ત્યાં સુધીમાં હું આવી જઇશ… ~ બાનું સ્મરણ ~ નિરંજના જોશી
સવાયા ગુજરાતીશ્રી કાકાસાહેબ કાલેલકર પાસેથી ‘લોકમાતા’નું બિરુદ પામેલ નદીનું શૈશવ એટલે કલકલ કરતું ઝરણું! પાષાણ હૃદયમાંથી નીકળતું નિર્ઝર અલકમલકનો પ્રવાસ કરતું, કાંટા, ઝાંખરાં, કંકડ વટાવી ધરણી પર આવી, સરિતાનું રૂપ ધારણ કરી લે. યૌવનને ઉંબરે ઊભેલી સરિતાનું લક્ષ્ય એક જ- સાગરને મળવાનું. પછી પોતાની ઓળખ વિસારે પાડી સાગરમાં ઓતપ્રોત થઇ જઇ જન્મજાત માધુર્ય વિસરી સાગરની ખારાશને પોતીકી બનાવી દેતી આ સરિતા!
કદાચ મારા બાએ પણ આ જ જીવનલક્ષ્ય રાખ્યું હોવું જોઈએ. કચ્છની સૂકી રણભૂમિ પર ખીલેલા એ ગુલાબે સૌરાષ્ટ્રના પરિવારમાં સમર્પિત થઇ જીવી દેખાડ્યું.
રૂઢિચુસ્ત અને જૂનવાણી વિચાર ધરાવતા અગિયાર જણના પરિવારમાં સંયુક્ત કુટુંબ વચ્ચે આજીવન પ્રસન્ન રહી અને માત્ર અંગત પરિવાર પૂરતો પ્રેમ સીમિત ન રાખતાં પ્રેમને વ્યાપક સ્વરૂપ આપ્યું.
હું ચાર ભાઇની એક બહેન. ખૂબલાડકોડમાં ઉછેર. ઘરકામ કરવાનો વારો જ કદી નહોતો આવતો.
અમુક વર્ષો પછી બાને કદાચ સત્સંગનો માર્ગ એટલે જ મળ્યો હશે જેથી દીકરીને રસોડામાં થોડો વળોટ આપી શકાય. સત્સંગમાં જતી વખતે મને પણ સાથે લઇ જવાનો આગ્રહ રાખે,પણ આ બંદા તો માથું ધોવાના બહાને બાથરૂમમાં ઘૂસી જાય એટલે સત્સંગમાંથી મુક્તિ!
જતાં જતાં બા કહેતા જાય: જો! સગડીમાં કોલસા નાખીને દાળનો મસાલો તૈયાર રાખ્યો છે તે એમાં નાખીને ઉકાળવા મૂકી દેજે. ત્યાં સુધીમાં હું આવી જઇશ.”
એ સમયે તો એ આદેશ અને તેમનો સત્સંગ મને સજા જેવા લાગતા પણ સમય જતાં “સગડીમાં કોલસા નાખવાની તાલીમ” કામ આવી, ત્યારે તેનું મૂલ્ય સમજાયું. કારણ સાસરિયું પણ વસ્તારી. નાનકડા રસોડામાં પસીનો પાડતાં બધાને ગરમ રોટલી પીરસવાનો વારો આવ્યો હતો.
કર્તવ્યને હસતે મોઢે સ્વીકારી સૌના હૃદયમાં સ્થાન મેળવવાનું શિક્ષણ પણ બાએ જ આપ્યું હોવાથી અનેક અણગમતા પ્રસંગોનો સામનો કરતી વખતે મનમાં ફરિયાદનો સૂર ઉઠ્યો, પણ જીવનસાથીની મક્કમ નિર્ણયશક્તિએ મને સંતોષ અને સુખના સાગરમાં હિલોળા લેતી કરી દીધી હતી.
નાનપણથી જ અમને બધા ભાઇ-બહેનને ભગવદ્ગીતાના ૧૨/૧૫ અધ્યાય, રામરક્ષા વગેરે નવડાવતાં, તૈયાર કરતાં સહજ રીતે કંઠસ્થ કરાવી દીધા હતા. પોતે એ જમાનામાં પ્રાથમિક શાળા (ફાયનલ) પરીક્ષા પાસ,પણ બધા સંતાનોને વિદ્યોપાર્જન માટે એટલી ધગશ અને ધીરજ દાખવ્યા, જેને પરિણામે બધા સંતાનો ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યા.
એ જમાનામાં કન્યા શિક્ષણનું પ્રાધાન્ય માત્ર મૂરતિયો સારો મળે એટલા પૂરતું જ અંકાતું. પિતાજી મને ફાયનલ પરીક્ષા પછી ભણાવવા રાજી નહોતા. પણ બાની તાર્કિક દલીલો આગળ પિતાજીએ મને માત્ર એસ.એસ.સી સુધી ભણાવવાની તૈયારી દાખવી.પણ શિક્ષણનું મૂલ્ય સમજનાર બાએ મને બી.એ. સુધી પહોંચાડવાની જવાબદારી સ્વીકારી.
