પેરન્ટિંગ – કાલિન્દી પરીખ

અંતે બે મિત્રોની સાક્ષીમાં  કેશા અને કૃણાલે કોર્ટ મેરેજ કરી લીધા. બંને કેશાના માતા-પિતાના આશીર્વાદ લેવા તેમના ઘેર ગયાં. તેમને કોઈ આવકાર તો મળ્યો નહીં ઊલટું હંમેશ માટે તે ઘરના દ્વાર બંધ કરી દેવામાં આવ્યાં. કૃણાલને તો એનાં માતાપિતા પાસે જવાનો સવાલ જ નહોતો. ચંદીગઢમાં રહેતા તેના પરિવારે તેને કેશા સાથે એ લગન કરવાનો છે એવું કહેતાં જ ઘર અને પારિવારિક ધંધામાંથી કાઢી મૂક્યો હતો.

કેશા પ્રથમ તો ભાંગી પડી પણ કૃણાલના પ્રેમ અને હૂંફે તેને સાચવી લીધી. બંને એક હોલ-કીચન+બેડરૂમ અને નાની ડેન વાળા ફ્લેટમાં રહેવા લાગ્યાં. કૃણાલ સોફ્ટવેર એન્જિનિયર હતો અને સારું કમાતો હતો. કૃણાલ ઓફિસથી આવી જતો પછી ફ્રીઝ, ટી.વી., પલંગ, જરૂરી વાસણો, ક્રોકરી, પડદા એમ બધી વસ્તુઓની ખરીદી બંને સાથે જ કરવા લાગ્યાં. ખરીદીનો  અને ઘર વસાવવાનો આનંદ પરિવારના ગમને ભુલાવી દેતો. વીકએન્ડમાં બંને ફરવા ઉપડી જતાં. પિક્ચર જોઈને બંને હોટેલમાં જમવાનો લુત્ફ ઉઠાવતાં. આમ છતાંય કેશાને ક્યારેક તેની મમ્મીના હાથની કઢીનો સ્વાદ યાદ આવી જતો. પપ્પાની સાથે બેસીને ટીવી જોતી હતી એ યાદ આવી જતું. ભાઈ સાથેની મીઠી નોકઝોકના પ્રસંગો નજર સામે તરવરી જતાં. એ સાથે કેશાને એવું પણ થતું હતું કે, “હજુ તો એનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરૂં નથી થયું અને લગ્ન આમ ભાગીને કરી લીધાં! શું પોતે લગ્ન કરવામાં ક્યાંક ઉતાવળ તો નથી કરીને? પણ હવે ‘મા’ બનવાની ઉતાવળ તો નથી જ કરવી. માત્ર ગ્રેજ્યુએશન કરીને અટકી નથી જવું ભણવાનું પહેલાં પૂરૂં થઈ જાય તો પોતે પણ કૃણાલની સાથે ખભેખભો મેળવીને કમાઈ શકે અને જીવન વધુ સારું બની શકે.”

આમ ને આમ થોડાંક મહિનાઓ તો પસાર થઈ ગયા. એક દિવસ સવારે પથારીમાંથી ઊઠવાની સાથે જ તેને ઉબકા આવવા માંડ્યા. તે દોડીને વોશબિસન પાસે ગઈ. તેને ઊલટીઓ થઈ. પહેલાં તો કશુંક ખાવામાં આવી ગયું હશે તેમ બંનેએ મન મનાવ્યું. ફેમિલી પ્લાનિંગ માટ્વે પ્રિકોશન તો લેતાં હતાં આથી બીજું કંઈ હોય શકે એવો ખ્યાલ પણ ન આવ્યો. પરંતુ બે-ચારવાર આવું થતાં કૃણાલે તેની ઓફિસમાંથી એક દિવસની રજા લીધી. બંને ડોક્ટર પાસે ચેકઅપ માટે ગયાં.

