“એકોડહમ્ બહુસ્યામ્….!” ~ કાવ્ય ~ વસુધા ઈનામદાર

“એકોડહમ્ બહુસ્યામ્….!”

હું વસુધા, ક્યાં જવાની ?
વસુધા ક્યાં જવાની?
કણકણમાં વેરાયેલી તે હું જ વસુધા,
વસુધા વસુધામાં જ સમાવાની
હું વસુધા, ક્યાં જવાની?

હેલીમાં વરસતી ઝરમર તે જ હું
ઝરણાંમાં વહેતી ખળખળ તે જ હું
વૃક્ષના બીજમાંયે હું જ ઊગવાની!
હું વસુધા, ક્યાં જવાની?

ફૂલોના રંગોમાં મહેકું તે હું,
આકાશે ગરજી ચમકું તે હું,
ટહુકેટહુકે લ્યો, હું જ પીગળવાની!
હું વસુધા, ક્યાં જવાની?

ધૂળધોયા મારગે વાસ મારો,
અનંતમાં બધે આભાસ મારો,
વનેવન ઋષિ સમ હું જ ભમવાની!
હું વસુધા, ક્યાં જવાની?

હું જ ધ્વનિ, હું જ રૂપ, હું જ ગંધ, હું જ વિરૂપ
ચર પણ હું, અચર હું, જીવ હું, શિવ પણ હું જ,
પ્રલય પછી ફરી હું જ જનમવાની!
હું વસુધા, ક્યાંય નથી જવાની!
હું વસુધા, ક્યાં જવાની?

          –     વસુધા ઇનામદાર
                સડબરી , બોસ્ટન

આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

કેટલીકવાર એવી કવિતાઓ વાંચવા મળે કે જે આસ્વાદથીયે ઉપર હોય. આજે એવું બન્યું. આ સુખદ અનુભવ થાય ત્યારે  શૂન્ય પાલનપુરી કહે છે એમ, “અમે તો કવિ, કાળને નાથનારા” ઉક્તિ સાર્થક લાગે છે. આ કવિતા વાંચતાં એવું લાગ્યું કે સંપૂર્ણ શ્રીમદ્ ભાગવતના સારને સમાવી લેતી “ચતુષ્લોકી ભાગવત”ના શ્લોકોનું હું રસપાન કરી રહી છું. વસુધાબહેન ઈનામદાર પોતાના નામાના શ્લેષને લઈને આ કાવ્ય રચે છે ત્યારે એમ થાય છે કે આના પહેલાં અને આના પછી, બીજું કોઈ પણ કાવ્ય એમણે લખ્યું પણ ન હોય તોયે, આ એક કાવ્ય એમને કવિ તરીકે ગણવા માટે પર્યાપ્ત છે.

આ ધરા પર વસતા જીવ માત્ર જ નહીં પણ, સમસ્ત ધરતી,- વસુધા- યુગોયુગોથી “પુનર્પિ જન્મમ્, પુનર્પિ મરણમ્”ના કાળચક્રને આધીન છે. એ ક્યાંય જવાની નથી. જશે તો ફરી પાછી બીજા સ્વરૂપે, બીજા મન્વંતરે, ફરીને અવતરશે.

વસુધાના શ્લેષમાં ધરા પણ છે અને એક જીવ પણ છે જેને જીવનના મોડ પર જીવનનું પરમ સત્ય સમજાઈ ચૂક્યું છે. જેમ ભગવતગીતામાં અને શ્રીમદ્ ભાગવતમાં શ્રીકૃષ્ણ કહે છે  એમ, –
“સૃષ્ટિના પૂર્વે પણ હું (ઈશ્વર) જ હતો, મારાથી ભિન્ન કશું જ નહોતુ અને કશું જ નથી. સૃષ્ટિની ઉત્પત્તિ પછી પણ જે કંઈ દ્રશ્ય થનારાં પદાર્થો છે તે પણ હું જ છું. જે સત્ કે અ-ક્ષર છે, અને જે અસત્ કે ક્ષર છે, તે બધું જ હું છું. હું જ પુરુષ ને હું જ પુરુષોત્તમ છું. સૃષ્ટિની સીમા પછી પણ હું જ છું અને એનો નાશ થયા પછી પણ જે બચે છે તેમાં પણ હું જ છું. સત્ અને અસત્, અ-ક્ષર અને ક્ષર, રૂપ કે વિરૂપ, ચર અને અચર, ધરા અને આકાશ, બધાં જ મારી માયાના સ્વરૂપ જ છે.  પ્રત્યેક પ્રાણી માત્રમાં પંચમહાભૂત રૂપે હું જ પ્રવિષ્ટ છું. અને, આમ જુઓ તો વાસ્તવમાં કોઈ દેખીતા આકારમાં જે  સમાયો નથી, તે પણ હું છું.  આકાશ હું, ધરા હું, પંખી હું, ટહુકા હું, બીજ હું, વૃક્ષ પણ હું જ…! યોગ હું, વિયોગ હું, જન્મ પામે છે તે પણ હું, મૃત્યુ પામીને કે વિનાશ પામીને ફરી જન્મ પામે છે તે પણ હું જ છું. હું એક છું અને અનેકોમાં વિસ્તરેલો પણ હું જ છું. મારા સુધી આવવા માટે કે મને પામવા માટે માત્ર સર્વ માટેના સમભાવ સહિત, સમર્પિત ભક્તિ અને શ્રદ્ધાની જરુર છે.”
શૂન્ય પાલનપુરી કહે છે એમ,
“તને એકમાંથી બહુની તમન્ના, બહુ થી મને એક જોવાની ઇચ્છા
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી”

