બની તો જો ~ ગઝલ ~ શોભિત દેસાઈ

બની તો જો….! – ગઝલ

દરદ સજાવે હસીને, એ છળ બની તો જો!
તું દિવ્યચક્ષુનું ભ્રામક પડળ બની તો જો!

જીવન તમામ લખી દઉં તને ઓ દોસ્ત નવા
પણ એ પહેલાં તું એ પહેલી પળ બની તો જો!

હો ભ્રમ ભલેને! તૃષા કેટલી બુઝાવે છે !
ધગધગતો તાપ સહી રણનું જળ બની તો જો!

ગહન નીરવને, પરમ મૌનને અનુભવવા
ત્યજીને મોહ સપાટીનો, તળ બની તો જો!

સહીને દુઃખ. જરૂરી છે રેખ ખોતરવી
નસીબ ભૂલી, જીવનમાં સફળ બની તો જો!

તું જાણતો જ નથી કઈ બલા છે એકલતા
કણસતી રાતે પથારીની સળ બની તો જો!

તું એકલો છે, બની જઈશ આખી સેના તું
અશક્ત રાંક પ્રજાઓનું બળ બની તો જો!

અકલ્પનીય ખજાના મળી જવાના તને
બહુ જ સીધું છે જીવવું, સરળ બની તો જો!

     –  શોભિત દેસાઈ

આપનો પ્રતિભાવ આપો..