને માફ કરજે. તારા માટે કેટકેટલી ચીજવસ્તુઓની ખરીદી થતી રહે છે. એ દ્વારા દિવસમાં કેટલીય વાર તને યાદ કરું છું. આખો દિવસ એ જ વિચારમાં રહું છું કે હું શું કરું કે મારી દીકરીનું જીવન સુખમાં જાય!

તને ગમતા રૂમમાં જ બધું રાખ્યું છે. અને હવે જૂઈ એટલી વધી ગઈ છે, એની ડાળીઓ એ રૂમની બારીમાંથી અંદર આવી જાય છે. એય તારા માટે બહુ ફૂલડાં વેરે છે. તને આપવાના સામાનનો મોટો ઢગલો થઈ ગયો છે બેટા. હવે તું આવીને ગોઠવી દે એટલી વાર!”

મારા લગ્ન પહેલાંનો પપ્પાનો આ છેલ્લો પત્ર હતો. મેં ફાઈલમાં ખાસ સાચવીને રાખ્યો હતો. આજેય એ અક્ષરો આંખો સામે જેમના તેમ તરવરે છે. પછીયે પત્રો તો આવતા જ રહ્યા.

“બેટા, નવી નવી ગૃહસ્થી છે. તારે ઘર એકડેએકથી માંડવાનું છે. જરાય મૂંઝાઈશ નહીં, કે અગવડ ભોગવીશ નહીં. કંઈ પણ જોઈતું હોય તો મંગાવજે. બસ મને એક પોસ્ટકાર્ડ લખી દેજે. સામાન તને મળી જશે. મૂંઝાઈશ નહીં બેટા.”

એમના પત્રો મનને અને હાથમાં રહેલા કાગળનેય ભીંજવતા. પત્ર વાંચ્યા પછીયે હવામાં એ શબ્દો અવાજ બનીને ગુંજયા કરતાં. જુવાન આંખો સામે એક પ્રૌઢ ચહેરો ઉપસી આવતો. ક્યારેક એ શબ્દો વેરાઈ જતા ને પછી ઘરના ખૂણે ખૂણે પથરાઈ જતાં. હાથમાં રહેલું વેલણ કે સાવરણી ક્યારેક થંભી જતાં ને ખબર પણ ન રહેતી! પતિનો સવાલ કાન સાથે અફળાઈને રહી જતો.

“શું થયું?”

“અરે કશું નહી. બસ આમ જ.”

“ન હોય, આમ જ કશું ન થાય.” એમને યાદ પણ આવી જતું કે હા, બે-ત્રણ દિવસ પહેલા પપ્પાની ટપાલ આવી હતી. એ કહેતા, “વાંચવા તો દે, તારા પપ્પા એની લાડકી દીકરીને શું લખે છે?” અને મારો હંમેશનો ઇનકાર.

પપ્પાને એ વાતનો સધિયારો હતો કે જમાઈનો સ્વભાવ બહુ સારો છે. મારા પત્રોમાં એ પામી જતાં કે હું બહુ ખુશ છું, પણ એમને એ સતત ચિંતા રહેતી કે દીકરીને હજી નવું નવું ઘર છે, કેટલી ચીજો જોઈતી હોય! એકસાથે ક્યાંથી બધુ વસાવી શકાય!

ક્યારેક એમ પણ લખી બેસે કે બેટા તારા ઘરમાં શું શું છે એનું લિસ્ટ મને મોકલ. હું બાકીનો સામાન તને મોકલી દઉ. આવું વાંચે તો જમાઈને અપમાન ન લાગે!

મારો હંમેશનો જવાબ, “પપ્પા જોઈએ એ બધું જ છે તમારી દીકરી પાસે. તમે ચિંતા ન કરો.”

દસેક વર્ષ પસાર થઈ ગયા અને પપ્પા મારાં જ શહેરમાં રહેવા આવી ગયા. ક્યારેક સવારના પહોરમાં આવી જતાં. “આ ચાલવા નીકળ્યો ‘તો તે થયું, તને મળતો જાઉં. તારી જૂઈ તો બહુ ઊંચે ચડી છે કંઈ!”

મારા આંગણામાં પણ મેં જૂઈ વાવેલી. પપ્પા નીચે પડેલાં ફૂલો વીણીને મને આપતા ને ત્યાં સુધીમાં એમની ચા બની જતી. એ કહેતા,

“પપ્પા તમે બાપ-દીકરી વાતો કરો ત્યાં હું નાહી લઉં.” એમને એ ખબર કે અમારે એકાંત જોઈતું હોય. પપ્પા ઘણીવાર દીકરી પાસે હૈયું હળવું કરે. એમાં મમ્મીની ફરિયાદનોય સમાવેશ થઈ જાય!”

હવે મારું ઘર ભરાઈ ગયું હતું. પપ્પાની નજર તોય ફર્યા કરતી. કંઇ ખૂટતું તો નથી ને!

“એમ કર બેટા, હવે તું એક સ્કૂટર લઈ લે. દરવખતે રિક્ષા મોંઘી પડે ને બસમાં ફરવામાં ટાઈમ બહુ જાય. વ્હીકલ હોય તો સારું પડે!”

