રંગીન પૅચવર્ક (લેખ) ~ માતૃવંદના ~ ગીની માલવિયા

રંગીન પૅચવર્ક  

મારા ઘરમાં ગજી સિલ્કના 2 x 2ના ટુકડાથી હાથેથી સીવેલી એક પૅચવર્કની ફ્રેમ છે. આછાં લીલા રંગની દિવાલ પર  ગજી  સિલ્કનાં  તેજ તીખા ઘેરા રંગોના ટુકડાઓથી હાથે સિવાયેલું એ પૅચવર્ક સિલ્કની સુંવાળપ અને ભભકદાર રંગોની અદભૂત રંગછટાથી એકવાર તો રોકી રાખે તમને! મને તો ખાસ. કારણકે એ 2 x 2 નાં ટુકડા કાપ્યાં છે અને એક એક ટાંકે મને યાદ કરીને સિવ્યાં છે, ચંદ્રકાંતા નરોત્તમદાસ લંગાલિયાએ (મારી મમ્મીનું, એ મારી મમ્મી થઈ એ પહેલાંનું નામ) – એટલે કે મારી મમ્મીએ!

જયારે ગજી સિલ્કનાં 1-1 મીટરનાં ટુકડા 2 x 2માં કાપવા માંડી ત્યારે પપ્પાએ પૂછ્યું, “આ શું ‘ધોતી ફાડકે’ રૂમાલ કરે  છે?”

મેં હસીને જવાબ આપ્યો, “ઊભા રહો. આ રૂમાલને તમારા ઘરવાળા હમણાં સંજીવની આપશે.”

અને ખરેખર મમ્મીએ પૅચવર્કનો છેલ્લો ટાંકો માર્યો અને પપ્પાની આંખોમાં ઉમટેલા અહોભાવને માણ્યો મેં અને મમ્મીએ.

મલ્ટીકલરના આ પૅચવર્કના એક એક રંગ સાથે કેટકેટલી વાર્તાઓ, ઘટનાઓ અને યાદો સંકળાયેલી છે, મારી અને મમ્મીની દોસ્તીની.

મારી મમ્મી, મારી સૌથી પહેલી અને ખાસ બહેનપણી. હજી આજે પણ અમે રોજ સવારે ફોન પર પાંત્રીસ મિનિટ વાતો કરીએ છીએ.

ચોવીસ કલાક પછી પણ અમારા બંને પાસે 35 મિનિટ વાતો કરવાનો “બ્રાન્ડ ન્યૂ સ્ટોક” કેવી રીતે આવી જાય છે, એની મારા દીકરાને હવે કોઈ નવાઈ નથી લાગતી.

એક સાવ પેટછૂટી વાત કહું? અમે મા-દીકરી  જો કે વાતો ઓછી કરીએ છીએ, પણ મન મોકળું કરીને હસીએ છીએ વધારે!

આમ જોવા જાવ તો ગજી સિલ્કના વસન જેવી અમારી સુંવાળી દોસ્તીમાં પણ ગજી સિલ્કના મલ્ટીકલર પૅચવર્ક જેવો જ રંગોનો મેળો કાયમ રહ્યો છે.

સૌથી પહેલા વાત કરું એમાનાં એક લીલા રંગની. પૅચવર્કનો લીલો રંગ એટલે સદાય હસતા રહેવાની વાત.

મમ્મીનો આ લીલો રંગ મેં બરાબર આત્મસાત કર્યો છે. સાચા સંદર્ભમાં મમ્મી પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ, કાયમ હસતી રહી શકે છે. અને એ પણ મ્લાન કે માંદુ કે ઉપરછલ્લું  હાસ્ય નહિ, પણ મોહક અને ખડખડાટ હાસ્ય!

આ  હાસ્ય હૃદયમાંથી સીધેસીધું અને સડસડાટ હિમાલયથી ઊતરી આવતી ગંગા જેમ જ આવે, કોઈ પ્રયત્ન નહિ!

પૅચવર્કનો એક રંગ પીળો. પીળો રંગ એટલે મારી મમ્મીની અદભૂત રસોઈકળા!

