કાવ્ય ત્રયી – મનીષા જોષી

૧. માફ કરી દીધેલો સમય ….!

માફ કરી દીધેલા
પણ ન વીસરાયેલા
કોઈ સમયની જેમ
એ વૃક્ષ
વિકસ્યાં કરે છે મારા ઘર નજીક.
હું તેને અવગણું છું
બને ત્યાં સુધી
પણ છેવટે તે લંબાઈને
વીંટળાઈ વળે છે મારા ઘરને.
વૃક્ષના અંધકારમાં ઘેરાયેલું મારું ઘર
બંધ છે એમ માનીને
પાછા વળી જાય છે આગંતુકો
અને એમ સમય વેર વાળે છે,
વૃક્ષ બનીને.

– મનીષા જોષી

૨. બગાઈ…!

પીઠ પર બેઠેલી બગાઈને
પૂંછડીથી ઉડાડવા મથી રહી છે
એક ગાય
મારી પીઠ પર ઊપસી આવેલા
સ્મૃતિઓના સોળ પણ
હઠીલા છે આ બગાજેવા.
ઊભી ઊભી સૂઈ જાય છે આ ગાય
અને હું પણ
રેશમી વસ્ત્રોમા લપેટાઈને
ભૂલી જાઉં છું
પીઠ પ[અરના ડાઘ.
આજે એ ગાય,
વરસતા વરસાદમાં
કોઈ છાપરા નીચે ઊભી છે
અને હું
ખુલ્લા વાંસે
ચાલી નીકળી છું,
ધોધમાર વરસાદમાં…!

– મનીષા જોષી

૩. હાથણીના દાંત….!

જંગલના કોઈ ખૂણે
પડી રહ્યું છે એક હાથણીનું હાડપિંજર. 
ક્યારેક આવી ચડશે એક હાથી અહીં,
પોતાની સૂંઢ ફેરવશે એ હાડકાં પર
અને ઓળખી જશે
ટોળાથી વિખૂટી પડી ગયેલી એ હાથણીને.
એ હાથી તેને શોધ્યા વિના
આગળ નીકળી ગયો હતો.
આજે છૂટાંચાવાયાં પડેલાં અસ્થિ પાસે ઊભો રહીને
એ વિચારી રહ્યો છે,
પાણીની શોધમાં
એ કેટલો આગળ નીકળી ગયો હતો…!
ખુલ્લા પડેલા એ હાથણીના સુંદર દાંત પર
તેણે પગથી થોડી માટી નાખી
અને ચાલ્યો ગયો ત્યાંથી….
ફરી એક વાર….!

– મનીષા જોષી

 

 

આપનો પ્રતિભાવ આપો..