હવે પ્રશ્ન સામાજિક આવ્યો. જ્ઞાતિમાં ભણતરનો બરોબરિયો યુવાન ક્યાં શોધવો? એ પ્રશ્ન આગળ પૂર્ણવિરામ મૂકાઇ જ જવાનું હતું,પણ જ્યાં સુધી યોગ્ય પાત્રની શોધ પૂરી ન થાય, ત્યાં સુધી એમ.એ. કરવાની છૂટ મેળવાઇ ગઇ.
વિદ્યાવ્યાસંગી માનો એક અદ્ભૂત દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પ્રસંગ હું કદી વિસરી ન શકું. મારા જુનિયર એમ.એ.ના વર્ષ દરમ્યાન મારા સિનિયર્સ બૅચમાંથી કોઇનો સેકન્ડ ક્લાસ નહોતો આવ્યો. એટલે મારા પ્રાધ્યાપિકાએ તારણ કાઢ્યું કે તે બધાએ સંસ્કૃત વિષયને કારણે ક્લાસ ગુમાવ્યો છે. તો મારે સંસ્કૃત વિષય છોડીને પાલિ વિષય લઇ એમ.એ.ની ડિગ્રી લેવી.
હું દ્વિધામાં પડી ગઇ. ઘરે જઇ મેં બાને વાત કરી. મેં કહ્યું: “મારા પ્રોફેસર ત્યાં સુધી કહે છે કે તે તાંબાના પતરા પર લખી આપે કે સંસ્કૃત સાથે મારો ક્લાસ નહીં આવે.”
તો બાની સ્થિરપ્રજ્ઞાએ મને જવાબ આપ્યો: ”ક્લાસ નહીં આવે તો ચાલશે, પણ આપણે સંસ્કૃત સાથે જ એમ.એ. થવાનું છે. આ એક વર્ષ માટે નવી પાલિ ભાષા શીખીને ક્લાસ આવશે જ એવું થોડું છે?”
અને આ બંદા સંસ્કૃત સાથે એમ.એ. થયા. ક્લાસ સાથે હો! તેના પરિણામે મારા બંને સંતાનો પણ સંસ્કૃતમાં સર્વોચ્ચ ગુણાંક સાથે એસ.એસ.સી.થયા. આમ શિક્ષણ અને સંસ્કાર બંનેને લક્ષ્યમાં રાખનાર મારા બાને કારણે જ આકાશવાણી પર “ગીર્વાણ ભારતી” નામક કાર્યક્રમમાં અનેક વાર્તાલાપો આપવા શક્ય બન્યા.
શિક્ષણક્ષેત્રે અધ્યાપન દરમ્યાન પણ મારો અભ્યાસ મને ઘણો જ સહાયભૂત બન્યો. તેનું સંપૂર્ણ શ્રેય બાને જ જાય. શાળા-કૉલેજના અધ્યાપન પછી મુંબઇ વિદ્યાપીઠના અધ્યક્ષ ડૉ. નીતિન મહેતાના સૂચનાનુસાર “ધીરુબહેન પટેલનું કથાસાહિત્ય“નામક વિષય પર ૧૭ નવલકથાના ઘટક તત્ત્વોના આધારે મહાનિબંધ ૬૧મે વર્ષે લખ્યો. ત્યારે મારા માર્ગદર્શક ડૉ. નીતિનભાઇએ પણ કબૂલ્યું કે “માત્ર ગુજરાતી જ નહીં, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના પ્રભુત્વને કારણે જ મહાનિબંધ માટેના સંદર્ભો સહજ બનવા પામ્યા છે.”
અંતર્મુખી શરમાળ કન્યાનું બહિર્મુખી આત્મવિશ્વાસસભર યુવતીમાં રૂપાંતરણ કેવળ બાના પીઠબળ, પ્રોત્સાહન, સમર્પણ, નિસ્બત વગર શક્ય જ ન બન્યું હોત.
તાજેતરમાં પ્રકાશિત થયેલ મારા લઘુનિબંધ સંગ્રહ “છીપ મોતી શંખ“ના પ્રકાશન પર્વ વખતે દિનકરભાઇ જોશીએ પણભાષાપ્રભુત્વ પર જ ભાર મૂક્યો હતો.
મારા કૉલેજના સહાધ્યાયી પદ્મશ્રી સિતાંશુ યશશ્ચંદ્ર મહેતાએ મને સંદેશ મોકલ્યો હતો, જેનું પઠન રોમાંચિત થઇ ઉઠેલા ડૉ.પ્રીતિબહેને વાચિકમ્ દરમિયાન કર્યું હતું.