ડોક્ટરે કહ્યું,” કેશા, તમે ‘મા’ બનવાના છો અને કૃણાલ તમે પિતા”.
કેશા અકળાઈને કહે, “પણ, ડૉક્ટર, અમે પ્રિકોશન તો લઈએ છીએ. હાઉ ઈઝ ઈટ પોસિબલ?”
ડોક્ટર બોલ્યા, “પ્રિકોશન્સ ૧૦૦% “ફેલ પ્રુફ” નથી હોતા.”
કૃણાલ તો આ સમાચાર  સાંભળી ખૂબ જ ખુશ થયો, પણ કેશા ખાસ ખુશ થઈ નહીં.
ઘરે ગયા પછી કૃણાલે કેશાને પૂછ્યું,” કેમ કેશા તું ખુશ નથી? લેટ’સ સેલિબ્રેટ.”
કેશાએ નકારમાં માથું ધુણાવ્યું.
“વોટ ઈઝ ધ પ્રોબ્લેમ, ડિયર? આર યુ ઓકે” કૃણાલે એને પોતાની નજીક ખેંચતાં કહ્યું.
“કૃણાલ, એવી તે કઈ સ્ત્રી હોય જેને ‘મા’ બનવું ન ગમે, પણ મારે આટલા જલદી ‘મા’ નથી બનવું. મારે પોસ્ટ ગ્રેજ્યુએશન પણ પૂરૂં કરવું છે.”
“ઈટ ઈઝ ઓકે ડિયર. આપણે કેરટેકર રાખી લઈશું. તું તારે બેબી પછી પણ ભણી શકે છે.”
કૃણાલે કેશાને ખુશ કરવાના ઘણા પ્રયત્નો કર્યા પણ એ તો દિવસે દિવસે વધુ ઉદાસ રહેવા લાગી.
એક દિવસ તેણે કહી જ દીધું, “કૃણાલ, પ્લીઝ, ટ્રાય ટુ અંડરસ્ટેન્ડ, આઈ ડોન્ટ વોન્ટ ધીસ ચાઈલ્ડ.”
તેણે એબોર્શન કરાવવાની વાત કરતાં કૃણાલ પ્રથમ વાર જ તેના પર ગુસ્સે થયો. આથી તે મોટે મોટેથી રડવા લાગી. છેવટે કેશાની જિદ આગળ નમતું મૂકી બંને ગાયનેક પાસે ગયાં.

ગાયનેકે પૂરી તબીબી તપાસને અંતે કહ્યું, “કેશા, અત્યારે તો બચ્ચા સાથે બધું નોર્મલ છે. તમારા માટે આ ચાઈલ્ડ સાચે જ મિરેક્લ બેબી છે. જે રીતે તમારા યુટરસની હેલ્થ અને પોઝિશન છે એ પ્રમાણે અત્યારે મારી એક જ સલાહ છે કે આ બાળકને આવવા દો. જો તમે અત્યારે એબોર્શન કરાવશો તો કદાચ ભવિષ્યમાં ફરી ‘મા’ બનવું શક્ય ન પણ થાય.  તમે અને કૃણાલ બેચાર દિવસ શાંતિથી વિચારીને મને જણાવો. આપણે એ રીતે આગળ પ્લાન કરીશું.”

ગાયનેકની વાતે કેશાને વિચાર કરતી કરી મૂકી અને એની હિંમત ન થઈ કે એ એબોર્શન કરાવે. મને કમને કેશા નવ મહીના સુધી આવનાર બેબીનો અણગમતો બોજ વેંઢારતી રહી. કૃણાલે તો રમકડાં, ક્રેડલ, ફ્રોક અને જાતજાતનાં વસ્ત્રોનો ઢગલો કરી દીધો. માત્ર બેડરૂમમાં જ નહીં, ડાઈનીંગરૂમ, હોલ અને કીચનમાં પણ નાના બેબીના વિવિધ પોઝવાળા ફોટાઓ મૂકી દીધાં. કૃણાલમાં મોરનો થનગનાટ પ્રવેશી ગયો હતો. આ થનગનાટ પરી જેવી રૂપાળી અને સુંદર બેબી આવ્યા પછી પણ ઓછો થયો ન હતો તો આ બાજુ, કેશાનું ઉદર હળવું થઈ ગયું હોવા છતાં તે ભારમુક્ત થઈ નહોતી.

કૃણાલ સવારે ઓફિસે જતાં પહેલા બેબીને કીસ કરીને જતો અને રાત્રે આવીને બેબીને ઘડીવારય છોડતો નહીં. રાત્રે બેબી રડે તો પોતે જ ઊઠતો. તેને પાણી પીવડાવતો, દૂધની બોટલ પીવડાવતો, અને જરૂર પડે તો તેડીને થપથપાવી એને સૂવડાવતો પણ ખરો. તેના ડાયપર્સ પણ તે બદલાવી આપતો. કૃણાલના સહકારથી જ તો કેશા પણ પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગઈ અને બેબી પણ મોટી થવા લાગી.

