ત્રણ જીવકાવ્યો : સ્નેહી પરમાર ~ [૧] મંકોડો [2] અળસિયું [3] કીડી

[૧] મંકોડો

ખાઈ હોટલની જાર, મંકોડો,
જીવતો બેશુમાર, મંકોડો.

ડોક તૂટે છતાંય છોડે ના,
હાથ આવ્યો શિકાર, મંકોડો.

ગામ આખ્ખું વિરોધી છે, તોપણ,
હોય સરપંચ ધરાર, મંકોડો.

એના ભારે દીવાલ તૂટી છે,
ઠેરવો ગુનેગાર મંકોડો.

અન્નદાતા મટી, બની ગ્યો છે,
આઠ-અ, ૭-૧૨, મંકોડો.

[2] અળસિયું

મેલી સાડી મારે પોતું, અળસિયું,
જોતાં જોતાં મારે ગોથું, અળસિયું.

પડખે સઘળું રાખે ડહોળું, અળસિયું,
નહિતર સામે આવે ચોખ્ખું, અળસિયું.

મારે પણ ઊઠીને મંદિર જાવું છે,
બે પળ પણ જો મારે ઝોકું, અળસિયું.

રોજ હું કૅલેન્ડરનું પાનું ફાડું છું,
રોજ વધારે આવે ઓરું, અળસિયું.

મોક્ષમંજીરાં વાગે છે ત્યાં માઈકમાં,
મોઢામાં પૂછ લઈને પોઢ્યું, અળસિયું.

વધવા દો, એ વધીને બીજું, શું કરશે ?
કહેશે : ‘હું છું સૌથી મોટું અળસિયું.’

[3] કીડી

સાપને પણ હો એનો ડર, કીડી!
આવતું હો જ્યાં તારું દર, કીડી!

તે છતાં થાપ ખાય છે, શાને ?
તારી છે બહું ઝીણી નજર, કીડી!

રાખ મેકઅપનું બોક્સ, વાંધો નહિ
ક્યાંક ક્યાંક રાખજે ખપ્પર, કીડી!

જેટલી કીડીઓ છે પૃથ્વી પર,
એથી ઝાઝાં તો છે સૂવર, કીડી!

ત્યાં લગી કીડી કીડી રહેવાની,
કીડીની ના કરે તે કદર, કીડી.

ત્યાં રિદ્ધિસિદ્ધિ આવતી પાછળ,
જ્યાં હો તારી અવરજવર, કીડી!

કોઈ આવીને પાન નહિ નાંખે,
તું પડી છે તો તું જ તર, કીડી!

~ સ્નેહી પરમાર

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. ખૂબ ખૂબ આભાર, ગમતા પલર્ટફોર્મ પર કવિતાઓ જોઈ ખૂબ આનંદ થયો.

  2. તદ્દન નવી વિભાવનાની અનોખી રચનાઓ

  3. કવિ મિત્ર સ્નેહી પરમાર મારા ગમતાં કવિ છે. એમના ત્રણેય જીવ કાવ્યો કાવ્યત્વથી પ્રચુર છે. અભિનંદન કવિ અને હિતેનભાઈ બંનેને.