|

મારી મમ્મી ~ લલિત ગદ્ય ~ સંધ્યા ભટ્ટ (બારડોલી)

મા એટલે મા એટલે મા. એના વિશે કહેવા જઈએ પણ પાછા જ પડીએ. એવી જ કોઈ પળે પેલી કહેવત સર્જાઈ હશે કે ‘મા એટલે મા,બીજા બધા વગડાના વા’.

મારી મા ગયાંને હવે તો સાત વર્ષ થવા આવ્યા પણ રોજેરોજ – એકે દિવસ પડ્યો નથી – મને અંદરથી તેની હાક સંભળાય છે. પહેલાં મા બૂમ પાડી બોલાવતી ત્યારે સાંભળતા નહીં. ક્યારેક હસી કાઢતા કે બીજી વાર બોલાવશે જ. ત્યારે જઈશું; અત્યારે આ કામ પતાવી દઉં. હવે માનો અવાજ ભીતરથી સંભળાય છે અને હૈયું હચમચી જાય છે.

મારી માનું જીવન સંઘર્ષથી ભરપૂર રહ્યું. કઈ માનું નથી હોતું? મા બનવામાં નવ મહિના અને પ્રસૂતિ સમયે નવ કલાક જે સંઘર્ષ કરવો પડે છે તે તો જાણે તેના જીવનના સંઘર્ષોની લઘુકથા છે. માનું જીવન એક મહાનવલમાં પણ ન સમાય! ‘હજાર ચુરાશિર મા’ જેવી કોઈક નવલકથા માની વેદના કહી શકે.

મારી માએ તેની કિશોરાવસ્થામાં પોતાની માની સુવાવડ માટે પાણી ગરમ કરી આપ્યું. આઠ સંતાનોની માનું સૌથી મોટું સંતાન મારી મા. ભાંડરડાં પ્રત્યે સહજ પ્રેમ વહેતો. ભાઈને હીંચોળતી મારી માનું સુભગ ચિત્ર મારી આંખ સામે અંકાય છે ત્યારે ‘સ્નેહ’ શબ્દ સજીવ થઈ ઊઠે છે! કાકા-કાકી,ફોઇ-ફુવા,દાદા-દાદી – એમ સંયુક્ત કુટુંબની તેણે કરેલી વાતો સાથે અમારાં બાળપણ-કિશોરાવસ્થા-તરુણાવસ્થાનાં મોસાળનાં સંસ્મરણોનો ગળચટ્ટો સ્વાદ આજે પણ હું મમળાવું છું.

નાસિકના મારાં મોસાળનાં એ મસમોટ્ટા (ચાલીસ ઓરડાનાં) ઘરમાં અજબની સંસ્કારિતા હતી.

મારી મા ભણવામાં હોંશિયાર પણ પૈસાનો વેંત નહીં તેથી દસમા ધોરણ પછી જે સ્કૂલમાં ભણતી તે જ સ્કૂલમાં શિક્ષકની નોકરી લીધી. ૧૯૫૦નું એ વર્ષ. સવારની પાળીની કૉલેજ – એચ. પી. ટી. કૉલેજ, નાસિકમાં છ કિલોમીટર ચાલીને ભણવા જવાનું. બપોરની પાળીની સ્કૂલમાં ભણાવવાનું અને સાંજે સંગીતના વર્ગમાં સિતાર શીખવા જવાનું.

સ્કૂલમાં નાની બહેન મનોરમા ભણે એટલે તે શાક-રોટલીનો ડબ્બો લઈ આવે તે ખાઈ લેવાનું. મોડી સાંજે ઘરે આવી રસોડે મદદ કરવાની અને રસોડું આટોપાઈ જાય ત્યારે વાંચવા-લખવા બેસવાનું. નાનાં ભાઈ-ભાંડુને સાચવવાનો કોઈ અલગ સમય ન હોય!

એ વખતે મારે મોસાળ માલિકીની જમીનો ખરી પણ તેની ખાસ કિંમત નહીં. ઘાસની ગંજી ખડક્વા ભાડે આપેલી જમીનનું ભાડું લેવા ઘણી વાર મમ્મીને જવાનું આવતું.

