વિવિધ શાયરો દ્વારા રચિત મુક્તકો

મુક્તકો

છે અહીં એવો સરંજામ નથી મળવાનો
તૂટયો-ફૂટયો કોઈ ત્યાં જામ નથી મળવાનો
લાખ જન્નત તું મને આપશે કિન્તુ ઓ ખુદા
મારા ઘર જેવો ત્યાં આરામ નથી મળવાનો
નૂરી

હાથમાં છે તો કલમનો ઠોયો
ગેઈટ પર બેસીને જનમ ખોયો
વિતાવી મિલમાં પાંત્રીસ વરસ
માત્ર ચીમનીનો ધુમાડો જોયો
નટરવલાલ દેસાઈ ‘મામા’

મરતાં સુધી ન ભૂલો, એવું અહીં જિગર છે
ઝંખે નજર સદાયે એવી મીઠી નજર છે
આંખો મહીં વસો કે, આવી વસો જિગરમાં
એ પણ તમારું ઘર છે, આ પણ તમારું ઘર છે
જયંત શેઠ

સાથ ન ચાલો, હામ તો આપો
આમ નહીં તો આમ તો આપો
ક્યાં લગ વણઝારા રહેવાના?
અમને કોઈ ગામ તો આપો
ફઝલ જામનગરી

પ્રકૃતિ કરી રહી છે શૃંગાર ધીરે ધીરે
જીવન ગ્રહી રહ્યું છે આકાર ધીરે ધીરે
અંધાર ધીરે ધીરે સરકે છે મુજ નયનથી
ચમકે છે ત્યાં નયનથી અણસાર ધીરે ધીરે
સાબિર

પ્રેમના પાઠો તું પરવાનાથી શીખ
કોઈ શાણા કોઈ દિવાનાથી શીખ
છે અખિલ બ્રહ્માંડ પુસ્તક પ્રેમનું
શીખવું છે? કોઈ પણ પાનાથી શીખ
ઈસ્માઈલ પંજુ ‘સહર’

કોઈ જીવન-ભેદ જીવનમાં તો જ ખાળી લઈએ
તોય મુશ્કેલી ઊભી થાય તો ટાળી લઈએ
કોઈ અંતરની હકીકતની ન હોયે ચર્ચા
બહુ થઈ જાય તો પાંપણને પલાળી લઈએ
વલી લાખાણી

મારા જીવનની છે એ દશા આપના વગર
જાણ હો સૂકું ઝાડ કોઈ પાંદડા વગર
દુઃખ-દર્દ મારા દિલમાં કરે એમ આવજા
જાણે બનેલું ઘર હો કોઈ બારણા વગર
રાહી રાજકોટી

જિંદગીમાં તું કંઈક વધારો કરજે
દૂર નૌકાથી સમંદરનો કિનારો કરજે
કોલ આપીને ગયા છે એ ફરી મળવાનો
ઓ વિધિ! ભાગ્યમાં સુધારો કરજે
સાકિન કેશવાણી

જીવનની સાંજ, જીવનની સવાર વેચી છે
જિગરનું દર્દ, હૃદયની પુકાર વેચી છે
બતાવું કોને કે અણજાણ એક ગ્રાહકને
ખલિશ મેં દિલસમી વસ્તુ ઉધાર વેચી છે
ખલિશ દર્દી
***

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

 1. સરસ.
  વિશેષ ગમી>>કોઈ જીવન-ભેદ જીવનમાં તો જ ખાળી લઈએ
  તોય મુશ્કેલી ઊભી થાય તો ટાળી લઈએ
  કોઈ અંતરની હકીકતની ન હોયે ચર્ચા
  બહુ થઈ જાય તો પાંપણને પલાળી લઈએ
  વલી લાખાણી.
  સરયૂ

 2. અભિવ્યક્તિ સરસ પણ કેટલાક મુક્તકમાં છંદ નથી જવાયો..