મારા પપ્પા ~ કૉલેજમાં ભણતા ભણતા જ તેમને સામ્યવાદનો રંગ લાગી ગયેલો ~ સંધ્યા ભટ્ટ (બારડોલી)

મારા પપ્પાનું નામ નારાયણપ્રસાદ પાર્વતીશંકર ભટ્ટ. અત્યંત ગૌર વર્ણના હતા પપ્પા. એમને માતા હરિગંગાનાં ગૌર વર્ણ અને શાંત પ્રકૃતિ મળ્યાં હતાં.

મારા દાદા અત્યંત ક્રોધી સ્વભાવના હતા. એમનો ક્રોધ ન જિરવાતાં દાદીએ કૂવામાં પડીને આપઘાત કરેલો. એ સમયે મારા પપ્પા ચાર વર્ષના અને કાકા માધવપ્રસાદ બે વર્ષના.

પપ્પાનો જન્મ ૨૪ નવેમ્બર,૧૯૨૭ના દિને તેમના મોસાળ ચિંચણી (મહારાષ્ટ્રના તારાપુર અણુમથક પાસે આવેલ ગામ)નાં ઘરમાં થયેલો. તે સમયે સુવાવડ ઘરમાં જ કરતાં. ચિંચણીનું ઘર પુષ્કળ મોટું. પપ્પાના મામાના દીકરા સાથે જ મારાં માસી પણ પરણેલાં તેથી પછીથી અમે પણ અસંખ્ય વાર ત્યાં ગયાં છીએ.

મોટો વાડો અને વાડામાં કૂવો તેમ જ ઘરની પાછળ દરિયો. આ દરિયાનો ઘુઘવાટ ઉપરના માળેની અગાસી પર ઊભા રહીએ તો દેખાય અને સંભળાય. આહા! પ્રકૃતિ સાથેનો એ નાતો આજે પણ તાજપની વાછંટનો અનુભવ કરાવે છે!

આ પ્રકારના પરિવેશમાંથી સુરત શહેરનાં ઘરમાં આવનાર દાદીથી દાદાનો ક્રોધી સ્વભાવ ન જિરવાયો હોય એ સમજી શકાય છે. પછીથી તો મારી મમ્મીને પણ સસરાજીનો એ પરચો મળેલો, પણ મમ્મી સહન કરી ગઈ અને દાદાના મૃત્યુ પછી જીવતર માટે જરૂરી પુરુષાર્થ પણ મમ્મીએ કર્યો એ વાત મેં મમ્મી વિશેના નિબંધમાં લખી છે.

સદેહે માનો પ્રેમ ન મળ્યો તેથી માના ખોળા જેવા ચિંચણનાં ઘર માટે પપ્પાને આજીવન લગાવ રહ્યો એ નોંધી આગળ વાત કરું.

માની ગેરહાજરીમાં પપ્પા અને કાકા પોતાનાં કાકી પાસે મોટા થયા. કાકીને પોતાને પણ ત્રણ દીકરા અને એક દીકરી અને એમના પતિ ગુજરી ગયેલા. એટલે પાંચ છોકરા અને એક છોકરી એક ઘરમાં એક પુરુષ અને એક સ્ત્રી વડીલ પાસે ઉછર્યાં.

વધારે પુરુષ સભ્યો હતા તેથી પપ્પાને ઘરકામમાં પણ મદદ કરવી પડતી. તમામ ભાઈ-બહેનોમાં પપ્પા સૌથી મોટા. બધાં તેમને મોટાભાઈ કહેતાં. તેઓ બી. એ., એલ. એલ. બી. ભણ્યા. ટ્યુશન કરતા અને સાયકલ પર બધે ફરતા.

યુવાવયે પપ્પા

કૉલેજમાં ભણતા ભણતા જ તેમને સામ્યવાદનો રંગ લાગી ગયેલો. તે વખતે મોટાભાગના યુવાનોમાં આ જુવાળ હતો એમ કોઈ લેખકે નોંધેલું પણ યાદ આવે છે. પપ્પાને આ રંગ એટલો પાકો લાગ્યો કે આજીવન સામ્યવાદી પક્ષના ભેખધારી રહ્યા. એટલે સુધી કે ૨૦૧૪ની ૫મી સપ્ટેમ્બરે તેઓ મારા ઘરે ગુજરી ગયા ત્યારે સુરતથી કૉમરેડ મિત્રો લાલ વાવટો લઈને આવેલા અને તેમના મૃતદેહ પર ઓઢાડેલો.