મમ્મી કહે કે ‘એ મુસલમાન ચાચા પાસે પૈસા લઈને બારોબાર હું બે કિલો ઘઉં લઈ આવું, ઘરે સાફ કરીને દળાવી લાવું અને તેની રોટલી બને જે ખવાઈને સફાચટ્ટ.’

નાના ભાઈને જમતી વખતે કેળું બહુ ભાવે ત્યારે ત્રણ કેળાંમાંથી અડધું અડધું સૌને વહેંચી આપતી. દીકરીની મા બનવાની શરૂઆત નાનપણથી જ થઈ જાય છે.

એ જમાનામાં સંયુક્ત કુટુંબમાં ભાંડરડાંને ભાગે મા બહુ ન આવતી તેથી તે ભૂમિકા મોટી બહેનને ભાગે આવતી.

૧૯૫૫માં મારી મા બી.એ. (મુખ્ય વિષય અંગ્રેજી સાથે) થઈ. તેનાં લગ્ન સુરત થયાં. નાસિકમાં અમારી જ્ઞાતિનાં ચાર કુટુંબ. ગુજરાતી હોવાને નાતે મારી મમ્મીને એચ. પી. ટી. કૉલેજમાં શિષ્યવૃત્તિ મળેલી જેને કારણે તે ભણી શકેલી.

તે ગૌરવથી કહેતી કે અમે કવિ કુસુમાગ્રજ પાસે જ્ઞાનેશ્વરીની ગીતા ભણ્યાં. આચાર્યસાહેબ અને પાટણકરસાહેબ પાસે અંગ્રેજી સાહિત્ય ભણ્યાં. ભણતરના એ મૂળિયાં એવાં ઊંડાં નખાયાં કે જેની મજબૂતાઈની જરૂર તેને પાછળથી પડવાની હતી. પિયરમાં મારી માના મોટા કાકા વકીલ હતા. તેઓ મારી માની પાત્રતા પારખી ગયેલા. કાકાના દીકરાઓ પણ વયમાં મોટા જેમનો સહયોગ પણ ખરો.

તે જમાનામાં નજીકના સંબંધીઓના દીકરાઓને પણ રાખતા અને ભણાવતા. સાથે રહીને ઉછરવાને કારણે કેળવાતી એ નિકટતા અમે પણ થોડા દૂરના માસી-મામા સાથે અનુભવી છે. કુટુંબને વડ અને સંબંધની વડવાઈઓ એમ કંઈ અમસ્તું નથી કહેવાયું. આજે તો આમેય વડ અને વડવાઈઓ દુર્લભ થઈ ગયા છે,પછી તેની શીળી-મીઠી છાયાની તો વાત જ શી કરવી?

આર્થિક રીતે નબળો અને સંઘર્ષમય છતાં સંસ્કારની રીતે સમૃદ્ધ ત્રેવીસ વર્ષનો વયતબક્કો પસાર કર્યા પછી ૧૯૫૫માં લગ્ન કરીને મા સુરત આવી ત્યારે અહીંનું કુટુંબ પ્રખર કર્મકાંડી હતું.

મારા દાદા પાર્વતીશંકર ભટ્ટ પ્રકાંડ જ્યોતિષી અને વ્યવસાય યજમાનવૃત્તિનો. વિડંબના તો એવી કે તેમનો પુત્ર એટલે કે મારા પિતા નારાયણપ્રસાદ ભટ્ટ યુવાનીથી જ સામ્યવાદને રંગે રંગાયેલા. તેઓ બીએ., એલ. એલ. બી. થયેલા. ભણતરની ઉપાધિની રીતે મમ્મીનું પપ્પા સાથેનું લગ્ન બરાબર જ હતું. પણ આ વાતનું વિશ્લેષણ કરતાં આજે જણાય છે કે બે કુટુંબ વચ્ચે મોટી સાંસ્કૃતિક ખાઈ હતી જે પૂરવા માટે મમ્મીને જબ્બર પુરુષાર્થ કરવો પડ્યો.

પરણીને આવ્યાના બે-ત્રણ દિવસમાં જ મમ્મીએ આ વાતનો આંચકો અનુભવ્યો. પણ હવે શું? અહીંનાં બાર-તેર જણનાં કુટુંબમાં મમ્મી તો એકલી જ હતી.

