પ્રકરણ:17 ~ તેમાં હું લગ્ન કરીને બેઠો! ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી

મુંબઈમાં મારી એકલતા ટાળવા હું ઘણી વાર શનિ-રવિએ મારા મામા-મામીને ત્યાં વિલે પાર્લામાં જતો. એમનું ઘર નાનું, બે જ ઓરડીનું, પણ મારે માટે હંમેશ ઉઘાડું. બન્ને અત્યન્ત પ્રેમાળ અને ઉદાર દિલના. એમનો મારે માટે પ્રેમ ઘણો.

શનિવારે જાઉં, રાત રોકાઉં, રવિવારે સાંજના પાછો પેઢીમાં.  મામાની બાજુમાં એક વોરા કુટુંબ રહેતું હતું–ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો.  મોટા ભાઈ પરણેલા, એટલે ભાભી અને એમનાં ત્રણ સંતાનો, એમ બધા બે ઓરડીમાં રહેતા.

બે બહેન પરણીને સાસરે હતી. એક હજી કુંવારી, એનું નામ નલિની. એને મામીની સાથે બહુ બનતું. એ મોટા ભાગે મામીને ઘરે જ પડી પાથરી રહેતી. મુંબઈની ચાલીઓમાં બારી બારણાં તો રાતે જ બંધ થાય, આખો દિવસ ઉઘાડાં હોય. પાડોશીઓની એક બીજાના ઘરમાં આખોય દિવસ અવરજવર થયા કરે. જયારે હું મામા-મામીને ત્યાં જતો ત્યારે વોરા કુટુંબની અને ખાસ તો નલિનીની ઓળખાણ થઇ.  મને એ ગમી ગઈ.

કોલેજનાં વરસો દરમિયાન કોઈ છોકરી સાથે મૈત્રી બાંધવાની કે પ્રેમ કરવાની વાત તો બાજુમાં રહી, હું એવી કોઈની ઓળખાણ પણ ન કરી શક્યો. ત્યારે મારી ઉંમર વીસેક વરસની હતી. મારા જુવાનજોધ શરીરની નસેનસમાં વીર્ય ઉછળતું હતું. અને મારી જાતીય ઝંખના દિવસે દિવસે તીવ્ર થતી જતી હતી. જિંદગીમાં હજી સુધી તો કોઈ યુવતીનો સ્પર્શ પણ નહોતો કર્યો. મારી પ્રેમપ્રવૃત્તિ માત્ર કવિતા પૂરતી જ હતી.

મોટા ભાગના ગુજરાતી કવિઓની જેમ મારી છંદોબદ્ધ કવિતામાં જે પ્રેમિકા આવતી હતી તે માત્ર કલ્પનામૂર્તિ જ હતી. મેટ્રો કે ઈરોસ જેવા થિયેટરમાં હોલીવુડની ફિલ્મોમાં ગમે તેમ છૂટછાટ લેતી રૂપાળી અભિનેત્રીઓ જોઇને હું આભો બની જાતો. મેટ્રોમાં લગભગ દર રવિવારની મેટિનીમાં જાઉં. જે કોઈ મૂવી હોય તેમાં બેસી જાઉં. એ દોઢ-બે કલાક તો કોઈ નવી જ દુનિયામાં પહોંચી જાઉં. પણ થિયેટરમાંથી બહાર નીકળતાં જ મને મુંબઈની મારી કપરી પ્રેમવિહોણી વાસ્તવિકતાનું ભાન થાય, અને હું ભયંકર હતાશા અનુભવું.

ધીમે ધીમે મને સમજાતું ગયું કે મારા ભાગ્યમાં કોઈ રૂપાળી, પૈસાપાત્ર કુટુંબની કે ભણેલગણેલ મુંબઈની છોકરી નથી લખી. એવી છોકરીને મુંબઈ છોડીને ક્યાંય બીજે નથી જવું ગમતું. એટલું જ નહી મુંબઈમાં રહેવા માટે એને ફ્લેટ જોઈએ. તે પણ દૂરનાં પરાંઓમાં નહીં. પ્રોપર મુંબઈમાં હોય તો જ એ વિચાર કરે.