જો કે દરેક મમ્મીઓને રસોઈકળા તો સહજ સાધ્ય હોય જ. મારી મમ્મી પણ એમાંની એક. પણ એનામાં એક અનોખી આવડત એ છે કે વધી પડેલી વાનગીઓ અને વ્યંજનોમાંથી કંઈક નવી અને સ્વાદિષ્ટ વાનગીને જન્મ આપવાની! મારી મમ્મીની આ કળા સાચે જ લાજવાબ છે.

મારા પપ્પા Sarcastically – વ્યંગમાં એને વાનગીનું “કાવતરું” કહેતા! આવી અનેક વાનગીઓ નામ વિનાના સંબંધ જેવી અમારા રસોડામાં રાજ કરતી!

આજે હું ઇન્સ્ટન્ટ ચટણી મિક્સને હાંડવામાં નાખી દઉં ત્યારે મમ્મી પોરસાય છે અને ગર્વથી કહે છે, “વાહ મારી વારસદાર!”

તમને થશે પીળો રંગ જ મેં રસોઈકળા માટે કેમ પસંદ કર્યો? તો જનાબ, પીળો રંગ દોસ્તીની શરૂઆતના રંગ તરીકે વપરાય છે. ઘરનાં બનાવેલા વ્યંજનો હોય અને સાથે બેસીને આરોગાય તો ઘરનાં પરિજનોમાં પણ મૈત્રી મહેકી ઊઠે છે. બસ, સ્વાદિષ્ટ વાનગીઓ સાથે આરોગતાં, યારીદોસ્તી પણ વિકસે છે.

હવે અન્ય એક રંગની વાત,- લાલ રંગ! એ રંગ પણ એટલો જ ખાસ. મારા  પપ્પા જેને “ભેંશ ભડકામણો” રંગ કહે, એવી પ્રાઈમરી કલરસ્કીમ મારી મમ્મીની પ્રિય.

મમ્મીની રંગોની પસંદગીની મોજડીમાં મારો પગ પણ બરાબર ‘ફિટોફિટ’ બેસે! “ભેંશ ભડકામણાં” રંગો મને પણ એટલાં જ પ્રિય. આછા રંગો જોવાથી હું અને મમ્મી, બેઉને બીમાર માટે બનાવેલું ખાવાનું ખાતાં હોઈએ એવું લાગે, તો પહેરવાની વાત જ ક્યાં રહી?

ચાલો, હવે વાત કરું, ઘેરા વાદળી રંગ, એટલે કે શ્યાહીનો રંગ..!


શ્યાહીના રંગમાં મમ્મીનું ભાવવિશ્વ તો રંગાયેલું છે જ, પણ મારું ભાવવિશ્વ પણ રંગાયા વિના અછૂતું ન રહી શક્યું! અમને રંગનારા રંગારાઓ છે, પુસ્તકો, છાપાંઓ અને વિવિધ મેગેઝીનો.

મમ્મીની સવાર, ચા અને છાપાં સાથે પડે અને બપોરના એની ‘ડેઈટ’ હોય મેગેઝીન સાથે. આજે ૮૨ વર્ષની ઉંમરે મને પણ એ મને ફોન પર પૂછે જ પૂછે, બહુ મગજમારી પછી પણ નહિ જડેલી ક્રોસવર્ડની આડી-ઊભી ચાવીઓ!

આ અમારી રોજની પાંત્રીસ મિનિટો પૈકીની થોડી મિનિટનો ‘ફિક્સ્ડ’ અને ‘ફક્કડ’ વાર્તાલાપ. મમ્મીનો આ શ્યાહીનો વાદળી રંગ સાંગોપાંગ મારામાં  ઊતર્યો છે. મને પુસ્તકો સાથે સાચું પૂછો તો ‘બહોત યારાના હૈ!’

આ શ્યાહીનો રંગ મારા લોહીના રંગમાં એવો તો ભળીને એવો તો ઘૂંટાયો ગયો છે કે એ બેઉને હવે છૂટાં પાડવા શક્ય જ નથી! મારી અક્ષરો સાથેની ‘અ-ક્ષર’ દોસ્તી મને મારી મમ્મી જેટલી જ વહાલી છે!

મારી મમ્મીનો આ શ્યાહીના રંગ સાથેનો લગાવ કદાચ મારાથી પણ વિશેષ હોય તો નવાઈ નહિ!