દાદા પાર્વતીશંકર ક્રોધમાં દુર્વાસાના અવતાર સમાન હતા. કદાચ તેથી જ ઋજુ સ્વભાવનાં રૂપાળાં દાદીએ બે નાના છોકરા મૂકીને કૂવામાં પડીને આપઘાત કરેલો. મારા પિતા ચાર વર્ષના અને કાકા બે વર્ષના હતા ત્યારે જ મા ગુમાવેલી અને કાકીના હાથે ઉછરીને મોટા થયેલા. તેથી મારી માએ આ કાકીસાસુ હેઠળ પણ રહેવાનું હતું.

પરણીને આવતી સ્ત્રીએ પોતાના ભૂતકાળનું સમર્પણ કરવાનું હોય છે અને પતિના ભૂતકાળને અપનાવવાનો હોય છે; તેણે પિયરઘરને વિસારે પાડવાનું હોય છે અને શ્વસુરગૃહને હરપળે ગળે લગાડવાનું હોય છે.

  મારી માને દરેક મોરચે ઝૂઝવાનું હતું. પતિની વકીલાતની આકાશી રોજી હતી, ઘરના બીજા પુરુષો દ્વારા થતી યજમાનવૃત્તિની કમાણી પર નભવાનું હતું, પોતાને ભણાવવાનું કામકાજ મળે પણ તેની મનાઈ હતી, ઘરમાં સગવડની કમી હતી અને પતિ પોતાની વિચારધારા મુજબ જીવી શકે પણ પત્નીનાં ભણતર પર ગૌરવ અનુભવવાની છૂટ નહોતી.

આ પરિસ્થિતિ સાથે મારી મા કામ પાડતી ગઈ. વચ્ચે તેના પિતા (મારા નાના)ને કેન્સર થયું તેમની સેવા પણ નાસિક જઈને કરી. પણ એમને પોતાની પરિસ્થિતિ અંગે કશું જણાવા ન દીધું. એ જમાનામાં સ્ત્રીઓ બધું એકલપંડે જ વેઠતી.

માના લગ્નના ચાર વર્ષ પછી ૧૯૫૯માં મારી મોટી બહેન મીરાંનો જન્મ નાસિકમાં થયો. હાડે અત્યંત નબળી અને ‘હમણાં મરું, હમણાં મરું’ એવી મીરાં ટકી ગઈ. ૧૯૬૧માં મારી બીજી બહેન હેમાનો જન્મ. પહેલી સુવાવડ પિયરમાં હોય પણ બીજી તો સાસરે હોય તેથી હેમા સુરતમાં જન્મી. પણ એ સુવાવડમાં મારી માને જે વીતી છે!

હૉસ્પિટલમાં એકલી એકલી ચાલતી ગઈ જે ટાણે વેણ ચાલુ હતી; પાછળ કાકીસાસુ આવે. હજી તો ટેબલ પર સૂતી ને હેમાનો જન્મ. સુવાવડીને ભૂખ લાગે તો કોઈ ખાવાનું આપવા ન આવે.

માની બહેનપણી લીલા શેણમારે પાઉં ને ચા લાવી આપે તે ખાઈને મા રહી અને હોસ્પિટલના રૂ. ૧૮નાં બિલની પણ જાતે જ જોગવાઈ કરીને ડિસ્ચાર્જ લીધો. આ અનુભવે મારા જન્મ વખતે સુવાવડ કરવા નાસિક ગઈ.

હું ચાર વર્ષની હતી ત્યારે મારા પાર્વતીશંકરદાદા અવસાન પામ્યા. હવે મમ્મી તેમનાં સરમુખત્યારપણાથી મુક્ત થઈ.

હું પહેલાં ધોરણમાં આવી ત્યારે ૧૯૬૯માં  મને મોસાળ ભણવા મૂકી તેણે સુરતમાં વી. ટી. ચોક્સી કૉલેજ ઑફ એજ્યુકેશનમાં બી. એડ. માટે પ્રવેશ લીધો.

અહીં કયું માધ્યમ રાખવું તે પ્રશ્ન આવ્યો કારણકે ગુજરાતીમાં લખવાનો તેને મહાવરો નહોતો. અંગ્રેજી માધ્યમ રાખવા માટે સ્વનામધન્ય અધ્યાપક ડૉ. કુલીન  પંડ્યાએ ઇન્ટરવ્યૂ લીધો.