મારી પાસે ફ્લેટ શું, સમ ખાવા પૂરતી એક નાનકડી ઓરડી પણ નહોતી. નોકરી પણ મૂળજી જેઠા મારકેટની! આવા મારા હાલ હવાલ જોઇને, કોણ મને છોકરી આપવાનું છે? વધુમાં ભણેલ છોકરી તો હૂતો-હુતી બંને એકલા રહી શકે એવું નાનું કુટુંબ પસંદ કરે. છોકરાની સાથે ભાઈ બહેનોનું મોટું ધાડું  હોય તે તેને પોસાય નહીં.

વરની સાથે ઘરડાં માબાપ કે જેઠ જેઠાણી જેવા વડીલો આવતાં હોય તો તેમની સેવા કરવી પડે. એ પણ ન ચાલે! આવી બધી શરતો સામે હું કાયર હતો. કાકા-બા, ત્રણ ભાઈઓ અને એક બહેન દેશમાં રાહ જોઈને બેઠા હતા કે ભાઈ ક્યારે મુંબઈમાં ઓરડી લે અને અમને બોલાવે!

જાતીય ઉત્સુકતાને કારણે નલિની પ્રત્યેનું મારું આકર્ષણ વધવા મંડ્યું. એ ઝાઝું ભણી નહોતી. કૉલેજ સુધી પણ પહોંચી નહોતી. જો કે મુંબઈની ચાલીમાં રહેલી એટલે મુંબઈમાં ઓછા પગારમાં ઘર કેમ ચલાવવું તેની એને ખબર. બહોળા કુટુંબમાં અને ગરીબાઈમાં ઊછરી હતી, એટલે કરકસર કરી જાણતી.

હા, એ કંઈ મીનાકુમારી કે વૈજયંતીમાલા જેવી રૂપસુંદરી નહોતી, પણ ચહેરો જોવો ગમે તેવો હતો. અત્યાર સુધી એ એક જ એવી છોકરી મળી કે જેની સાથે હું સહેલાઈથી વાતોચીતો કરી શકતો. અને જે મારી સાથે વાતો કરતી. મને થયું કે એની સાથે મારી સગાઈ થાય તો કેવું?

નલિનીના ભાઈઓ તો ક્યારનાય એની સગાઈ કરવા માથાકૂટ કરતા જ હતા. મામા મામીને ત્યાં મને આવતો-જતો રોજ જોતા, એમને થયું હશે કે આ છોકરા સાથે બહેનનું નક્કી થઈ જાય તો એમને માથેથી આ એક ઉપાધિ ઓછી થાય. એમણે આ વાત મામીને કરી, અને મામીએ મને કરી. પણ મેં કહ્યું કે મને નલિનીમાં રસ છે, પણ હાલ તુરત મારી પાસે કોઈ રહેવાની વ્યવસ્થા નથી, હું તો પેઢીમાં સૂઉં છું અને નાતની વીશીમાં જમું છું. એ લોકો કહે એમને એ બાબતનો કોઈ વાંધો નથી, ચાલો, સગાઈ તો કરી નાખીએ.

મેં દેશમાં બા-કાકાને જણાવ્યું. કાકાને થયું કે જો લગ્ન કરશે તો વહેલો મોડો મુંબઈમાં ઓરડી લેશે, અને ભાઈઓને મુંબઈ બોલાવશે. વધુમાં મારી એક બહેન હજી કુંવારી હતી. તેની પણ સગાઈ કરવાની હતી. એને માટે દેશમાં છોકરો મળવો મુશ્કેલ હતો. એને પણ મુંબઈ મોકલાય અને પોતાની માથેથી એ બધો ભાર ઓછો થાય.