કેશાને પોસ્ટગ્રેજ્યુએટ થઈને નોકરી કરવી હતી.  પરંતુ  કેશા નોકરી શોધે તે પહેલાં જ કૃણાલને તેની ઓફિસ તરફથી એક વર્ષ માટે લંડન જવાનું થયું. કેશાને કૃણાલથી એક વર્ષ માટે દૂર રહેવું પડશે એ વિચાર કરતાંય ‘બેબીને સાચવવાનો, ઉછેરવાનો અને જવાબદારીના વિચાર વધારે સતાવવા લાગ્યાં. દિવસના ભાગમાં પાર્ટટાઈમ કેરટેકર તો આવતી જ હતી, પણ અલબત્ત, કૃણાલ લંડન જતાં પહેલાં બેબી માટે ફુલટાઈમ કેરટેકરની વ્યવસ્થા કરતો ગયો હતો. થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું. પણ પછી કેરટેકર અનિયમિત આવવા લાગી. ક્યારેક તો કહ્યા વગર જ ન આવતી.

આમ જ એક દિવસ કેરટેકર અગાઉથી કશી જાણ કર્યા વગર આવી જ નહીં. બેબીને તે જ દિવસે ડાયેરિયા થઈ ગયા. કેશા તો ડાયપર્સ બદલાવી બદલાવીને થાકી. ડોક્ટર પાસે પણ તેને એકલીને જ જવું પડ્યું. કોઈ દિવસ એણે બાળકની જવાબદારી ઉપાડી નહોતી. ડાયરિયા જલદી મટાડી દેવા  તેણે બેબીને દવાનો વધારે ડોઝ આપી દીધો. બેબીને ડાયેરિયા તો મટી ગયા પણ કબજિયાત થઈ ગઈ. આથી બેબી રડવા લાગી. ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં પણ બેબી શાંત ન થઈ અને રડીરડીને આખી રાત માથે લીધી. છેક સવારે બેબીને કબજિયાતથી છૂટકો મળ્યો ત્યારે શાંત થઈ. કેશા અકળાઈ ગઈ હતી અને મનોમન બરાબરની ચિડાતી રહી, બેબી પર, કેરટેકર પર, કૃણાલ પર અને છેલ્લે પોતાની જાત પર!

એક દિવસ તે જોબ શોધવા માટે ઓનલાઈન સર્ચ કરી રહી હતી  અને કેરટેકર ટી.વી. સિરિયલ જોવામાં વ્યસ્ત હતી. આમ, એક બાજુ કેશા તેના બેડરૂમમાં હતી  અને કેરટેકર સાથે બેબી ડ્રોઈંગરૂમમાં હતી. બેબી ક્રેડલ પરથી વારંવાર બહાર આવવા  પ્રયત્નો કરી રહી હતી. . આ બાબતથી બેખબર કેરટેકર તો ટી.વી.ની સિરિયલ જોવામાં જ મશગૂલ થઈ ગઈ હતી. સિરિયલમાં સાસુ-વહુનો ઝઘડો બરાબરનો જામ્યો હતો. થોડીવાર પછી, બહાર નીકળવાના પ્રયાસો કરીને થાકેલી બેબી ક્રેડલમાં ચૂપચાપ પડી રહી પણ પછી ફરી તેણે ક્રેડલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો અને આ વખતે બેબીને સફળતા મળી.

‘ધબ્બ…’ દઈને મોટો અવાજ આવ્યો. કેરટેકરે અવાજને સાંભળ્યો ન સાંભળ્યો કર્યો અને કેશાના બેડરૂમનું બારણું અડધું અટકાવેલું હતું આથી કેશાને તો બેબીના પડવાનો અવાજ સંભળાયો  નહીં.
આ બાજુ બેબીએ રડવાનું શરૂ કર્યું. કેરટેકરને પહેલાં તો એમ લાગ્યું કે સાસુના ખીજાવાના કારણે વહુ રડી રહી છે! પણ પછી તેને થયું કે’ ના, ના તે કંઈ રડે એવી નથી, પણ સાસુને રડાવે એવી છે. હશે કદાચ તેમના ઘરમાં કોઈ નાનું છોકરું રડી રહ્યું હશે’. પણ રડવાનો સામાન્ય અવાજ પછી તો ચીસોમાં બદલાયો.
આ ચીસો કેશાના કાને અથડાતાં, તેણે બેડરૂમમાંથી જ બૂમ પાડી, ”સવિતા.. બેબી કેમ રડે છે? શું કરે છે તું? હું મારું કામ પતાવીને આવું છું. બેબીને જરા શાંત કરાવ.”
આથી કેરટેકરનો રસભંગ તો થયો પણ તેને ટી.વી.માંથી નજર તો હટાવવી જ પડી. બેબી રડી રહી હતી અને ચીસો પણ પાડી રહી હતી. કેરટેકર હવે બરાબરની ગભરાઈ ગઈ. એણે તેણે બેબીને હાથમાં લીધી. બેબી હવે વધારે હીબકે ચડી.