વચ્ચેના પંદર વર્ષના સૂકાભઠ્ઠ અંતરાલ પછી મમ્મીએ અંગ્રેજી સાહિત્યના જવાબો અસ્ખલિત અંગ્રેજીમાં આપ્યાં જે સાંભળીને પંડ્યાસાહેબને મમ્મીનાં ભાષાકૌશલ્ય બાબતે કોઈ અંદેશો ન રહ્યો.

મમ્મીનાં બી. એડ. દરમિયાન એક વાર તેઓ ઘરે આવેલા અને કુટુંબની પરિસ્થિતિ જોઈને પૂછેલું, “પુષ્પાબહેન, તમારામાં આ તાકાત ક્યાંથી આવે છે?” સ્ત્રીની તાકાતનો સ્રોત સમજવાનું મુશ્કેલ છે!

બી. એડ.નું ભણતી વખતે ઘરના બીજા મોરચે તો ઝૂઝવાનું હતું જ. ઘરમાં છેલ્લી ઘડી સુધી કામ કરી બી. એડ.માં પાઠ આપવા જતી.

એ જમાનામાં સ્ત્રીઓને ભાગે જમવામાં શાક ન આવતું. અથાણાં સાથે જ ભાખરી-રોટલી ખાવાની. વિટામિન,મિનરલ્સ – આ બધા શબ્દો સ્ત્રીઓ (ભણેલી સ્ત્રીઓ પણ) ન જાણતી. પણ તે છતાં તેમનું ગાડું આજની ગાડી કરતાં પૂરપાટ દોડતું.

અનુકૂલન, સમાયોજન, વ્યક્તિત્વવિકાસ, વગેરે માટે તે સમયે ક્લાસમાં જવું ન પડતું. સંયુક્ત કુટુંબમાં જુદા જુદા સ્વભાવની અને જુદા જુદા બુદ્ધિઆંક ધરાવતી સ્ત્રીઓ એકબીજાં સાથે મેળ પાડતી.

હા,જેની સંવેદનશીલતા વધારે હોય તેને ભાગે વધુ પીડા વેઠવાની આવતી અને જેની સમજદારી વધારે હોય તેને ભાગે ગુમાવવાનું વધારે આવતું.

મારી મા સાથે આમ જ બનેલું જેની જાણ તેને ક્યારેય ન થઈ. બાથોડિયા ભરતાં ભરતાં બી. એડ.નું વર્ષ પૂરું થયું. એ દરમિયાન કેટલાક મિત્રો થયાં જેમને પણ પોતપોતાનાં સંઘર્ષો હતાં જ. હોમાયબહેન સવાઇ, સુધાબહેન યાર્દી, પરસિસ પટેલ, વગેરે આ ગાળાનાં મિત્રો સાથે સુખદુ:ખનાં સંબંધ આજીવન રહ્યાં. બી. એડ.માં મારી મમ્મી પ્રથમ વર્ગ સાથે ત્રીજા ક્રમાંકે રહી.

સુરતની ધમણવાલા ગર્લ્સ હાઇસ્કૂલમાં માધ્યમિક વિભાગમાં તે શિક્ષક તરીકે જોડાઈ ત્યારે તેની ઉંમર આડત્રીસ વર્ષની હતી. આચાર્ય સુમંતભાઈ ત્રિવેદી આ શાળાના સ્થાપક આચાર્ય હતા. તેમની રાહબરી હેઠળ નોકરીના વર્ષો સરળતાથી જવા લાગ્યા.

અમારાં ત્રણ બહેનોનું ભણતર ચાલતું હતું. મમ્મીનો પગાર ઘર ચલાવવા પર્યાપ્ત હતો અને હવે એક જ ઘરમાં સૌના અલગ વ્યવસાયને કારણે રસોડાં જુદાં થયાં હતાં.

પપ્પાની વકીલાત કામદારોના કેસ માટે ચાલતી જેમાંથી આવક ન થતી પણ સદભાવનું ભાથું આજીવન રહ્યું. પૈસાની ખેંચ રહેતી એ જુદી વાત છે.

