છેવટે તો હું તેની…. (વાર્તા) ~ જયશ્રી પટેલ (વડોદરા)
સુવર્ણાને જ્યારે ખબર પડી કે તેના પિતા રોનિત રોય બીજા લગ્ન કરી રહ્યાં છે, તે દોડીને સીધી માનાં ઓરડામાં ગઈ. બે મિનિટ માટે તે એકીટશે માની તસ્વીર જે દિવાલની અડધી જગ્યા રોકીને લટકતી હતી. તેને જોતી રહી.
તેની પાછળ દાઈમા આવ્યાં, જાણતાં હતાં કે તેણી બહુ જ લાગણીશીલ છે, રડશે અને પછી ખાશેપીશે નહિ. ઓરડામાં તો દ્રશ્ય જ જુદું હતું. તેમણે સુવર્ણાને પૂછ્યું, “દુ:ખ થયું? પણ આ તો બનવાનું જ હતું! તો શા માટે દુ:ખી થવાનું?”
સુવર્ણાએ કહ્યું કે, “ના દાઈમા દુ:ખ નથી લાગ્યું, પણ મમ્મીનાં આત્માને કેવું લાગ્યું હશે? તે જ જોવા આવી હતી. પણ મને વિશ્વાસ છે મમ્મી પણ દુ:ખી તો નથી જ.”
બન્નેનાં આ વાર્તાલાપમાં દખલ પહોંચાડવા મહારાજ સંતોષ આવી પહોંચ્યા અને પૂછવા લાગ્યા કે બુન શું જમશો?
સુવર્ણા સમજી ગઈ કે પપ્પા પોતે બહાર ગયા કે જવાના હશે તેથી આજે આ ભાર તેની પર આવ્યો છે. દાદી – દાદા હાજર હોત તો કેટલું સારું એમ વિચારતી તે નીચે ઉતરી આવી.
એના આશ્ચર્ય વચ્ચે તેની નવી મમ્મી રોના અને પપ્પા એકસાથે બહાર નીકળ્યા. પપ્પાનું ધ્યાન નહોતું કે તે જાણી જોઈને દુર્લક્ષ કરી રહ્યાં હતાં એ સમજી શકાયું નહિ! રોનાએ તરત જ ઊભા રહી તેને પાસે ખેંચી પૂછ્યું, “સુવર્ણા તારે અમારી સાથે આવવું છે?”
સુવર્ણાએ મોટી મોટી આંખોમાં આશ્ચર્ય બતાવી નકારમાં માથું હલાવ્યું. રોનાએ તેને વહાલ કર્યું અને બહાર નીકળી ગઈ.
ગાડી સ્ટાર્ટ થઈ કે તરત રોના બોલી, “રોનિત તમે મને સુવર્ણાથી દૂર કેમ રાખી રહ્યાં છો? મને તેનું સાંનિધ્ય નહિ કેળવવા દો તો અમારું ભવિષ્ય સારું નહિ જ હોય! છેવટે તો હું તેની મા બનવાની છું.”
કોને ખબર પણ રોનિત રોય ફક્ત એક સ્માઈલ આપી ચુપ રહ્યાં, તેમના મનમાં એક વિશ્વાસ હતો કે આમ તો રોના સુવર્ણાને સ્વીકારીનહિ જ શકે. બે દિવસ રહી લગ્ન પછી કે ઘરે રહેવા આવશે ત્યાર બાદ તેઓ સુવર્ણાને કોઈ સારી સ્કૂલમાં પંચગીની મૂકી દેશે. તેને બહાર મોકલી દેશે જેથી કહેવાતી સામાજિક મુશ્કેલીઓ નહિ આવે.
બે દિવસમાં તો સ્ત્રી વગરનું ઘર ભરાઈ ગયું. નોકરચાકર ને સુવર્ણા બધાં ખુશ હતાં. ચહલપહલ વધી ગઈ, એક બે પાર્ટી થઈગઈ. દાઈમાને જે ડર હતો તે સામે આવ્યો.
રોનિત રોયે દાઈમાને બોલાવી કહી દીધું કે સુવર્ણાને પંચગીની શાળામાં મૂકવાની છે, તેની તૈયારી કરી દેજો.
તે રાત્રે સુવર્ણાને ખૂબ જ તાવ ભરાયો, તે દાદી દાદા પોતાની મમ્મીનાં નામ સનેપાતમાં બડબડવા લાગી. ઝબકી ઝબકી જાગી જવા લાગી. દાઈમા તેની આ હાલત રોનિત રોયને કહેવા માટે ગયાં.
રોનાએ આ સાંભળ્યું તો તે દોડી ગઈ. સુવર્ણાને માથે હાથ ફેરવ્યો પણતેણીએ આંખ ખોલીને મોઢું ફેરવી લીધું, થોડી ક્ષણ માટે રોનાને થયું કે તે ચુપ કેમ રહી? તેણે રોનિતને રોક્યો કેમ નહિ? શું સુવર્ણા મને આખી જિંદગી આંટી કે સાવકી મા જ માનતી રહેશે? પણ તેને વિશ્વાસ હતો કે તેનો વિશ્વાસ તે માતૃવાત્સલ્યથી જીતી જ લેશે.
રોનાથી ન રહેવાયું, તેણીએ દાઈમાને મોટેથી કહ્યું, “દાઈમા! તમને ખબર છે બેની સુવર્ણાની હોસ્ટેલ અને શાળામાં મેં કહેવડાવી દીધું છે કે સુવર્ણા તો ભણશે તો તેની રોનાઆંટી પાસે જ! બીજે કશે જ નહિ, જાઓ તો સરસ મજાનું ચોકલેટ મિલ્ક લઈ આવો આપણી સુવર્ણા માટે.”
સાંભળતાની સાથે સુવર્ણા એકદમ મોઢું ફેરવી ડૂસકું ભરતા જ બોલી ઊઠી, “સાચે મમ્મી હું તમારી પાસે જ રહીશ? તમે મને ક્યાંય નહિ જવાદો ને? ”
રોનાએ સુવર્ણાને પોતાના હૈયાસરસી ચાંપી દીધી, અહીં મા-દીકરીનું આ મિલન જોઈ, દાઈમા બોલી ઊઠ્યા, “માતૃવાત્સલ્યનું ઝરણું ક્યારેય નથી સુકાતું.”
રોનાએ પ્રભુનો પાડ માન્યો “ઈશ્વર તે મારામાં જે ખામી આપી હતી, તે સુવર્ણાનાં મોઢે મમ્મી શબ્દ બોલાવી પૂર્ણ કરી દીધી.”
રોનિત રોયે પણ માતૃવાત્સલ્યના સંગમને જોઈ આંખનાં ખૂણાં લૂછ્યાં. પોતાના વિશ્વાસને ખોટો પડતો જોઈ તેઓ અંતરથી ખુશ થયા.
~ જયશ્રી પટેલ (વડોદરા)
+91 9833105184
વાર્તા મા ઘણી સકારાત્મતા છે. એક સંદેશ, સાવકી માતાઓ ને.
ખૂબ સરસ વાર્તા
Really it is very much touching article
Very touchy wish that all step mothers are like this
ખૂબ સરસ અભિવ્યક્તિ 👌🏻…મા વિશેની લાગણીઓ તો અનોખી જ હોય!