નારાયણપ્રસાદ ભટ્ટ અને પુષ્પાબહેન વૈદ્યના લગ્ન ૧૯૫૫ની ૧૨ મેના દિને થયેલા. મમ્મીનું મોસાળ સુરત જિલ્લાનું સોનગઢ ગામ જ્યાં કિલ્લો આવેલો છે. તેઓ ત્યાં પહેલી વાર મળેલાં. આ વાત મમ્મીએ જ અમને કરેલી.

ભણતર એ કદાચ બંનેને જોડતી કડી હતી કારણકે મમ્મી પણ બી. એ. થયેલી હતી. લગ્ન પછી પૂણે યુનિવર્સિટીમાં મમ્મીનું કોન્વોકેશન હતું અને બંને ગયેલાં. આટલે સુધી તો બધું બરાબર ચાલ્યું.

પપ્પા-મમ્મીનાં લગ્નજીવનમાં વાત બગડવાની શરૂઆત ત્યારથી થઈ જ્યારથી ઘરમાં તીવ્ર જરૂરિયાત હોવા છતાં દાદાએ મમ્મીને શિક્ષક તરીકે નોકરી કરવાની ના પાડી.

વાત એમ હતી કે સામ્યવાદનાં રંગે રંગાયેલા પપ્પા વારસામાં મળેલી યજમાનવૃત્તિ તો કરે એમ નહોતા અને વકીલાત જમાવવાની હતી. તેથી સ્વતંત્ર આવકનો અભાવ હતો. આ પરિસ્થિતિમાં આર્થિક બાબતોને લઈને ખટરાગ શરૂ થયો.

પપ્પા ઉપર દાદાનો દબાવ હતો અને તેથી મમ્મીનો પક્ષ પણ લઈ શકાતો નહોતો. આ કારણે તેઓ એક પ્રકારની આંતરિક ભીંસ અનુભવતા હતા. આ તમામની વચ્ચે અમ ત્રણ બહેનોનો જન્મ ૧૯૫૯, ૧૯૬૧ અને આ ૧૯૬૪માં થયો.

હું સૌથી નાની. કહેવું જોઈએ કે અમારાં ઘરમાં મેં ક્યારેય લિંગભેદનો અનુભવ કર્યો નથી. બલ્કે પાર્વતીશંકરદાદાને સૌથી વધુ લાડકી હું હતી. કહે છે કે બાળકો આમતેમ જતાં ન રહે માટે બેસવાની લાકડાની પાટના પાયા સાથે બીજાં બાળકોને બાંધી રાખતાં, પણ મને દાદા છુટ્ટી રમવા દેતાં, પાસે બેસાડીને ગાંઠિયાં પણ ખવડાવતા. અમે ચૌદ સભ્યો સંયુક્ત કુટુંબમાં રહેતાં.

હું ચાર વર્ષની થઈ અને દાદા ગુજરી ગયા. પપ્પા વકીલાત તો કરતા પણ લેબર સાઇડની. સવાર પડ્યે અમારા ઘરે પોતડી પહેરીને પોતાની સમસ્યાઓ લઈને મજૂરો આવતા અને ઉભડા જ બેસીને અમારા ત્રણ માળના ઘરમાં ભોંયતળિયે પપ્પા નીચે આવે તેની રાહ જોતા. મારા કાકા માધવપ્રસાદ ભટ્ટ કથા-પૂજા કરાવતા અને જ્યોતિષ સંભાળતા. તેમની રાહ જોનારા પણ નીચે હોય. આમ વર્ષો સુધી આ બંને કામકાજ અમારે ત્યાં સમાંતરે ચાલતા.

પપ્પાને કામદાર વર્ગ માટે સાચી કરુણા હતી અને તે આજીવન રહી. સુરતમાં વસંત ટોકીઝ પાસે આવેલી લાલ વાવટાની ઓફિસમાં વર્ષો સુધી પપ્પા અને કૉમરેડ નામદેવ શેણમારે કામ કરતા રહ્યા.

