માવતર (લઘુકથા) ~ નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’ (અમદાવાદ)

સગર્ભા લિપિને આજે નવમો મહિનો બેઠો. માતા-પિતા બનવા જઈ રહેલા તપન અને લિપિ ખૂબ જ ખુશ હતા.

લિપિ છેલ્લા આઠ મહિનાથી, પોતાની સગર્ભાવસ્થા દરમ્યાન જે ડોક્ટર પાસે બતાવવા જતી હતી તે ડૉ. રીટાબહેન કોરોના પોઝિટિવ આવ્યા અને તેઓ પોતાના ઘરે જ કવોરેન્ટાઈન થયાં, પણ હા, તેમણે બીજા  તેમના ઓળખીતા ગાયનેક ડૉ. રાજુલ પટેલનો સંપર્ક કરીને પોતાના બધાં જ કેસ તેમને સુપ્રત કર્યા હતાં. એટલે હવે લિપિને પ્રસુતિ વખતે ડૉ. રાજુલ પટેલને ત્યાં દાખલ થવાનું હતું.

અને અઠવાડિયામાં તે દિવસ પણ આવી ગયો. લિપિએ ખૂબ જ સુંદર પરી જેવી દીકરીને જન્મ આપ્યો. ડૉ. રાજુલ લિપિના ઘરનાં બધાં સભ્યોથી તો પરિચિત હતા નહીં. એટલે રાત્રે લિપિની સાથે રોકાયેલા નીલાબહેનને તેમણે લિપિના મમ્મી માની લીધાં.

બીજા દિવસે લિપિને તપાસવા તેની રુમમાં ગયા ત્યારે નીલાબહેન લિપિને ખૂબ જ પ્રેમથી આગ્રહ કરી કરીને જ્યુસ પીવડાવી રહ્યા હતા. લિપિ ના પાડી રહી હતી અને નીલાબહેન  “બસ, મારી દીકરી આટલું જ છે.” કહીને પીવડાવતા રહ્યા.

આ જોઈને લિપિને તપાસતા ડૉ. રાજુલ બોલી ઉઠ્યા,” અરે! લિપિબહેન, મમ્મીનો પ્રેમ, આરામ અને મમ્મીના હાથે જમવાનું સાસરે જશો  પછી નથી મળવાનું.”

આ સાંભળીને લિપિ અને નીલાબહેન ખડખડાટ હસી પડ્યાં અને લિપિ બોલી ઉઠી, “શું રાજુલબહેન! તમે પણ બધાંની જેમ થાપ ખાઈ ગયાને અમારો મા-દીકરી જેવો પ્રેમ જોઈને? આ મારાં સાસુ છે. મારી મમ્મીથી પણ વિશેષ એ મારું ધ્યાન  રાખે છે. મારી મમ્મીની તબિયત સારી નથી એટલે મારી પ્રસુતિ  માટે હું મારા સાસરે જ છું.”

ડૉ. રાજુલ તો આશ્ચર્યચકિત થઈ ને આ મા-દીકરી જેવા સાસુ-વહુને અહોભાવથી નીરખી  રહ્યાં.

~ નિરાલી રશ્મિન શાહ ‘સ્વસા’ (અમદાવાદ)
~ ફોન: 9998901630

આપનો પ્રતિભાવ આપો..