ખેતરમાં કામ કરતી ‘મા’ને જોઈને… ~ કવિતા ~ અનિલ ચાવડા

ખેતરમાં કામ કરતી ‘મા’ને જોઈને…

ના-ના-ના
એને આઠ-આઠ હાથ નથી
બરછી, ભાલો, ત્રિશૂલ, નગ્ન તલવાર,
રાક્ષસનું કપાયેલું રક્ત ટપકતું માથું,
સુંદર કમળ
કે એવું કંઈ જ નથી એના હાથમાં,
અને ત્રાડ નાખતા સિંહની સવારીની તો વાત જ ક્યાં કરવી!
પણ હા
એક વાત ખરી
વહેલી પરોઢે
દિવસ નામનો સિંહ ત્રાડ નાંખે એ પહેલાં એ તેની પર સવાર થઈ જાય છે,
તલવાર તો નહીં,
પણ દાતરડા નામના દિવ્ય શસ્ત્ર વડે એ કાપ્યા કરે છે ઘાસ
જાણે પરિવાર પર ત્રાટકતી ગરીબાઈ નામની ડાકણના માથાં ન વાઢતી હોય…
ભરબપોરે
શાસ્ત્રોમાં વર્ણવેલા વિકરાળ દૈત્ય જેમ સૂર્ય
વીંઝ્યા કરે છે તડકાની ધારદાર બરછીઓ…
પણ એ તો વિશાળ સરોવરમાં ફેંકાયેલા પથ્થરો પડતા વેંત ડૂબી જાય એમ
ડૂબી જાય છે એના પરસેવાના સરોવરમાં…
સાંજ પડતા તો સૂરજ, ડબામાં પુરાયેલી બકરી જેવો થઈ જાય છે,
આગ ઓકીને પીળી પડી ગયેલી એની જીભ બબડી ઊઠે છે,
“આપણું ગજું નહીં આની સામે, આ તો મા છે!”

      — અનિલ ચાવડા

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. અનિલભાઈ મને નવાઈ લાગે છે કે તમે કઈ રીતે આવું વિચારી શકો છો? મને તો કહેવાનું મન થાય છે કે આપણું ગજુ નહીં આની સામે, આ તો અનિલ છે.

    1. શું શબ્દચિત્ર, વાહ! આશાબહેન સાથે સંમત. કહેવાનું મન થાય કે અપણું ગજુ નહીં એમની સામે, આ તો ભાઈ અનિલ ચાવડા છે….