વડોદરાના ભાલચંદ્ર ત્રિવેદી, અમદાવાદના બટુક વોરા અને હરુભાઈ મહેતા – આ બધા સાથે પપ્પાને મિત્રતા હતી. સુરતના જસ્ટિસ ધીરુભાઈ દેસાઈ પણ પપ્પાના ગાઢ મિત્ર. પપ્પા બહુ સહેલાઈથી જજ બન્યા હોત પણ તેમને એ રુચતું નહોતું.

એ સમયે ચાલતી હિમસન જેવી મિલમાંથી કામદારોને સામૂહિક રીતે છૂટા કરવામાં આવે તેનો સામૂહિક કેસ એક પણ રૂપિયો ફી લીધા વિના પપ્પા લડતા અને તેમને ન્યાય અપાવતા. તેમણે રીક્ષાવાળાઓનું, મહાનગરપાલિકામાં કામ કરતાં કર્મચારીઓનું એમ જુદા જુદા વ્યવસાયિકોનાં યુનિયન બનાવ્યા. એ સમય એવો હતો જ્યારે બેન્ક, એલ.આઈ. સી., અધ્યાપકો, વકીલો – આ તમામ યુનિયનના હોદ્દેદારો આંદોલન વખતે ટેકો પણ જાહેર કરતાં. કર્મચારીને ન્યાય અપાવવાનું કામ પપ્પાએ પૂરી નિસ્બતથી કર્યું.

પીઢવયે પપ્પા-મમ્મી

કુટુંબમાં આર્થિક રીતે પપ્પાનું યોગદાન નહિવત રહ્યું. સંતાનોના ભણતર, સુખાકારી, સગવડ કે કારકિર્દી માટેની તમામ જવાબદારી મમ્મીએ જ સંભાળી.

કેટલીય વાર બહેનપણીઓના પિતાશ્રીઓને જોઉં ત્યારે મનોમન મારાથી – અમારાથી સરખામણી થઈ જતી અને ઓછું આવી જતું. અમે ત્રણે બહેનો ભણવામાં તેજસ્વી અને સંગીતમાં આગળ આવી શકીએ એવો કંઠ ધરાવતાં. પરંતુ આર્થિક પાસું નબળું હોવાને કારણે પૈસા આપીને શીખી શકાય એવું કશું જ કરી શકતા નહીં. આમ છતાં સુરતની સંસ્થાઓમાં અમારી ગુણવત્તાને કારણે જે કંઇ તક મળી તેનો મહત્તમ લાભ અમે લીધો.

સુરતના સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં કે વક્તવ્યોમાં શાળા સમયથી અમારી હાજરી રહેતી જેનો યશ હું મારી મોટી બહેન મીરાંને અને મારા કાકાના દીકરા ઉમેશને આપું. ક્યારેક તો સાયકલ પર ડબલસીટ જતાં. એ દિવસો મઝાના હતા.

પપ્પાને રાજકારણમાં શુદ્ધ અને સક્રીય રસ હતો. પદ કે પૈસાનો તો વિચાર સુધ્ધાં નહીં. સામ્યવાદી પક્ષની ગરીબો તરફી નીતિમાં તેમને ભારોભાર શ્રદ્ધા હતી. આ બાબતે ઘરમાં મમ્મી અને પપ્પા વચ્ચે ક્યારેક હળવી મજાક ચાલતી તો ક્યારેક ગંભીર સ્વરૂપ ધારણ કરે એવી ચર્ચા પણ ચાલતી.

મમ્મી કહેતી કે તેમના પક્ષનું રાજ ક્યારેય ભારતમાં આવવાનું નથી. પાર્ટી તરફથી ઉમેદવારો ઊભા રહે અને ચૂંટણીપ્રચારમાં ગામડાઓમાં જવાનું હોય ત્યારે હું પપ્પાની સાથે જતી, ત્રણ-ચાર-પાંચ દિવસ માટીનાં ઘરોમાં રહેતી, ભાષણો સાંભળતી અને સૌમાં હળીભળી જતી. પપ્પાના વર્તુળમાં સૌ મને ઓળખતા અને સૌ સાથે આજદિન સુધી સંપર્ક રહ્યો છે.