છોકરી કોણ છે, કુટુંબ કેવું છે, પોતાના દીકરા માટે બીજે કોઈ સારે ઠેકાણે તપાસ કરવી જોઈએ, છોકરો હજી નાનો છે, સારી નોકરી પણ નથી કે ધંધાની કોઈ લાઈન પણ હાથમાં આવી નથી, અરે, હજી ઓરડી પણ નથી તો રહેશે ક્યાં, એવી કોઈ બાબતનો વિચાર કર્યા વગર કાકાએ તો હા પાડી દીધી.

એ જમાનામાં મારા જેવો ભણેલો છોકરો મળવો મુશ્કેલ. ઘણા પૈસાદાર લોકો આવા લાયક છોકરા સાથે પોતાની છોકરીને પરણાવવા માટે મુંબઈના સારા વિસ્તારમાં ફ્લેટ અપાવી દે, સારી નોકરી અપાવે કે પોતાના ધંધામાં બેસાડી દે.

અમારા જ એક સગાએ આ રીતે પોતાના છોકરાને પરણાવ્યો. સસરાએ એને મુંબઈની જુહુ કૉલોનીમાં ફ્લેટ અપાવી દીધો. પણ એવી છોકરી મારે માટે ગોતવા કાકાએ મુંબઈ આવવું જોઈએ, આજુબાજુ પૂછપરછ કરવી જોઈએ. એમને એવી કોઈ માથાકૂટ કરવી નહોતી, એમને તો મારા ત્રણ ભાઈઓ અને બહેન ક્યારે મુંબઈ જાય જેથી એમને માથેથી ભાર ઓછો થાય એ ખ્યાલ હતો.  હું પણ મૂરખ કે મેં પણ કંઈ ઝાઝો વિચાર ન કર્યો, અને સગાઈ કરી બેઠો!

જેવી સગાઈ થઈ કે તુરત નલિનીના મોટા ભાઈએ લગ્ન કરવા કહ્યું. કહે કે “અત્યારના જમાનામાં સગાઈ લાંબો સમય રહે તે જોખમી છે.  ધારો કે તમારું ફટક્યું અને સગાઈ તોડી નાખી તો પછી અમારી બહેનનું શું થાય?”

આવી બધી દલીલો કરી તરત લગ્ન કરવા દબાણ કર્યું. મેં કહ્યું મારી પાસે રહેવા માટે ઓરડી જ ક્યાં છે? લગ્ન તો કરીએ, પણ રહેવું ક્યાં? એ કહે, લગ્ન પછી નલિની વરસ બે વરસ દેશમાં રહેશે. ત્યાં સુધીમાં તો તમે ઓરડી લઈ શકશો. પણ લગ્ન તો હમણાં કરી જ નાખો. આમ કોઈ સારી નોકરીનો બંદોબસ્ત નથી, રહેવાનાં કોઈ ઠેકાણાં નથી, તોય હું લગ્ન કરીને બેઠો!

મૂર્ખતાની કોઈ હદ હોય કે નહીં? નલિનીના ભાઈઓ તો એમનો સ્વાર્થ જોતા હતા, પણ મેં લાંબો વિચાર કેમ ન કર્યો?  જીવનનો આ અત્યંત અગત્યનો નિર્ણય ઝાઝો વિચાર કર્યા વગર હું લેતો હતો ત્યારે મારા કોઈ વડીલોએ હું શું કરી રહ્યો શું તે બાબતમાં ચેતવણી પણ નહીં આપી.

સત્તરેક વરસની ઉંમર પછીના જીવનના બધા જ નિર્ણયો આમ મેં મારી મેળે જ લીધા હતા. આ દૃષ્ટિએ જીવનમાં મેં  જે ચડતીપડતી કે તડકીછાયડી જોઈ છે, તે બાબતમાં હું મારી જાતને જ જવાબદાર માનું છું. એમાં મારાથી કોઈનો વાંક કાઢી ન શકાય.  પણ મારી નાદાનિયતમાં લીધેલ નિર્ણયોને કારણે મારી કેવી કેવી મુશ્કેલીઓ સહન કરવી પડશે તેનો ખ્યાલ તો પછી આવ્યો.

