“મા મને બહુ યાદ આવે…..!” ~ બે કવિતા ~ દેવિકા ધ્રુવ
“દૂરથી ઊડી આવતાં..” – માની યાદ ~
દૂરથી ઊડી આવતાં પંખીનાં ટોળાં,
ફફડાવી પાંખો કરતાં યાદોના મેળા;
ચાંચોથી ખોતરતાં મનનાં સૌ જાળાં,
જાળેથી ખરતા જૂના તાણાવાણા….
ઉપસી છબી માની ફેરવતી પાનાં,
લખતી રહેતી સદા ભગવાનનાં ગાણાં;
કહેતી’તી “વેરજો બેન,પંખીને દાણા,
ને જાઓ જો દેશ તો ગાયોને પૂળા..
અવગણજો પડે જો મનને કો’ છાલાં,
વિવાદ–વાદ ના કરશો કોઈ ઠાલા;
સંસાર તો જાદુગરની છે માયા,
અહીંયા ના કોઈને છે કોઈનીયે છાયા….”
નિસ્પૃહી માતાની સ્મૃતિનાં ટોળાં,
નીતારે પાંપણથી આંસુની ધારા;
અર્પુ શું અંજલિ લઈ અક્ષ્રરની માળા,
શબ્દો પડે જ્યાં ઉણા ને આલા….
ગીચ ઝાડીથી ઊડતાં પંખીના ટોળાં,
ફફડાવી પાંખો રચે મમતાના મેળા….
––દેવિકા ધ્રુવ
******************************
“મા ,મને બહુ યાદ આવે!”…..!
માર્ચનો મહિનો ફરે ને મા મને બહુ યાદ આવે.
એક ઝીણી વેદના હૈયું હલાવી બહાર આવે.
કેમ સમજાવું કે, મારા મનમાં ખરતાં પાન આવે.
હાડ, લોહી, ચામ સઘળું જેનું અમને આ મળ્યું છે,
એને માટે કંઈ કર્યું નહી, આજ એવું ભાન આવે.
રોજ કાગળ–પેન લઈ શાંતિથી ને ધીરે ધીરે,
ઘર મહીં નીચે ઢળી ને કેવી ક્ષણમાં તું ઉપર ગઈ!
ને ‘છે’માંથી તું ‘હતી’ થઈ, તુજ વિના તો તાણ આવે.
‘પંખીને ચણ, તુલસી જળ, ગાયોને પૂળા,આપતી તું.
હર પલે ઝંખુ કે આ દિલે સતત એ ગાન આવે.
માગું તો માંગુ, એ કે તુજ જેવી મુજમાં ઝાંય આવે.
માર્ચનો મહિનો ફરે ને મા, મને બહુ યાદ આવે.
-દેવિકા ધ્રુવ
Wah very nice