મને આવે મા યાદ તું અપાર ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
થોકબંધ અધર્સ ડે ભેગા કરીએ તોપણ મધર્સ ડેની તોલે કોઈ ન આવે. જિંદગીની સફર માતાના ગર્ભથી શરૂ થાય છે. બાકી બધા સંબંધો પછી આવે.
જન્મદાત્રી મા વિશે ગમે એટલું લખાય કે બોલાય એ ઓછું જ પડવાનું. માતૃત્વ એ તૃપ્તિની પરાકાષ્ઠા છે. આજે માતૃવંદના દ્વારા કલમને અને કૉલમને રળિયાત કરીએ. રમેશ મારુ ‘ખફા’ લખે છે…
આસમાની રંગના સપના મઢાવી બાંધતી
આંખમાં વાવી બતાવે જિંદગીના બાગ તું
હોય અવતારી ભલે પણ મા વગર અવતાર ના
જગ જુદેરી જાત તારી, પૂજવાનું સ્થાન તું
ભગવાને પણ અવતાર લેવો હોય તો માની કૂખે અવતરવું પડે. મૂળ ન હોય તો વૃક્ષ વિકસે નહીં. માતાની જૉબ સહજ છે છતાં વિકટ છે. આ એક એવો હોદો્ છે જેની સામે પ્રધાનમંત્રીનું પદ પણ નમન કરી ગૌરવ અનુભવે છે.
શૈલેષ પંડ્યા નિશેષ ચક્ષુલોકથી આસ્થાલોક સુધી લઈ જાય છે…
હા, એટલે તો ઝળહળે છે ચૌદ લોકમાં
નક્કી, તું મા દરેક ઘરની દીવડી હશે
મંદિર સુધી તું એને પણ દોરી જજે ભલા
એ માનતામાં તારી, જે મંદિર ચડી હશે
સંતાનના સુખ માટે મા માનતા માનતી હોય છે. માના ત્યાગમાં એક તપ સમાયેલું હોય. એ ભલે મંત્રો ભણતી ન હોય પણ એના વિશે મંત્રો રચાય એવી એની ગરિમા છે.
મા એક એવી કર્મચારી અને મર્મચારી છે જેને કોઈ પગાર કે ભથ્થાં મળતાં નથી, કોઈ સન્માનપત્ર એનાયત થતાં નથી, કોઈ શાલ ઓઢાડાતી નથી. એને તો મતલબ છે સંતાનના સુખથી. મમતા એવું દિવ્ય અસ્ત્ર છે જે બનાવવામાં શ્રેષ્ઠ સંશોધકો પણ સરેઆમ નિષ્ફળ જાય.
મીતા ગોર મેવાડા એની મહત્તા કરે છે…
સતત ને સતત મારી ચિંતા કરે છે
ભલે ભૂખ ના હોય પીરસ્યાં કરે છે
મને ખુશ કરવા પરાજય સ્વીકારે
છતાં એની મમતા તો જીત્યા કરે છે
મા ક્યારેય જીતતી નથી કારણ એ સ્પર્ધામાં ઉતરતી નથી. સંતાનો જિદી્ હોય તો એને કેળવવા જે આકરા પગલાં લેવા પડે એ લેવાં પડે અન્યથા એને હાર સ્વીકારવામાં વધારે આનંદ આવે છે. ખરેખર એ બાળકો બહુ કમનસીબ હોય છે જેઓ નાની ઉંમરમાં માતાની છત્રછાયા ગુમાવી બેસે.
બાળક પાસેથી માનો ખોળો છીનવાઈ જાય ત્યારે વાત્સલ્યનો કારમો દુકાળ પડે. ગમે એટલું ઉત્તમ ખાતર નાખો, જળ વગર છોડ પાંગરી ન શકે. ભારતી વોરા ‘સ્વરા’ માની સમકક્ષ તલાશ આદરે છે…
સૂકી ધરતી છે મારા જીવનની, માડી!
હેતે સરભર, તારા જેવું વાદળ આવે.
ક્યાં છુપાવી ઈશ્વર, મારી જીવનમૂડી?