જે બસમાં હું થોડાં સગાંઓને લઈને પરણવા ગયેલો એ જાણે કે જૂનો કોઈ ખટારો જ જોઈ લો.  બાકાકા અને બીજા સગાંઓ તો દેશમાં હતાં. મારા બહેન બનેવી વગેરે જે બીજા કોઈ થોડાં મુંબ ઈમાં હતાં તેમણે કોઈએ મારા લગ્નમાં ઝાઝો રસ ન બતાવ્યો. લગ્નની બધી તૈયારી પણ મારે જ જાતે કરવાની હતી.

હું ત્યારે ગાંધીવાદી સાદાઈમાં માનતો હતો. ખાવાપીવામાં, કપડાં પહેરવામાં, બધી જ રીતે સાદાઈથી રહેતો. આગળ જણાવ્યું તેમ નાતની બોર્ડીંગમાં પણ દર રવિવારે ફરસાણ અને મિષ્ટાન હોય તે હું ન ખાઉં! માત્ર બે રોટલી અને થોડું શાક એમાં મારું ખાવાનું પતી ગયું. વચમાં તો એક ટાણું જ ખાતો.

દેશમાં આવી ગરીબી હોય અને લોકો ભૂખે મરતા હોય ત્યારે મારાથી મિષ્ટાન કેમ ખવાય કે ત્રણ ટંક કેમ ખવાય? જો આવી મારી માન્યતા હોય તો પછી હું લગ્નનો જમણવાર થોડો કરવાનો હતો?

બને તેટલી સાદાઈથી જ મારે લગ્ન કરવાં હતાં. લગ્નની ધામધૂમમાં કશો ખર્ચો કરવો નહોતો. જો કે ખર્ચો કરવાના પૈસા પણ હતા નહીં. સાદાઈથી જ બધું પતાવવું હોય તો  સિવિલ મેરેજ કરવા પડે.

થોડાં સગાંઓ ને લઈને મારે વિલે પાર્લે નલિનીના ઘરે જવાનું હતું.  સહીસિક્કા કરવા કોર્ટનો ઑફિસર ત્યાં આવવાનો હતો. આ સિવિલ મેરેજ કરાવવા કોઈ બ્રાહ્મણ નહી, પણ કોર્ટમાંથી ઑફિસર આવે. પાંચ દસ મિનિટમાં સહી સિક્કા કરાવી દે, અને બિન્ગો, તમારા લગ્ન થઈ જાય! કોઈ જાન ન નીકળે, જો માંડવો જ ન નંખાય તો બૈરાંઓ મોંઘાં પટોળાં કે સાડી સેલાં ને ઘરેણાં પહેરીને ક્યાં બેસે અને લગ્નના ગીતો ક્યાં ગાય? સાજનમાજન સજ્જ થઈને ક્યાં બેસે? કોઈ કંકોત્રી નહીં, રીસેપ્શન નહીં, મેળાવડો નહીં, જમણવાર નહીં.

લગ્નનો કોઈ ખર્ચો નથી થવાનો એ વાત કાકાને ગમી. એમણે કોઈ વિરોધ નહીં  નોંધાવ્યો. એમણે તો ખાલી હાજરી જ આપવાની હતી. પણ એ જયારે મુંબઈ આવ્યા ત્યારે એકલા જ આવ્યા. મારા બા નહીં આવ્યાં. એમને થયું હશે કે ઘરે મોટા દીકરાના લગ્ન થાય અને લોકો ગળ્યું મોઢું ન કરે? જાન ન નીકળે? લગ્નનાં ગીતો ન ગવાય? મેંદીવાળા હાથ ન થાય? આ લગ્ન છે કે છોકરાઓની ઘરઘરની રમત છે?