બેડરૂમનું બારણું અડધું ખુલ્લું જ હતું એટલે ગભરાયેલી કેરટેકર, ‘બેન, બેન” કરતી બેબીને લઈને સીધી બેડરૂમમાં જ ધસી ગઈ.

કેશા જોબની એપ્લીકેશન મોબાઈલ પર ભરી રહી હતી. એણે  મોબાઈલને પથારીમાં ફેંક્યો અને પૂછ્યું,” કેમ તું સીધી જ અહીં ઘુસી આવી? અને બેબી કેમ આટલી બધી રડે છે?” તેણે કેરટેકરના હાથમાંથી બેબીને લેતાં કહ્યું, એ બેબીને ઊંચકીને માથા પર સહેલાવતી હતી ત્યાંજ એના હાથ ભીનાં થયાં. એણે જોયું તો બેબીના માથામાંથી લોહી નીકળતું હતું. ”અરે, બેબીને તો ખાસ્સું વાગ્યું છે! જો, માથામાંથી કેટલું બધું લોહી નીકળે છે! હે ભગવાન!”

ઘરમાં ફર્સ્ટએઈડનું બોક્સ તો હતું નહીં. હા, થોડું કોટન, ડેટોલ અને સોફ્રામાઈસીનની ક્રીમ વગેરે કૃણાલે લાવી આપેલાં તે પડ્યાં હતાં. તાત્કાલિક પૂરતું લોહી બંધ કરવા માટે ડ્રેસીંગ તો કર્યું પણ પછી તે ડોક્ટર પાસે ગઈ. ડોક્ટરે ઘા તપાસ્યો અને પછી ફરી સરખું ડ્રેસીંગ કરી આપ્યું અને દવા આપી. એ સાથે બેબીને તાવ ન આવે તેની ખાસ તકેદારી રાખવાનું પણ કહ્યું. કેશાને થયું, “હાશ, સારું થયું કે કંઈ વધુ નથી લાગ્યું.”

કેશા આજે તો ખૂબ જ અકળાઈ ગઈ હતી. રાત્રે તેણે કૃણાલ સાથે લંડન લાંબી વાત કરી. કૃણાલ ચંદીગઢ પોતાના મા-બાપને તો વાત કરી શકે તેમ નહોતો. તેણે કેશાને એનાં મમ્મી- પપ્પા સાથે વાત કરવા કહ્યું અને એ પણ કહ્યું કે જો એનાં મમ્મી થોડો સમય ત્યાં રહેવા આવે અથવા કેશા બેબીને લઈને પિયર રહેવા જાય તો કેશાને  રાહત રહેશે. કેશા માટે તો પિયરનો દરવાજો બંધ હતો. છતાં, તેણે અચકાતાં, અચકાતાં પોતાની મમ્મીને ફોન કર્યો. કેશાને ખાતરી તો હતી જ કે કોઈ ફાયદો નથી અને એવું જ થયું. એની મમ્મીએ રુક્ષતાથી કહી દીધું કે એમને માટે તો કેશા કાયમ માટે મરી ગઈ છે અને ફરી ફોન ન કરવાની તાકીદ પણ કરી. સાથે એ પણ કહ્યું કે, ફરીવાર કેશા જો ફોન કરશે તો એનો નંબર બ્લોક કરી નાંખશે! કેશાનું સ્વમાન તો ઘવાયું પણ અંદરથી ચરચરાટીયે થઈ. એને થયું: “તે દિવસે તેણે ‘બેબી’ના આવવાના માર્ગને જ બ્લોક કરી નાખ્યો હોત તો સારું થાત!”
******

દિવસ વીતતા ગયા. એકવાર કેરટેકરે ત્રણ દિવસની રજા માગી. એને તેની ભાભીના સીમંતમાં જવાનું હતું અને એ સાથે એડવાન્સમાં પૈસાની માંગણી પણ કરી.
“લોકો શું કામ બાળક માટે આટલી ઉતાવળ કરતાં હશે?” એમ બબડતાં, બબડતાં, બીજો કોઈ છૂટકો ન હોવાથી કેશાએ કેરટેકરને રજા આપી અને પૈસા પણ આપ્યાં.

