ચૂંટેલા શેર ~ હેમંત પુણેકર (પુણે) ~ ગઝલસંગ્રહ: કાગળની નાવ
જે અહીં ચાલે છે એ સમજું છું, ગાફેલ નથી
બસ એ બદલી શકું, હું એટલો કાબેલ નથી
*
ટકોરા મારવા દે, શક્ય છે એનું ઊઘડવું પણ
તું જે ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે
*
હું જેવો છું તેવો છું તારી સમક્ષ
બનાવટ નથી કંઈ સજાવટ નથી
*
હું જ્યાં બે પાંદડે થયો ન થયો
ઋતુ બદલાઈ, પાનખર બેઠી
*
બધાને ભાવભીનો આવકાર આપો, ખબર ક્યાં છે?
કયા રૂપે હવે શામળ તમારે આંગણે આવે!
*
દર્દ જીરવી ગયો, ગમ ખાઈ ગયો
એક પ્રસંગ એ રીતે સચવાઈ ગયો
*
એ ટક્યા પણ કંઈ જ બદલી ન શક્યા
જેમની વૃત્તિ સ્થિતિસ્થાપક રહી
*
મહેમાન થઈને મહાલે છે શમણામાં ટેસથી
એને ખબર શું વીતે છે આ મેજબાન પર
*
મારા લોહીમાં ભરતીનું કારણ
એની આંખોમાં એક ઉલાળો છે
*
હું એને યાદ કરીને દુઃખી છું આજે પણ
સુખી થવા જે મને ક્યારની ભૂલી ગઈ છે
*
ચકચાર થાય એટલું અફવાનું જોર બસ!
સચ્ચાઈ સામે આવશે સોપો પડી જશે
*
પુસ્તકમાં સુકાયું પુષ્પ તોપણ
યાદોમાં હજી કુમાશ રહી ગઈ
*
જે પ્રશ્ન સરળતાથી ઉકેલાઈ ગયો હોત
ગૂંચવાયો છે એ તારી કરામતથી વધારે
*
એમની એક કરડી નજર જ્યાં પડી
લો દબાઈ ગયો ખંડનો ગણગણાટ
*
બધા ચુપ થઈ ગયા એ વાત પર જે
ન’તી કહેવી ને કહેવાઈ ગયેલી
*
ફ્રીડમ ઑફ એસ્પ્રેશનનું શું કરશે?
જેને બે ટંકનાંય ફાંફા છે
*
તું કદી આની કદી તેની નજીક
ચંદ્ર એક, નક્ષત્રો સત્યાવીસ છે
*
સાથ દિલથી આપતી ના હોય તો
હાથ પર શું ચુસ્ત કરવાની પકડ?
*
ફગાવીને જોઈ લીધી તારી યાદ
જરી દૂર ગઈ ત્યાં તો પાછી ફરી
*
એ રીતે મારાં અશ્રુઓ પણ કામ આવશે
તારા જવાનું દૃશ્ય એ ધૂંધળું બનાવશે
~ હેમંત પુણેકર
~ ગઝલસંગ્રહઃ કાગળની નાવ
~ મૂલ્યઃ 225/-
~ પ્રાપ્તિસ્થાનઃ
Zen Opus, Ahmedabad
Tel: 079- 2656 1112, 4008 1112
Email: contact@zenopus.in
www.zenopus.in
વાહ… સરસ મજાનું ચયન….
ગાગરમાં સાગર