૧૯૮૭માં પાર્ટીએ પપ્પાને રશિયાની મુલાકાતનું આમંત્રણ આપ્યું. પપ્પા તૈયાર થયા. ત્યાં જવાનો ખર્ચ તો પાર્ટી આપે પરંતુ મોટી બેગ, ઓવરકોટ, વગેરે જરૂરી સરસામાન સન્માન કરીને ભેટ અપાયાં. સાત સભ્યોનાં ડેલિગેશનની ત્યાં જઈને પ્રથમ તબીબી તપાસ થવાની હતી અને શારીરિક સમસ્યા નીકળે તો સારવાર, નહીં તો ત્યાં ફરવાનું હતું.

મારા પપ્પા ચેઇનસ્મોકર હોવા છતાં તેઓ સંપૂર્ણ નીરોગી સાબિત થયા અને રશિયામાં ફરવાનું મળ્યું. અમારે ત્યાં વર્ષો સુધી સોવિયેત યુનિયનનું ગ્લોસી કાગળનું સામયિક આવતું જેને વાંચ્યા પછી નોટ-ચોપડી પર પૂંઠું ચડાવવામાં તેનો ઉપયોગ કરતાં. રશિયન લેખક મૅક્સીમ ગોર્કીની ‘ધ મધર’ નવલકથામાં વાંચેલું માનું પાત્ર પણ મને યાદ રહી ગયું છે.

પપ્પાની આવકની કોઈ પણ અપેક્ષા વગર મારી મમ્મીએ અમને મનગમતી અને ખર્ચમાં તેને પોષાય એવી લાઈન અપાવી.

મારી મોટી બહેને બેન્કિંગ રિક્રુટમેન્ટ બોર્ડની પરીક્ષા પહેલાં જ પ્રયત્ને પાસ કરી. ઈન્ટરવ્યૂમાં પસંદગી પામ્યાં છતાં ઓર્ડર આવતાં એક વર્ષ નીકળી ગયું. પપ્પાની ઓળખાણ તો હોય છતાં તેઓ આ અંગે કશું કરતાં નહીં. પણ હા, કૉલેજમાં અધ્યાપક તરીકે મારી પસંદગી થયાં પછી ટેકનિકલ કારણોસર મારો ઓર્ડર રદ કરવામાં આવ્યો ત્યારે પપ્પાએ મને એજ્યુકેશનલ ટ્રિબ્યુનલમાં જવા કહ્યું અને અમે બાપ-દીકરી આખું વર્ષ અમદાવાદ જઈ ટ્રિબ્યુનલમાં કેસ લડ્યા.

જજ તરીકે ત્યારે મહેશ દવે હતા જેઓ પાછળથી લેખક-પ્રકાશક (સ્વમાન પ્રકાશન) તરીકે જાણીતા થયા. મહેશ દવેએ મારી તરફેણમાં ચુકાદો આપેલો તે વખતે હું માત્ર તેવીસ વર્ષની હતી. આ ઘટનામાં પપ્પાએ મને સાથ આપ્યો જેનાથી આત્મવિશ્વાસ વધ્યો.

મારાં લગ્ન વખતે ગ્રહશાંતિ સમયે 

મમ્મી નિવૃત્ત થઈ અને અમે ત્રણે પરણી ગયાં પછી સુરતના એક સામાન્ય વિસ્તારનાં એપાર્ટમેન્ટમાં ચોથા માળે (લિફ્ટ વગર) મમ્મી-પપ્પા રહેતાં હતાં. તે પહેલાંના અમારાં ઘડતરકાળનાં વર્ષો તો સુરતનાં ગોલવાડ વિસ્તારના કાતરિયા જેવા ઘરમાં જ ગયાં.

પપ્પાની પંચોતેરમી વર્ષગાંઠે અમે ત્રણ બહેનો વડોદરા, નાસિક અને બારડોલીથી આવ્યાં અને ઘરનાં સભ્યોએ પ્રેમ અને હૂંફથી ઉજવણી કરી. પણ હવે બંનેને સહારાની જરૂર હતી.