આ ત્રણ દિવસ તો સંપૂર્ણપણે ‘બેબી’ને તેણે એકલીએ જ સંભાળવાની હતી. એક દિવસમાં જ બેબીને દિવસરાત સાચવીને તે કંટાળી ગઈ હતી. ક્યાંય બહાર પણ જઈ શકી નહોતી. ‘બેબી’ને કોને ભરોસે મૂકવી?” આમ વિચારતી તે બેબી માટે દૂધ બનાવવા ગઈ. દૂધમાં નાખવાનું બોર્નવિટા ખલાસ થઈ ગયું હતું. બેબીને બોર્નવિટા વગર દૂધ ભાવતું જ નહીં એટલે તેણે દૂધ તો પીધું જ નહીં અને બોટલને જોરથી ધક્કો મારતાં બોટલ તો તૂટી ગઈ પણ સાથે બધું દૂધ પણ ઢોળાઈ ગયું. મહામહેનતે તેણે બધું સાફ તો કર્યું પણ બેબીનું રડવું બંધ થયું નહીં. પછી તેણે કીચનમાં બેબીને આપઈ શકાય એવા બેબીફૂડની શોધ આદરી. આમતેમ ખાંખાખોળાં કરીને માંડ એને બેબીને ભાવતાં સ્વીટ પોટેટોની બેબી ફૂડની બોટલ મળી. એણે બેબીને બેસાડીને સ્વીટ પોટેટો ખવડાવીને શાંત કરી. બેબીને કાંઈક આપીને શાંત કરી શકાય એ શોધ દરમિયાન એણે એ પણ જોયું કે ઘરમાં પોતે કૃણાલના ગયા પછી બરાબર ધ્યાન નહોતું આપ્યું અને ઘણી વસ્તુઓ ખૂટવા આવી હતી.  બેબી હવે આઠ મહિનાની થઈ ગઈ હતી. એબેસતાં અને ગોઠણિયા તાણ્તાં પણ શીખી ગઈ હતી. તેણે બેબીને સ્ટ્રોલરમાં બેસાડી અને બાજુની મોલમાં ખરીદી કરવા જવાનું નક્કી કર્યું.

બેબીને એણે સ્ટ્રોલરમાં હતી અને તે પણ ઘણા વખતે મોલમાં આવી હતી આથી શોપીંગમાં કરવામાં એને આનંદ આવતો હતો. બેબી પણ હવે એક્ટિવ થઈ ગઈ હતી. કેશા એકલી કદી બેબીને લઈને આમ ખરીદી કરવા બહાર નીકળી જ નહોતી અને નાના બચ્ચાને કેવી રીતે સ્ટ્રોલરમાં પટ્ટો બાંધીને સિક્યોર કરવું એની પૂરી જાણકારી લેવાની પણ તસ્દી નહોતી લીધી. એ તો સ્ટ્રોલર બાજુમાં મૂકીને જોઈતી ચીજ વસ્તુઓ ખરીદવામાં મશગૂલ થઈ ગઈ. બધો સામાન ખરીદાઈ ગયો ત્યારે એને થયું, “બેબી ડાહી તો છે, એની ના નહીં. જરાયે રડ્યા વિના આટલો બધો સમય ચૂપચાપ સ્ટ્રોલરમાં બેઠી રહી!” અને એણે પાછાં ફરીને સ્ટ્રોલરમાં જોયું તો અંદર બેબી હતી જ નહીં. એને ફાળ પડી “અરે, આમ બાબાગાડીમાંથી બેબી ગઈ ક્યાં?”

તેણે ચારે બાજુ જોયું, ’બેબી’ ક્યાંય મળી નહીં. તે રઘવાઈ, થઈને કાઉન્ટર પર આવી અને તેના મોબાઈલમાંથી બેબીનો ફોટો બતાવ્યો, પણ મોલમાં તો કેટલાય કસ્ટમર્સ આવતાં હોય. એમ કોઈનો ચહેરો જોઈને તો કેમ ખ્યાલ આવે?  રિસેપ્શનીસ્ટે સિક્યોરિટીને બોલાવી. તેઓ કેશાને મોલના મેનેજર પાસે લઈ ગયા. મેનેજરે ખૂબ ધીરજપૂર્વક કેશાની બધી વાત સાંભળી C.C.T.V. કેમેરા ઓન કર્યો. કેમેરાના ફૂટેજમાં જોયું તો એકાદ કલાક પહેલાં, બેબી સ્ટ્રોલરમાંથી સરકીને ઘૂંટણિયા તાણતી સ્ટોરની બહાર નીકળતી હતી ત્યારે કોઈ એક કપલે એને ઊંચકી લીધી હતી અને પછી એ કપલે ‘બેબી’ને મોલની દુકાનમાં આઈસ્ક્રીમ ખવડાવી રહ્યું હતું એવું પણ ધ્યાનમાં આવ્યું. ‘બેબી’ મજેથી આઈસ્ક્રીમ ખાઈ રહી હતી એનું ફૂટેજ જોતાં જ કેશા તરત જ બોલી ઊઠી, ”હા ,આ જ, આ જ મારી’ બેબી’ છે”. C.C.T.V. કેમેરામાં એ પણ દેખાયું કે  પેલું કપલ તો ‘બેબી’ને પોતાની સાથે લઈને પાર્કિંગલોટમાં પાર્ક કરેલી એક કારમાં બેસીને નીકળી ગયું હતું.

