બોન્સાઈ ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:1 (7માંથી) ~ લે: વર્ષા અડાલજા

ઉમા કૉલેજથી આવી ત્યારે રોજ કરતાં થોડું મોડું થઈ ગયેલું. થાક પણ લાગેલો. કૉલેજના ઍન્યુઅલ ડેના કાર્યક્રમની તૈયારી અને ગરબાની પ્રૅક્ટિસ. લૅક્ચર્સ પછી ઘણીવાર રોકાવું પડતું.

ભણતી હતી તો સાઇકોલૉજી, પણ મુખ્ય રસ સંગીત અને ગરબા. વિશારદને હજી બે વર્ષ બાકી હતા, કૉલેજના ટ્યુટોરિયલ્સ અને ગરબાની પ્રૅક્ટિસ. ઘરે આવે ત્યાં થાકીને લોથ. સ્વાતિ કહેતી, જરાક તો પગ વાળીને બેસ. એનો જવાબ પ્રથમેશભાઈ આપતા, `ના રે શું કામ પગ વાળીને બેસે?

આપણી ઉમા તો ગરબાક્વિન છે અને હવે તો નવરાત્રિયે નજીક છે. જો એક વાત તો કહેતી જ નહીં.’

`લો વળી કઈ વાત?’

`રસોઈ અને ઘરનું કામકાજ નહીં આવડે તો સાસરે જઈને શું કરશે?’

સ્વાતિ ચિડાઈ, `તો એમાં ખોટું શું છે?’

`બધું જ ખોટું. ઉમાને રસોઈ નહીં આવડે તો એ પ્રૉબ્લેમ એ લોકોનો છે, આપણો નહીં.’

પપ્પા-પુત્રી હસી પડતાં.

`થૅન્ક્સ મારા વહાલા પપ્પા.’

અને એ જ પપ્પાએ એક સવારે કહ્યું, `બેટા, આજે બપોરનું લૅક્ચર છોડી, વહેલી આવજે.’

`કેમ? ખાસ કામ છે?’

`બેસ જોઉં શાંતિથી મારી પાસે.’

ઉમા નવાઈ પામી ગઈ. પપ્પામમ્મીનું વર્તન આજે જુદું કેમ લાગતું હતું?

`શી વાત છે મમ્મી! તમે બન્ને આમ… કોઈ પ્રૉબ્લેમ છે?’

સ્વાતિ ઉત્સાહથી બોલતી રહી, ઉમા સટાક ઊભી થઈ ગઈ, `કેવી વાત કરો છો તમે લોકો! મને લઈને સામેથી કોઈના ઘરે બતાડવા લઈ જશો?’

`મેં તને માંડીને વાત તો કરી!’

`પણ મારે હમણાં લગ્ન જ કરવા નથી અને તમારે પણ મને ઝટ પરણાવી દેવી છે? મારું બી.એ.નું છેલ્લું વર્ષ બાકી છે, મારે માસ્ટર્સ કરવું છે.’

`પણ બેટા…’

`વિશારદ રહી જ ગયું છે તે પૂરું કરી, મારે ગુરુજી પાસે તાલીમ લેવી છે, મારા પોતાના મ્યુઝીક ક્લાસ શરૂ કરવા છે, મારા આ સપનાંમાં બાવળની શૂળ જેવો મૂરતિયો અચાનક ફૂટી નીકળ્યો!’

પ્રથમેશભાઈએ એનો હાથ પકડી પાસે બેસાડી, વહાલથી માથે હાથ ફેરવ્યો, ઉમાએ હાથ પકડી લીધો, `પપ્પા પણ તમે આ કાવતરામાં સામેલ? હું માની નથી શકતી.’

એમણે હીંચકાને હળવી ઠેસ મારી, `શાંતિથી સાંભળજે, તારી પર કોઈ બળજબરી નથી. મેં આ વાત પર બહુ વિચાર કર્યો છે. પછી જ તારી સાથે વાત કરું છું.’

સ્વાતિ વચ્ચે જ બોલી પડી, `લક્ષ્મી કંકાવટી લઈ સામેથી ચાંદલો કરવા બારણે ઊભી છે…’

`અને મારે મોં ધોવા જવું જ છે. તમે લક્ષ્મીને ના કહી શકો છો. ઓહ લક્ષ્મી! એટલે પૈસા ખાતર આ બધું? મારી ના અને ના જ.’