બારડોલી સુરતથી નજીક હોવાને કારણે મારા ઘરે તેઓ કાયમી નિવાસ માટે આવ્યાં. બંનેને મારા બે દીકરા સાથે સરસ ગોઠી ગયેલું. બારડોલીની નગરપાલિકાના કામદારોની સમસ્યા પણ પપ્પાએ ઉકેલી. તેમની વિટંબણા સાંભળી પપ્પાની આંખોમાં આવતાં આંસુ મેં જોયા છે. અને તેમની આ નિસ્બતને કારણે જ પપ્પાના જૂના લાભાર્થીઓ બારડોલી સુધી આવીને પપ્પાને ‘બાપ’ સમજી જરૂરી વસ્તુઓ આપી જતાં હોય એ પણ સતત જોયું છે.

૨૦૦૫માં પપ્પાને માનસિક રોગ લાગુ પડ્યો. તેઓ hyperactive થઈ ગયા. એ હદે કે જેને ને તેને પોતે કરેલી અરજીઓ વગેરે વંચાવે અને થાક્યા વગર ખૂબ બોલે કે અધરાત મધરાત ઘરની બહાર નીકળી ચાલવા માંડે, સુરત સગાં-વ્હાલાંને ત્યાં પહોંચી જાય,વગેરે વગેરે..

એક તબક્કે સાયકિયાટ્રિસ્ટ પાસે તેમની હકીકત રજૂ કરી તેમની દવા કરી. હવે તેઓ કાંઈક ઠીક થયા. વાંચવાની પુષ્કળ ઝડપ. રોજનું એક પુસ્તક વાંચે. મારી ટપાલો રવાના કરી આવે. મારા કાર્યક્રમના કાર્ડ વાંચે અને જે તે દિવસે તેમનું તે અંગે ધ્યાન પણ હોય. મારી પ્રગતિથી ખૂબ પોરસાતા.

નિરંજનાબહેન કલાર્થી સાથે પપ્પા

મા વિના ઉછરેલા પપ્પાનું નમાયું વ્યક્તિત્વ હું મા બની પછી મને બરાબર સમજાયું. મને એમ લાગતું કે તેઓ વ્યક્તિ તરીકે ખુલીને ક્યારેય વ્યક્ત ન થઈ શક્યા. સંજોગોની અને પોતાને લાગેલ સામ્યવાદના નાદની ભીંસથી તેઓ દોરવાતા ગયા.

સ્વભાવે અત્યંત ઋજુ અને સંવેદનશીલ પપ્પા મમ્મીને સમજતા હશે પણ કશું યોગદાન નહીં આપી શકવાની તેમની પીડા જ રહી. તેમનાં વ્યક્તિત્વનું આ પાસું મારી મોટી બહેન મીરાં બરાબર સમજતી. વળી, તેને દાદીનું રૂપ મળ્યું હતું. સાંવેદનિક રીતે તે પપ્પા અને મમ્મી બેઉની નજીક હતી.

પપ્પા એવા નસીબદાર કે જીવનના દરેક તબક્કે તેમને ચાહકો મળી રહ્યાં. બારડોલીમાં ટ્રસ્ટ દ્વારા ચાલતી સરદાર હૉસ્પિટલમાં નજીવા દરે તેમની નાની-મોટી સારવાર થતી. ત્યાં તેમને તેમની જ વિચારસરણીના એક ડૉક્ટર ભેટી ગયા જેમણે પુત્રવત્ તેમની સારવાર કરી અને એક વાર બરાબર વઢીને સીગરેટ પણ છોડાવી.

ભગવાનને ખાસ પગે ન પડતા પપ્પા ૨૦૧૪ની પાંચમી સપ્ટેમ્બરની સવારે બાથરૂમમાંથી ઓરડામાં જતા હતા ત્યારે પગે લાગતા હોય તે મુદ્રામાં ઉંબરા પર અંતિમ સ્થિતિમાં મળ્યા.

તેઓ તે સમયે ઉપર એકલા જ હતા. માત્ર બે દિવસથી થોડો તાવ આવતો હતો એટલું જ. આ કારણે ચા ઉપર આપતા. ચા આપવા માટે મારો દીકરો ગયો ત્યારે તેમના પ્રાણ નીકળી ગયા હતા.

ભાદરવા સુદ અગિયારસના દિને સવારે છ વાગે તેઓ સાચે જ ઈશ્વરને વ્હાલા બની ગયા. આજીવન અકિંચનપણું એ તેમની નિયતિ રહી.

-સંધ્યા ભટ્ટ (બારડોલી)

આપનો પ્રતિભાવ આપો..