ગંગાનાં પરિપ્રેક્ષ્યમાં સ્ત્રીઓનાં વિવિધ સ્વરૂપો પ્રકરણ: ૬ (૧)~ “ગંગાથી રાવી સુધી” (લેખમાળા: બે )~ પૂર્વી મોદી મલકાણ

 પશ્ચિમી રાષ્ટ્રોની તુલનામાં ભારતીય સ્ત્રીઓનાં વ્યવહાર, સૌંદર્ય, વિચાર, તેમની રસપ્રધાનતા અને ભાવનાનું સટીક વર્ણન આપણને આપણાં લોકગીતોમાં જોવા મળે છે. આ લોકગીતોમાં સુખદુઃખ,મિલન વિરહ, ઉતાર ચઢાવની ભાવના વ્યક્ત કરવામાં આવે છે, એટલું જ નહીં પણ એમાં સામાજિક રીતિરિવાજ એવં કુરીતિના ભાવ પણ વણી લેવાય છે. પ્રથમ નજરે એવું લાગે કે આ લોક સાહિત્યના ગીતોમાં જીવનની અનુભૂતિને સરળતાથી પ્રકટ કરવામાં આવી છે પણ ઊંડાણથી જોઈએ તો એમાં   એક સ્ત્રી કે જે માતા છે અથવા દીકરી છે એના હ્રદયનાં ભાવોની ગહેરાઈના દર્શન થાય છે. એમ કહેવાય છે કે લોકસાહિત્ય અને લોકગીતોમાં જે ભાવોને વણવામાં આવે છે તે તમામ ભાવો હૃદયનાં લય સાથે ધડકે છે. આ લોકગીતોનાં બીજનું મૂળ ઋગ્વેદમાં રહેલું છે. ઋગ્વેદ સિવાય ગૃહ્યસૂત્ર, આરણ્યક અને બ્રાહ્મણ ગ્રંથોમાં પણ લોકગીતોનો સંબંધ રહેલો છે. ત્રીજી સદીમાં જે પ્રાકૃત ભાષા બોલાતી હતી તેમાં પણ લોકગીતોનો નિકટનો સંબંધ જોવા મળ્યો છે. આ લોકગીતોમાં રહેલ કુદરતનાં તત્ત્વો ઉપર અને લોકજીવનની ક્રિયાઓ ઉપર જે રીતે અભિવ્યક્તિ કરવામાં આવે છે તે જ રીતે લોકગીતોએ માતપિતાની અને દીકરીની પોતાની આગવી વ્યથા અને કથાને અભિવ્યક્ત કરતાં કહે છે કે; 
सागर समान हो हमरे बाबइया रामा, 
रामा, गंग हि समान हमरी मैया हो जी । 
અર્થાત્:- અહીં દીકરી કહે છે કે; સાગર જેવા મારા બાબા છે હે રામ ! ને ગંગા સમાન મારી મૈયા છે.

પણ જ્યાં દીકરીની આવી  વાત કરે છે; ત્યાં તેમની કોઈક ફરિયાદ પણ છે, જેને લોકગીતોમાં ઉજાગર કરી છે. દા.ખ.ત એક મૈથિલી લોકગીતમાં એક દીકરી પોતાની મા ને પૂછે છે કે, પોતાનાં જન્મમાં અને પોતાનાં ભાઈનાં જન્મનાં ઉત્સાહમાં આટલો બધો ભેદભાવ કેમ ? 
‘जहिदिन हे अम्मा भइया के जलमवा
सोने की छुरी कटइलो नार हो।
जहिदिन अहे अम्मा हमरो जलमवा
हसुआ खोजइते हे अम्मा खुरपी न भेंटे, 
मिटकी कटइले मोरी नार हो।’
અર્થાત્:-  જે દિવસે ભાઈ જન્મ્યો તે દિવસે સોનાની છરીથી ( શાક ) સમારવામાં આવ્યું, જ્યારે મારા જન્મ વખતે એક ખૂરપી પણ ( શાક ) સમારવા માટે મળી નહીં ?