`સ્વાતિ તું વગર વિચાર્યે ન બોલ. લક્ષ્મી અને એ બધું ભૂલી જા. પહેલી વાત, અમે તારું અહિત તો ન જ ઇચ્છીએ ને! એ તો તું કબૂલ કરીશ ને!’

`ઑફકૉર્સ પપ્પા.’

`બસ, તો સાંભળ. શંભુપ્રસાદજીનું નામ તો તેં સાંભળ્યું છે, જોયા પણ છે…’

`મારી કૉલેજના ઍન્યુઅલ પ્રોગ્રામમાં અમારા ચીફગેસ્ટ હતા. એ જ ને! મને ગરબાની કોરિયોગ્રાફી માટે ઇનામ અને બીજું વિશેષ ઇનામ એમનાં પત્ની અરુણાબહેને આપેલું. હા, યાદ છે મને.’

`હા એજ.’

`તો? આખી વાતમાં એ ક્યાંથી આવ્યા?’

`શંભુપ્રસાદજીએ એમના નાનાભાઈ અવંતિ માટે તારું કહેણ મોકલ્યું છે, હા… વચ્ચે ન બોલ. સાંભળ, એક તો મોભાદાર ઘર. સમાજમાં, રાજકારણમાં અને ઉદ્યોગપતિઓમાં એમનું નામ, બેઠકઊઠક. પ્રામાણિક અને સમાજસેવક તરીકેની ઊંચી શાખ. શિક્ષણ પ્રત્યે તો ખૂબ સજાગ. યુનિવર્સિટીમાં રિસર્ચ ચેર. એમના ડોનેશનની યાદી છે. તારી કૉલેજનેય અગિયાર લાખનો ચેક આપ્યો ને!’

`જુઓ પપ્પા, તમે કહ્યું મારી વાત સાંભળ, તો શાંતિથી સાંભળી. એ સો ટચના માણસ હશે પણ એથી મારે શું? એક તો લગ્નની ઇચ્છા જ નથી અને મારાં સપનાંઓ, મારી આંખમાં ઊછરી રહ્યાં છે.’

ઊભી થયેલી ઉમાનો હાથ પ્રથમેશભાઈએ પકડી લીધો.

`અને એ સપનાંઓ એ સાકાર કરવા ઇચ્છે છે.’

ઉમા નવાઈ પામી ગઈ,

`શું? હું સમજી નહીં.’

`હા ઉમા, તારું ભણવાનું સંગીતની તાલીમ. બધું ચાલુ જ રહેશે. એમણે ગરબામાં જોઈને તરત જ તને પસંદ કરી છે.’

`પણ મમ્મી-પપ્પા, મને એક વાત સમજાતી નથી, એમના જેવા, હાઇ-સોસાયટીમાં આગળ પડતું નામ, એક મિડલક્લાસ કુટુંબની છોકરીને શું કામ પસંદ કરે? એમના ભાઈ માટે તો અનેક યુવતીઓ અને મા-બાપ પણ તત્પર હશે. હું જ શું કામ?’

સ્વાતિથી ન રહેવાયું, `તારા રૂપ, ગુણ અને આપણા ઘરના સંસ્કાર. તને ગરબામાં જોઈ કે આપણી જ્ઞાતિના પ્રમુખ વિષ્ણુકાકા ખરા ને! એમને માનપાનથી ઘરે બોલાવ્યા, શું ખાતરબરદાસ કરી છે? વિષ્ણુકાકા તો રિટાયર્ડ પોસ્ટમાસ્તર! પણ શંભુપ્રસાદજી કહે તમે વડીલ કહી પગે લાગ્યા…’

`મમ્મી, ગોળ ગોળ નહીં, સીધી વાત કર પ્લીઝ.’

`આપણા કુટુંબની ખબરખત પૂછી અને એમને જ મોકલ્યા પપ્પાની ઑફિસે અને આજે તો તને ઘરે તેડાવી છે. કાર લેવા આવશે.’

`અરે પણ મારી મરજી નામરજીની કોઈ કિંમત નહીં!’

વાત હાથમાંથી સરી જતી જોઈ સ્વાતિ અકળાઈ. ખબર હતી ઉમા ઝટ નહીં માને. એમણે પતિ સામે લાચારીથી જોયું. એમણે ધરપતનો ઇશારો કર્યો.