પરમ તત્વની આરાધના કરતાં એટલું ફલિત થાય છે કે પરમાત્માને વિશેષ રૂપે ભજો કે પછી નિષેધ રૂપે, આ “છે” થી માંડીને “નથી” એ બધાંમાં અંતે તો સૂક્ષ્મ સ્વરૂપે પરમાત્માનું જ પરમ તત્વ  હાજર છે.

ગીતા અને ભાગવત, બેઉમાં કૃષ્ણ કહે છે એ જ ફલિત થાય છે કે “જ્યારે કઈં પણ નહોતું ત્યારે પણ હું (પરમાત્મા) હતો અને કઈં પણ નહીં હોય ત્યારે પણ હું હોઈશ. મારી આગળ કે પાછળ બીજું કઈં નથી અને બીજું કઈં ક્યારેય હશે પણ નહીં, ન ધરા, ન આકાશ, ન અવકાશ કે ન બ્રહ્માંડ!”

ગાલિબ ફરીથી પોતાના આ શેરથી અહીં પ્રતિપાદિત થાય છે –
“ન થા કુછ તો ખુદા થા, કુછ ન હોતા તો ખુદા હોતા!
  ડુબોયા મુઝકો હોને ને, ન  હોતા  મૈં તો ક્યા હોતા?”

“ન દિન હૈ, ન રાત હૈ, ન સુખ હૈ, ન દુઃખ હૈ, ન દુનિયા, સિર્ફ મૈં હું, સિર્ફ મૈં!” “વિજય આનંદે લખેલો આ “ગાઈડ” પિક્ચરનો સંવાદ – એના કથનનો વ્યાપ એ જ આ કાવ્યનું નવનીત છે. વસુધાબહેન, કાવ્યના આસ્વાદનું સમાપન કરતાં વંદન સહિત ખૂબ અભિનંદન.

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. અતિ સુંદર કૃતિ . મનોગમ્ય રસાસ્વાદ .અભિનંદનીય.
    વસુધા = પૃથ્વી
    હવે આપણે આકાશ માં પ્રવાસ કરીએ એ સમય સિવાય સદાકાળ અવનિ પર જ અને સતત એના સંસર્ગ માં જ રહીએ છે.

    ઉપનિષદો પ્રમાણે પરમાત્મામાંથી પહેલાં આકાશની ઉત્પત્તિ થઈ, આકાશમાંથી વાયુ, વાયુ માંથી અગ્નિ, અગ્નિમાંથી જલ અને જલમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ. એ રીત વિચારીયે તો પંચ મહાભૂતમાં પૃથ્વી અંતિમ સર્જન છે . અને यावत् चन्द्र-दिवाकरौ રહેશે જ. જશે તો પણ पुनरागमनाय | – નલિની .

  2. અતિ સુંદર કૃતિ . મનોગમ્ય રસાસ્વાદ .અભિનંદનીય.
    વસુધા = પૃથ્વી
    હવે આપણે આકાશ માં પ્રવાસ કરીએ એ સમય સિવાય સદાકાળ અવનિ પર જ અને સતત એના સંસર્ગ માં જ રહીએ છે.

    ઉપનિષદો પ્રમાણે પરમાત્મામાંથી પહેલાં આકાશની ઉત્પત્તિ થઈ, આકાશમાંથી વાયુ, વાયુ માંથી અગ્નિ, અગ્નિમાંથી જલ અને જલમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ. એ રીત વિચારીયે તો પંચ મહાભૂતમાં પૃથ્વી અંતિમ સર્જન છે . અને यावत् चन्द्र-दिवाकरौ રહેશે જ. જશે તો પણ पुनरागमनाय | – નલિની .

  3. ગહન ભાવાર્થ સભર કાવ્ય અને એથી વિશેષ તેનો રસાસ્વાદ! વસુધા બહેન અને જયશ્રી બહેનને અભિનંદન!