આથમણી કોરનો ઉજાસ ~ ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી ~ પત્ર: ૩૭ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ
પત્ર નં. ૩૭
પ્રિય નીના,
આ મન પણ કેવું તરંગી છે? એક વખત અમુક રીતે સેટ થઈ જાય પછી એને બીજી રીતે વાળવું આકરું થઈ જાય છે ને?
શ્રીલેખાના મનમાં પણ તારા તરફથી મળતાં “બેસ્ટ લક”, શુભેચ્છા વગેરે એમ જ કામ કરતાં હશે. દરેક સંબંધોની પાછળ એની પણ એક મોટી બલિહારી છે! કદાચ જિંદગીનો એ નાજુક તાર સૌથી મજબૂત આધાર છે.
ગુલઝારજીની ફિલ્મોની વાત છેડીને તેં કેટલાંયે ગીતોને નજર સામે લાવીને ખોલી આપ્યાં અને તે પણ તેમની વર્ષગાંઠના મહિનામાં જ. કેવો યોગાનુયોગ!
તેઓ ભલે નિર્માતા અને નિર્દેશક ગણાતા હોય પરંતુ ગુલઝારજીનું સૌથી મોટું યોગદાન તો મારા મત પ્રમાણે ગીતકાર તરીકેનું જ વધારે છે. નીના, કેટલાં ગીતો યાદ કરું? “આનેવાલા પલ જાને વાલા હૈ… નામ ગુમ જાયેગા, ચેહરા યે બદલ જાયેગા..તુમસે નારાઝ નહીં જિંદગી.. હઝાર રાહેં મૂડકે દેખી… રુદાલીનું “દિલ હું હું કરે…ઘબરાયે…
ગુલઝારજીને અત્યાર સુધી તેમણે લખેલા ગીતો માટે ઘણાં ફિલ્મ ફેર એવોર્ડ, એકેડેમી એવોર્ડ અને એક ગ્રામી એવોર્ડ પણ મળ્યો છે.
તેમને સૌથી પહેલાં વર્ષ ૧૯૭૭માં પ્રદર્શિત ફિલ્મ ‘ઘરૌંદા’ નું ગીત ‘દો દિવાને શહેર મેં‘ માટે સર્વશ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો.
આ ઉપરાંત તેમને ત્રણ વાર રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યા છે.
ઘણીવાર વિચારું છું કે અત્યારે સંગીતકાર અને ગાયકની બોલબાલા છે. પણ હૃદયને ઝંકૃત કરી દે, તનમનને સંપૂર્ણતયા સભરસભર કરી દે તેવા ગીતના શબ્દો લખનાર વિશે લોકો ઓછું જાણે છે.
સાહિર લુધિયાનવી, કૈફી આઝમી, નીદા ફાઝલી, શકિલ બદાયુની વગેરેની ગઝલો અને ગીતોમાં, એમનાં શબ્દેશબ્દમાં, અક્ષરેઅક્ષરમાં લાગણીઓના અવનવા રંગોનું જે બારીકાઈથી નક્શીકામ જેવું ચિત્રાંકન અનુભવાય છે તે અવર્ણનીય છે અને તેથી જ તો એવાં ગીતો અમર થઈ જાય છે.
કહે છે ને કે, મુલાયમ હૈયું વલોવાઈને પછી જીગરમાંથી લોહી ટપકે છે ત્યારે કાગળ પર ખરી ભાત ઉપસે છે.
ફિલ્મની જેમ જ આપણા નાટકો પણ ક્યાં કમ છે? તારી વાત એકદમ સાચી જ છે કે, મનના સાતમા પડદે તેની સ્મૃતિઓ કંઈક એવી રીતે સચવાયેલી રહે છે કે ક્યારે એ આળસ મરડીને બેઠી થાય અને તેમાંથી જ પાછી કોઈ નવી શાખા, નવાં ફૂલો ખીલતાં રહેતાં હોય છે.
ખેદ માત્ર એટલો જ છે કે ફિલ્મો, નાટકો કે અભિવ્યક્તિના કોઈપણ માધ્યમમાં આજે મૂળ સારો સંદેશ ખાલી ચિનગારી રૂપે ઢંકાઈને આવે છે અને તેની આસપાસની મનોરંજક રજૂઆત એવી અને એટલી જોરશોરથી આકર્ષક રૂપે રજૂ થાય છે કે તરત તો તેની જ અસર અને અનુકરણ વધારે થતાં દેખાય છે. માનવ સ્વભાવની આ જ ખાસિયત છે.
ફિલ્મો/નાટકો વગેરેના હેતુ અને સંદેશાઓ સારા હોવા છતાં આપણી નજર સૌથી વધારે તેના, બહારના રૂપ-રંગ, કપડાં, દાગીના, ચાલ, અભિનય, સેટીંગ, વગેરેમાં પહેલાં પડે છે. જ્યારે કોઈની એવી વાત સાંભળું ને ત્યારે મનોમન મને હસવું આવે. આ હસવાની વાત આવી છે ત્યારે નિરીક્ષણશક્તિની તેં લખેલી વાત સાથે પૂરેપૂરી સંમત છું.
તને ભલે એમ લાગતું હોય કે તેં ફરીથી એ વાત કરી. પણ મને લાગે છે કે, કેટલીક વખત કેટલીક વાતોનું પુનરાવર્તન જરૂરી હોય છે.