`જો બેટા, સમજું છું થોડાં મોડાં લગ્ન કરીએ તો કંઈ ખાટુંમોળું થઈ નથી થઈ જતું પણ પછી આપણને બધી રીતે અનુકૂળ હોય એવું ઠેકાણું ઝટ મળતું નથી, તને ખબર જ છેને ઇંદિરાફોઈની દીકરી કલ્યાણી પચાસની થઈ ગઈ! આ નહીં ને પેલો એમ વીણતાં ચૂણતાં રહી ગઈ! વિષ્ણુકાકાનો પોતાનો જ દીકરો એને કૉર્પોરેટ વર્લ્ડની જ છોકરી જોઈતી હતી, આજે ઓગણચાલીસનો થયો. હજી મેગ્નિફાઇંગ ગ્લાસથી છોકરી શોધે છે અને શાદી.કૉમની ફી ભર્યા કરે છે.’

અંદર જતાં જતાં ઉમાના પણ પગ થંભી ગયા. એની જ બહેનપણી તો ભણવાનું છોડી પરણીને અમેરિકા ચાલી ગઈ હતી. એણે વિશાખાને બહુ સમજાવેલી ત્યારે એણે કહેલું, ઉમા, બધી રીતે સારું ઠેકાણું હોય તો ઝટ પરણી જવામાં સાર છે. યાર, કમ્ફર્ટેબલ લાઇફ તો જીવવા મળે! લોકલ, રીક્ષામાં બહુ ધક્કા ખાધા. યાર, રાજીવ ડૉક્ટર છે. ધીખતી પ્રૅક્ટિસ, ઓડી કાર ડ્રાઇવ કરે છે, એવો મૂરતિયો સામે ચાલીને ક્યાં મળવાનો છે! એણે જ મને સામેથી પસંદ કરી છે. તો શું કામ નહીં! હું તો આ ચાલી. અમેરિકાથી એના પોશ બંગલોના ફોટા મોકલતી રહેતી હતી.

પ્રથમેશભાઈ એની પાસે જઈ ઊભા રહ્યા.

`જો બેટા! તારી મરજી નામરજીની કિંમત અમને હોય જ ને! તું એમને ઘરે અવંતિને મળવા જા. આપણેય અવંતિ વિષે જાણીશું અને બધું ઠીકઠાક લાગે તો હા પાડી દેવી. મેં અને તારી મમ્મીએ જિંદગીમાં ઘણો સંઘર્ષ કર્યો છે, એમ તુંય પૈસેપૈસો ગણીને જીવે એ અમને ઠીક લાગે! વ્યવહારું થઈ, વિચારીને જ મેં નિર્ણય કર્યો છે બેટા.’

એ કૉલેજે જવા નીકળી ગઈ. લૅક્ચરમાં ન જતાં લાયબ્રેરીમાં એ એક બે પુસ્તકો લઈને બેઠી. પાનાંઓમાં એની જીવનકુંડળી દોરાઈ હોય એમ જોઈ રહી.

કાર્યક્રમની શરૂઆત થવાની હતી. છેલ્લી ઘડી સુધી ગરબાના સ્ટેપ્સ, કોશ્ચ્યુમ બધું બરાબર જોઈ લઈ એ તૈયાર થઈ રહી હતી, બૅકસ્ટેજમાં કોઈ બોલી રહ્યું હતું,

પ્રમુખ આવી ગયા છે. શંભુપ્રસાદજી તો હંમેશાં સમયસર જ હોય. આટલો મોટો માણસ કેટલી વિનમ્રતા! બેઠક લેતાં પહેલાં સરસ્વતીની મૂર્તિને વંદન કર્યા, એમનાં પત્ની સાથે ફૂલહાર પણ લાવેલા હોં!