મારી મોટી બહેન મીરાં અત્યંત તેજસ્વી કારકિર્દી ધરાવતી હોવા છતાં તબીબી લાઇનમાં ન જઈ શકી. તે સુરતની ગવર્નમેન્ટ ગર્લ્સ પોલિટેકનિકમાં ડિપ્લોમા ઈન્ કોમર્શિયલ પ્રેકટીસ અંગ્રેજી માધ્યમમાં ફ્રીશીપમાં ભણી અને સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવી, જે ક્રમાંક મોટે ભાગે અમદાવાદ કે વડોદરાની વિદ્યાર્થીની લાવતી. ટ્યુશન કરી પોતાની ફી પોતે કમાઈ બી. કૉમ. ડીગ્રીનું વર્ષ ભણી અને યુનિ.માં અવ્વલ નંબરે રહી. BSRB ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરીને મીરાંએ બેંકમાં નોકરી લીધી.

એ સમયે હું બારમાં ધોરણમાં હતી. બીજી બહેન હેમાને પ્રથમથી જ નર્સિંગની ધૂન હતી. તેને માટે મમ્મીએ તપાસ કરી અને મુંબઈની હરકિસનદાસ હૉસ્પિટલમાં BPNA કરવા મૂકી. નસીબદાર હું નીવડી કે એમ.એ. પ્રથમ વર્ગ સાથે અંગ્રેજીની અધ્યાપક બની.

સુરતના નિમ્ન વિસ્તારનાં સામાન્ય ઘરના કાતરિયામાં મારી માના લગ્નજીવનના પિસ્તાલીસ વર્ષ ગયાં. એ જ ઘરમાં મીરાંનાં લગ્ન થયાં. પણ હવે કંઈક ઠીક કહેવાય એવાં ઘરની જરૂરિયાત હતી. અમે અમને પોષાય, અમારાં લગ્ન થાય ત્યાં સુધી હપ્તા ભરાઈ જાય એવો એક નાનો ફ્લેટ લીધો. એ ઘરમાં પહેલાં હેમાનાં અને પછી મારાં લગ્ન થયાં.

એ ઘરમાંથી હું વિદાય થઈ ત્યારે મારાં મા-બાપ એકલાં હતાં. માનું પેન્શન આવતું હતું. નિવૃત્તિ પછી બાર વર્ષ તેણે ટ્યુશન કર્યા. પણ હવે તબિયત સાથ આપતી નહોતી. પથરીનો વ્યાધિ શરૂ થયો.

મને પહેલેથી જ માનો દીકરો બનવાની ભારે હોંશ હતી. મારી એ મંછા પાર પડી શકી મારા પતિ જયકર અને મારાં સાસુ સુધાબાનાં સહયોગથી. ૨૦૦૩માં મમ્મી-પપ્પા સુરત છોડી બારડોલી અમારા ઘરે આવ્યાં. મારા બે દીકરા રોહન-સૌરભ ત્યારે પાંચમા-બીજામાં ભણતા હતાં. મમ્મી તેમને બધા જ વિષયો ભણાવતી. આ તેના છેલ્લા વિદ્યાર્થીઓ બની રહ્યા.૧૯૫૦થી ભણાવવાની યાત્રા શરૂ થઈ તે ૨૦૦૯માં પૂરી થઈ. તે સાચો શિક્ષકજીવ હતી.

ત્રણેય જમાઈ અને ત્રણેય વેવણો સાથે તેનો તાર સધાયેલો હતો. બારડોલીના અમારા ઘરમાં મમ્મી-પપ્પાને સહજ ગોઠી ગયું હતું.

૨૦૧૪માં પપ્પા મૃત્યુ પામ્યા, કોઈ પણ મોટી-નાની માંદગી વગર. તેઓ આજીવન અકિંચન જ રહ્યા. પોતાની કોઈ પણ કમાણી વગર તેમનું જીવન નભી ગયું.

બારડોલીના તેર વર્ષ દરમિયાન મમ્મી બીજી તકલીફોથી મુક્ત હતી પણ પુષ્કળ શારીરિક તકલીફો આવી જેની સામે તેણે ઝઝૂમવું પડ્યું. કેટલીય વાર તેની હાલત ગંભીર થઈ જતી. મામા-માસી-દીકરીઓ-જમાઈઓ બધાં દોડી આવતાં. કુટુંબમેળાનું વાતાવરણ જામતું અને મમ્મી તેનો સ્વાદ લેતી જેને માટે તે સંપૂર્ણ હકદાર હતી.