હવે યાદ આવે છે, જામ્બુડીઓ રંગ, એ પણ મમ્મીનો માનીતો રંગ એટલે કે મમ્મીનું સિવણકામ, ભરત અને ગૂંથણકામ.

જામ્બુડાંની જેમ, એકવાર ખાવાનું ચાલુ કરો તો પછી મહામુશ્કેલીએ ખાવાનું બંધ કરી શકાય પછી ભલેને, હોઠ, જીભ અને આંગળાં બધાં રંગાય! મમ્મીના સિવણકામ, ભરત અને ગૂંથણનું પણ એવું જ છે. એ એક વાર ચાલુ કરે પછી એમાં એટલી તો ઓતપ્રોત થઈ જાય કે વાત ન પૂછો!

એનું સિવણ હોય કે ભરત-ગૂંથણ હોય, એ તાજમહલમાં કરેલાં બારીક નકશીકામ સમું નયનરમ્ય છે. હું મમ્મીને કાયમ આ સિવણ, ભરત અને ગૂંથણ કરતાં જોતી અને ક્યારે એને જોઈ જોઈને શીખી પણ લીધું, એની ખબર જ ન રહી.

મજાની વાત તો એ કે હું ડાબોડી અને મમ્મી ક્રોશે કરે જમણા હાથે. પણ તો શું થયું? એમ તે અમે કોઈનાયે રોકે રોકાઈએ ખરાં? છેવટે ક્રોશેની ટેકનીક પણ આવડી ગઈ અને મમ્મીની જેમ જ ગૂંથતી પણ થઈ ગઈ. મમ્મીનો જામ્બુડિયો રંગ મને બરાબર નશાની જેમ જ ચઢ્યો છે!

૮૨ વર્ષે પણ મમ્મી મારી ભત્રીજીના માસ્ક પર એમ્બ્રોઇડરી કરી આપે છે ને ત્યારે, આ બાજુ, અહીં, અમેરિકામાં હું એનાં એ પેચવર્કનાં રંગોમાં ભરાતી-ગૂંથાતી રહું છું.

હું મને મારા સોય, દોરા, ઊન, અને આંટીના વિસ્તરેલા વિશ્વમાં રંગોમાં મ્હાલતી મળી આવું છું.

હવે પેચ વર્કના ગુલાબી રંગની વાત કરીએ. રોજ ઉઘડતી ગુલાબી સવાર જેવો મમ્મીનો ગુલાબી સ્વભાવ.

મમ્મી તો હમેશાં જ રંગોને માણતાં ‘રાજાપાઠ’માં હોય! કોઈ દિવસ મોળી પડવાની વાત જ નહિ. માનો કે ન માનો, એ ગુલાબી રંગે જ મને એક બાજુ ખુશખુશાલ ગુલાબી મિજાજ આપ્યો છે તો બીજી બાજુ, મને જરૂર પડે, મારી સિકંદરની તલવાર પકડાવવાની હિંમત પણ પરોક્ષ રીતે આપી છે.

અમેરિકામાં કહેવામાં આવે છે, “પ્લે હાર્ડ એન્ડ વર્ક હાર્ડ”! એની પાછળની ફિલોસોફી ત્યારે સમજાય છે કે જો જીવનમાં ખુશીનાં “બ્રાઈટ” રંગો હોયને, તો જ સમય આવે, “મિસ-મેચ્ડ” રંગોવાળાં વિપરીત સંજોગો સામે લડવાની શક્તિ મળે છે.

મારો ગુલાબી, મસ્તીવાળો સ્વભાવ કાયમ સાચવી લઈને હું રોજ મારી જિંદગીનો જંગ જીતી લેવા નીકળું છું, બિલકુલ મારી મમ્મીની જેમ જ સ્તો! જો કે આ જંગમાં હાર મળે છે કે જીત, એ વાત અલગ છે. પણ, જે મળે એ સ્વીકારવાનુંયે મમ્મીએ જ શીખવાડ્યું છે!

આમ, મારી આંખોમાં અંજાયેલો અને મનોજગતમાં છવાયેલો ગુલાબી રંગ મારી મમ્મીની જ દેન છે.

કાળા રંગની વાત પણ  કરું. કાળો રંગ નજર ઉતારવા હોય છે. જિંદગીની નહિ ગમતી સ્થિતિનો રંગ પણ એ જ.