કેશા આ જોઈને સદંતર ભાંગી પડી. “આમ તે કેમ કોઈ મારી ‘બેબી’ને લઈ જઈ શકે?“
મેનેજરે આશ્વાસન આપતાં કહ્યું, ”ચિંતા નહીં કરો મેડમ, આપણે તમારી બેબીને જરૂર પાછી મેળવી લઈશું.” કેશાએ ટી.વી. અને છાપામાં જાહેરાત આપવાનું કહ્યું.
“જુઓ મેડમ, એમ કરવાથી પેલું કપલ સાવધ થઈ જાય અને શક્ય છે કે શહેર છોડીને ક્યાંક જતું પણ રહે તો કેસ બગડી જાય.” તેને મેનેજરની વાત સાચી લાગી. એટલીવારમાં મેનેજરે પોલિસને બોલાવીને બધો અહેવાલ અને C.C.T.V. કેમેરાના ફૂટેજ  સોંપ્યા. કેશાની આંખમાં આંસુ હતાં. પોલિસે એને આશ્વાસન આપતાં કહ્યું, “તમે ઘેર જાઓ. અમે તમને આ કપલની તપાસ કરીને જણાવીશું.”

ખાલીખમ સ્ટ્રોલરને લઈને ઘેર જતી કેશાના પગમાં કોઈ જોર જ નહોતું રહ્યું. રસ્તા પરનાં લોકોથી છુપાવીને એ અંતરમાં આંસુ સારતી રહી. એને પહેલીવાર થયું, “ઓ મા , ક્યાં હશે મારી બેબી! એ લોકો એને મારશે તો નહીંને? પોલિસ એમને પકડે ત્યાં સુધીમાં એ લોકો બેબીને લઈને શહેર છોડીને ભાગી તો નહીં જાય ને? અને બેબીને વેચી તો નહીં નાખે? ટીવીમાં ક્રાઈમ પેટ્રોલ જેવા શોમાં કાયમ બતાવતાં હોય છે કે નાનાં બાળકોને આમ અગવા કરીને પરદેશમાં જેમને સંતાનો ન હોય એવા લોકોને વેચી નાખવામાં આવે છે. ઓ મા, મારી બેબીને આમ વેચી તો નહીં નાખેને? હું શું કરીશ જો બેબી પાછી નહીં મળે તો?” આંસુ પીતાં પીતાં એનું અંતર રડી રહ્યું હતું. એને થયું “પોતે કેવી મા છે કે પોતાનું બાળક આમ સ્ટ્રોલરમાંથી સરકી ગયું અને એને બે કલાક સુધી ખબર પણ ન પડી! એને સાચે જ મા બનતાં આવડતું નથી. બધો વાંક જ એનો છે!” આમ એ ઘેર આવી અને તરત જ  કૃણાલને ફોન કરીને રડતાં રડતાં વિગતવાર વાત કરી.

“વ્હો…ટ…? તું શું કહી રહી છે? જો, રડ નહીં. આપણે આપણી બેબીને પાછી મેળવીને જ રહીશું. ડોન્ટ વરી, હમણાં જ ટિકિટ બુક કરાવીને ફર્સ્ટ અવેલેબલ ફ્લાઈટ લઈને તાત્કાલિક ઈંડિયા આવું છું.” અને તે ચોવીસ જ કલાકમાં ઈંડિયા આવી પણ ગયો.