“છીપમોતી શંખ“ ત્રણેને સમાન ઉમંગથી સાગર પાસેથી સ્વીકાર કરનાર ચિંતક,વ્યાખ્યાતા, નિબંધકાર ડૉ. નિરંજના જોશીનું તરોતાજા પુસ્તક વાંચતો ગયો અને ઉમળકાભેર વિચારતો રહ્યો:“અરે! તત્કાળ મુંબઇની સેંટ ઝેવિયર્સ કોલેજમાં એક જ વર્ગમાં બેસીને ભણતાં હતાં, કિલ્લોલ કરતાં હતાં એ સૌમાંની પેલી ઉલ્લાસભેર તેજસ્વી કિશોરી એ જ આ લેખિકા! એને જીવનસાગર પાસે બેસતાં કેવું સરસ આવડ્યું! સંસ્કૃત, સાહિત્ય અને ભારતીય તત્ત્વવિચારની રીતે જે ગુજરાતી ભાષાને મળ્યું આ એ મુક્તક સદ્રશ પુસ્તકમાં છીપ અને શંખનું સૌંદર્ય માણી શકાય એવું ઉદારદર્શન છે. અભિનંદન! સ્વાગત!
તમારો સહાધ્યાયી સિતાંશુ.”
આ સંદેશ જેણે મારા અંતર્મુખી શરમાળ સ્વભાવનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો તેની પ્રતીતિ કરાવવા માટે જ અહીં મૂક્યો છે. ને એ જ કિશોરીને બહિર્મુખી બનાવનાર શિલ્પી એટલે મારા બા!
આસમયે મને બાની ગેરહાજરી બહુ સાલી. પીએચ.ડી.ના રજિસ્ટ્રેશન પહેલાં તેમના આશીર્વાદ લઇ ૬૧મે વર્ષે ડિગ્રી મેળવી. ત્યારે પણ જો તેઓ હાજર હોત, તો તેમના આનંદની કોઈ સીમા ન હોત.
આજે ૮૧મેં વર્ષે જ્યારે મેં “સહસ્ત્રપૂર્ણ ચંદ્રદર્શન શાંતિયજ્ઞ” નિમિત્તે આયોજેલ આ પ્રકાશન વખતે પણ તેમણે વાવેલ બીજને પરિપ્લાવિત થતું જોઇ તેમને સંતોષ થાત. પણ એ હવે કલ્પના જ!
જીવનના રંગમંચ પર મળેલા દરેક પાત્રને બાએ સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક ન્યાય આપ્યો હોવાથી ૨૦૧૮ની ૧૨માર્ચે તેમની સોમી જન્મજયંતી નિમિત્તે તેમનો પ્રેમ સંપાદિત કરેલાં સૌએ સ્મરણિકારૂપે સ્વાનુભવો લખી “રણમાં ખીલ્યું ગુલાબ” પુસ્તક પ્રકાશિત કર્યું. કહેવાય છે કે “મરણ પાછળ સ્મરણ મૂકી જાય તેનું નામ જીવન.”
બાનો અંતિમ સમય પણ ભીષ્મસ્તુતિના સ્મરણથી આવ્યો. ત્યારે મંદિરને ઓટલે બેસીને રોજ કરાતી પ્રાર્થના જ જાણે કામ આવી.
“અનાયાસેન મરણં
વિના દૈન્યેન જીવનં
દેહાંતે તવ સાન્નિધ્યમ્
દેહિ મે પરમેશ્વર!”
~ નિરંજના જોશી (મુંબઈ)
+91 9820637645
આપના માતુશ્રીની વિદ્યાપ્રીતિને વંદન. 🙏🙏🙏🙏
આપના પરમ પૂજ્ય માતુશ્રીને કોટી કોટી વંદન.🙏
એ વખતે પણ આપના માતુશ્રીને આટલો વિદ્યારસ અને સૂઝ હતા. ખુબ સરસ.
નિરંજનાબહેન, આપના માતુશ્રીને ભાવપૂર્વક વંદન. આપનો આ સ્મૃતિલેખ, સુંદર આલેખન અને સરસ શબ્દોચયનથી નીખરી ઉઠ્યો. અભિનંદન બેના.
નિરંજનાબહેન, બાનો સ્મૃતિલેખ હ્રદયસ્પર્શી. બાનો એમ.એ. માં તમને સંસ્કૃત લેવા માટેનો આગ્રહ તમારા ભાષા પરના પ્રભુત્વમાં ઝળહળે છે. બાને સાદર વંદન.
અભિનંદન,બહેન..આપની વિદ્યાપ્રીતિને વંદન..બાના વિદ્યારસને વંદન..
વાહ સુંદર, મજા આવી.