મા વિશે તો ખૂબ લખાયું, કેમ ન પપ્પા વિશે? ~ ગીત ~ ભરત ભટ્ટ ‘પવન’
કવિઓને ને લેખકોને
સમજાવો કોઈ રીતે
મા વિશે તો ખૂબ લખાયું,
કેમ ન પપ્પા વિશે?
બાપ બન્યો એ ત્યારે એની
આંખોમાં ઝાંકેલું?
સપનાઓનું એક પતંગિયું
એમાં પણ નાચેલું
એની કદર પણ થવી જ જોઈએ
સર્જનહાર તરીકે
મા વિશે તો ખૂબ લખાયું,
કેમ ન પપ્પા વિશે ?
ઘણા દિવસ તો એ પણ
એક જ પડખે સૂઈ રહેલો
ઘણા દિવસ તો પત્નીથી પણ
અળગો થઈ ગયેલો
તોપણ બજાર, બેન્ક…બધ્ધે
મુન્નો એની જીભે
મા વિશે તો ખૂબ લખાયું,
કેમ ન પપ્પા વિશે ?
દીકરી આવી ત્યારે પણ
રાખી’તી ભવ્ય ઊજાણી
સાસરિયે ગઈ, તો પપ્પાની
આંખો બહુ ભીંજાણી
આખું ઘર સચવાઈ રહે છે
પપ્પાની છત નીચે
મા વિશે તો ખૂબ લખાયું,
કેમ ન પપ્પા વિશે?
~ ભરત ભટ્ટ ‘પવન’ (વડોદરા)
99985 69119
Happy Father’s day
સરસ ગીત ભરતભાઈ 👍
કવિએ પપ્પાની સંવેદનાઓ આબાદ રીતે ઝીલી છે.
અભિનંદન. 🌹
મમ્મી વિશે તો સૌ કહે, પપ્પા વિશે થોડું કહું?
પણ જો કહું થોડું, તો શું બાકી મૂકું? શું શું કહું?
કોઈ પૂછે ‘કે. લાલ’નું, પપ્પાનું સરનામું કહું!
પપ્પાના ખિસ્સાને જ સૌથી મોટો હું જાદુ કહું
જોયું છે પપ્પાનાં હૃદયમાં ઉતરી મેં રોજ રોજ,
તો કઈ રીતે આ વિશ્વને એનાથી પણ મોટું કહું?
આંસુ નીતરતી કોઈની આંખોને જો દરિયો કહો,
ખોટું નથી, પપ્પાની આંખોને જો હું ટાપુ કહું!
ઝાઝું પ્રભુ શું માંગવું, બસ એવી સમજણ આપજે,
ખુદને નહીં બસ પપ્પાને ગમતું કરું, ગમતું કહું!
સંદીપ પૂજારા
ભરતભાઈએ ગીતમાં કરેલી ફરિયાદ તદ્દન સાચી છે. સાહિત્યમા જેટલું મા વિશે લખાયું છે એટલે પિતા વિશે નથી. આ સુંદર ગીત એની સચોટ અભિવ્યક્તિ છે.
પિતાને પણ ન્યાય આપ્યો 👌👌
નોખા માણસનું અનોખું ગીત…