જોવાની વાત છે કે; દીકરીએ માતાને પ્રશ્ન પૂછ્યો છે પણ જવાબ પિતા આપતાં કહે છે કે;
‘जेहि दिन ए बेटी तोहरो जनमवां सोनवा सकल पीले आनुरे
जहि दिन ए बेटी तोहरे जनमवां हमरे सिरे बे सहलू गारिरे।’
અર્થાત્:- બેટા તું ભલે મારી લાડકી હોય, પણ આ દીકરી-દીકરાનાં જન્મમાં ભેદભાવ એટલાં માટે છે કે દીકરી વિવાહમાં પિતાનું ઘર તાણી જાય છે. માટે હું કહું છું કે; જે દિવસે તારો ભાઈ જનમ્યો તે દિવસે સોનેરી રંગનાં પીલુઓ ખિલેલા હતાં, પણ જે દિવસે તું જન્મી તે દિવસે જ બધાં જ પીલુઓ મારા માથાને સ્પર્શ કરી શરીર પરથી પડી ગયાં, કારણ કે હવે તારા વિવાહમાં મારે એટલું દહેજ આપવું પડશે કે મારા મસ્તક પર વાળ પણ નહીં રહે. 

ઉપરોક્ત એક પિતાની વાત કરી છે; ત્યાં બીજા એક પિતા કહે છે કે;
गंगा बहिये गेल जमुना बहिये गेल
सुरसरि बहे निर्मल धार ए 
ताहि पड़सी बाबा हो, आदित मनावेले 
कइसे करब कनेयादान ए बिटिया ।
અર્થાત્:- પુત્રી તારું કન્યાદાન કરવું પડશે તે વિચારથી મારા હાથ પગ ઢીલા પડી જાય છે. પણ અંતે સમાજનાં નિયમ છે. દીકરીનો વિવાહ તો કરવો પડશે, સંસારની એ જ રીત છે. પણ, એની સાથે, પિતાને પોતાની વ્હાલસોયી દીકરી એના વૈવાહિક જીવનમાં સકુશળતાથી રહે એની પણ ચિંતા છે. આથી તે પિતા સૂર્યદેવની સાક્ષીએ ગંગા-યમુનાની ધારામાં ઊતરીને પોતાની પુત્રીની યોગક્ષેમની પ્રાર્થના કરે છે. 
માતા-પિતા પોતાની દીકરી પરણાવવાની તૈયારી કરી રહ્યાં હતાં, યોગ્ય ઘર અને વર જોઈ રહ્યાં હતાં તે સમયે દીકરી બોલી ઊઠે છે કે; 
 झन दिया बौज्यु छाना बिलोरी, हाथ दाथुली हाथ रै जाली, 
लागिला बिलोरी का घामा, चूले की रोटी चूले में रौली ।  
અર્થાત્:- મારા વિવાહ જ્યાં ખૂબ મહેનત કરાવે તેવા ઇલકામાં ન કરશો. નહીં તો તારી ફૂલ જેવી દીકરી મૂરઝાઇ જશે. હે પિતા, જ્યાંનાં ચૂલામાં રોટી શેકવાનું કામ સતત ચાલતું હોય ત્યાં મારા વિવાહ ન કરાવશો, કારણ કે રોટી શેકી શેકીને મારા હાથ બળી જશે.  