પરંતુ એ ચોવીસ કલાકમાં કેશાના ઉદરમાં કંઈ કેટલીય વાર ‘બેબી’ ઉછળવા લાગી. જે ’બેબી’ અનવોન્ટેડ ચાઈલ્ડ હતી, તે આજે મોસ્ટ વોન્ટેડ બની ગઈ હતી. ‘બેબી’ની દરેક વસ્તુ તેના માટે બીલવ્ડ થઈ ગઈ હતી. આખા ફ્લેટમાં ‘બેબી’ના  હસવા, રડવાના અવાજોના તરંગોથી હવા તરબતર હતી. કેશાનું હૈયું આક્રંદ કરી રહ્યું હતું,
“બેબી…બેબી…બેબીઈઈ…” પોતાના આ બિનજવાબદાર પેરન્ટિંગ વિષે વાત કરે તોયે કોને કરે?
*****
કૃણાલ લંડનથી જેવો આવ્યો કે કેશા તેને વળગી પડી. કેશાના ડૂસકાં અટકતાં જ નહતાં. એને થયું કે કાશ, એવું બને કે ‘બેબી’ ‘હાઉક’ કરતી, ઘૂંટણિયાં તાણતી તાણતી બેડરૂમમાંથી હમણાં જાદુથી બહાર આવી જાય!

એટલીવારમાં પોલિસનો ફોન પણ આવી ગયો. એમણે બેબીને લઈ ગયેલા યુગલનું સરનામું મેળવી લીધું હતું. કૃણાલ અને કેશા પોલિસસ્ટેશન પહોંચ્યાં. ત્યાંથી મોલના મેનેજર, અને સાથે બે પોલિસ ઈન્સ્પેક્ટર સાથે એ યુગલના ઘેર ગયાં. અચાનક આમ પાંચ જણાને પોતાના ફ્લેટ પર આવેલા જોઈને પહેલાં તો એ પતિ-પત્ની ગભરાયાં તો ખરાં જ પણ તરત જ પોતાનાં ગભરાટને છુપાવતાં પુરુષે કહ્યું, “આપ? શું કામ છે? કંઈ થયું છે?” એટલીવારમાં એ પુરુષના પત્ની પણ ત્યાં આવી ગયાં.

પોલિસ ઈન્સ્પેક્ટરે બધાંની ઓળખ આપી અને બધી વિગત આપીને બેબી વિષે પૂછ્યું. તો તેઓ બેઉ જાણે કંઈ બન્યું ન હોય એમ કહે, “અમને ખબર નથી કે તમે શેની વાત કરો છો?”

મેનેજરે આઈસક્રીમ ખાતી બેબીની C.C.T.V. ની ક્લીપ બતાવી અને કેશા-કૄણાલ તરફ હાથ કરીને કહે, “આ ફોટામાં જે બેબી તમારી સાથે આઈસક્રીમ ખાઈ રહી છે તે આ લોકોની છે.”

પેલા ભાઈ કહે, “જુઓ, તમારી કંઈ ભૂલ થાય છે. એ અમારીન જ બેબી છે. એ તો તમે જોતાં જ નથી કે જરા પણ રડ્યાં વિના અમારી સાથે કેવી રમી રહી છે! અમારી સાથે નહીં તો કોઈ અજાણ્યું બાલક આમ થોડી આવી જાય અને ખુખુશાલ હસતું રમતું પણ હોય?””

હવે પોલિસ ઈન્સ્પેક્ટર બોલ્યા, “પણ તમે મોલમાં એન્ટર થયાં ત્યારે તો તમારી સાથે ‘બેબી’ નહોતી. ફક્ત તમે બે જ હતાં. તમને હવે એ ક્લીપ પણ બતાવું! ચાલો, તમારો એ ક્લેમ પણ કેટલો ખોટો છે એ તમે જ જોઈ લો.” અને એકાદ ક્ષણનો વિરામ લઈને કહે, “હવે આ ક્લીપ પણ જોઈ જ લો. જુઓ, આ કેશા મેડમ જ્યારે મોલમાં એન્ટર થયા ત્યારે તેમની સાથે લાવેલા સ્ટ્રોલરમાં આ જ ‘બેબી’ હતી.

હવે તેઓ બંને ગેં ગેં ફેં ફેં થવા લાગ્યાં.

તેઓ આગળ કાંઈ બોલવા જાય એ પહેલાં જ ઈન્સ્પેક્ટરે કહ્યું, “જુઓ, સીધી રીતે ’બેબી’ને નહીં આપો તો જેલના સળિયા પાછળ તમને બંનેને  એક માસૂમ ‘બેબી’નું  અપહરણ કર્યાના  કેસમાં ધકેલી દેતાં વાર નહીં લાગે. અમારી પાસે પૂરતા પૂરાવા છે.”