ઓહો! આ શંભુપ્રસાદ તે વળી કોણ? પડદો સહેજ ખસેડી પ્રેક્ષકગૃહમાં જોયું હતું અને જોતી રહી ગઈ હતી, ઊભા રહી કાર્યકરો સાથે વાત કરી રહ્યા હતા. ટોળામાં દૂરથીયે નોખા તરી આવે એવું જાજરમાન છતાં સૌમ્ય વ્યક્તિત્વ, ગંઠાયેલા શરીર પર બ્લૅક સૂટ, લાઇટ્સમાં ચમકી ઊઠેલા સોનેરી ચશ્માં. એમનું ચાલવું બોલવું જાણે હોવા માત્રથી કેવી હવા બંધાતી હતી! સાથે એમનાં પત્ની સાદાં વસ્ત્રોમાં સૌમ્યમૂર્તિ અને એમની પાછળ કોણ હતું! એણે કોઈને પૂછ્યું હતું, અવંતિ. એમના નાનાભાઈ. બન્ને રામલક્ષ્મણ તરીકે ઓળખાય છે. એમના માટે આ ફંક્શન નાનું કહેવાય પણ કૉલેજનું છે સમજી તરત જ હા પાડી. જોજેને ડોનેશન આપશે જ. એમને શિક્ષણની બહુ ખેવના છે.

કોઈએ એને પાછળ ખેંચી લીધી, કાર્યક્રમની જાહેરાત થઈ રહી હતી. કાર્યક્રમ પૂરો થતાં શંભુપ્રસાદ જાતે જ સ્ટેજ પર આવ્યા હતા. એમના પત્નીને હાથે એને ખાસ ઇનામરૂપે ચેક આપ્યો હતો. ઘરે આવી કવર ખોલ્યું તો એકવીસ હજારનો ચેક! એ આભી બની ગઈ હતી. ચેક. એક નાનો સરખો કાગળ માત્ર, પણ એનું કેટલું વજન લાગ્યું હતું એ દિવસે!

અને આજે અચાનક આ વાત! પુસ્તકોના અક્ષરો કીડીની હારની જેમ ચાલી ગયા અને કોરા કાગળ પર એક ચહેરાની આછી રેખાઓ અંકિત થતી રહી.

એ રૂંવે રૂંવે ફરકી ઊઠી.

અવંતિ. વૃક્ષની ઘટામાંથી કોઈ અદૃશ્ય પંખીનું મુલાયમ મેઘધનુષી પીંછું અચાનક એના હાથમાં આવી પડે એવું એક નામ. એની ઝાંખી, ધુમ્મસની રેખાઓથી દોરાયેલી આકૃતિ…

એ સ્તબ્ધ બેસી રહી. પપ્પાએ કહ્યું હતું, અમે તો તારું ભલું જ વાંછીએ છીએને!

`અરે ઉમા! શું કરે છે લાઇબ્રેરીમાં? તું લૅક્ચરમાં કેમ ન આવી?’

શૈલી એની બાજુમાં બેસી પડી, `અ… એમ જ… એટલે કે માથું જરા ભારે હતું…’

`કમાલ છે તું! માથું ભારે છે અને ચોપડા લઈને બેઠી છે. ચાલ કૅન્ટીનમાં મને ભૂખ લાગી છે, બે વાગી ગયા અને…’

`બે વાગી ગયા?’

એ ઊભી થઈ ગઈ. શૈલી હસી પડી, `કેમ બે ન વાગવા જોઈએ? ચલને ભૂખ લાગી છે. એકાદ ઢોસો ઝાપટીએ.’

`સૉરી શૈલી, મારે ઘરે જવું છે.’

એણે ઉતાવળે પુસ્તકો પાછાં આપ્યાં અને પર્સ લઈ લાઇબ્રેરીમાંથી નીકળી. શૈલી ઉતાવળી એની સાથે થઈ.

`અરે પણ એવી શી ઉતાવળ છે ઘરે જવાની? આપણો તો કેન્ટીનમાં કૉફી પીવાનો આ ટાઇમ છે.’

`ના, ના. શૈલી, મારે જવું જ પડશે.’

`ક્યૂં ક્યા હુઆ? કોઈને મળવાનું છે? સમવન સ્પેશિયલ?’

`જારે જા. મમ્મીના કોઈ ફ્રૅન્ડ્ઝ છે, ઘરે પહોંચું તો એમને થોડી મદદ કરી શકું ને!’

`ઓ.કે. કલ મિલતે હૈ.’

બસની રાહ જોવાને બદલે એણે બૂમ પાડી, ઑટો!

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. પહેલા પ્રકરણ થી જે હવે શું? એવી ઉત્કંઠા. અમારા મનપસંદ લેખક, એટલે વાંચીને ખૂબ આનંદ. આદરણીય ગુણવંતરાયજી પણ અમારા ગમતા લેખક