અંતે, તેના પગે ચાલવાની ના પાડી દીધી અને તે પથારીમાં પડી. આમ છતાં થોડીક શુશ્રૂષાથી તે વ્હીલચેરમાં બેસતી થઈ. મીરાં અને હેમા એક ફોનથી બારડોલી દોડી આવતાં,રજાઓ લઈ સાથે રહેતાં અને સેવા કરતાં.

સાંવેદનિક રીતે મીરાં મમ્મીની સૌથી વધારે નજીક. મીરાંનાં મનની ઊંડી ઈચ્છા એવી ખરી કે મમ્મીની આખરી ક્ષણે તે પાસે હોય. મમ્મીની માંદગી વખતે કેટલી એ વાર મેં તેને ઊંચે જીવે નોકરીને કારણે વડોદરા જતી જોઈ છે. પણ ઈશ્વરનાં ધ્યાનમાં બધું જ હોય છે એવી પ્રતીતિ તો મને મમ્મીનાં મૃત્યુએ કરાવી.

મમ્મીની કથળેલી હાલતમાં પણ તે કોણ જાણે કેમ કોઈ વખત નહીં ને તે વખતે મીરાંનાં એક પ્રસ્તાવથી વડોદરા જવા તૈયાર થઈ. મીરાં અને મુકેશકુમાર સાથે ૧૨ ઓકટોબર, ૨૦૧૬ની સાંજે પાંચ વાગ્યે એમ્બુલન્સમાં તે વડોદરા ગઈ. રાત્રે નવ વાગે પહોંચ્યા અને ૪૮ કલાક પછી ૧૪ ઓક્ટોબરે રાત્રે નવ વાગ્યે તેણે આંખો મીંચી ત્યારે મીરાં તેની સાથે હતી.

‘દર્દ’ શબ્દના અર્થની અનુભૂતિ મને માની ગેરહાજરી કરાવે છે. માના ચાલી ગયાં પછી મા વધારે સમજાતી હોય છે !!

(‘પરબ’, એપ્રિલ, ૨૦૧૮માં ‘લલિત ગદ્ય’ અંતર્ગત પ્રકાશિત

આપનો પ્રતિભાવ આપો..

8 Comments

  1. જિંદગી કે સફરમેં બિછડ જાતે હૈ જો મુકામ વો ફીર નહીં આતે .. વો ફીર નહીં આતે ..
    સંધ્યા બેન ; તમારાં મમ્મી અને પપ્પા બંને ઉપરના લેખ વાંચ્યા . અને કોઈ અગમ્ય લાગણીથી આંખ ભીંજાઈ ગઈ ! દોઠ વર્ષ પહેલાં મારી મમ્મીએ મને કહ્યું કે ગીતા હવે આવજે હું ના નહીં પાડું , પણ કોરોનાની ત્રીજા લહેરને કારણે ન નીકળી ; ને પછી બીજે જ અઠવાડીએ બા ચાલી ગઇ ત્યારે કોરોના પરિસ્થીતિ એ જ છતાં તરત જ નિકળી ! તમે સરસ રીતે મનને મનાવ્યું છે .. but it’s hard for me to digest that I wasn’t there by mom when she took her last breath ..Nice article 🙏

  2. આપના માતૃશ્રીને કોટિ કોટિ વંદન 🙏
    સંઘર્ષમય જીવન ગાથા કેટલુંય શીખવી ગઈ.

  3. સંધ્યાબહેન! સંઘર્ષથી સફળતાની કેડી એટલી ભાવસભર શૈલીમાં ચીતરી છે કે વાચક પણ તેમાં ભીંજાયા વગર રહી નથી શકતો.

  4. આપના માતૃશ્રીને કોટિ કોટિ પ્રણામ🙏.
    સંઘર્ષમય જીવન ગાથા કેટલુંય શીખવી ગઈ.

  5. આભાર,વિનેશભાઈ,મીનાક્ષીબહેન અને આશાલતાબહેન..

  6. સંધ્યાબહેન, આપના મમ્મીને વંદન🙏 બહુ જ સરસ આલેખન. અભિનંદન.

  7. અભિનંદન ♥️ બહુજ સરસ
    આલેખન તમારી કલાકાર પ્રતિભા વંદન