હવે તેઓ ખરેખર ડરી ગયાં  અને તેમનો ગુનો કબૂલ કરે તે પહેલાં તેમના ત્યાં કામ કરતી એક યુવતી રડતી ’બેબી’ને લઈને આવી. ‘બેબી’ કૃણાલને તો ન ઓળખી શકી પણ કેશાને ઓળખી ગઈ અને તે રડતી બંધ થઈ ગઈ. પેલી યુવતીના હાથમાંથી રીતસર પડતું મૂકતી હોય તેમ કેશાના હાથમાં આવી ગઈ. કેશાએ તેને હૈયા સરસી ચાંપી દીધી અને કિસીસથી નવડાવી મૂકી. આથી ‘બેબી’ કિલકિલાટ કરવા લાગી.

પેલું યુગલ હવે કંઈ બોલી શકે એવું હતું જ નહીં. પોલિસે કૃણાલ અને કેશાને તથા મેનેજરને કહ્યું કે એમને જવું હોય તો બેબીને લઈને જઈ શકે છે. કેશા કહે, ઓફિસર સાહેબ, અમને અમારી દીકરી મળી ગઈ છે. આગળ તમારે જે કરવું હોય તે કરો પણ અમારા માટે તો અમારી દુનિયા પાછી મળી છે એટલું જ બસ છે. અમને આ કેસમાં આગળ કંઈ પણ કરવાની ઈચ્છા નથી. ભૂલ મારી હતી કે હું મારી દીકરીનું ધ્યાન ન રાખી શકી.” પછી એ લોકો  બેઉ પોલિસ ઓફિસરોનો આભાર માનીને નીકળી ગયા. પોલિસ ઓફિસર આગળની કારવાહી પૂરી કરવા ત્યાં રહ્યાં.

કેશા તથા કૃણાલે ઘેર આવી ‘બેબી’ના પુન: આગમનને બહુ જ હર્ષભેર વધાવ્યું. કૃણાલ અને કેશા બેઉ જણાંએ સાચા અર્થમાં તે દિવસે બેબીના જન્મની જાણે ઉજવણી કરી.

ત્રણ દિવસની રજા લઈને ગયેલી કેરટેકર ચોથે દિવસે પણ નહોતી આવી. કૃણાલને તો બેબી મળી એના આગલા જ દિવસે લંડન પાછા  ફરવું પડે તેમ હતું. કૃણાલે કેશાને પૂછ્યું, “નવી કેરટેકર સરખી રીતે જોઈને, પરખીને રાખી લેજે. તું એકલી બેબી અને ઘરને મેનેજ કેવી રીતે કરીશ ડિયર?”

કેશા હસીને કહે, “બેબી મારી છે. કેરટેકરની નથી.”

કૃણાલે પણ કેશાના હાથમાંથી બેબીને તેડતાં અને કેશાને પોતા તરફ ખેંચતા કહ્યું, “આપણા બેઉની છે. બસ, છ મહિનામાં જ ફરી પાછો હંમેશ માટે ઈન્ડિયા આવી જઈશ અને પછી આપણે મોટું બે બેડરૂમ અને ડેનવાળું ઘર લઈશું.”

જતાં પહેલાં તેણે એરપોર્ટ પરથી ખરીદેલું એક પુસ્તક કેશાને ભેટમાં આપ્યું અને તેના ગયા પછી જ તે પુસ્તક પરનું રેપર ખોલવાનું કહ્યું હતું.
કેશાએ કૃણાલના ગયા પછી રેપર ખોલ્યું તો તે પુસ્તકનું શીર્ષક હતું, “પેરન્ટિંગ”. તે બેડમાં બેબીની બાજુમાં અવાજ ન થાય એમ આવીને આડી પડી અને એ પુસ્તકના પાનાં ઉથલાવતી હતી. એટલીવારમાં તો પાસે જ સૂતેલી બેબી જાગી ગઈ અને કેશાને વળગી પડીને પાછી સૂઈ ગઈ. કેશાના અંતરમાં અમૃતધારા વરસી રહી હતી. તેણે પુસ્તકને બાજુ પર મૂકી દીધું અને બેબીને હૈયાસરસી ચાંપીને ચૂમતી રહી.

અસ્તુ!

સરનામું: ૩’ દેના બેન્ક સોસાયટી, સ્ટેશન રોડ, અમરેલી, ૩૬૫૬૦૧,મો.નં.-૯૪૨૯૧૩૯૧૪૫.

 

 

 

 

 

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. માતૃત્વનો સાચો આનંદ ઓળખતી આધુનિક યુવતીની રસપ્રદ વાર્તા

  2. સરસ લખાઈ છે…આંખ સામે બધું જ કંઈ બની રહ્યું હતું…અભિનંદન,કાલિન્દીબહેન..