મમ્મીને તબિયત ટકોરા ગમે. એમાં ક્યાંયે સહેજે આગળપાછળ થાય તો મમ્મી માટે “વોર ઝોન” જેવી પરિસ્થિતિ પેદા થઈ જાય! એની તબિયતમાં સહેજ છીંકનું ગાબડું પડે તો ગરાસ લૂંટાઈ જાય.

પપ્પા કાયમ મમ્મી માટે ગાતા. “બોર પડ્યું  તો સસલી કહે ભાઈ આભ પડ્યું, ભાઈ આભ પડ્યું.” મારું પણ અદ્દલ એવુ જ! પહેલી છીંકે જ ડોક્ટરની ઓફિસમાં ફોન કરું અને મારા માટે પપ્પાની જેમ ગાઉં “ગીનીબેનને આભ પડ્યું ભાઈ આભ પડ્યું”

હવે બાકી રહ્યો કોઈ રંગ? મેઘધનુષના સાત રંગ કે માર્કરબોક્સના બાર રંગો, નેઈલપોલિશના પંદર રંગો અને ક્રેયોન બોક્સના ચોવીસથીયે વધારે રંગો, એટલું જ નહિ, એનાં અલગલગ કેટકેટલાં શેડસ મારી મમ્મીએ મારી જિંદગીમાં ભરી આપ્યાં છે.

પેઇન્ટિંગ કરતાં પોસ્ટર કલરની ડબ્બીઓના ઢાંકણાં ખૂલે છે અને રંગ ઉમટે છે કાગળ પર. કરોનાકાળમાં માસ્ક સીવતાં દોરાનો  ડબ્બો ખોલું અને રંગની સૃષ્ટિ પ્રસરે છે રૂમમાં! ક્રોશે કરતાં ઉનનાં રંગોથી મારા જીવનનું કેનવાસ રંગબેરંગી થઈ જાય છે.

મસાલાના ખાનામાંય રંગોનું ગજબનું સાયુજ્ય છે. હળદર, મરચાં, રાઈ, જીરું, હિંગ, મેથી, ધાણાંજીરું, અધધધ્  કેટકેટલાં રંગો હું સ્વાદમાં પણ રોજ માણતી રહું છું!

આમ, આટાઅટલાં રંગોથી સજેલી રંગોળીને જીવનમાં યથાર્થ બનાવીને જીવવાની કળા જેણે મને શીખવી, એ મારી મમ્મી, એટલે, ચંદ્રિકા વસંત જોધાણી.

મમ્મીએ આપેલા અઢળક રંગો, મારા આત્મા સાથે વણાયેલાં, મારા શોખોની પોત પર મૂકાયેલી ઝાલરવાળી કોર થઈને જીવતાં રહે છે મારી જિંદગીમાં!

આ રંગોનો ખજાનો ખૂટતો જ નથી કારણ, એ દર ઇન્ડિયાની ટ્રીપમાં બેગમાં ભરાઈને આવ્યાં કરે છે, રોજની ફોનની વાતોમાંય ઠલવાયાં કરે છે. મમ્મી પાસે છે અઢળક રંગોનો ખજાનો. કદાચ જિંદગીના પોત પર પણ જ્યારે જ્યારે પેચવર્ક કરવું પડ્યું છે ત્યારે ત્યારે જીવનના વિવિધ રંગોથી એને સજાવ્યું છે. એથી જ તો જિંદગી કદીયે, ક્યાંયથી પણ મને સાંધાવાળી નથી લાગતી, બલ્કે, રંગીન લાગે છે.

આનાથી વધારે કોઈનીયે દુનિયા કેટલી વધુ રંગીન હોઈ શકે?

(હું અને મારી મમ્મીની થોડી યાદો)

~ ગીની માલવિયા
gini_malaviya@hotmail.com

આપનો પ્રતિભાવ આપો..

6 Comments

  1. વાહ ગીની બેન ,મજા પડી. આવી મમ્મી હોય પછી શું જોઇએ. મમ્મી અને દીકરી બન્ને ને વંદન

  2. ખૂબ સરસ નિબંધ છે..બહેનપણી જેવાં મા-દીકરીની વાત જ જુદી..