મા નહિ તો મા જેવું એક જણ આગળ આવે
ટ્રેનમાં કે સ્ટેશન પર કોઈ બાળક ખોવાઈ ગયું હોય ત્યારે પહેલો પ્રશ્ન બધા આ જ પૂછેઃ તેરી મમ્મી કિધર હૈ. મેળામાં કે મંદિરની ભીડમાં બાળક વિખૂટું પડી ત્યારે માની વિવશતા સગ્ગી આંખે જોવી ભારે પડી જાય.
સંતાન માતાનો અંતરંગ હિસ્સો હોય છે. જરા નાનપણની વાત યાદ કરો. રક્ષા શાહ કહે છે એવી તરકીબ જરૂર તમારી મમ્મીએ પણ કરી જ હશે…
બાળકો જો “ભૂખ ઓછી છે’, કહે
તે પછી “મા‘ રોટલી મો…ટી વણે
આંસુ એના માત્ર રાત્રે નીકળે
સૌ જુએ એ પાછું “મા‘ને ક્યાં ગમે?
માતૃત્વને ઉંમર હોતી નથી. દીકરી ગમે એટલી મોટી થાય એ માની નજરમાં નાની જ રહેવાની. મેધાવિની રાવલ ખોવાયેલા સમયમાં એક ચહેરો ગોતે છે…
હાથ છોડાવીને ચાલી, ક્યાં હવે શોધું તને?
મા થઈને તું રિસાઈ, ક્યાં હવે શોધું તને?
સુખ તો ભરપૂર છે મહિયરના આંગણમાં છતાં,
ખોટ બહુ લાગે છે તારી, ક્યાં હવે શોધું તને?
લાસ્ટ લાઈન
માતૃવંદના
હળવેથી ટપ ટપ ટપ રોટલો ઘડું
તો એની નીચેથી તૂટે છે ધાર
મુજને શીખવવામાં લાખ કીધાં વાના
પણ તારા જેવું શીખી ન ધરાર
મને આવે મા યાદ તું અપાર
લાલચટ્ટક આથેલાં મરચાંમાં
નીખરતો ચાંદલાનો સોહાગી રંગ
લસલસ મીઠાશ એવી મૈસુરના પાકમાં:
ફળિયે ફેલાતી સુગંધ
બાપુની સુગર પણ તારા તાબામાં
જામે જમવામાં મીઠી તકરાર
મારા ઘટ્ટઘેરા વાળની એક્કેક ગૂંચ
તારા કુશળ હાથોથી ઉકેલે
ગુંથાતા વાળ ભેળી વણકીધી વાતોને
ભીના હૈયામાં સંકેલે
ચોખ્ખુંચણાક તારું ઘર, તન, મન
રોજ ભજનોથી ગુંજે સવાર
આજ માતાનો મહિમા ચહુદિશમાં ગવાય
મારાં વહાલાં સાસુજી કેમ ભૂલું?
જેણે દીધો મનગમતો મને જીવનસંગાથી
એનાં સ્મરણોનાં હિંડોળે ઝૂલું.
બન્ને માવડીઓએ વારસામાં દીધો
મને જીવતરની સમજણનો સાર
~ તનુ પટેલ (અમેરિકા)
વાહ ખૂબ સુંદર લેખ
Beautiful article..
Congratulations to all poets.. Happy mother’s day.
વાહ હિતેનભાઈ ખૂબ સુંદર લેખ.
હ્દય સ્પર્શી superb… superb 👌👌
ખૂબ જ સુંદર 👌🏻👌🏻🌹
Vah…hiten sir……Shailesh pandya sir..superb..
Thanks
હિતેન સર, ખૂબ જ આસ્વાદ્ય લેખ…મા વિશે તો ગમે તેટલું લખીએ તો પણ ઓછું જ પડવાનું છતાં આપે મારા બે શેરને આપની આ અતુલ્ય કટારમાં સ્થાન આપ્યું એ બદલ હૃદયથી આભાર માનું છું…
રમેશ મારૂ – ‘ખફા’