જો કે એમને મોઢે ફરિયાદનો એક શબ્દ પણ મેં ક્યારેય સાંભળ્યો નથી, પણ એમણે એમનો વિરોધ એમની ગેરહાજરીથી નોંધાવ્યો! એમના પહેલા દીકરાના લગ્ન થતાં હતાં અને બા પોતે જ હાજર નહીં! બા ન જ આવ્યા! આજે હું સમજી શકું છું કે મેં બાને કેટલું દુઃખ આપ્યું હશે! આજે આ લખતાં મારી આંખ ભીની થાય છે.

થોડાં સગાં એક ઠેકાણે ભેગાં થાય અને ત્યાંથી અમે બસમાં સાથે વિલે પાર્લે જઈએ એમ નક્કી થયું. બધાં ભેગા તો થયા, પણ બસ ન મળે! સરનામાની કંઈ ગરબડ થઈ હશે તેથી ડ્રાઈવર ભૂલો પડ્યો. બસનું નક્કી તો મેં જ કરેલું.

જાનૈયાઓને મૂકીને વરરાજા બસ શોધવા નીકળ્યા! સારું થયું કે મારી સાદાઈની ધૂનમાં મેં વરરાજાને શોભે એવા ભભકાદાર કપડાં નહીં પણ રોજબરોજના લેંઘો કફની જ પહેરેલાં, નહીં તો મુંબઈના એ ટ્રાફિકમાં રઘવાયા થઈને પગપાળા બસ શોધતા વરરાજાને જોઈને લોકોને હસવું આવત.

આખરે બસ મળી, જોતાં જ થયું કે આ બસ છે કે ખટારો? અમે બધા જેમતેમ એમાં ગોઠવાયાં, સીટ ઓછી પડી, થોડા લોકો સાથે વરરાજા ઊભા રહ્યા. હું ઘોડે નહી, ખટારે ચડ્યો! આમ મારી જાન નીકળી!

મુંબઈના ટ્રાફિકમાં અમારી બસ પા-પા પગલી ભરતી હતી. એનું હોર્ન પોં પોં કરીને માથું દુઃખવતું હતું. માનો કે એ જ મારી શરણાઈ અને નગારાં!

ધાર્યા કરતાં અમને મોડું થયું એટલે નલિનીના ભાઈઓને ચિંતા થઈ. એ જમાનો મોબાઈલનો નહોતો,અને લેન્ડ લાઈન પણ પૈસાવાળાઓને ત્યાં જ હોય.

એ લોકો અમને શોધવા નીકળ્યા, એમને થયું કે એકસીડન્ટ થયો કે બસવાળો રસ્તો ભૂલ્યો? કોર્ટ ઓફિસર ઊંચોનીચો થવા માંડ્યો. એને બીજી અપોઇન્ટમેન્ટ હતી. આખરે અમે પહોંચ્યા ખરા, પણ કલાકેક મોડા! જાણે કે મારા ભવિષ્યના લગ્નજીવનમાં જે મુશ્કેલીઓ પડવાની હતી એની આ બધી એંધાણી હતી.

જેવા અમે પહોંચ્યા કે કોર્ટ ઓફિસરે અમને ઝટપટ સહીસિક્કા કરાવી, “કોન્ગ્રેચ્યુલેશન” કહી ચાલતી પકડી. આમ ફેરા ફર્યા વગર કે સપ્તપદીનાં પગલાં ભર્યા વગર અમે પ્રભુતામાં પગલાં માંડ્યા!

નલિની સાથે

અમે પરણ્યા તો ખરા, પણ અમારે  લગ્નની સુહાગરાત ક્યાં કાઢવી એ પ્રશ્ન મોટો હતો.  ઘર તો હતું નહી. આનો ઉપાય મેં શોધી કાઢ્યો હતો :  જેવા લગ્ન થાય કે તે જ દિવસે માથેરાન જવું, હનીમુન માટે. અને જે દિવસે માથેરાનથી પાછા આવીએ તે જ દિવસે નલિનીએ દેશમાં જવું, એટલે મુંબઈમાં રાત કાઢવાનો સવાલ જ ઊભો ન થાય.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..