ઉપરોક્ત લોકગીતની જેમ ગુજરાતી ખાંયણાઓએ દીકરીની વ્યથાને પ્રગટ કરતાં કહ્યું છે કે;
મોટા બાપા, મોટા ઘર ન જોશો
કે, મૂઆ પછવાડે કેવી રીતે રોશે
આ મોં જોણની આ દીકરી. 
અર્થાત્:-  આ ખાંયણામાં વિવિધ અર્થો દર્શાવ્યાં છે. પ્રથમ પંક્તિમાં દીકરી મોટા બાપાને સંબોધે છે, અર્થાત આ દીકરી સંયુક્ત કુટુંબમાં રહે છે, જ્યાં પિતા કરતાં પિતાના મોટાભાઇ મોટા બાપાની આમન્યા રાખવી પડે છે. એવું પણ શક્અય હોય કે આ દીકરીનાં માતા-પિતા હયાત ન હોવાથી તે મોટા બાપાની સાથે રહે છે. આથી દીકરી પોતાના મનની વાત વડીલને ઘર -કુટુંબનો ફેરફાર બતાવતાં કહે છે કે; જો સામેવાળાનું કુટુંબ -ઘર આપણાંથી મોટું હશે તો તેઓ વાર-તહેવારે મને પિયરમાં નહીં આવવા દે અને આ માટે તેઓ એક જ બહાનું આપશે કે; મોટા ઘરની વહુવારુઓ નાના માણસને ત્યાં જાય નહીં, અથવા મોટા ખોરડાની વહુઓ માટે નાના માણસો સાથે સંબંધ રાખવો એ એમની પ્રતિષ્ઠા માટે સારું નથી. આથી દીકરી વિનંતી કરતાં કહે છે કે; તમારી આ માનેલી દીકરીની વાત સાંભળી લ્યો. 
બીજી બાજુ દીકરી એ ય જાણે છે કે; પોતે ઘરમાં ગમે તેટલી મા -બાપને ભાઈઓ માટે લાગણી રાખે પણ અંતે તો; એ પારકી જ છે આથી તે કહે છે કે; 
આકાશે અર્પયા ને ધરતી માએ ઝીલ્યા
માએ ને બાપે ઉછેર્યા કે
પરને સોંપવા
મારા તે બાપે રતન કરી રમાડી,
જતન કરી જીવાડી;
તેય પરઘેર સોંપવા.
દીકરીની વાત સાંભળી માતપિતાનું વાત્સલ્ય આંસુઓ સાથે છલકાઈ આવે છે. પણ, સમાજની આ જ રીત છે. અને દીકરીની સગાઈ કરી નાખે છે ત્યારે તેઓ બોલી ઊઠે છે કે, 
अंगना घूमिय घूमि बाबा जे रोवै, 
कतहूँ न देखेउँ ए बेटी नुपुरवा झंकरवा ।
અર્થાત્:- દીકરીની આ છમ છમ પાયલ બોલતી હવે ક્યારેય નહીં સંભળાય. આ વાત બરાબર છે. કારણ કે છમ છમ કરતી દીકરી તો હવે પરણીને વિદાય થઈ જાય છે. 
 