મારા જેવી થોડી ગંભીર પ્રકૃતિવાળાઓ માટે તારી હાસ્ય નિષ્પન્ન કરતી વાતો તો ઘડીભર દિલ બહેલાવી જાય છે. નિરીક્ષણશક્તિની સાથે સાથે એ હકીકત પણ એટલી જ સાચી છે કે, રમૂજી રીતે રજૂ કરવાની પણ એક કલા હોય છે અને તે પણ બધામાં નથી હોતી. તું સદભાગી છે!
આ સાથે બીજી એક વાત હવે હું પુનરાવર્તિત કરું છું. દા.ત. ઘણીવાર ઘણે ઠેકાણે લોકો એવો આગ્રહ રાખતા હોય છે છે કે, આપણે ગુજરાતીઓએ માત્ર અને માત્ર ગુજરાતીમાં જ બોલવું જોઈએ.
બરાબર છે, આપણને આપણી માતૃભાષા માટે અનહદ પ્રેમ હોય જ. પણ અન્ય ભાષા માટે અનાદર ન હોવો જોઈએ. આપણે દૃષ્ટિ એટલી સંકુચિત ન હોવી જોઈએ.
ભાષા તો અભિવ્યક્તિનું માધ્યમ છે અને દરેક ભાષાને એનું પોતાનું એક આગવું રૂપ છે. હિન્દી, ઉર્દૂ અને અન્ય ભાષાઓમાં પણ કેટલું જોમ, જુસ્સો અને અસરકારકતા હોય છે!
મને યાદ છે આઠમા ધોરણમાં વાંચેલી અંગ્રેજ કવિ વૉલ્ટર મેરની “ધિ શેડો” કવિતા મને એટલી ગમી ગઈ હતી કે હજી આજે પણ અક્ષરશઃ મોઢે યાદ છે અને એનો ભાવાનુવાદ ગુજરાતીમાં કરવાની ઈચ્છા પણ છે જ.
The Shadow
When the world is drowned in Night,
Then swims up the great round Moon,
Washing with her borrowed light
Twig, stone, grass-blade — pin-point bright —
Every tinest thing in sight.Then, on tiptoe,
Off go I
To a white-washed
Wall near by,
Where, for secret
Company
My small shadow
Waits for me.Still and stark,
Or stirring — so ,
All I’m doing
He’ll do too.
Quieter than
A cat he mocks
My walks, my gestures,
Clothes and looks.I twist and turn,
I creep, I prowl,
Likewise does he,
The crafty soul,
The Moon for lamp,
And for music, owl.
” Sst! ” I whisper,
” Shadow, come!”
No answer:
He is blind and dumb.
Blind and dumb,
And when I go,
The wall will stand empty,
White as snow.
આજે સવારે આંખ વહેલી ખુલી ગઈ હતી. બાજુમાં શ્રી ગુણવંત શાહનું “કેક્ટસ ફ્લાવર” પુસ્તક પડ્યું હતું તે હાથમાં લઈ વાંચવા માંડ્યું.
તેમાં તેમણે પૉલ જોન્સનના બેસ્ટ સેલર બની ગયેલાં પુસ્તક “ઈન્ટેલેકચ્યુઅલ્સ” ની થોડી વાતો લખી છે.
૧૦-૧૨ પાનાંના એ પ્રકરણમાં રૂસોથી માંડીને કાર્લ માર્ક્સ, બર્ટ્રાંડ રસેલ, સાર્ત્ર, ટોલ્સ્ટોય અને કવિ શેલીની રસપૂર્ણ છતાં ચોંકાવનારી વિગતો રજૂ કરી છે.
મને એ વાત કહેવાનું મન એટલા માટે થયું કે, એમાં શ્રી ગુણવંતભાઈનો એક વિધાયક હેતુ સ્પષ્ટ સમજાય છે.
તેમનું કહેવું છે કે, મહાન માણસોની મર્યાદાઓ પણ નાની નથી હોતી. એ મર્યાદાઓને ઉદારભાવે જોવાની પણ એક અનુભૂતિ, એક મઝા હોય છે અને તેમાંથી એક વાત ફલિત થાય છે કે, ખૂબી અને ખામીઓનું વિલક્ષણ મિશ્રણ એટલે જ માણસ. ગમે તેટલો મોટો કે મહાન બને તોયે માણસ તો આખરે માણસ જ હોય છે.
હમણાંથી ફરી એકવાર તારી નવલકથા “કેડી ઝંખે ચરણ” વાંચવાની ઇચ્છા જાગી છે.
તેમાં બે વિરોધાભાસી સંસ્કૃતિમાં જીવવા મથતા ભારતીયોની જીવનપદ્ધતિ અને તેમની સંવેદનાઓનું ઝીણું ઝીણું જતન કરીને ગૂંથાયેલી વાતો ફરી એકવાર વાગોળવી છે.
ચાલ, હવે સૂવાનો સમય થઈ ગયો છે. એટલે અત્યારે તો ગુલઝારજીથી શરૂ થયેલો પત્ર તેમની જ પંક્તિથી પૂરો કરું.
“શામ સે આંખમેં નમી સી હૈ, આજ ફિર આપ કી કમી સી હૈ..”
દેવીની સ્નેહયાદ.