“હું લઈ લઈશ પણ તમે શાંતિ રાખજો.”

પપ્પાને હું જાણું ને! એકાદ મહિનો જોયા કર્યું ને બીજે મહિને પોતે જ બુક કરાવી દીધું. એમને ક્યારેક ખરાબ લાગતું,

“પપ્પા હવે હું છું તમારી દીકરીની ચિંતા કરવા માટે.”

“ભલે ને, તમે તો ખરા જ ને વળી. આખી જિંદગી હું ક્યાં ધ્યાન રાખીશ! તમારે જ એને સંભાળવાની છે. આ તો હું છું ત્યાં સુધી એમ થાય કે…“ એમનું વાક્ય અધૂરું રહી જતું.

“પપ્પા તમને ખબર છે મારા ઘરમાં કેટલો સામાન ભર્યો છે, ને તમે કશુંક ને કશુંક લાવ લાવ કર્યા જ કરો છે !” પપ્પા કશું બોલ્યા વગર હળવું હસી દેતા.

વરસો તો વહ્યાં જ કરે છે. એકવાર પપ્પાને છાતીમાં દુખાવો ઉપડયો. મદ્રાસ એપોલો હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી થયું. લગભગ કાકલૂદીની જેમ મેં કહ્યું કે હું સાથે આવીશ મમ્મી….પણ અજાણ્યું શહેર, કોઈ સગું-વ્હાલું ત્યાં નહીં, હોટલમાં રહેવાનું. વ્યાવહારિક રીતે બધાને લાગ્યું કે માત્ર મમ્મી ને ભાઈ જાય એ જ બરાબર.

એમણે મને સમજાવી, “પપ્પાને સારું જ થઈ જવાનું છે. આટલી ખ્યાતનામ હોસ્પિટલ ને આધુનિક સારવાર. હવે બહુ સહેલું થઈ ગયું છે. તું ચિંતા ન કર.”

મમ્મીએ પણ સમજાવી, “એકવાર ઓપરેશન થઈ જાય પછી આવજે ને! ત્યારે પપ્પાને ત્યારે મળીશ તો એ વધારે ખુશ થશે.”

પપ્પા એક પણ શબ્દ બોલ્યા વગર મારી સામે જોઈ રહ્યા હતા. હુંયે ચૂપ જ રહી! અર્થ નહોતો.

ઓપરેશનનો દિવસ આવી ગયો. સવારે દસ વાગ્યા પછી એમને ઓપરેશન માટે લઈ જવાના હતા. અમે બપોરે જમવા બેઠા. કોણ જાણે કેમ પણ ગળેથી કોળિયો નીચે ઊતરતો નહોતો. ચૂપચાપ મોઢામાં ખોસવાનો મારો વ્યર્થ પ્રયત્ન એ જોઈ રહ્યા હતા અને એને ખબર હતી કે અત્યારે એક શબ્દ બોલવાથી બંધ તૂટી જશે. ડાઈનીંગ રૂમનું ભારેખમ મૌન ફોનની રિંગથી તૂટ્યું,

“હેલો..”

“બહેન, જલ્દી પહેલી ફ્લાઇટમાં આવી જાવ. પપ્પા સિરિયસ છે.” ભાઈનો અવાજ હતો.

સાંજે ચાર વાગે હું મદ્રાસ તરફ ઊડી રહી હતી ને છ વાગ્યે હોસ્પિટલના વેઈટીંગરૂમમાં પહોંચી. બાંકડા પર મમ્મી એકલાં બેઠાં રડી રહ્યા ‘તા. ભાઈ આવ્યો. મામલો સમજવો સાવ સહેલો હતો ને મન પર સંયમ રાખી હોસ્પિટલની ફોર્માલીટી પતાવવી એટલી જ દુષ્કર ને ભયંકર!

બીજે દિવસે એ કારમું યુદ્ધ પતાવીને અમે ત્રણેય નીકળ્યા. ફ્લાઈટમાં બેઠા ને મારાથી લગભગ ચીસ પડાઈ ગઈ.

“પપ્પા ક્યાં?”

“બહેન, શાંતિ રાખો. કોફિન નીચે જ હોય.”

“નીચે એટલે?”

“નીચે એટલે પ્લેનમાં નીચેના ભાગે, જ્યાં સામાન રહેતો હોય ત્યાં.”

પ્લેન હવાની સાથે મનનેય ચીરતું હતું.

“પપ્પા, સામાનની સાથે? ભાઈ, પ્લીઝ તું કંઈક કર… પપ્પા શ્વાસ કેમ લેશે? ના, એ કેમ શ્વાસ લેશે?”

આખે રસ્તે મારી આ રટ ખતમ ન થઈ. મનમાં ઘણની જેમ પછડાયા કરતી વાત,

“પપ્પા સામાનની સાથે? પપ્પા સામાનની સાથે?”

~ લતા હિરાણી

આપનો પ્રતિભાવ આપો..