પણ વિવાહ તો વિવાહ છે, ગમે તેટલી વ્યથા હોય, મૂંઝવણ હોય, રિસામણા ને મનામણાં હોય પણ ને વિવાહમાં સગાસંબંધી ન હોય તો આનંદ કેમનો આવવાનો? આ સમય જ એવો છે જે તો કેટલીયે ભેંટ આવે ને કેટલીયે જાય તેનો કોઈ હિસાબ હોતો નથી. પણ આ બધાંમાં જે સૌથી મોટી મૂંઝવણ તે સ્ત્રીઓની સાડીઓની હોય છે. તો ચાલો ઓરડાની પાછલી દીવાલે ઊભા રહી પતિ સાથે ચર્ચા કરી રહેલી આ ગૃહનારીની વાત સાંભળી લઈએ. 
પિયરિયાની કઈ બેનને લીલું, 
પિયરિયાની કઈ ભાભીને પીળું ને 
તે શોભશે તે કહો તો ખરા. 
કઈ જેઠાણીને રીંગણી 
કઈ દેરાણીને લાલ -કેસરી 
ને કઈ નણંદીને ગુલાબી સાળુ
તે શોભશે તે કહો તો ખરા. 
 
હવે કન્યાનાં વિવાહને થઈ ગયાં તે સાસરે જઈ રહી છે ત્યારે ઘરનાં વડીલો કન્યાને શિખામણ આપતાં કહે છે કે; 
સૂરજ ઊગ્યો
પછવાડેની ભીંતે
આપણાં ઘરની રીતે કે,
બહેની ચાલજો ધીમે ધીમેથી
 
એકબાજુ મા -ભાભી, દીકરીને સલાહસૂચના દેવામાં પડી છે, ત્યારે દીકરી જાણે છે કે મા ને મારો વિરહ નહીં થાય કારણ કે મારા પછી ઘરમાં ભાભી છે, ને ભાભીઓ તો એજ રાહ જુએ છે કે; આ નણંદી ક્યારે ઘરમાંથી જાય. આ સમયમાં દીકરી જાણે છે કે; એક કેવળ પિતા છે જેને તેની દીકરી માટે સાચી લાગણી છે. આથી કન્યા પિતાને કહે છે કે; 
अंगना से चिरई उड़ावेला बाबा,
बाबा हमके भुलाय 
भेजी दिहला दूरन देश वा,
करि कै हमरो बियाह 
दूध भात रहनी तोहरो आँगनवा 
छुटत कटोरा वा की लतिया हो बाबा ।
અર્થાત્:- બાબા તે તારા આંગણાની ચકલીને વિવાહને બહાને દૂર દેશમાં ઉડાડી ( મોકલી ) દીધી, પણ બાબા,, અત્યાર સુધી તારા આંગણામાં રહેલી આ ચકલીને તારા દૂધ-ભાતનાં કટોરાની આદત પડી ગઈ છે તે છૂટશે કેમ? પણ બાબા પાસે આ વાતનો કોઈ જવાબ નથી.
પણ હવે કન્યા ઘર આંગણેથી વિદાય લઈ રહી છે તે વખતે પિતાને કહે છે કે,
हम तो थे तोरे अंगने की छोटी सी चिडियारानी
फिर काहे को हम को ब्याहे बिदेशवा रे बाबुल ? 
પિતાને આમ પ્રશ્ન પૂછી, દીકરી હવે વહુ બનીને સાસરે આવે છે ત્યારે ઘરનાં દ્વાર ઉપર સાસુ ઊભી છે. તેને જોઈ તે કન્યા સાસુને પગે લાગે છે તે સમયે સાસુ આશિષ આપી કહે છે કે; વહુ તારી ગોદ ભરી રહે અને તારા બાળકોને હું ખિલાવતી જાઉં.
चुनरी पहिर सासु गोड लागु, सासु दिहले आसीस 
जुड़ रह बहुरिया जुड़ रह, गोद भरि बलका खेलाऊ ।
 
આ લોકગીતોમાં સાસરે આવનાર દરેક દીકરીનાં ભાવવિશ્વનો ઉઘાડ કરીને, પારિવારિક અને સામજિક મૂલ્યોની પરિસ્થિતિ વર્ણવી છે. હવે એ દીકરીની વાત જોઈએ જે થોડા વર્ષો પછી થોડા દિવસ માટે પાછી પિયરે આવી છે. પિયરે આવેલી દીકરીની કાયાને જોઈને માતા-પિતા શું પ્રશ્ન કરે છે તે પણ એટલો જ ભાવસભર છે. 
કળી જેવી દીકરી શોધી આપી’ તી તમને જમાઈ સા, 
તમારે માટે ફૂલ શી પત્ની સોપી’ તી તમને જમાઈ સા,
પણ તમારા ઘરમાં આપી તી તે હતી કળી જમાઈ સા 
પણ કળી ક્યાં છૂટી ગઈને ને આ છે કાળી જમાઈ સા 
શું કામ કૂંપળી મારી કળીને ફૂસની જેમ બાળી જમાઈ સા ? 
કળી ને કાળીનાં નાના બદલાવ સાથે શોધેલી, આપવી, સોંપવી જેવા શબ્દોનાં પ્રયોગ સાથે ઊભો થયેલો આ વિરાટ પ્રશ્ન વિચારતાં કરી મૂકે છે. જોવાની વાત છે કે; આ વિરાટ પ્રશ્નમાં આજનો સમય બદલાયો છે, પણ તે બદલાવ કેવળ ૪૫ ટકાનો છે. તેથી આજે પણ, મોટાભાગની સાસરે ગયેલી દીકરીઓની વ્યથાઓ માટે ઉપરોક્ત લોકગીત આજેય એટલું જ લાગુ પડે છે, જેટલું ગઇકાલે લાગુ પડતું હતું. હા, જમાના સાથે વ્યથાઓના પ્રકારો બદલાયા હોય એ શક્ય છે.

હવે ઉપરોક્ત કહ્યું તેવું એક હાયકું જોઈએ જે હિન્દી સાહિત્યની દેન છે.
फूल सी पली
ससुराल में बहू
पर, फूस सी जली।
 
ઉપરોક્ત રહેલી બંને કાવ્ય રચનામાં સાસરામાં સોંપેલી દીકરીની વાત જોઈ, હવે ગરીબ ઘરમાંથી જે ભાઈ બહેનને મળવા આવ્યો છે અને પૈસાદાર ઘરની દીકરીનો જે ભાઈ બહેનનાં સાસરે આવ્યો છે તેની વાત જોઈએ.  
गंगा किनारे बस्यों हे म्हाओ मायरा 
तोसे वीर आये साथ कछु न लाये, 
देखि सासु ननद मुख मोरि जी, 
समंदर किनारे बस्यों हे म्हाओ मायरा
तोसे वीर आये और सब कुछ लाये,
देखि सासु ननद हँसी बोलि जी ।
અર્થાત્:- આ લોકગીતે ગંગા કિનારો અને સમુદ્ર કિનારે વસેલ દીકરીનાં માયારાની વાત કરી બે ઘરની પરિસ્થિતીને દર્શાવી છે.
ગંગા કિનારે દીકરીનાં ગામેથી બહેનનાં સાસરમાં આવ્યો ત્યારે સાથે કશું નથી  લાવ્યો તે જોઈ સાસુ-નણંદે મુખ મરોડયું છે, પણ સમુદ્ર કિનારે જે દીકરીનું માયકું છે તેને ત્યાંથી વીરો બેનીને ઘરે આવ્યો ત્યારે તે ઘર ભરાઈ જાય તેટલી વસ્તુઓ લઈ આવ્યો છે તે જોઈને સાસુ અને નણંદે વહુનાં વીરાને હસીને આવકાર આપ્યો છે.
પણ દીકરીઓ કે વહુઓ ગરીબ ઘરની હોય કે ધનિક કુટુંબની હોય, પણ સાસુને કોઈ ખાસ ફરક પડતો નથી. આ વાત આ લોકગીતે બહુ સુંદર રીતે દર્શાવી છે. 
सास री मैं तो नौकर की नार,
हरदम काम और खाना चाहिये टेम घड़ी । 
અર્થાત્:- સાસુને માટે તો હું નૌકર નારી છું, એમને તો ઘડિયાળને કાંટે કામ ને ખાવાનું જોઈએ.   
દીકરી -વહુ અને અન્ય વિષયો પરનાં લોકગીતોનો ઇતિહાસ ગંગા જેટલો જ જૂનો છે તેથી જ્યાં જ્યાંથી ગંગા વહેશે ત્યાં ત્યાં આપણે વહેવાનું છે. ઉપરાંત જેમ ગંગા પોતાના રૂપો બદલે છે તેમ ગંગા કિનારે વસેલ આ માનવસંસ્કૃતિનાં યે આચાર-વિચાર સતત બદલાતાં જ રહે છે. પણ આપણું કામ એ છે કે; આપણે ગંગાના ઇતિહાસમાં, ગંગાની આજમાં રહેલ પ્રત્યેક તત્ત્વોને લોકગીતોનાં માધ્યમથી નજીક જોવાનાં છે અને તે આપણે જોઈ રહ્યાં છીએ. પણ આપણી યાત્રા લાંબી છે તેથી આજે બેનનાં સાસરામાં જ ચાલો થોડો પોરો ખાઈ લઈએ, ભલે એની સાસુ મુખ મરોડે. 
© પૂર્વી મોદી મલકાણ. યુ.એસ. એ 
ISBN-10:1500299901
Ph:- 14847848270 

આપનો પ્રતિભાવ આપો..